બીડેલાં દ્વાર/કડી પંદરમી

કડી પંદરમી


રોજ રોજ થોકબંધ ટપાલ આવી, દિવાળી-અંકોમાં કલા અને સાહિત્યના ઉદ્ધાર અર્થે કંઈક લખી મોકલવાનાં નિમંત્રણો આવ્યાં. પ્રસ્તાવના લખી આપવાનાં વિનંતી-પત્રો આવ્યાં. અધૂરી ટિકિટો ચોડ્યાને કારણે નૉટ-પેઇડ બનેલાં પોતાનાં જ લેખોનાં પરબીડિયાં પાછાં આવ્યાં. હવે ‘કાંઈક ધંધે વળગી જાઓ’ની શિખામણ દેતા સ્નેહીમિત્રોના પત્રો આવ્યા. કેટલાક તો નૉટ-પેઇડ આવ્યાં એટલે એ પણ નાણાં ભરીને પેલા ચેકની આશાએ લઈ લીધાં. ન આવ્યો ફક્ત નૂતન જગત સોસાયટીનો એક ચેક.

દરમિયાન પ્રભાના પૂરા દહાડા તો ચુપકીદીથી ઘરમાં પેસી ગયા — એને થોભવાનું કહેવું નિરર્થક હતું. એની નાગચૂડ પ્રભાના દેહને ભરડો દેવા લાગી. એ ભીંસમાંથી પ્રભાને છોડાવવા માટે અજિત એક સુવાવડખાનાના દાક્તર કને દોડ્યો. ગરીબ હોવું એ જાતે જ અપમાન છે, પણ ગરીબી ગાવી એ તો અપમાનની ને તેજોવધની અવધિ છે. અજિતે દાક્તરની સમક્ષ હોમરથી લઈ નર્મદ લગીના સાહિત્યસ્વામીઓની નિર્ધનતાના પ્રસંગો વર્ણવવા માંડ્યા. દાક્તરના મોં પર માયાળુ સ્મિત ફરક્યું. પૂછ્યું : “મુદ્દાની વાત પર આવો, શરમાઓ નહિ.” મારી પ્રભાને પહેલો જ પ્રસવ-કાળ છે, ને હું પૂરો દર ભરવા અશક્ત છું, એવી મતલબનું સ્પષ્ટીકરણ કરતાં અજિતની જીભનાં ગૂંચળાં વળ્યાં. “કશી ફિકર નહિ. અરધું બિલ કરશું.” દાક્તરના એ શબ્દોએ અજિતની આંખોમાંથી આભારનાં જળજળિયાં ખેંચ્યાં, પણ હજુ એક ખાઈ ઓળંગવાની બાકી હતી. એણે પૂછ્યું : “દર્દીને રજા આપો તે વેળા બિલ ચુકાવું તો વાંધો છે?” દાક્તરનો નિયમ એડવાન્સ પૈસા લેવાનો હતો. ‘બિચારો લેખક છે!’ એ દયાભાવે દાક્તરના મન ઉપર આ વાતમાં પણ સવળી અસર કરી. વળતે દહાડે પ્રભા એ સ્વર્ગ-ભુવનમાં સૂતી. હીંચોળા લેતા પલંગો, સફેદ ચાદરો સફેદ બાલોશિયાં, ટુવાલો, નેપકીનો ને વાર્તાઓમાં સાંભળેલી શ્વેતપરીઓ સમી, મુલાયમ પગલે જાણે કે હવામાં હાલચાલ કરતી હસમુખી નર્સો : જાણે દૂધનાં ઝરણાં રેલતાં હતાં. વિજ્ઞાને અને સંસ્કૃતિએ સ્ત્રીજાતિ માટે સરજેલું આ સુરભુવન હતું : પરંતુ કોને માટે? ચપટીભર લોકોને માટે. બાકીની કરોડો માતાઓ અક્કેક ઓરડીને ખૂણે છોકરાં જણતી હતી, માખીઓની જેમ ટપટપ મરતી હતી. અહીં હું શા માટે આવ્યો? કયા હક્કને દાવે? હું તો કરોડો માહેલો જ એક છું ને? આ બધાં લોકો મારી સામે કેમ તાકી રહેલ છે? મેં અર્ધ-માફી કરાવી છે, એ વાતની શું તેઓને ખબર પડી ગઈ હશે? ને એ અડધાં નાણાંને માટે પણ મારે મને લગ્નભેટ મળેલું વાયોલિન વેચવાનું છે તે છૂપી વાત શું આ સર્વના જાણવામાં આવી ગઈ હશે? દાક્તરે કોઈને કહી દીધું હશે? પ્રભાના પલંગ સામે બેઠો બેઠો અજિત આવા તર્કો કરી રહ્યો હતો. પોતાની સામે જોનાર દરેક માણસ જાણે કે એને — એની ભિક્ષુકતાને — ટોણો મારી રહેલ છે. પ્રત્યેક આંખ જાણે એને ‘ધર્માઉ’ ગણી રહી છે. દરેકના હાસ્યમાં એની પોતાની છૂપી ઠેકડી સંઘરાયેલ છે. એની હાલત ઘેર ઘેરથી હડધૂત થયેલ ને પિટાયેલા કૂતરા જેવી હતી. પગલે પગલે એને ફાળ પડતી કે હાય કોઈક નવો માર પડશે. ખંડેખંડમાં ત્રણ-ત્રણ ચાર-ચાર પથારીઓ હતી. પ્રત્યેક પથારી પાસે અંગૂર, મોસંબી વગેરે લીલા મેવાની ટોપલીઓ હતી, ગુલાબના ગોટા હતા. સૂતેલી પત્નીઓના ભાગ્યવંત પતિઓ ને પુત્રીઓના ભાઈઓ, પિતાઓ હંમેશ પ્રાતઃકાળે નવા કરંડિયા ને નવાં ફૂલો લઈ હસતે મોંએ હાજર થતા. પ્રભાનો શો દોષ કે એણે આ મેવા ને આ ફૂલોની સામે તાક્યા કરવાનું? અજિત જમવાને નિમિત્તે બહાર જઈને આવ્યો ત્યારે એના હાથમાં પણ ગુલાબ હતાં. હસીને એણે બબ્બે ગુલાબ પલંગને પ્રત્યેક પાયે ગોઠવી દીધાં. પ્રભા જે આનંદ પામી તે આનંદની પછવાડે ફક્ત એક જ હકીકતની છાયા હતી : કે નક્કી આ ગુલાબોને માટે નાણાં બચાવવા પતિએ પૂરી થાળી ન જમતાં હોટલમાં જઈ ચા-પૂરીથી જ ચલાવ્યું હશે. એ વિચારે પ્રભાની આંખોને ભીની કરી. દયાર્દ્ર સ્વરે મીઠું રુદન કરતાં બે-ત્રણ ગુલાબી બાળકોની વચ્ચે એ શ્વેત, શાંત અને સુગંધમય સ્થળની અંદર વીસ વર્ષની પ્રભા કેવી સોહામણી લાગતી! એના ચહેરાની ચોપાસ માતૃત્વનું પ્રભામંડળ હતું. એની સમસ્ત મસ્તીએ આભમાં ઘૂમાઘૂમ કરતી આષાઢી વાદળીઓની માફક એકાકાર બની જઈને એક ગંભીર શીતલ ગગન-ઘૂમટ સરજી લીધો હતો. એના ચહેરા પરની નિશાનીઓ નિહાળીને નર્સોએ એને બીજા એકલ ઓરડામાં ખસેડી. સ્ટ્રેચર ઉપર સૂતાં સૂતાં એણે અજિતને કહ્યું : “તમે મારી જોડે રહેશો ને?” “જરૂર, જરૂર.” ને અજિત જોડે જ ગયો. પ્રકૃતિનાં બે નાનાં બાળકો જાણે એકલવાયા જીવનની કોઈ એક અંધારી ગિરિ-ખીણ વચ્ચેથી ચાલ્યાં જાય છે હાથમાં હાથ ભીડી : સામે આવતા પહાડોની ટોચે મીટ માંડતાં : ઊઘડતા પ્રભાતનું પ્રથમ દર્શન કરવાની રાહ જોતાં. ઓરડાની બારી નીચે જ ટ્રામોનાં પૈડાંના ઘરઘરાટ, મોટરોના ભોંકાર, છાપાવાળા, છોકરાઓના ચિત્કાર અને દોટમદોટ ચાલી જતી જનતાના કોલાહલ : એ તમામના મિશ્રણમાંથી એક બિભીષણ નગરરવ ઊઠતો હતો. ઘણી વાર રોજિંદા બનતા બનાવો એકાએક આપણું ધ્યાન ખેંચે છે. અજિતને અજાયબી થઈ કે એક જુવાન સગર્ભાને જે વેળા પ્રથમ વારનો પ્રસવ-કાળ થાય છે, તે જ વેળા દુનિયા શું આવા ભીષણ ઘોંઘાટ મચાવે છે? “આવા કોલાહલની વચ્ચે એને કંઈ નુકસાન —” અજિત દાક્તરને ડરતો ડરતો પૂછવા લાગ્યો. દાક્તરે ફક્ત હસીને જ કહ્યું : “દુનિયામાં તો દર સેકન્ડે એવાં બબ્બે બાળકો જન્મે છે, મિસ્તર! ફિકર ન કરો.” ધીરે ધીરે જાણે કે કોઈ ઊંડા કૂવામાં ધકેલાતી હોય તેવી બનીને પ્રભાએ નર્સને પૂછ્યું : “મારાથી આ બધું શેં સહેવાશે? હું તો હજુ છોકરી જેવી જ છું ને?” એનો જવાબ મળે તે પહેલાં તો પ્રભાનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો. એણે ધીરી એક ચીસ નાખી અને અજિતનો હાથ જકડાવીને ઝાલી લીધો. એનાં આંગળાં અજિતને બાઝી પડ્યાં. એણે વધુ ચીસ નાખી. “દાક્તર સાહેબ! એ દા —” અજિતે વિકલ અવાજ કાઢ્યો. બારીએ ઊભા ઊભા ઓજારોની પેટી ઉઘાડતાં દાક્તરે લેશ પણ સ્વસ્થતા ગુમાવી નહિ. શાંત પગલે એ પથારી કને આવ્યા. જોઈને કહ્યું : “કશું જ નથી.” હસીને તેણે થરથર કંપતી પ્રભાના પેટ પર હાથ મૂક્યો, કહ્યું : “કશું જ નથી. હું હમણાં જ તેને તપાસું છું.” બેઠી થઈ ગયેલ પ્રભા પાછી પછડાઈને પથારીમાં આમતેમ પડખાં ફરવા લાગી. એની ચીસો ચાલુ હતી. દરમ્યાન દાક્તર તો ઠંડે કલેજે શીશીઓ ને લોશનનાં કૂંડાં ગોઠવતાં ગોઠવતાં સૂચનાઓ આપ્યે જાય છે! પૂરી તપાસ કરીને પછી એણે કહ્યું : “બસ, એ તો બધું બરાબર છે. એને કશો વાંધો નથી. જુઓ, નર્સ! મારે અત્યારે સિનેમામાં જવાનું છે. હમણાં થોડા કલાક તો મારી જરૂર નથી પડવાની.” સિનેમામાં! પ્રભાને આવી જીવન-મૃત્યુની સ્થિતિમાં મૂકી દાક્તર, બસ, સિનેમામાં ચાલ્યા? અજિત તો ચકિત જ બની ગયો. આ તે દાક્તર કે હેવાન? એનાથી ન રહેવાયું : “અરે, અરે પણ દાક્તર સાહેબ!” “કેમ?” “કંઈ બનશે તો?” “હું નજીકમાં જ છું, જરૂર હશે તો મને નર્સ બોલાવી લેશે.” “પણ આ કાળી પીડા ચાલે છે ને?” લિજ્જતથી હાથ ધોતાં ધોતાં, સાબુનાં ફીણના ગોળા રચતાં દાક્તરે ફરીથી હસીને કહ્યું : “પીડા વગર કાંઈ પ્રસવ હોય? પણ આ તો બધી ખોટી પીડા છે. પ્રસવની વેદનાને શરૂ થતાં તો હજુ કલાકો લાગશે, ભાઈ! કદાચ રાત આખી નીકળી જશે. સ્ત્રીના કેટલાક મસલ્સને અને મેમ્બ્રેઇન્સને તોડી ઢીલા પાડ્યા સિવાય પ્રસવ જ ન હોય; ને એ ઢીલા પાડવાનો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી, સમજ્યા?” અજિત આભો બનીને ઊભો. એને આ ભાષામાં કશી જ ગમ ન પડી. આજ સુધી એ દ્વાર એને માટે બીડેલાં જ હતાં. “ગભરાઓ ના, કયા સંજોગોમાં શું કરવું તે આ નોકરો બરાબર સમજે છે, તમે ફિકર કરો ના.”