બે દેશ દીપક/અજવાળાંનો ઉદય

અજવાળાંનો ઉદય
સિંહ અને સંન્યાસી

પ્રયાગમાં સાંભળ્યું કે ત્રિવેણીને પેલે પાર જંગલમાં સિંહને પાળનાર એક યોગી રહે છે, દિવસભર એ અદૃશ્ય રહે છે અને રાતે જ મળે છે. હું એનાં દર્શને ચાલ્યો. રાતે દસ બજે એ આશ્રમે પહોંચ્યો, તો ત્યાં એક વૃદ્ધ, કૌપીનધારી મહાત્માને મેદાનમાં સમાધિસ્થ બેઠેલા દેખ્યા. ત્રણ બજ્યા સુધી ન તો એ તપસ્વીની સમાધિ ખુલી, કે ન તો અમારી આંખ બીડાઈ. બરાબર ત્રણ બજે સિંહની ઘોર ગર્જના સંભાળાઈ. જોતજોતામાં તો એ વિકરાલ વનરાજ કોઈ જટાધારીની માફક પોતાની કેશવાળી હલાવતો ને મશાલો જેવી આંખો, ટમકાવતો સડેડાટ યોગીરાજની સામે આવતો દેખાયો. આવીને એ અવધૂતના ચરણો ચાટવા મંડ્યો. યોગીએ આંખો ઉઘાડીને કેસરીના મસ્તક પર પ્યારભર્યો હાથ ફેરવ્યો. ફેરવીને કહ્યું ‘તું આવ્યો બચ્ચા! સારૂ, હવે ચાલ્યો જા.' ગુરૂદેવના ચરણોમાં મસ્તક મેલીને એ વનરાજે જંગલની વાટ લીધી. દેખીને હું સ્તબ્ધ બની ગયો. હું મહાત્માના ચરણોમાં પડી ગયો. મારાથી બોલાઈ ગયું કે ‘ઓહોહો યોગીવર! આટલો ચમત્કાર!' ઉત્તર મળ્યો કે ‘ચમત્કાર કશો જ નથી બેટા! પરંતુ બનેલું એવું કે આ સિંહને કોઈ શિકારીની ગોળી લાગેલી. એના પગ પર જખમ થવાથી એ બિચારો ચાલી શકતો નહોતો, અને પડ્યો પડ્યો આર્તનાદ કરતો હતો. એ તરસ્યો પણ હતો. મેં જઈને એને પાણી પાયું, ને જંગલની એક વનસ્પતિ વાટીને જખમ પર પાટો બાંધ્યો. પાટો બાંધતો ગયો તેમ એને આરામ આવતો ગયો. દવા ચોપડતી વેળા રોજ એ મારો પગ ચાટતો અને આરામ થયા પછી પણ એની એ ટેવ નથી છૂટી. તેથી જ એ રોજ મારી સમાધિને સમયે મારા પગ ચાટવા નિયમિત આવ્યા જ કરે છે, નક્કી સમજજે બેટા, કે અહિંસા અને સેવા અફળ નથી જાતાં.' કોઈક અદૃશ્ય હાથ જાણે મારી નાસ્તિકતાનાં રૂદ્ધ દ્વાર હચમચાવવા લાગ્યો અને એ દ્વાર ભેદાવાનો પ્રસંગ પણ તુરત જ આવી પહોંચ્યો.

ગુરૂ-દર્શન

‘બેટા મુન્શીરામ,' પિતાજીએ એક દિવસ કહ્યું ‘એક દંડી સંન્યાસી આવ્યા છે. એ મહા વિદ્વાન યોગીરાજ છે. એની વક્તૃતા સાંભળીને તારા બધા સંશયો દૂર થઈ જશે. માટે કાલે તું મારી સાથે આવજે.' બીજે દિવસે હું પિતાજીની સાથે વ્યાખ્યાનમાં ગયો. મનમાં તો થયું કે ફક્ત સંસ્કૃત જ જાણનારો એ સાધુ બુદ્ધિની શી વાત કરવાનો હતો! પણ જતાં જ એ દિવ્ય આદિત્યમૂર્તિને જોઈને મારા અંતરમાં આપોઆપ શ્રદ્ધાનો સંચાર થયો. પાદરી સ્કોટને અને બીજા યુરોપીઅનેાને ત્યાં આતુર બની બેઠા જોઈને મારી શ્રદ્ધા વધી. દસ જ મીનીટ વ્યાખ્યાન સાંભળ્યું ત્યાં વિચાર ઉપડ્યો કે “ઓહોહો! અજબ પુરુષ! કેવળ સંસ્કૃત જાણતા છતાં આટલી દલીલભરી વાતો કરી શકે!” ૐ પરનું એ વ્યાખ્યાન હતું. ને એ વ્યાખ્યાતા બીજા કોઈ નહિ, દયાનંદ સરસ્વતી જ હતા. મારો નાસ્તિક આત્મા એ વાણી-ગંગાના પ્રવાહમાં નહાઈ આનંદ અનુભવવા લાગ્યો. રોજરોજ વ્યાખ્યાન થવા લાગ્યાં. પિતાજીએ તો મૂર્તિપૂજા વિરૂદ્ધનું વ્યાખ્યાન મંડાતાં જ આવવું બંધ કર્યું. પણ મારી આસ્થા વધવા લાગી. દરરોજ પહેલવહેલો પહોંચીને એ ઋષિને પ્રણામ કરનાર હું જ હતો. પણ કેવળ વ્યાખ્યાનોથી જ હું ન મોહાઈ ગયો. સાંભળ્યું કે રોજ પ્રભાતે સાડા ત્રણ વાગે કેવળ એક કૌપીનભર હાથમાં ડંડો લઈ ઋષિજી નીકળી પડે છે, તે સવારે છ બજે પાછા વળે છે. એટલા વહેલા બહાર ભટકવામાં શેનો ભેદ સમાયો હશે? એક દિવસ રાતે મેં એનો પીછો લીધો. આગળ ઋષિ ને પાછળ હું : થોડીવાર ધીમે ધીમે ચાલ્યા પછી એમણે એટલો વેગ પકડ્યો કે મારા જેવો ઉતાવળી ગતિવાળો જુવાન પણ એને દૃષ્ટિમાં ન રાખી શક્યો. આગળ જતાં ત્રણ રસ્તા ફાટયા. ન સમજાયું કે ઋષિ કઈ બાજુ ગયા. બીજી રાતે પ્રથમથી જઈને એ ત્રિભેટા પર હું છુપાઈ રહ્યો. એ વિશાળ રૂદ્રમૂર્તિને દેખી હું ભાગવા લાગ્યો. જોયું કે ઋષિ તે રસ્તે એકાદ માઈલની દોટ પણ કાઢી લેતા ધસી રહ્યા છે. એમ કરતાં કરતાં દૂર એક પીપળો આવ્યો. યોગી એની નીચે બેઠા આસન વાળીને સમાધી ચડાવી. મેં ઘડીઆળમાં જોયું. સમાધી બરાબર દોઢ કલાક સુધી ટકી. સમાધી પૂરી થયે ઊઠીને એ તપસ્વી આશ્રમ તરફ વળ્યા. હું તો શ્વાસ લઈ ગયો! કેવા નિર્ભય પુરુષવર! એક વ્યાખ્યાનની અંદર પોતે પુરાણની અસંભવિત અને આચારભ્રષ્ટ કથાઓનું ખંડન કરી રહ્યા છે, પાંચ પતિવાળી સતી દ્રૌપદી વગેરે પર પ્રહારો ચાલે છે. એના હાસ્ય-છલકતા મર્મપ્રહારોથી ત્યાં બેઠેલા પાદરી સ્કોટ, કમીશનર, કલેક્ટર અને ૧૫-૨૦ અન્ય અંગ્રેજો હસવું રોકી શકતા નથી. એ જોઈ તુરત સ્વામીજીએ વાત પલટાવી; ‘પુરાણીઓની તે આવી લીલા છે, પણ હવે કિરાણીઓ (ખ્રિસ્તીઓ)ની લીલા સાંભળો! કેવા ભ્રષ્ટ એ લોકો, કે કુમારી મેરીને પુત્રોત્પત્તિ થયાનું બતાવી એનો દોષ શુધ્ધસ્વરૂપ પરમાત્મા પર ઢોળે છે!” સાંભળતાં જ કમીશ્નરકલેકટરની, મૃખાકૃતિઓ રોષથી લાલધૂમ થઈ. પરંતુ ઋષિનું વ્યાખ્યાન તો ચાલુ જ રહ્યું અને આખર સુધી ઈસાઈ મતનું જ ખંડન થયા કર્યું. કોઈની મગદૂર નહોતી કે ઊઠી શકે! ‘તમારા પંડિતને કહી આપો, કે આટલી કટુતા ન વાપરે. અમે ખ્રિસ્તીઓ તો સભ્ય છીએ. વાદવિવાદથી ઉશ્કેરાતા નથી, પરન્તુ કોઈ ઝનૂની હિન્દુ મુસલમાન કોપાશે તો એનાં ભાષણો અટકાવી દેશે.' આ શબ્દો, વળતા જ પ્રભાતે કમીશ્નર સાહેબે સ્વામી દયાનંદના અગ્રગણ્ય અનુયાયી ગૃહસ્થ ખજાનચીજીને બોલાવીને સંભળાવી દીધા. એ ગૃહસ્થની છાતી નહોતી કે સ્વામી દયાનંદની સન્મુખ જઈને આ સંદેશો પહોંચાડે. અન્ય સહુએ પણ એ કામ કરવાની ના પાડી. એટલે મને નાસ્તિકને હડસેલવામાં આવ્યો. મેં તો ત્યાં જઈને ઋષિજીને એટલું જ કહ્યું કે ‘ખજાનચી આપને કંઈક કહેવા માંગે છે. કેમકે કમીશ્નર સાહેબે એમને બોલાવ્યા હતા.' હું તો છૂટ્યો અને બધી આફત ખજાનચીને માથે ઊતરી પડી. એ બિચારા તો ગળું ખોંખારતા, માથું ખજવાળતા, ઋષિજીની સામે પાંચ મીનીટ સુધી થંભી ગયા. ચકિત થઈને ગુરૂજી બેાલ્યા: ‘ભાઈ, તમારે તો સમયની કિંમત નથી, પણ મારે માટે તો સમય અમૂલ્ય છે. એટલે કહેવું હોય તે જલદી કહી નાખો?' ‘મહારાજ! વ્યાખ્યાનમાં કડવાશ ન આવે તો કશી અડચણ છે? અંગ્રેજોને નારાજ કરવા ઠીક નહિ, વળી એથી અસર પણ સારી થવાની.' ખજાનચીજી થરથરતા થરથરતા બોલ્યા. ‘અરે રામ!' હસીને મહારાજ બેાલ્યા, ‘આમાં એવી તે શી વાત હતી કે તમે થોથરાઈ રહ્યા છો? નાહક મારો સમય નષ્ટ કર્યો. સાહેબે કહ્યું હશે કે તમારો પંડિત કડવું બોલે છે, ભાષણ બંધ થઈ જશે, આ થશે, ને તે થશે, એટલું જ ને! અરે ભાઈ, હું કાંઈ વાઘ દીપડો નહોતો કે તમને ખાઈ જાત! એણે તમને જ કહ્યું હતું તો તમે સીધા મને કાં ન કહી ગયા? નકામો મારો આટલો સમય બગડાવ્યો.' એ સાંજની ઘટનાને કોણ ભૂલી શકે? આગલા દિવસના તમામ અંગ્રેજો–પાદરી સ્કોટ સિવાયના–હાજર હતા. વ્યાખ્યાનમાં સત્યનો વિષય આવ્યો. સત્યની વ્યાખ્યા કરતા કરતા સ્વામીજી બોલ્યા, “લોકો મને કહે છે કે સત્યને પ્રકટ ન કરો. કલેક્ટર ગુસ્સે થશે, કમીશ્નર નારાજ થશે, ગવર્નર સતાવશે! અરે ભાઈ, ચક્રવર્તિ રાજા ભલે ને અપ્રસન્ન થતો! હું તો સત્ય જ કહેવાનો. આ શરીર તો અનિત્ય છે, જેની મરજી થાય તે એને ભલે ઉડાવી દેતું.' પછી ચારે બાજુ તિક્ષ્ણ દૃષ્ટિ કરી સિંહનાદે ગરજ્યા ‘પરંતુ એવો એક શૂરવીર તો મને બતાવો, કે જે મારા આત્માનો નાશ કરવાનો દાવો ધરે છે! જ્યાં સુધી એવો વીર દુનિયામાં નથી, ત્યાં સુધી હું સત્યને દાબી રાખવાનો વિચાર સરખો પણ કરીશ નહિ.' આખી સભા સ્તબધ બની ગઈ, મારું હૃદય ફાટ! ફાટ! થયું. ‘ભકત સ્કોટ આજ કેમ નથી દેખાતા?' ઋષિએ વ્યાખ્યાન સમાપ્ત થતાં જ પૂછ્યું. કેમકે એ સૈામ્ય પાદરી પર એમની પ્રીતિ હતી. ‘મહારાજશ્રી, પાસેના દેવળમાં આજે એમનું વ્યાખ્યાન હતું.' ‘ત્યારે તે ચાલો, ભકત સ્કોટનું દેવળ જોઈ આવીએ.' એમ કહીને ઋષિ તમામ મેદનીને લઈને ચાલ્યા. દેવળમાં સ્કોટ સાહેબે સામા આવીને સત્કાર દીધો. સ્વામીજીને વેદી પર જઈ કંઈક પ્રવચન કરવા વિનવ્યા. સ્વામીજીએ વીસ મીનીટ સુધી મનુષ્યપૂજાના ખંડન પર વ્યાખ્યાન દીધું. આર્ય ધર્મના એક ધુરંધર પુરુષ ખ્રિસ્તીના દેવળમાં જાય એ ધર્મૌદાર્ય હું કેમ ભૂલું? હું મોરલી પર નાચતા નાગની માફક મુગ્ધ બન્યો. પણ ઈશ્વરના અસ્તિત્વ વિષેની મારી ઘોર નાસ્તિકતા આડે આવવા લાગી. હું ઋષિવર પાસે ગયો. નાસ્તિકતાના અભિમાનમાં ને અભિમાનમાં એકસામટા અનેક આક્ષેપો ઈશ્વરની હસ્તી પર હું વરસાવી ગયો, પાંચ જ મીનીટના પ્રશ્નોત્તરમાં મહર્ષિએ મને એવો ગૂંગળાવ્યો કે મારું મોં બંધ થયું. હું બોલ્યો: ‘મહારાજ, આપની દલીલો તો બહુ જ તીક્ષ્ણ છે, મને ચુપ તો કરી દીધો, પણ પરમેશ્વર પર વિશ્વાસ તો ન કરાવ્યો!' મહર્ષિ કંઈ બોલ્યા નહિ. હું ફરીવાર તૈયારી કરી ગયો. ફરીને મારી દલીલો તૂટી પડી, ફરીને પણ મેં એજ કહ્યું. મહારાજ પ્રથમ તો હસ્યા, પછી ગંભીર સ્વરે બોલ્યા, ‘ભાઈ, તેં પ્રશ્ન કર્યા ને મેં ઉત્તર દીધા, એ તો યુક્તિની વાત થઈ. બાકી મે ક્યાં પ્રતિજ્ઞા કરી હતી કે તને પરમેશ્વર પર વિશ્વાસ કરાવી દઈશ? પ્રભુ પોતે જ તને વિશ્વાસુ બનાવી દેશે ત્યારે જ તને વિશ્વાસ પડશે.' એણે ઉપનિષદનો શ્લોક લલકાર્યોઃ नायमात्मा प्रवचेन लभ्यो न मेघया न बहुना श्रुतेन । यमेवैष वृणुते तेन लभ्य स्तस्यैष विवृणुते तेनु स्याम् ॥ સાંભળીને હું ચુપચાપ ચાલ્યો ગયો. ત્યાર પછી તો વર્ષો વીત્યાં.