બે હજાર ચોવીસ સમક્ષ/ઝગમગઝગમગ તારા(બાળકાવ્યો) – રેખા ભટ્ટ

બાળકાવ્યો

‘ઝગમગ ઝગમગ તારા’ : રેખાબહેન ભટ્ટ

શ્રદ્ધા ત્રિવેદી

ગુજરાતી બાળકાવ્યસૃષ્ટિમાં નવો ઉજાસ

પુત્રનાં લક્ષણ પારણામાંથી – એમ આ પ્રથમ બાળકાવ્યસંગ્રહ દ્વારા રેખાબહેન ભટ્ટ પણ ભવિષ્યમાં ગુજરાતી બાળકાવ્યના ક્ષેત્રને સમૃદ્ધ કરશે એનો અણસાર આપે છે. રેખાબહેન પ્રકૃતિપ્રેમી છે એવું તેમનાં અનેક કાવ્યો સિદ્ધ કરે છે. પક્ષીઓ, વૃક્ષો, ડુંગર, આકાશ, તારા, મેઘધનુષ, પતંગિયાં, સવાર-સાંજ, ઋતુઓ – આ બધાં અનેક કાવ્યોમાં વિષય બન્યાં છે. બાળકને પ્રિય હોય રમકડાં, રજા, વર્ષગાંઠની ઊજવણી – તો આ વિષયક કાવ્યો પણ છે. પારિવારિક સંબંધો વિશે કાવ્યો છે પણ સાથે જ બાળકની અંતરની મહેચ્છાઓ, કલ્પનાઓ, તેના આનંદનાં કેન્દ્રો પણ અહીં કાવ્યના વિષયો બન્યાં છે. વળી પારિવારિક કાવ્યોમાં રજૂઆતનું નાવીન્ય છે. સંગ્રહનું પ્રથમ કાવ્ય છે ‘ડુંગર ઉપર ચઢવા જઈએ’–એમાં બીજી જ પંક્તિ છે : ‘ચાલને ભાઈ ફરવા જઈએ.’ આમ, પ્રથમ કાવ્યથી જ મોજ-મસ્તી અને બેફિકરાઈથી રખડવાની વાત રજૂ થઈ છે, ને તેય સહજતાથી અને વળી ગાવાનું ગમે તેવી લઢણમાં. તે જ રીતે ‘બાળપણમાં મજા કરી તે ખરી’ – જેવું કાવ્ય છે. જેમાં બાળપણમાં કરાતી મોજમસ્તીનું જે આલેખન થયું છે તે પણ ચિત્રાત્મક અને ભાવસ્પર્શી છે :

‘રિસેસ પડતાં ડબ્બા ખોલી,
ઝાપટ્યા નાસ્તા જરી,
બાળપણમાં મજા કરી તે ખરી.’

આમ બાલ્યાવસ્થાની ધીંગામસ્તીનું અનેક કાવ્યોમાં નિરૂપણ થયું છે. આ સંગ્રહનાં કાવ્યો તેમાંની લય-પ્રાસયુક્ત પંક્તિઓને કારણે ગાઈ શકાય તેવાં બન્યાં છે. સાથે જ બાળકના મનોભાવોનો તેને સ્પર્શ મળ્યો છે. જેમકે, તારલિયાને અડકવા જવું, આકાશી નદીમાં ચંદાની નાવ બનાવી પરીઓના દેશમાં જવું, ઝાડની ડાળીએ ઝૂલવું વગેરે. બીજું, અહીંની રચનાઓમાં દ્વિરુક્ત તેમજ રવાનુકારી શબ્દોનો પ્રયોગ પણ થયો છે જે ધ્યાનપાત્ર છે. ‘મારા આંગણ ઊતરી ચાંદની’ કાવ્યમાં

‘આંગણ ચમચમચમચમ ચમકે...’;
‘ઘર તો ખનખનખનખન ખનકે...’;
‘પાલવ મઘમઘમઘમઘ મહેકે...’;
‘મુખડું મંદમંદમંદમંદ મલકે...’;
‘ખુશીઓ છલછલછલછલ છલકે...’

એવી જ અન્ય કૃતિઓ પણ મળે છે. ‘ડુંગરથી ઝરણું ઊતરે છે, ખળખળ-ખળખળ સાદ કરે છે. એમાં છબ-છબ કરવા જઈએ.’ (પૃ. ૧); ‘હું તો હવાના હીંચકે ઝૂલું!... હું તો દીવો ચાંદાને ધરું’ (પૃ. ૨૦); ‘કલકલ કરતાં ઝરણાં શાં, ખળખળ-ખળખળ વહેતાં જઈએ.. કલકલ-કલકલ કરતાં જઈએ’ – વગેરે પ્રયોગો રચનાઓને જીવંત અને હૃદયસ્પર્શી બનાવે છે. અહીં કુદરતની ઘટનાઓ રજૂ થઈ છે પણ અભિગમ નવો પ્રાપ્ત થાય છે. ‘ખર-ખર કરતું પાંદડું ખર્યું’ તો અનેક રીતે માણી શકાય તેવી રચના છે. એ જ રીતે ‘ઝાડની ડાળીએ ઝૂલ્યાં’-તો કેવી વિશિષ્ટ ચમત્કારિક રચના છે!

‘અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં, કે ઝાડ જરી લીલું થયું,
અમે તાળી લઈ-લઈ ખીલ્યાં, કે પંખીનું ટોળું થયું.’

અહીં બાળકના અસ્તિત્વથી કુટુંબ કેવું કલરવથી ભર્યુંભર્યું થાય છે તેનો પણ સંકેત છે. અન્ય કાવ્ય ‘ચાલો, રમીએ છુપ્પાછુપ્પી’-માં થપ્પાની રમતનો કેવો સરસ વિનિયોગ થયો છે તે જોઈએ. ‘તારા છુપાય ઉજાસમાં, અંધારે એ ટમટમ થાય; લો, તારાનો થપ્પો... ચાલો, રમીએ છુપ્પા છુપ્પી.’ તો અહીં ‘નાજુકનમણું પતંગિયું’ જેવાં આધુનિકતાના સ્પર્શવાળા કાવ્યો પણ છે. હવે અંગ્રેજી ભાષાના અનેક શબ્દો રોજબરોજની વાતોમાં વપરાય છે. તેનો અહીં પ્રયોગ થયો તેમજ પતંગિયા-નિમિત્તે બાળકને કંઈક કહેવાયું છે. તો વળી મોબાઈલમય બનેલી આજની ઊગતી પેઢીની કરુણ વાસ્તવિકતા ‘ક્યારે સ્કૂલે જવા મળશે?-માં વ્યક્ત થઈ છે. અહીં મમ્મી-પપ્પા, દાદા-દાદી વગેરે સાથેના સાંપ્રત બાળકના સંબંધો પણ કાવ્યોમાં રજૂ થયા છે. અહીં સૂર્ય, માતા-પિતા, ગુરુ, ધરતી અને ઈશ્વરને નમન કરતું બાળક છે. એ જ રીતે ‘મજા કરીશું’ જેવું કાવ્ય છે જેમાં બા, મમ્મી, દાદા, કાકા, પપ્પા વગેરેની રાહ જોતું બાળક પણ છે. આ બાળક પરિવારજનો સાથે ગીતો ગાવા, વહાલ કરવા, સપનાં જોવા, ખોળો ખૂંદવા, મસ્તી કરવા, નાચવા-કૂદવા, જમવા-ભણવાની ઇચ્છા ધરાવે છે. તેમનું આ ગીત ‘શ્રદ્ધા’ નામના ગુજરાતી ચલચિત્રમાં સ્થાન પણ પામ્યું હતું. મોજમસ્તીથી ભરપૂર એવા બાળ-સ્વભાવને કવયિત્રીએ એટલા જ ઉમંગથી અહીં બાળકાવ્યોમાં ઉજાગર કર્યો છે. એમ કહી શકાય કે રેખાબહેનનો આ સંગ્રહ ગુજરાતી બાળકાવ્યસૃષ્ટિમાં નવો ઉજાસ લઈને આવ્યો છે.

[અરુણોદય પ્રકાશન, અમદાવાદ]