બે હજાર ચોવીસ સમક્ષ/નવો ઉતારો – યોગેશ વૈદ્ય

નિબંધ

‘નવો ઉતારો’ : યોગેશ વૈદ્ય

મહેન્દ્રસિંહ પરમાર

સ્થળોનો સાંવેગિક દસ્તાવેજ

માણસમાત્રની નિયતિ રહી છે, સ્થળ અને સમયમાં આવવા-જવાની. વ્યક્તિનાં કોઈ સ્થળ સાથે લેણાંદેણાં સમયખંડો વટાવીને એના ચિત્તમાં રમમાણ રહે અને એને વિશે વાત કરવાની એની પાસે કળા હોય તો એ ‘ભટ્ટખડકી’ની કવિતાઓમાં સ્થિર થઈને નિબંધોરૂપે ‘નવો ઉતારો’ પર આવે. કાવ્યસંગ્રહ(‘ભટ્ટખડકી’)માં કેન્દ્રમાં સ્થળો જ છે. મુખ્યત્વે જૂનાગઢની ભટ્ટખડકી, મોસાળ બગસરા અને ગીર... ‘અંગત નિબંધો’માં પણ સ્થળો છે : વેરાવળ, બગસરા, જૂનાગઢ, મોરબી. કવિતામાંથી નિબંધમાં ઉતરાણ કરતી સર્જકીય અનિવાર્યતા અને સ્વરૂપભેદે બદલાતી સંવેદન અને અભિવ્યક્તિની મુદ્રા તપાસવાનો રસ પડી શકે. અહીં ‘નવો ઉતારો’ કઈ રીતે ‘નવો’ છે અને કેવા ઘાટનો ‘ઉતારો’ છે તે જોવાનું રહે. સ્થાનબદલાઓને કારણે ‘નવો ઉતારો’ વેરાવળમાં. જૂના બસસ્ટેન્ડની ખખડધજ ઇમારતમાં ‘લીલી બારી’માં બેઠાંબેઠાં જોવાયેલું બાળપણનું વિશ્વ સંજોગવશાત્‌ છૂટી ગયું ને નવે ઉતારે જવાનું થયું. નિશાળ અને બાળપણની આ દુનિયા સ્મૃતિ અને કલમ સાથે ભળી અને ચાર નિબંધો મળ્યા : ૧. ઉચાળા ૨. નવો ઉતારો ૩. મારી પાટીનાં જળોયાં ૪. ઊઘડતી બારીઓ. માતા-પિતા, લઘુબંધુ, પત્ની, પાડોશીઓ, સહપાઠીઓ, શિક્ષકો, કુટુંબીઓ અને આસપાસનો પરિસર. એ પરિસરમાં ક્યાંક ધબકતા સ્મૃતિખંડો અહીં સ્થાન પામ્યા છે. બાળકોને ઉછેરવાની માતા-પિતાની રસભર કથા અને ‘બાળક’ યોગેશના અસ્તિત્વમાં સ્થાન પામેલું સ્થળ ‘મને યાદ છે હું મારી દાંતુડીથી બારીના સળિયાનો કલર ખોતરતો અને મારી બાથી છાનોછાનો તેને મમળાવતો પણ ખરો.’ (પૃ. ૧) આ જૂના ઘરની સ્મૃતિઓ સાથે નવા ઉતારે પરણીને આવ્યા પછી સહજીવનની પ્રથમ સ્મૃતિઓ : ‘આ દિવસો હતા ઈશિતાની નવી સાડીઓની પટોળાભાત પર ઓળઘોળ થઈ જવાના, જાતે નવાનકોર બુશકોટનાં પતંગિયાં પહેરી ફૂલફટાક ફરવાના, અરીસાની આજુબાજુ જ રહેવાના અને મોરપીંછનો મૂંગોમૂંગો વરસાદ ઝીલવાના... માથા પરથી વધામણાંના મગ દદડે એમ દડી રહ્યા હતા એ દિવસો’ (પૃ. ૧૭) ‘વેરાવળ અને વિષાદ’ રૂપે નવમો નિબંધ પણ આ ઉતારાનો! ‘બગહરુ : ચંદરવે ટાંક્યું મોતી’ અને ‘બગહરું : લોહીમાં લવકતું’ લેખકની જનમભોમકા બગસરા, એક વિશિષ્ટ સ્થાનપ્રીતિ સાથે બે નિબંધોરૂપે આવ્યું છે. બગસરાના સ્થાનવિશેષો અને લેખકના સંબંધવિશેષોની જુગલબંદીમાંથી મેઘાણીનું બગસરા અને ભાયાણીનું બગસરા જેવું લેખકને જડ્યું છે એવું ગૂગલદાદાને તો શું, દુનિયામાં બીજા કોઈને નહીં જડે એવો આત્મીય નાતો અને સ્વકીય પ્રતીતિ અહીં વણાયાં છે. બગસરાના કોઈ કાળખંડના કોઈ ચોક્કસ સ્થળના વ્યવહારવિશેષો આલેખતું ગદ્ય : ‘બગસરાની વાંકીચૂકી બજાર. રણકતી બંગડિયું ને રંગબેરંગી બોરિયાં-બક્કલો વહોરાશે. બોપટ્ટીના દડા ઉખેળાશે. આભલાં, ચતારા અને હીરની આંટીના પથારા થાશે. મોતીની માળાઓને ગળે ઠઠાડતા અરીસાઓ મરકમરક થાશે... કંદોઈની દુકાને લસલસિયા પેંડા જોખાશે... લુહારની કોડથી લઈને સોનીની હાટડી લગી, ભાવતાલની રકઝક ચાલશે...’ (પૃ. ૪૧–૪૨) બગસરાનું રંગાટીકામ અને મોતીકામ એના વ્યાવસાયિક અને લોકરંગી સ્વભાવ સાથે અહીં ઝિલાયું છે. ‘એકાદ વખત બગસરા ન જાઉં તો જાણે મારા લોહીમાં રક્તકણો ઘટતા લાગે’ – એવી ગાઢ છાપ ધરાવતું આ સ્થળચિત્ર બે નિબંધોમાં વિસ્તારવું પડ્યું છે. ‘જયામા અને જેન્તીલાલ શાસ્ત્રીનો અસબાબ’ અને ‘બદલાતા રંગોની રંગોળી’માં ઉતારો જૂનાગઢનો છે. દાદા-દાદીનાં ચરિત્રો, ‘ભટ્ટખડકી’નું નિવાસસ્થાન, તહેવારોની ઉજાણી અને સંયુક્ત જીવનનો વૈભવ અહીં છે. જૂનાગઢની ભૂગોળને ઉપસાવી આપતું આ ગદ્ય જુઓ : ‘ગિરનારની તળેટીએથી એકાદ ટોકરી ભરીને રંગીન લખોટાઓને ગામ ભણી દદડતા મૂકીએ તો એ લખોટા દડતા દડદડતા દામોદર કુંડ, વાઘેશ્વરી, ગિરનાર દરવાજા, વાંઝાવાડ પહોંચીને કાં તો જવાહર રોડ બાજુ વળી સ્વામીમંદિર થઈને છેક કાળવા ચોકમાં જઈને વિખરાઈ જાય કે પછી વાંઝાવાડથી જમણી બાજુ વળી જઈ લીમડાચોક અને માલીવાડા રોડના વળાંક લેતાંલેતાં પંચહાટડી અને આઝાદચોક થઈ તળાવ દરવાજે તળાવની પાળે જઈને અથડાય! આવું નર્યું ઢેકલા-ઢાળવાળું ગામ છે જૂનાગઢ!’(પૃ. ૬૨) એ જૂનાગઢથી પંચહાટડીથી ભટ્ટખડકીનો ઢાળ ચડતાં-ચડતાં દાદાની આંગળી ઝાલીને બન્ને આંખો બંધ કરી, કેવળ કાન અને નાક વડે રસ્તાની બન્ને બાજુની દુકાનો ઓળખવાની રમત એક નમૂનેદાર ગદ્ય- અભિવ્યક્તિ બની ગઈ છે. રંગ, ગંધ અને સ્થળનું રસાયણ દુકાનો વટાવતું ભટ્ટખડકી સુધી પહોંચાડી દે છે. નવરાત્રી, દિવાળીના તહેવારો ઉપરાંત અહીં ઊપસતું દાદા-દાદીનું ચિત્ર અસરકારક છે. ‘ઊંચી ઓસરીએ ઘાટીલું ઘર’ નિબંધ રસપ્રદ બન્યો છે. કોઈ અજાણ્યા ઘરનું સ્થાપત્ય ગમી ગયું હોય અને પછી એવા સ્થાપત્યવાળા કોઈ શ્વસુરગૃહમાં જમાઈ તરીકે આગતા-સ્વાગતા પામ્યા હોઈએ તેની સરસ વાત અહીં છે. ગુંદાળાનું એ ઘર અને ત્યાંનું જીવન તેમજ સાસુ-સસરાનું તેમ પોતાનું દામ્પત્ય અને ધબકતું ગ્રામજીવન આ નિબંધનો વિશેષ છે. ‘અંજળે ઓળખ્યું મોરબી’, ‘મોરબી : મારી છઠ્ઠી આંગળી’ લેખકના ઇજનેરીવિદ્યાના અભ્યાસને નિમિત્તે મોરબીના ઉતારાની કથા કરે છે. ભણવા માટેનો સંઘર્ષ અને મચ્છુ હોનારતનાં ચિત્રોને કારણે આ ઉતારો સરસ ઊપસ્યો છે. કુદરતી આપત્તિઓ : વાવાઝોડું, ભૂકંપ, પૂર પ્રકોપ અને માનવસર્જિત હુલ્લડો દરમિયાન લેખકના પરિસરમાં આવેલા ફેરફારો અને સામૂહિક જનજીવન તેમજ વ્યક્તિગત જીવનનાં તાદૃશ્ય ચિત્રો આ પુસ્તકમાંથી મળે છે. દાદા- દાદી, મામા-મામી, કાકાઓ, ભાઈઓ, બહેનો, સાસુ-સસરા, માતા-પિતા, પત્ની, પુત્રીઓ. કૌટુંબિક અને સામાજિક સબંધોનો એક સમાંતર દસ્તાવેજ અહીં રચાયો છે. એમાંનું અંગત ઘણું સર્વગત બન્યું છે. સ્થળનિરૂપણની દૃષ્ટિએ સ્થળોનાં બહિરંગ અને અંતરંગની ગૂંથણીઓ થતી આવી છે. રહેણાંકના પરિસરની સૂક્ષ્મ નિરીક્ષણવાળી વર્ણનસૃષ્ટિ બનતી આવે છે. સ્થળોની સાથેના વૈયક્તિક અનુસંધાન અને તાદાત્મ્યને કારણે આવાં આલેખનો આસ્વાદ્ય બને છે. સ્થળમાંથી નીકળીને સમયમાં જતા આ નિબંધોની એક પરિચિત ઢબ ‘ત્યારે’ અને ‘હવે’ની છે. મોટાભાગના નિબંધોનો ઉત્તરાર્ધ પૂર્વપરિચિત સ્થળબોધમાં પ્રવાસ કરાવી વર્તમાન ચિત્ર પર આવે છે. ‘આ બધું હવે નથી’ એ ભાવ ઘૂંટાયા કરે છે. લેખકના આયુષ્યની અવસ્થાઓના ક્રમમાં રચનાઓ આવે છે એટલે એ સ્મૃતિકથા તરફ જતી હોય એવું પણ લાગે. ઊભરી આવતી સ્મૃતિઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટેનું લાઘવ ક્યાંક ખૂટે છે. પ્રસાર અને ક્યાંક પુનરાવર્તન એ રીતે આ પુસ્તકની મર્યાદા બની જાય છે. નામશેષ થતાં જીવનધોરણોની સાથે નામશેષ થતી ભાષાનાં ઉદાહરણો પણ અહીં મળી આવશે. ‘મરખોલું, ઘાટડી, વંજી, હાવલાં, વિખોડિયાં, ચૂમકી, ભરભા, છબલાં, ખલેચી, પારવો, જળોયા, બથોડા, વાપરણું, ગરમું,’ જેવા આ શબ્દો વસ્તુઓ, સ્થળો, ક્રિયાઓ માટે વિશિષ્ટ રીતે ઉપયોગમાં લેવાયા છે. રંગ, રસ, રૂપ, ગંધ, સ્પર્શને ઝીલતું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે પણ વિચારો અને અનુભવોની તીવ્રતાનો પ્રવાહ ક્યારેક સુદીર્ઘ પરિચ્છેદોમાં ફેરવાઈને વાચક માટે એક તાણ ઊભી કરે છે. બસો સવા બસો પંક્તિઓના એક પરિચ્છેદવાળું ગદ્ય ક્યારેક ભારવાળું બની જાય છે. પણ, કવિતા પછીના આ નવા સ્વરૂપમાં એક ઉતારામાં આવતા અનેક ઉતારાઓનાં નિરૂપણમાં, ઉતારાઓ સાથે જોડાયેલાં ઉતારુઓનાં આલેખનમાં આ બાર રચનાઓ નોંધપાત્ર બની આવી છે. આ રચનાઓ લેખકના અંતરંગ માટે પણ એક પ્રક્રિયા જેવી બની રહી છે. એમણે ‘આ નવા ઉતારે આવીને...’ કરેલી ભૂમિકામાં નોંધ્યું છે કે : ‘આ નિબંધલેખન દરમ્યાન મારા ભૂતકાળે ભીતર-બહારથી ઊટકીને ફરી વખત ઊજળો કર્યો છે, ન્યાલ કર્યો છે, જેવી રીતે શૈશવમાં મને નવડાવી નવાં કપડાં પહેરાવીને મારા હાથમાં કાજળના બે દોકડા પાડી આપતી હતી મારી બા!’

[ઝેન ઓપસ, અમદવાદ]