બે હજાર ચોવીસ સમક્ષ/સંપાદકનું નિવેદન


સંપાદકનું નિવેદન

પ્રકાશિત થતાં સામ્પ્રત પુસ્તકોનો વાચકવર્ગ મોટે ભાગે તો અપ્રત્યક્ષ હોય છે, અને લેખકને પ્રત્યક્ષ પ્રતિભાવની, એ રીતે સંવાદની અને પ્રતિપોષણ(feedback)ની સહજ અપેક્ષા હોય છે. વધારે મહત્ત્વનું એ છે કે આપણા વર્તમાનની સાહિત્યિક-વૈચારિક આબોહવા રચવા માટે તથા લેખનની ઉત્તમતાનાં ધોરણોની એક અભિજ્ઞતા કેળવવા માટે સુચિંતિત પ્રતિભાવ બહુ જરૂરી હોય છે. સમીક્ષક એ આવો વિચારણીય પ્રતિભાવ આપનારો વાચક પણ છે ને પરિશીલનથી સજ્જ થયેલો વિવેચક પણ છે. એટલે આખા વરસ(૨૦૨૪) દરમ્યાન પ્રકાશિત થયેલાં સર્જન-વિવેચન-ચિંતન-સંપાદન-અનુવાદનાં પુસ્તકો વિશે એકસાથે આટલાં સમીક્ષકો પ્રવૃત્ત થયાં એ પોતે જ એક પ્રહર્ષક વાત છે – એક બૃહદ મ્યૂઝિક કૉન્સર્ટ (સંગીત પર્વ) જેવી રોમાંચક. છેલ્લા છ-સાત માસથી એ વિવિધ વાદ્ય-ઘોષોને સંકલિત-સંપાદિત કરવાનો, જેટલો આસ્વાદ્ય એટલો જ કષ્ટસાધ્ય આનંદ હું માણતો રહ્યો છું.

સમીક્ષા માટેનાં પુસ્તકોની તારવણી, ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથાલયમાંથી ૨૦૨૪નાં પુસ્તકોની વિગતવાર યાદી મળી એને આધારે કરેલી છે. એમાંથી સમીક્ષ્ય પુસ્તકોની ઠીકઠીક વ્યાપક, બહુસમાવેશી પસંદગી કરી છે. જીવન-પ્રબોધક ગણાતાં (મોટિવેશનલ) અને પ્રાસંગિક વિચારણાનાં પુસ્તકો, પુનર્મુદ્રણો, સંપાદનમૂલ્ય વિનાનાં સંકલનો, અનુવાદ નહીં પણ સારાનુવાદ આપતાં પુસ્તકો તથા કોઈપણ રીતે સમીક્ષ્ય ન લાગેલાં સાધારણ પ્રકાશનોને પસંદગીની બહાર રાખ્યાં છે. છતાં શક્ય છે કે, પસંદ કરી શકાયાં હોત એવાં બે-પાંચ પુસ્તકો પરિષદ સુધી પહોંચી ન શક્યાં હોય – ગ્રંથાલયે ખંતપૂર્વક પુસ્તકો ખરીદ્યાં-મેળવ્યાં હોવા છતાં. પાંચ-છ પુસ્તકો, એના સમીક્ષકોએ છેલ્લે સુધી લેખ ન મોકલાવ્યો એ કારણે બહાર રહી ગયાં છે. સામ્પ્રત લેખન-પ્રકાશનના અવિરત ચાલતા પ્રવાહમાંથી એક અંશ(વર્ષ૨૦૨૪)ની છબી અહીં ઝીલવાની હતી એટલે, જેમનું કોઈ પુસ્તક આ વર્ષમાં પ્રગટ ન થયું હોય એવા લેખકનું પુસ્તક જેમ સ્વાભાવિક રીતે જ અહીં નથી, એમ આ વર્ષમાં જેમનાં એકાધિક પુસ્તકોે પ્રગટ થયાં, ને એમાં જે સમીક્ષ્ય લાગ્યાં એ બધાં (બે કે ત્રણ) અહીં રજૂ થયાં છે. હવે સમીક્ષકો. પહેલો વિચાર તો એ કર્યો કે એક સમીક્ષકને એક પુસ્તક જ સોંપવું, જેથી વધારેમાં વધારે અભ્યાસી મિત્રોને પ્રવૃત્ત કરી શકાય. પરંતુ, ૮૦ ઉપરાંત પુસ્તકો માટે એટલા સમીક્ષકો ક્યાંથી મળવાના? જૂનો અનુભવ કામ આવ્યો : વર્ષોથી વિવેચન-પ્રવૃત્ત હોય તેવા પીઢ અભ્યાસીઓ ઉપરાંત જેમની કારકિર્દી વિવેચનમાં નથી પણ જેમની વાચન-વિચાર-સજ્જતા કેળવાયેલી છે એવા વિદગ્ધ સર્જકો, વિચારકોને પણ સાંકળી શકાય, અને સાહિત્યના યુવા અભ્યાસીઓ-અધ્યાપકોને, તથા અભ્યાસશીલ નવ-લેખકોને પણ, થોડાક સાહસપૂર્વક, સામેલ કરી શકાય. એવી શોધ સફળ રહી. અપવાદરૂપે, ત્રણચાર મિત્રોને એકથી વધારે પુસ્તકો સોંપવાનાં થયાં છે એ એવાં પુસ્તકો છે જેની સમીક્ષા કરવાનું એના પૂર્વ-સમીક્ષકોએ અધવચ્ચે જ, સંજોગવશ, છોડી દીધેલું. બાળસાહિત્યનાં પુસ્તકો અંગે પણ, એક સમીક્ષકને એકાધિક પુસ્તકો સોંપવાનો અપવાદ કરવાનો થયો છે. આવી વિવિધ પૂર્વભૂમિવાળા મિત્રોને સમીક્ષાલેખનમાં સામેલ કરવાના હતા ને સમીક્ષાલેખન આયોજિત રૂપનું રહે એ પણ જોવાનું હતું. એટલે, સમીક્ષા કરી આપવા માટેના નિમંત્રણપત્રની સાથે જ, વ્યાપક રૂપની પણ નિર્ધારિત અપેક્ષાઓ દર્શાવતો એક અનૌપચારિક પત્ર પણ સૌને મોકલ્યો. (એ પત્ર આ સંપાદક-નિવેદન પછી મૂક્યો છે.) એ પત્ર મુખ્યત્વે તો નવલેખકોને લગતો હતો. પણ એણે સર્વ લેખો અંગે, સમીક્ષા-સંતુલનનું મારું કામ ઘણું સરળ કરી નાખ્યું. જાણીતાં લેખકો વિશે તો કંઈ કહેવાનું હોય નહીં, પણ આ નવ-લેખકો વિશેનો મારો સાહસ-પ્રયોગ સંતોષપ્રદ બલકે આનંદપ્રદ રહ્યો. આવા કામ માટેનું નિમંત્રણ એમને માટે અણધાર્યું ને સ્વીકૃતિ-રોમાંચવાળું હતું. અને કદાચ એથી જ એમણે પૂરી નિષ્ઠાથી આ પડકાર ઝીલ્યો. ક્યાંક એમણે પોતાના લખાણને સુધાર્યું, કહ્યું તો ફરી લખ્યું. પરિણામે એમની પાસેથી પુસ્તકના ગુણ-દોષ બંનેને ભય-કુંઠા વિના સંતુલિત રીતે આલેખી આપનારી, આશાસ્પદ સમીક્ષાઓ મળી. મને થયું કે ક્યાં હતાં આ બધાં? (કેટલાંકનાં નામ તો મને પણ કોઈ મિત્રોએ ચીંધેલાં-સૂચવેલાં.) આ બધાંને આપણે – આપણાં સામયિકોના સંપાદકોએ – જરૂરી મંચ પૂરો પાડ્યો નથી. નવા લેખકોનાં સર્જનાત્મક લખાણો તો સંપાદકના ટેબલ ઉપર સામેથી આવી પડતાં હોય છે પણ સમીક્ષાલેખન તો મુખ્યત્વે નિમંત્રણ આપીને કરાવવાનું હોય. ‘આવ્યું તે છાપ્યું, અને આવ્યું તો છાપ્યું’ એવી નિઃસ્પૃહતા તજીને સંપાદકોએ નવ-સમીક્ષકોની પણ શોધ કરવી પડે. બીજો વિચાર એ થાય છે કે આપણે કવિતાવાર્તાલેખનની કાર્યશાળાઓ વારંવાર કરીએ છીએ, તો સમીક્ષાલેખનની કાર્યશાળા પણ કરવા જેવી છે. કેમ કે, આ નવા અભ્યાસીઓ પાસે પુસ્તકને આસ્વાદવા-તપાસવાની રસવૃત્તિ છે, તર-તમની કંઈક સમજ પણ છે, પરંતુ એમની પાસે તપાસનાં પૂરતાં ઓજારો નથી, સમીક્ષાત્મક લેખન માટે કેળવાયેલી અભિવ્યક્તિ નથી. – એ બધું, કાર્યશાળામાંના ચર્ચા-સંવાદથી આવી શકે. આવા ચર્ચા-માર્ગદર્શનના શ્રમ પછી તૈયાર થયેલી આ નવ-લેખકોની સમીક્ષાઓને આ સમીક્ષા-વાર્ષિકની એક વિશેષ ઉપલબ્ધિ ગણું છું. આશા છે કે સમીક્ષકસૂચિમાંનાં આ અપરિચિત-અલ્પપરિચિત નામો આપણાં સામયિકોના સંપાદકોની નજરે ચડશે. સૌ મિત્રોએ બહુ પ્રેમથી ને દાયિત્વથી લેખો કરી મોકલ્યા. એના આનંદ સાથે સંપાદનની કામગીરી પણ ઠીકઠીક કપરી નીવડી. આપણા કેટલાક લેખકો ઉત્તમ તો લખે છે પણ પ્રમાણસરનું લખી શકતા નથી, પહોળા પટે લખે છે. સમીક્ષા માટે મહત્તમ ૧૫૦૦ શબ્દો સૂચવેલા એ ઓછા તો ન હતા, પણ કેટલાંક મિત્રો ૨૮૦૦-૩૦૦૦ સુધી પહોંચી ગયેલાં. વાજબી સંક્ષેપ માટે વિનંતી કરી તો એમણે કાતરકાર્ય મારે માથે જ નાખી દીધું! લેખકના મુદ્દા અળપાઈ ન જાય એ રીતે, નિર્દય થયા વિના કાતર ચલાવવી એ, વગર વાંકે ‘દરજી દીનદયાળ’ થવું એ, કેવું તો દુષ્કર કાર્ય છે! બે વાર લેખ વાંચી જાઓ (– સંપાદક જેટલો નવરો માણસ કોઈ જોયો છે?), થોડુંક કાપતા જાઓ અને સાતત્ય ન તૂટે, લખનારના વક્તવ્યની ને ભાષાની પાંખો પણ ન કપાય, એ રીતે સાંધતા જાઓ... લેખને સાંધો ન લાગે એવોે અખંડ પણ રાખવાનો. એ ઉપરાંત જે કરવું પડ્યું એ ભાષા અંગે. આપણાં કેટલાંક લેખકોેની ગુજરાતી ભાષાભિવ્યક્તિ કેમ ખોડંગાઈ જતી હોય છે એ સમજાતું નથી. કોઈક કોઈકમાં તો વાક્યાન્વયની ને વાક્યરચનાની તકલીફો જોવા મળી. જોડણીની ભૂલો દેખાયા કરે, ને અનુસ્વારની ભૂલો તો અ-ગણ્ય! જેમની ભાષાભિવ્યક્તિ ખૂબ સુઘડ, સુંદર હોય એમનામાં પણ અનુસ્વાર-દોષ તો થયેલો હોય. અને અનુસ્વાર એ ગુજરાતી ભાષાની મુખ્ય ઓળખ છે. આવી ભૂલો સુધારી લેવાની પૂરી કાળજી રાખી છે. આમ છતાં સરતચૂકે કોઈ મુદ્રણદોષો રહી ગયા હોય તો ક્ષમસ્વ. ભાગ્યે જ કોઈ સમીક્ષા સમીક્ષક સાથેના સંવાદ વિના અંતિમ રૂપ પામી છે. ક્યાંક લેખ-શીર્ષક વિશે, ક્યાંક સંક્ષેપ વિશે, ક્યાંક સંતુલન વિશે, ક્યાંક નવ-લેખકો સાથે સુબદ્ધ ફેરલેખન વિશે, ક્યાંક સમીક્ષા ગમ્યાના આનંદપ્રતિભાવ મિષે – એમ સંવાદો થતા રહ્યા છે. ભાષાભિવ્યક્તિ અંગે, અલબત્ત, પરોક્ષ, મૌન સંવાદ થયા છે. આ બધી સંવાદ-જહેમતમાં ક્યાંય સમીક્ષકોના વક્તવ્ય-વિચારનું, પુસ્તક વિશેના એમના મૂળ અભિપ્રાયનું રૂપ બદલાય નહીં એ જોયું છે. ભાષા-સંમાર્જન કરી લીધું છે પણ સમીક્ષકની શૈલી પર, એ વિલક્ષણ હોય તો પણ, કોઈ રંધો ફેરવ્યો નથી. લખાવટની, સાહિત્ય-સમજની જે કોઈ ખાસિયતો-વિલક્ષણતાઓ હોય એ પ્રગટ થવા દીધી છે. આ સમીક્ષાઓમાં જેમ લેખકો/પુસ્તકો કસોટીએ ચડ્યાં છે એમ સમીક્ષકોની કસોટી પણ થવાની. એ પણ સામ્પ્રત સાહિત્યના વ્યાપક ચિત્રનો એક ભાગ હશે. એક બાબતે મને ઊંડી પ્રસન્નતા થઈ છે. લગભગ દરેક સમીક્ષક-મિત્રે નિખાલસ સ્પષ્ટ પ્રતિભાવ નોંધ્યા છે, ઘણાં સૂઝ-શ્રમપૂર્વક કેટલાંકે પોતાની વિશ્લેષક દૃષ્ટિ પણ પરોવી છે, લેખક/વ્યક્તિ નહીં પણ કૃતિ/પુસ્તક ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એટલે ૨૦૨૪ના ગુજરાતી સાહિત્ય-વિચાર-જગતનો, મહદંશે નરવો કહી શકાય એવો આલેખ ઊપસ્યો છે. અનુવાદ-ગ્રંથોની સમીક્ષા અનુવાદને તપાસવાની રીતે થઈ શકી છે ને બાળસાહિત્યનાં પુસ્તકોમાં ભાષા-વિનિયોગની ઝીણી ચર્ચાઓ પણ થઈ છે.

લેખો જેમજેમ મળતા ગયા એમએમ સંપાદિત થઈને મુકાતા ગયા છે. એટલે સ્વરૂપક્રમે અને એની અંતર્ગત અકારાદિક્રમે એની વ્યવસ્થા ‘અનુક્રમ’માં કરી લીધી છે. પરિશિષ્ટમાં સૂચિઓ આપી છે. એટલે ઇચ્છિત વિગત સુધી જવામાં સુવિધા રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદને – એના પ્રમુખ હર્ષદ ત્રિવેદી અને હોદ્દેદારોને – સમીક્ષાવાર્ષિક કરવાનો આવો વિચાર આવ્યો એ જ એક મહત્ત્વની ને અભિનંદનીય બાબત છે. પ્રેમ અને વિશ્વાસથી મને સંપાદન સોંપ્યું અને મેં ઇચ્છી એવી પૂરી મોકળાશ ને સ્વતંત્રતા આપી એ માટે પરિષદનો આભાર. પરિષદના ચી. મં. ગ્રંથાલયનાં લાઇબ્રેરિયન દીપ્તિબહેન શાહની સહાય વિના આ કામ નિર્વિઘ્ને થયું ન હોત. એમણે લાઇબ્રેરિયનનાં સૂઝ અને ખંતથી ૨૦૨૪નાં પુસ્તકોની બહુ જ વિગતવાર યાદી મોકલી. એ પછી પણ, જેમજેમ લાયબ્રેરીને પુસ્તકો મળતાં ગયાં એમએમ એની વિગતો એ મને આપતાં ગયાં. સમીક્ષકોને પુસ્તકો પહોંચાડવાની મહત્ત્વની કામગીરી પણ એમણે, એમના સાથીઓએ અને કાર્યાલયના ભાઈ ચંદ્રકાન્ત ભાવસારે સમયસર ને ખંતથી કરી એથી મારું કામ આસાન થયું. એ બધાંનો ખૂબ આભાર. ભાઈ મહેશ ચાવડાએ, હંમેશની જેમ, સૂઝ અને કાળજીથી (તથા ભાષા-જોડણીની સમજથી) ટાઇપસેટિંગનું કામ કર્યું એ માટે એનો આભાર. છેવટનો પણ ખરો આભાર સૌ સમીક્ષકોનો. વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત લેખકોથી લઈને નવ-દીક્ષિત લેખકો સુધીના સૌ સમીક્ષકોનો આ પુસ્તક રૂપે એક મેળાવડો થયો છે – જાણે એ સૌની ઉપસ્થિતિનું એક બૃહદ્‌ દૃશ્ય હું જોઈ રહ્યો છું. એ સૌનો આભારી છુુંં.

વડોદરા;
શ્રાવણી પૂનમ, ૨૦૮૧ (૯.૮.૨૦૨૫)

– રમણ સોની