બે હજાર ચોવીસ સમક્ષ/સ્ત્રી – રવીન્દ્ર પારેખ
વિમર્શ
બકુલા દેસાઈ ઘાસવાલા
માનવીય સંવેદનની ઓળખ તરફ
આ પુસ્તકના મુખપૃષ્ઠથી અંતિમ પૃષ્ઠ સુધીની વાચનયાત્રા પછી મારા મને જે તેજલકીર ઝીલી તેની સંક્ષિપ્ત અભિવ્યક્તિ કરવી હોય તો આ પુસ્તકનું કેન્દ્રવર્તી વિધાન ‘સર્જનથી સંસ્કૃતિ તરફ ગતિ કરતી દુનિયામાં અડધી વસતી તરીકે અસ્તિત્વ ધરાવતી સ્ત્રીનાં રૂપ-સ્વરૂપ સમજવાની, ઓળખવાની મથામણને પુરુષ દ્વારા પોતાની સમજણથી અપાયેલી વાચા!’-ને કહી શકાય. સ્ત્રી અંગેની ચર્ચામાં એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે દુનિયા ત્રણ-ચાર સદીમાં એકસાથે જીવે છે એટલે અહીં કયા વર્ગની સ્ત્રીની સમસ્યાની વાત થઈ રહી છે? મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગની બાલિકા-કિશોરી-સ્ત્રીના દરજ્જા અને વાસ્તવિક સ્થિતિનું ચિત્રણ અહીં કરવામાં આવ્યું છે. પુસ્તકમાં અસ્તિત્વથી સહઅસ્તિત્વની વાતમાં સ્ત્રી તરીકે એનાં શારીરિક, માનસિક, આર્થિક સામાજિક, પ્રાદેશિક, જ્ઞાતિગત, શૈક્ષણિક, કારકિર્દીલક્ષી, ધાર્મિક, રાજકીય વિકાસ અને પ્રદાનની નોંધ લઈને સમાંતર કોઈપણ વર્ણ, વર્ગ, જાતિ, વયની સ્ત્રીના માનવીય હક્કોની અવગણના અને શોષણની ચર્ચા થઈ છે. સ્ત્રી- સશક્તિકરણનો મુદ્દો સતત ધ્યાનમાં રાખી એમણે એ પુરવાર કરવાની કોશિશ પણ કરી છે કે સ્ત્રી સશક્ત છે જ અને ક્યાંક તો એ આગળ પણ છે છતાં સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી સમોવડો બનાવવાની જરૂર નથી કારણ કે કુદરતી રીતે જ એઓ અસમાન છે જેમકે બે નદી, ઝરણાં, સમુદ્ર, વૃક્ષ. ફળફૂલ, પર્વતો સમાન નથી તો સ્ત્રી અને પુરુષ સમાન કઈ રીતે હોય! અલબત્ત, લેખક સમાન તકો, અધિકારો, ફરજો, દરજ્જો જેવા અનેક મુદ્દે સમાનતાની તરફેણ કરે છે અને એ બાબતે ભારતનો ક્રમ દુનિયાના દેશોમાં ૧૧૨મો છે તે સ્વીકારીને સવાલ ઉઠાવે છે કે આટલા પ્રયત્નો છતાં સ્ત્રીઓનું શોષણ અટકતું કેમ નથી? ધાર્મિક સ્થાનોમાં પ્રવેશ, ઘરમાં કે ઘરની બહાર વિકસવાની તકો, સંચારમાધ્યમો દ્વારા સ્ત્રીનું ચિત્રણ, ખાસ કરીને જાહેરખબરો દ્વારા બજારનો વધતો પ્રભાવ, સૌંદર્યવાન બનવાની ઊભી કરાતી હોડ, સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રભાવ, અશ્લીલ સાહિત્યની અસરો અને ઊભી થતી પરિસ્થિતિ-વિષયક અનેક મુદ્દે એમણે પોતાની સ્પષ્ટ સમજ વ્યક્ત કરી છે. ઉકેલ માટે પુરુષો જેવી સ્ત્રીઓ અને સ્ત્રી જેવા પુરુષોની નકલખોરીને બદલે હ્યુમન અને હ્યુમેનિસ્ટ રહેવાની જરૂરિયાત પર એમણે ભાર મૂક્યો છે. બાળપણથી જ પુરુષ-બાળકોને માનવીય વ્યવહાર શીખવવાની તરફેણ કરી છે. એમનું સતત કહેવું છે કે બાળઉછેરમાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે બાલક-બાલિકાઓ સમાનતા સાથે અરસપરસ આદર રાખતાં શીખે. સ્ત્રી, પુરુષ કે અન્ય લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિઓની સમસ્યા, સંઘર્ષ, સિદ્ધિ પર પ્રકાશ પાડતાં અનેક સંશોધનો, અભ્યાસો થયાં છે. સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રકાશિત થઈ છે અને સતત સર્જન થઈ રહ્યું છે એમ કહેવું અતિશયોક્તિ ભરેલું નથી. રવીન્દ્રભાઈએ સાહિત્યસર્જન સાથે અન્ય સામાજિક મુદ્દાઓ પરના પોતાના વિચારો વર્તમાનપત્રની કોલમમાં વ્યક્ત કર્યા છે. બત્રીસ પ્રકરણો અને ૧૨૮ પાનાંમાં સમેટાયેલું ‘સ્ત્રી’કેન્દ્રિત લેખન પત્રકારની ભાષામાં સામ્પ્રત ઘટનાઓ, મુદ્દાઓ અને સામજિક અસરનું સતત વિશ્લેષણ કરે છે એવી છાપ ઊભી થાય છે. એમણે લખેલાં પ્રકરણોનાં શીર્ષકો પણ ધ્યાન ખેંચે છે. જેમ કે સ્ત્રીનું કાલ્પનિક લેખન પણ આત્મકથનાત્મક કેમ ગણાય છે? લગ્ન સ્વતંત્રતા પરની તરાપ છે એ ખરું? લગ્નનો સારો વિકલ્પ લગ્ન જ છે એવું ખરું? સ્ત્રીઓને ઘરની બહાર વિકસવાની તકો ઓછી છે. સ્ત્રીઓને માધ્યમો જે શીખવે છે તેમાં ઘણું ખૂટે છે. કોઈ વાતનો હવે જાણે છોછ રહ્યો જ નથી. લગભગ દરેક પ્રકરણની શરૂઆત સવાલથી થાય છે અને અંતે પણ વાચકોને સવાલ કરવાનું વલણ અહીં આંખે ઊડીને વળગે એવું છે. લેખકનું પોતાનું ધ્યાન સ્ત્રીઓની સમસ્યાઓ પર રહે છે છતાં તેઓ પોતાની વાતમાં સ્ત્રી-પુરુષ સમાનતા બરાબર સાચવે છે એટલે સ્ત્રીઓ પણ આમ કરે છે કે તેમ કરે છે અથવા આવી કે તેવી હોય છે એવી વાત ઘરેલુ જીવનથી લઈ કારકિર્દી, વ્યવસાય અને ગુનાખોરી સહિતનાં ક્ષેત્રો અંગે કરતા રહે છે. લેખનમાં અનેક મુદ્દાનું, સામ્પ્રત ઘટનાઓનું પુનરાવર્તન પણ અનેકવાર થયું છે જેમ કે બાળલગ્નો. આરોગ્ય, દહેજ, શિક્ષણ, બળાત્કાર, સ્ત્રીઓની સાથે થતો વ્યવહાર. સ્ત્રી સ્ત્રીની સામે કેમ છે જેવી બાબતોની અત્યંત બોલકી રજૂઆત થઈ છે. એમણે ગુલ મકાઈ-મલાલા યુસુફઝાઈ, કૌશિકી ચક્રવર્તી. સિંધુતાઈ, સુષ્મા સ્વરાજ જેવાં સકારાત્મક પાત્રોની પ્રશંસા સાથે અમૃતા પ્રીતમ, તસ્લીમા નસરીન કે કુન્દનિકાબહેનનો આત્યંતિક સ્તરે સ્ત્રી-મુદ્દાઓને વાચા આપતી લેખિકાઓ તરીકે બે-એક વાર ઉલ્લેખ કર્યો છે. સ્ત્રીઓના ઉદ્ધાર માટે નર્મદ, રાજા રામમોહન રાય, ગાંધીજી જેવા પુરુષોના નક્કર પ્રયાસોની નોંધ લીધી છે. અમુક મુદ્દે લેખક સાથે મતાંતરને અવકાશ છે અને એ ધ્યાન દોરવાની ખાસ જરૂર મને લાગે છે, હવે જે તે સમયના પુરુષોના પ્રયત્નોની અવગણના કર્યા સિવાય કેવળ સ્ત્રીની દૃષ્ટિએ નર્મદ, રાજા રામમોહન રાય કે ગાંધીજીના વિચારોનો પુનઃ અભ્યાસ કે ચકાસણી થઈ રહ્યાં છે, એ બધું આ નાનકડા લેખમાં સ્પષ્ટ કરવું શક્ય નથી. આ પુસ્તક અઝીઝ ટંકારવી અને ભગતભાઈ શેઠને અર્પણ થયું છે તે નોંધવું જોઈએે. એક વાત સાચી છે કે પરાપૂર્વથી ચાલી આવેલી કેટલીક સમસ્યાઓ વિશે વાંરવાર, મોટેથી બોલીને સમાજનું ધ્યાન સતત ખેંચવું પડતું હોય છે. નારીમુક્તિ-આંદોલનની શરૂઆત તો છેક ૧૮૫૭ આસપાસ થઈ અને ૧૯૧૦થી તો સ્ત્રીઓનાં સંમેલનો દ્વારા વૈશ્વિક સ્તરે ફેલાઈ. ૧૯૭૫માં યુનોએ આંતરરાષ્ટ્રીય મહિલાદિન અને દસ વર્ષ માટે મહિલા દશક દ્વારા સ્ત્રીઓનાં દરજ્જા અને સ્થાન અંતર્ગત વિવિધ મુદ્દે પૂરી દુનિયાનું ધ્યાન આકર્ષવા વિવિધ કાર્યક્રમો, સૂત્રો, લક્ષ્યો આપ્યાં. આમ ૧૯૭૫–૨૦૨૫ના સમય દરમિયાન એ વેગવંત બની છે. નર, નારી કે નાન્યતર જાતિના સમસ્યા-કેન્દ્રિત વિચારવિમર્શ માટે પુસ્તકો કે અન્ય માધ્યમો દ્વારા અભિવ્યક્તિ માટે સઘન અભ્યાસ અને અનુભવનું સત્ય અનિવાર્ય છે એવું મને લાગે છે. હવે સમાનતાના માપદંડમાં ધીમી ગતિએ પરિવર્તન આવી રહ્યું છે તે સમાજશાસ્ત્રીઓની જેમ લેખક પણ સ્વીકારે છે. બે-એક પ્રકરણો એમણે સમાજશાસ્ત્રીય દૃષ્ટિથી અભ્યાસયુક્ત લખ્યાં પણ છે. સ્ત્રીઓ પર આચરવામાં આવતી હિંસા, સ્ત્રીઓનો દરજ્જો જેવા મુદ્દે ચારેક દાયકા કાર્યરત રહી હોવાથી મને કે મારા જેવી વિચારધારા ધરાવનાર માટે આ પુસ્તકમાં વર્ણવાયેલી વાસ્તવિકતા, હકીકતો કે વિચારો નવા તો ન કહેવાય છતાં એને સતત ચકાસતા રહેવું જોઈએ તેથી કોઈ પુરુષ પોતાની માનવીય સંવેદનશીલતાની અભિવ્યક્તિ સમજપૂર્વક કરે તો તે આવકાર્ય ગણાય એમ માની પુસ્તકને આવકાર.
[આર.આર. શેઠ, અમદાવાદ]