બોલે ઝીણા મોર/બુદ્ધનું પરિનિર્વાણ


બુદ્ધનું પરિનિર્વાણ

ભોળાભાઈ પટેલ

આ કુશીનગર એક્સ્પ્રેસ મને ગોરખપુરથી લખનઊ લઈ જાય છે, પણ કુશીનગર નામ મને, ન માત્ર આજકાલ કસિયાને નામે ઓળખાતા એક વેળાના ઇતિહાસપ્રસિદ્ધ થાનકમાં લઈ જાય છે, અઢી હજાર વરસ પહેલાંના સમયમાં પણ લઈ જાય છે. આ કસિયા ભારતનો નકશો કાઢીને જોઈશ તો નેપાળની નીચેના હિમાલયના તરાઈ વિસ્તારમાં ગોરખપુરથી પ૦-પપ કિલોમીટર દૂર જોવા મળશે. એક ફેરે પંદરવીસ જણાને બેસાડી જીપ-ટૅક્સીઓ દોઢેક કલાકમાં ગોરખપુરથી કસિયા લઈ જાય, ત્યાં પહેલાં આવે કુશીનગર.

કુશીનારા કહું તો કદાચ તને તરત સ્ટ્રાઇક થઈ જાય કે આ કુશીનારા તો ગૌતમ બુદ્ધનો જ્યાં દેહવિલય થયો તે સ્થળ. માટે દેહવિલય એવો શબ્દ ન વાપરતાં મહાપરિનિર્વાણ એ શબ્દપ્રયોગ કરવો જોઈએ. જીવનને ૮૦મે વર્ષે એક વૈશાખી પૂર્ણિમાએ શાક્યમુનિ અહીં નિર્વાણ પામ્યા હતા, આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં.

એટલે આ સ્થળ એ પછીનાં હજાર હજાર વર્ષ સુધી બૌદ્ધધર્મીઓ માટે યાત્રાનું મહાસ્થાન બની ગયું. અનેક સ્તૂપો, વિહારો, મઠોનું પહેલી સહસ્રાબ્દી સુધી નિર્માણ થતું ગયું, પછી બધું કાળકવલિત થતું ગયું.

ગૌતમે સ્વયં શિષ્ય આનંદને કહ્યું હતું કે તથાગતના જીવનની ચાર મહાન ઘટનાઓ સાથે જોડાયેલાં સ્થળોમાં એક સ્થળ તે તેમનું જન્મસ્થાન. આજના નેપાળ-ભારતની સીમા પરનું લુમ્બિનીવન, બીજું સ્થળ તે જ્યાં ગૌતમને બોધિજ્ઞાન થયું અને તે ‘બુદ્ધ’ થયા તે ગયા (બુદ્ધગયા), ત્રીજું તે, જ્યાં એમણે વારાણસીની પાસે ઋષિપત્તન (સારનાથ)માં પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્રપ્રવર્તન કર્યું તે સ્થાન — અને ચોથું તે આ કુશીનારા-કુશીનગર, જ્યાં ઈહ લીલા સંકેલી પરિનિર્વાણ પામનાર છે.

આ ચારે સ્થળો બૌદ્ધ મતાવલંબીઓમાં અતિ પૂજનીય મનાતાં રહ્યાં છે. આજે પણ ચીન, તિબેટ, બર્મા, જાપાન વગેરે દેશોમાંથી યાત્રીઓ આવે છે. એટલું જ નહીં, એ દેશનાં લોકોએ આ સ્થળોએ સ્તૂપો-મંદિરોનું આધુનિક કાળમાં નિર્માણ પણ કર્યું છે.

એટલે ગોરખપુર જવાના ખેંચાણમાં એક લોભ તે દેશના વિદ્વત્ સમાજમાં પરિચર્યાનો અવસર અને બીજો લાભ તે લુમ્બિની અને કુશીનગરની યાત્રા. ચિત્તને થોડું બુદ્ધમય બનાવવા ધર્માનંદ કોસમ્બીના ‘બુદ્ધલીલા સારસંગ્રહ’ કે ‘ભગવાન બુદ્ધ’ જેવા ગ્રંથ ઉપરાંત ડૉ. હરિવલ્લભ ભાયાણીએ લખેલી ‘કમળના તંતુ’ નામે બુદ્ધના પૂર્વાવતારોની જાતકકથાઓ વગેરેનું પરિશીલન આવશ્યક. પણ મને રહી રહીને યાદ આવતું હતું તે તો કવિ શેષે (રા. વિ. પાઠકે) લખેલું કાવ્ય ‘બુદ્ધનું નિર્વાણ’ – જેની શરૂઆત બુદ્ધના જીવનના પ્રસંગો કહેવાની પ્રાચીન પરિપાટી પ્રમાણે આમ થાય છે : ‘સાંભળ્યું છે અમે આમ’.

આ વિસ્તારમાં હું પહેલી વાર આવ્યો છું. લખનઊ છોડ્યા પછી ગાડીની બન્ને બાજુએ માઈલો સુધી પાકેલા ઘઉંનાં ખેતરો. કાપણી શરૂ થઈ ગઈ હતી. ગોરખપુર વિસ્તાર એટલે પાણીનો વિસ્તાર. ચોમાસામાં પાણી જ પાણી. ગંગા, રાપ્તિ, ગંડક, ઘાઘરા નદીઓ હિમાલયમાંથી કેટલું પાણી લાવે છે! ચોમાસું આવ્યું નથી કે રેલ આવી નથી – પણ અત્યારે તો સોનેરી ફસલ લહેરાય છે. કાપણી શરૂ થઈ ગઈ છે.

અઢી હજાર વરસ પહેલાં આ વિસ્તારમાં કેવાં કેવાં નગર હતાં! શ્રાવસ્તી, કપિલવસ્તુ, સાકેત (એ જ અયોધ્યા, રામનું અને આપણું આજનું). જરા પૂર્વ તરફ જાઓ એટલે આવે વૈશાલી (આમ્રપાલીનું વૈશાલી યાદ છે, આમ્રપાલીને ‘વૈશાલીની નગરવધૂ’ તરીકે ઓળખવામાં આવે છે!), નાલંદા, રાજગૃહ, ચંપા.. અહો, આ બધાં પ્રાચીન નગરનામો ક્યાંનાં ક્યાં લઈ જાય છે!

પરિસંવાદના બે દિવસ પહેલાં સારું થયું કે હું ગોરખપુર પહોંચી ગયો. ગોરખપુર પોતેય પ્રસિદ્ધ સ્થળ. એક તો ગીતા પ્રેસથી જાણીતું થયેલું આ ગોરખપુર અને બીજું ગુરુ ગોરખનાથની પ્રસિદ્ધ તાંત્રિક સાધનાપીઠ તે આ ગોરખપુર. ત્રીજી એક વાત ગોરખપુરના આતંકવાદી મચ્છરોની ઉમેરવી જોઈએ. કોણ જાણે ક્યાંથી મચ્છરદાનીમાં ઘૂસી જાય. ઓડોમસને તો ગણે નહિ, કાચબા છાપની પણ શી વિસાત!

ઉત્તરપ્રદેશના ગયા મુખ્યપ્રધાન વીરબહાદુર સિંહ ગોરખપુરના. એમણે શહેરની રોનક વધારી, પણ સૌથી વધુ સુંદર વિસ્તાર જે બનાવ્યો તે ગોરખપુર યુનિવર્સિટી કૅમ્પસ. અહીં વિદ્યાર્થી સંઘોની ભારે દાદાગીરી ચાલે છે. એટલે કૅમ્પસ સુંદર હોવા છતાં રાજનીતિનો અખાડો – જોકે વિદ્યાકીય પ્રવૃત્તિઓ પણ ચાલતી રહે.

લુમ્બિની જવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે પ્રમાણમાં દૂર છે. પણ કુશીનારા—કુશીનગર તો સરળતાથી જઈ શકાશે. માયાદેવીને કૂખે જન્મ લેતા બુદ્ધનાં ચિત્રો, શિલ્પો એ કાળના કલાકારોનો પ્રિય વિષય રહેલો છે, જેમ ખ્રિસ્તી કલાકારો માટે નેટિવિટી—ઈશુના જન્મનો. ખબર નથી લુમ્બિની બરાબર નેપાળમાં, કદાચ નેપાળ ભારતની સીમા પર છે. અને નેપાળમાં તો ઊથલપાથલ છે. એથી ડરી જઈને નહિ, પણ સુવિધા પડશે માની કુશીનગર સુધી જવાનું વિચાર્યું. વળી અત્યારથી જ આકરા તડકા પડવા માંડ્યા છે. આપણા જેવા જ જીપટૅક્સીવાળા અહીં છે, કદાચ વધારે કુશળ. અમારો ટૅક્સી-ડ્રાઇવર નામમાત્રથી ડ્રાઇવરની સીટને અડકેલો હતો, પોણા ભાગનો તો એ બહાર હતો – અને શું હૉર્ન વગાડતો જીપ દોડાવતો જાય! બન્ને બાજુનાં ખેતરો આ અતિવૃષ્ટિનો વિસ્તાર છે, તે પ્રકટ કરી દે. શેરડીના સાંઠા ઠાંસીને ભરેલી ટ્રકો પર ટ્રકો જતી જાય. પણ જીપની આગલી સીટમાં એક પગ બહાર રાખીને બેઠેલો (જીપમાં એ રીતે બેસવું એ એક અદા ગણાય ખરી.) હું વારંવાર પ્રાચીનકાળમાં પહોંચી જાઉં.

ગૌતમ બુદ્ધને – ભગવાન તથાગતને ૮૦મા વર્ષે પહોંચ્યા પછી, ધર્મચક્રનું પ્રવર્તન કર્યા પછી ખ્યાલ આવી ગયો હતો કે નિર્વાણનો સમય પાસે આવતો જાય છે. પોતાના શિષ્યો સાથે પાટલિગ્રામથી ભરપૂર વહેતી ગંગાને ચમત્કારથી પાર કરી વૈશાલી પહોંચ્યા. ત્યાં વૈશાલીની રૂપવતી ગણિકા આમ્રપાલીએ બુદ્ધને તેમના શિષ્યો સાથે પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપ્યું. પછી વૈશાલીના લિચ્છવીઓ બુદ્ધને આમંત્રણ આપવા ગયા. તૈયારી કરવા ઉતાવળે ઘેર પાછી જતી આમ્રપાલી સામે મળી. લિચ્છવીઓને ખબર પડી તો કહ્યું કે કાલ તારે બદલે અમે બુદ્ધને ભોજન આપશું. તેં આપેલા આમંત્રણ બદલ તને એક લાખ મહોરો આપીશું.

‘આખી વૈશાલી આપો તોપણ બુદ્ધને આપેલું આમંત્રણ હું પાછું લેનાર નથી’ – આમ્રપાલીએ કહેલું. (કવિ ઉમાશંકર જોશીએ ‘નિમંત્રણ’ નામનું કાવ્ય આ પ્રસંગ પર રચ્યું છે!)

અહીંથી પછી ભિક્ષુઓને અંતિમ ઉપદેશ દેતાં ગૌતમે કહેલું કે ત્રણ માસ પછી મારું પરિનિર્વાણ થવાનું છે. અને આનંદને કહ્યું કે આનંદ! તથાગતને વૈશાલીનાં આ છેલ્લાં દર્શન છે.

પાવાનગરમાં ચુંદ નામના લુહારના ભવનમાં સંઘ સાથે તથાગત ઊતરેલા. ત્યાં એમણે છેલ્લું ભોજન કર્યું અને ભારે પીડા ઊપડી – છતાં તથાગત પ્રવાસે ચાલ્યા. કકુત્થા નદી આવી. તથાગતને થાક લાગ્યો હતો. આનંદને કહ્યું: ‘આનંદ, થોડું પાણી આપ.’

આનંદ પાણી લેવા ગયો તો નદીનાં ડહોળાં જળ સ્વચ્છ થઈ ગયાં! કકુત્થા પાર કરી હિરણ્યવતી ઓળંગી તથાગત કુશીનારાના શાલવનમાં પ્રવેશ્યા. આનંદે બે જોડિયાં શાલવૃક્ષો નીચે કંથા ચોવડી કરી બિછાનું તૈયાર કર્યું. ઉત્તર દિશા તરફ મસ્તક રાખી તથાગત જમણે પડખે સૂતા.

ક્ષણેક તો થયું, શું એ જ તથાગતને પરિનિર્વાણની મુદ્રામાં જોતો હતો! વિરાટ લાંબી મૂર્તિ, જમણા હાથને નીચે રાખી જમણે પડખે સૂતેલી. જમણા હાથની હથેળીમાં ચક્ર, જમણા પગે ચક્ર, ચક્રવર્તીનાં લક્ષણ – રાજચક્રવર્તી નહિ તો ધર્મચક્રવર્તી.

આ એ જ સ્થળ જ્યાં અઢી હજાર વર્ષ પહેલાં તથાગત નિર્વાણ પામ્યા હતા. એ સ્થળે જ બનાવેલા મંદિરમાં પરિનિર્વાણ પામતાં બુદ્ધની પાંચમી સદીમાં કંડારાયેલી ભવ્ય મૂર્તિ છે. આજુબાજુ ઘીચ વૃક્ષઘટાઓની છાયામાં ખંડેરોના ઢગ છે. કુશીનગરના સ્ટૉપ પર ઊતરી જઈ થોડું ચાલી આ પરિનિર્વાણના સ્થળે આવી પહોંચી એ ખંડેરો વચ્ચે પેલી વિરાટ મૂર્તિ સમક્ષ ઊભો રહી જાઉં છું, પ્રણમું છું. એક બર્મી સાધુ મૂર્તિની બાજુમાં ઊભા રહી ફોટો ખેંચાવતા હતા. ગૌતમ – ના, તથાગત પરિનિર્વાણની ક્ષણોમાં સૂતા છે.

ત્યારે તો જોડિયાં શાલવૃક્ષો નીચે કંથા પર પ્રભુ સૂતા હતા, અને શાલવૃક્ષ ખીલી ઊઠ્યાં હતાં. પવન નહોતો છતાં તે મંજરીઓ ખેરવ્યાં કરતાં હતાં. તો અંતરિક્ષમાંથી દેવો ફૂલો વરસાવતા હતા. બુદ્ધની પૂજા માટે દિવ્ય વાદ્યો વાગતાં હતાં. તથાગત પાસે ઊભેલા આનંદને કહ્યું હતું, ‘આનંદ! તથાગતની પૂજા પુષ્પોથી કે વાદ્યોથી નહિ, એમણે ઉપદેશેલા ધર્મને અનુસરવાથી જ થાય છે!’

આનંદ જાણે છેલ્લા છેલ્લા પ્રશ્નો પૂછી લેતો હતો. રડતાં રડતાં ભિક્ષુસંઘ ચારેકોર ઊભો હતો. પણ આનંદને થયું કે ભગવાન તથાગતનું આવા નાના ગામમાં પરિનિર્વાણ થાય તે યોગ્ય નથી. એણે કહ્યું પણ ખરું કે ભગવદ્! ચંપા, રાજગૃહ, શ્રાવસ્તી, સાકેત, કૌશાંબી કે વારાણસીમાં આપનું પરિનિર્વાણ થવું જોઈએ. બુદ્ધે કહ્યું હતું કે, આજે ભલે નાનું ગામ છે, એક કાળે પ્રસિદ્ધ નગર હતું કુશાવતી નામે.

પછી તો કુશીનારાના મલ્લો અને અનેક બધા રાજવીઓ અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા. અંતિમ ક્ષણોમાં પણ સુભદ્ર નામના એક પરિવ્રાજકને દીક્ષા આપી. ભગવાન બુદ્ધે કહ્યું કે હું નહિ હોઉં ત્યારે જે ધર્મ અને વિનય મેં તમને શીખવ્યા છે, તે તમારા શાસનકર્તા (શાસ્તા) થશે. પછી ભગવાને ભિક્ષુઓને કહ્યું, ‘સંસ્કાર વ્યયધર્મી છે, માટે સાવધાનીથી વર્તો.’

તથાગતના આ છેલ્લા શબ્દો અહીં આસપાસ આ ધરતી પર, આ આકાશ નીચે ગુંજ્યા હતા. શું એ ગુંજરણ આજે આપણને શ્રુતિગોચર થાય? હું બહાર કોઈ જૂના મઠની ઈંટોના અવશેષો વચ્ચે વસંતમાં જેને નવાં પાંદડાં ફૂટ્યાં છે એવાં બે શાલવૃક્ષોની છાયામાં બેસી વિચારતો હતો. પાંદડાંનો કોમળ લીલો રંગ આ હજારો વરસ જૂની ઈંટો વચ્ચે જીવનના વિજયની ઘોષણા કરતો હતો. અહીં આ સ્થળે બુદ્ધના નિર્વાણ પછી હજારો ચીવરધારી ભિક્ષુઓ અને ઉપાસકોનાં પગલાં પડ્યાં હશે. કેટલા બધા વિહારો, ‘ચૈત્યો, સ્તૂપોના ખંડેરો છે! આજની પ્રતિસ્થાપિત મૂર્તિ પણ, જે પાંચમી સદીની છે, તે દટાઈ ગયેલી અને ૧૯૧૧ના ખોદકામમાંથી મળી આવેલી છે! બૌદ્ધ ધર્મ અગિયારમી સદી પછી ધીમે ધીમે આ દેશમાંથી વિલય પામી ગયો. સૂર્યોદયના દેશોમાં એ વ્યાપ્યો. એ દેશના લોકોએ અહીં આજુબાજુ અનેક મંદિરો બંધાવ્યાં છે. છાયા બહાર તો તગતગતો તડકો હતો, પણ હું શાલવૃક્ષોની છાયામાં બેસી રહ્યો. વૃક્ષઘટાઓમાંથી પંખીઓ, કોયલ, કંસારાના અવાજો સ્તબ્ધતાને ગાઢ કરતા હતા. મેં ઉપર ભૂરા આકાશ ભણી જોયું. એ જ આકાશ, જેણે પરિનિર્વાણનો અંતિમ ઉપદેશ પોતામાં સમાવી લીધો છે. જે જમીન પર હું – બેઠો હતો, તેનો ગાઢ સ્પર્શબોધ થયો. એ જ આ ધરતી છે, જેણે તથાગતને ખોળે ધર્યા હતા. વૈશાખની પૂર્ણિમાનો એ દિવસ હતો. જન્મ્યા ત્યારે વૈશાખની પૂર્ણિમા હતી, બુદ્ધત્વ પામ્યા ત્યારે પણ વૈશાખની પૂર્ણિમા હતી અને પરિનિર્વાણ પામ્યા ત્યારે પણ. જ્યારે જ્યારે વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર જોઉં છું, બુદ્ધના ખભા સુધી લંબાયેલા કાનવાળી ગાંધાર શૈલીની મુખમુદ્રા તેમાં દેખાય છે!

ખંડેરોમાં થોડું ફર્યા પછી તડકામાં સડક ઉપર આવ્યો તો, સૂર્યની પ્રચંડતાનો અનુભવ થયો. એક કિલોમીટર દૂર જાપાની સ્તૂપ છે, ત્યાં જવું હતું. એ દિશામાં ચાલ્યો, પણ સડકની બાજુમાં ‘નમઃ સદ્ધર્મ પુંડરિક સૂત્રાય’ લખેલા એક સ્તૂપના પરિસરમાં પ્રવેશ્યો. એક વૃક્ષ નીચે મૂકેલા હૅન્ડપંપથી ધરાઈને પાણી પીધું. આ નાનો સ્તૂપ પણ જાપાનના બૌદ્ધધર્મીઓએ બનાવેલો છે. ત્યાં એક સ્થળે લખેલું કે ભારત ચંદ્રવંશનો દેશ છે અને જાપાન સૂર્યોદયનો દેશ છે. બૌદ્ધ ધર્મ ફરી ચંદ્રવંશીય ભારતમાં પાછો ફરશે. ફરશે?

પછી તો હું ગોરખપુર પાછો ફર્યો ત્યારે બે વાગી ગયા હતા. આ બધી વાત યુનિવર્સિટીના અતિથિગૃહમાં બેસી નિરાંતે લખવી હતી, પણ ત્યાં પછીના ચાર દિવસમાંય નિરાંત ન મળી. ગાડીમાં લખવાની તો ઇચ્છા જ નહોતી. જરા ફાવતું પણ નથી, અક્ષર વાંકાચૂકા થઈ જાય છે, પણ ગાડીનું નામ – કુશીનગર એક્સપ્રેસ કંઈક ધક્કો દેતું રહ્યું અને રહી રહીને થોડું આ ટપકાવતો ગયો છું.

એપ્રિલ, ૯૦