બોલે ઝીણા મોર/બે શબ્દો — નાકાદાર માટે


બે શબ્દો — નાકાદાર માટે

ભોળાભાઈ પટેલ

જે જાણે છે, તે બોલતો નથી.
જે બોલે છે, તે જાણતો નથી.
જે સારો છે, તે શણગારતો નથી.
જે શણગારે છે, તે સારો નથી.
જે સાચો છે, તે દલીલ કરતો નથી.
જે દલીલ કરે છે, તે સાચો નથી.
જે જાણે છે, તે જૂગટુ રમતો નથી.
જે જૂગટું રમે છે, તે જાણતો નથી.

આ વચનો ચીની સંત લાઓત્ઝુનાં છે. એમના જે પુસ્તકમાંથી આ લેવામાં આવ્યા છે એનું નામ છે તાઓ-તે-ચિંગ. એનો અર્થ છે માર્ગ અને એની પ્રભાવક શક્તિ. તાઓ તે ચિંગનું આ ૮૧મું અને છેલ્લે સુભાષિત છે, જે નગીનદાસ પારેખ દ્વારા અનૂદિત પુસ્તકમાંથી ઉતાર્યું છે.

લાઓત્ઝુ ઉંમરમાં શાક્યમુનિ ગૌતમ બુદ્ધ કરતાં સાત વર્ષે મોટા. એમનો જન્મ ઈ.સ. પૂર્વે પ૩૦માં થયેલો. ચીનમાં ઘણી વાર લાઓત્ઝુ અને ગૌતમ બુદ્ધ એકબીજાના પર્યાય બની ગયા છે. ચીનના ધર્મવિચારમાં તાઓ (અર્થાત્ માર્ગ)નું ઘણું મહત્ત્વ રહ્યું છે. પોતાના અનુવાદની પ્રસ્તાવનામાં નગીનદાસ પારેખે નોંધ્યું છેઃ

‘આ તાઓ (માર્ગ) એટલે પરિવર્તન અને વિકાસની પ્રક્રિયા. જગત સ્થિર નથી, સતત ગતિશીલ છે. આ માર્ગમાં બધું જ સતત પરિવર્તન પામતું રહે છે. સત્ અને અસત્, વૃદ્ધિ અને ક્ષય, જીવન અને મરણ વારાફરતી આવે છે અને એ ઘટમાળ અનંત ચાલ્યા કરે છે. આમ, વિશ્વમાં જો કશાનું સાતત્ય હોય તો તે પરિવર્તનનું.’

પરંતુ અહીં હું આ પુસ્તકનો અને એમાં રહેલા વિચારનો પરિચય આપવાની ઇચ્છા નથી રાખતો. આ પુસ્તક જે રીતે લખાયું, એ ઘટના કે કિંવદન્તીએ મને પ્રભાવિત કર્યો છે, અને એની વાત કરવા માગું છું.

તાઓ-તે-ચિંગ કેવી રીતે રચાયું તેની કિંવદન્તીને વિષય બનાવીને પ્રસિદ્ધ જર્મન નાટકકાર અને કવિ બર્તોલ્ત બ્રેખ્તે એક મજાની કવિતા કરી છે. એ કવિતા વાંચીને તો આ કિંવદન્તી જાણી છે. કવિતાનું એમણે બહુ લાંબું મથાળું આપ્યું છે, મૂળ જર્મનનું અંગ્રેજી છે, ‘લિજેન્ડ ઑફ ધ ઓરિજિન ઑફ ધ બુક તાઓ-તે-ચિંગ ઑન લાઓત્ઝુઝ વે ઇન ટુ એક્ઝાઇલ’ અર્થાત્ સ્વદેશ છોડીને જવાને રસ્તે લખાયેલ તાઓ-તે-ચિંગના ઉદ્ભવ વિષે કિંવદન્તી. હવે કવિતાનો ભાવ.

પોતાની વય સિત્તેરની થઈ એટલે વૃદ્ધ લાઓત્ઝુને ખરેખર શાંતિની જરૂર જણાઈ. જે રાજ્યમાં પોતે રહેતા હતા ત્યાં દયા-માયાનો લોપ થતો જતો હતો અને વેરબુદ્ધિની વૃદ્ધિ થતી જતી હતી, એટલે ડોસાએ પોતાના જોડા પગમાં ઘાલ્યા.

જરૂરી ચીજવસ્તુઓનું પોટલું બાંધી લીધું, બહુ ઓછી વસ્તુઓઃ પોતે રોજ સાંજે જે નિરાંતે પીતા તે ચૂંગી અને રોજ વાંચતા તે કવિતાની ચોપડી અને થોડી રસ્તે ખાવા ભાખરી.

પોતાના બળદ ઉપર બેસી પહાડી રસ્તે ચાલી નીકળ્યા. એક છોકરો બળદને દોરતો હતો. બળદ તો રોજ તાજું ઘાસ ખાવા મળવાથી પ્રસન્ન હતો. રસ્તે ચાલતાં ખાઈ પણ લેતો. ડોસાને જરાય ઉતાવળ પણ ન હતી.

ચોથા દિવસની પહાડી યાત્રા પૂરી થઈ એટલે પરરાજ્યની સરહદ આવી. ટોલનાકાદારે એમને રોક્યા.

‘તમારી પાસે જકાતપાત્ર કોઈ ચીજવસ્તુઓ છે?’

‘એકેય નથી. આ તો વૃદ્ધ ગુરુજી છે. ચિંતન કરે છે.’ છોકરાએ કહ્યું.

‘શું, કેવું?’

‘વહેતું પાણી કઠણ પથ્થરને પણ વહેરી શકે…એવું એવું – સમજ્યા?’ છોકરાએ કહ્યું.

વાત પતી ગઈ. અંધારું થવાની બીકે છોકરાએ બળદને આગળ દોર્યો અને તેઓ એક ઝાડી પાછળ અદૃશ્ય થાય ત્યાં પેલા ટોલનાકાદારને કશીક પશ્ચાત્ સ્ફુરણા થઈ અને તે ઊછળ્યો, ઊભો થયો અને ‘ઊભા રહો, ઊભા રહો’ બોલતો પાછળ દોડ્યો. તેમની પાસે જઈને બોલ્યો, ‘આ પાણીની ને બધી શી વાત છે?’

‘તમને રસ પડે છે?’

‘હું તો ટોલનાકાદાર છું. પણ કોણ કોની પાસેથી કેટલું કઢાવી શકે છે, તેમાં મને રસ છે. તમે જે જાણો છો, તે મારે માટે લખી દો. તમે બોલો, આ છોકરો લખી દેશે. આવી બધી વસ્તુઓ પોતા પાસે સંતાડી રાખીને ન જવાય. તમારી પાસે કલમ-કાગળ નહીં હોય તો હું આપીશ. બટકું રોટલો પણ પેટ ભરવા મળી રહેશે – અને હા, મારા પેલા છાપરા નીચે તમે રહી શકશો – કબૂલ?’

હવે વૃદ્ધ જ્ઞાની પુરુષે નજર ઊંચી કરી પેલા ટોલનાકાદાર ભણી જોયું. એનો કોટ થીંગડાંવાળો હતો, પગ ઉઘાડા હતા. અમલદાર તરીકેનો કોઈ રુઆબ એ છાંટતો નહોતો, તે એ જોઈ શક્યા. એમને થયું કે, કોઈ જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે છે, તો એને એનો જવાબ મળવો જોઈએ.

અંધારું અને ટાઢ ઊતરવામાં હતાં. છોકરાએ પણ કહ્યું, ‘રોકાઈ જઈએ ત્યારે.’ જ્ઞાની પુરુષ બળદ પરથી નીચે ઊતર્યા. સાત દિવસ પેલા ટોલનાકાદારને ઘેર રહ્યા. એ રોજ રોટલા આપી જતો. નમ્ર બનીને એમની જોડે વાત કરતો. દાણચોરો કે બીજાઓ પર તો ત્રાટકતો, દોર-દમામ ચલાવતો! સાત દિવસ સુધી સતત લખાવતા રહ્યા અને છોકરાએ લખ્યું. ચોપડી પૂરી થઈ.

આઠમે દિવસે સવારે પેલો છોકરો ૮૧ સુભાષિતોની ચોપડી લઈ ટોલનાકાદાર પાસે ગયો અને એને આપી. એ જ તાઓ-તે-ચિંગ. ડોસાની પહાડી યાત્રા તો આગળ શરૂ થઈ, જોતજોતામાં પેલી ઝાડી પાછળ તેઓ અદૃશ્ય થઈ ગયા. કંઈ કહેતાં કોઈ ભાર નહીં.

કિંવદન્તીની વાત પૂરી થઈ.

પછી કવિ બ્રેખ્ત સમગ્ર ઘટના પર કવિતાને અંતે ટિપ્પણી કરે છે, અને એ જ આ કવિતા લખવાનો એનો મુખ્ય આશય છે. બ્રેખ્ત લખે છે : એ મહાન ગ્રંથ તાઓ-તે-ચિંગને જેનું નામ અલંકૃત કરી રહ્યું છે, એવા પેલા જ્ઞાની પુરુષ જ માત્ર આપણી પ્રશંસાના અધિકારી છે એવું નથી. કેમ કે ડાહ્યા માણસોમાં રહેલા ડહાપણને, જ્ઞાનને એમની પાસેથી કઢાવવાનું પણ એટલું જ મહત્ત્વનું છે – એટલે આપણે પેલા ટોલનાકાદારના પણ એટલા જ ઋણી છીએ, એણે જ તો લાઓત્ઝુ પાસેથી ડહાપણ બહાર કઢાવ્યું, (નહીંતર એ જ્ઞાની વૃદ્ધ પોતાની સાથે જ લેતા ગયા હોત, ચિરકાલ માટે).

કવિ બ્રેખ્તે કાઢેલા સારનો સાર કાઢીને કહેવાય કે જગતમાં ઉત્તમ કામ કરનાર તો પ્રશંસાને પાત્ર છે જ, એ ઉત્તમો પાસેથી ઉત્તમ કઢાવનાર પણ પ્રશંસાને પાત્ર છે. જગતને જેમ લાઓત્ઝુની તેમ ટોલનાકાદારની પણ જરૂર છે. ૨૫-૩-૯૦