બોલે ઝીણા મોર/મને ફાગણનું એક ફૂલ આપો


મને ફાગણનું એક ફૂલ આપો

ભોળાભાઈ પટેલ

એક ક્ષણ માટે વીજળી ગઈ અને પાછી આવી. પોતાની હસ્તી વિષે સભાન કરી ગઈ. થોડી વાર થઈ હશે અને ફરી વીજળી ગઈ. આવે છે આવે છે અને ના આવી. આખા વિસ્તારમાંથી ગઈ છે. કોઈ મોટો ફૉલ્ટ થયો હોવો જોઈએ. એટલે ઓરડામાંથી ઊભા થઈ બહાર બાલ્કનીમાં આવીને ઊભો, તો ચંદ્રની ચાંદનીનું તો કેવું અજવાળું! ક્યાં હતી આ અત્યાર સુધી? મારી નજર ઊંચે આકાશ ભણી ગઈ. સ્વચ્છ આકાશમાં ફાલ્ગુની પૂર્ણિમાનો ચંદ્ર તારામૈત્રક રચી રહ્યો. મેં ફરી નીચે બધે નજર ફેરવી. ચાંદનીનાં સરવર રેલી રહ્યાં છે. લીમડાની, કોલોનીની ઊંચી ઇમારતની, અરે, પેલી નાનકડી પીળી કરેણની સ્પષ્ટ છાયાકૃતિઓ એ ચાંદનીના સરવરજલમાં તરી રહી છે.

રૂપથી ફાટફાટ છે ચાંદની. ફાગણનો મહિનો છે. પણ ક્યાં હતી આ અત્યાર સુધી? હા, એ તો હતી જ. આવું આવું કરતી હતી. પણ આપણે જ એને ક્યાં આવવા દેતા હતા? રવિ ઠાકુરની બરાબર આવા જ ભાવની કવિતા યાદ આવી ગઈ. એ કવિતામાં ભાવ એવો છે કે કવિ નદી પદ્મામાં પોતાના નૌકાઘરમાં બેસી દીવાના અજવાળામાં સૌંદર્યની કવિતા રચી રહ્યા છે. મોડી રાતે દીવો બુઝાવતાં એકદમ ચાંદની બારીઓમાંથી અંદર ધસી આવે છે. ચાંદનીની એ અ-લૌકિક આભા જોઈ કવિ પ્રશ્ન કરે છે, ક્યાં હતી આ અત્યાર લગી? એને તો હું મારી કવિતામાં શોધતો હતો. પણ હા, મેં પ્રકટાવેલા અજવાળાને લીધે જ તો એ અંદર આવી શકતી નહોતી.

રવિ ઠાકુરમાં તો આધ્યાત્મિક અર્થ શોધવાથી જડી જશે, પરંતુ સ્થૂલ રીતે વાત કરીએ તોપણ આ ફાગણની પૂનમની ચાંદનીને વીજળીની ચકાચૌંધમાં આપણે જ નજરઅંદાજ કરી હતી ને! એ તો હતી જ, કદાચ છેક આપણા શયનગૃહમાં આવવાને ઇચ્છુક હતી. પણ આપણે જ એને જોતા નહોતા. કદાચ એ છે, પણ ભૂલી જવાયું હતું. મારે પક્ષે પણ આ ક્ષણોએ એટલું જ સાચું હતું. તેમ છતાં એટલું કહું કે, આજે જ થોડા કલાકો પહેલાં આ નગરપ્રાંતે ખુલ્લા મેદાનમાં ઊભા રહી પૂર્વની ક્ષિતિજે ઊગતા ઈષત્ પીત અને એટલે કમનીય પૂર્ણ ચંદ્રને જોયો હતો. પછી તો કલાકેક યુનિવર્સિટીના સિંડર ટ્રેક મેદાનને માર્ગે ચંદ્ર સાથે પ્રેમ કરતો ભમતો રહ્યો.

રસ્તાની બંને બાજુએ તરુણ લીમડાનાં, શિરીષનાં અને બીજાં ઝાડ છે. જૂનાં પાંદડાં ખરી ગયાં છે અને નવાં પલ્લવો ફૂટી રહ્યાં છે, પણ એથી ડાળીઓ વચ્ચેથી ઉપર દેખાતું આકાશ કેટલું તો શાંત અને શીતલ લાગતું હતું! મેદાનમાંથી મૃગશીર્ષ અને પેલો વ્યાધ બરાબર સ્પષ્ટ દેખાય. પુનર્વસુની હોડલી પણ, ચાંદનીનો પ્રભાવ વિસ્તરવા છતાં.

પહેલાં ચંદ્રને મેં જોયો ઊગતો, ત્યારે તો બરાબર દેખાયો યુકેલિપ્ટસના એક વૃક્ષની ટોચ ઉપર. એ કંઈ ત્યાં હતો એવું નથી, મને એ એમ દેખાયો હતો. આપણાં દર્શનશાસ્ત્રોમાં ‘શાખાચંદ્ર’ એવી સંજ્ઞા વપરાય છે. એટલે કે ઝાડની ડાળી ઉપર રહેલો ચંદ્ર. આપણી નજરને એ એવી સ્થિતિએ દેખાય છે, એટલું.

ચંદ્ર પૂર્વમાં અમદાવાદ નગર ઉપર ઊગતો હતો. હું આથમણી દિશાએ જતો હતો. એટલે થોડું ચાલ્યા પછી હું જોતો હતો કે ભોંય પર, ઝાડી પર ચાંદની પથરાવા લાગી છે. આછી આછી છાયાઓ રચાતી જાય છે. આ રસ્તે વીજળીના થાંભલા છે, પણ ગોળા નથી કે પછી ‘ઊડી’ ગયા છે, એટલે ચાંદનીના નિરાગસ સૌંદર્યને કોઈ અંતરાય નથી. ઓછામાં પૂરો ઠંડો પવન ચૈતન્યનો સ્પર્શ બની જતો હતો. ક્યાંક આછા અંધારામાં સ્કૂટર પર બેસી ગુજગોષ્ઠિ કરતાં પ્રેમીઓના અસ્ફુટ શબ્દો વહી લાવતો હતો. પેલી તરફ પાણીની લાઇન લીક થવાથી ભરાયેલા પાણીના ખાબોચિયા પાસેથી ટીટોડીનો તીવ્ર ભીનો સ્વર તમરાંના અવાજની એકરૂપતાનો ભંગ કરી આખા વાતાવરણમાં વ્યાપી ગયો. આછા અજવાળામાં પહેલાં જે મિસ્ટિરિયસ – અદ્ભૂત લાગતું હતું તે હવે ધીમે ધીમે ચાંદની પ્રફુલ્લિત થતાં પોએટિક–કાવ્યમય બનવા લાગ્યું. ગીતની એક લીટી હોઠે આવી લાગી.

ગીત? હા ગીત. આમેય આજ સવારથી ફાલ્ગુની પૂર્ણિમા હોવાથી કે કેમ કવિ સુંદરમ્‌ના એક ગીતનું મુખડું હોઠે આવી ગયું છે, તે હરતાંફરતાં કામ કરતાં બોલી જવાય છે. આવું થાય છે. ક્યારેક કોઈ ગીતની લીટી કોઈ કારણ વિના સવારથી હોઠે આવી જાય અને પછી આખો દિવસ છાલ ના છોડે. કરુણતા એ, કે ગાતાં આવડે નહીં અને ગુન્ ગુન્ કરી ગવાઈ જાય. આપણને ખબર ન રહે. કોઈ ઘરમાં સાંભળી જાય અને હસે, એટલે ભોંઠા પડી લીટી અધૂરી છોડી દઈએ. થોડો વખત જાય ત્યાં વળી પાછું ‘ગવાઈ’ જાય.

તો આ એકાંત ખુલ્લા મેદાનમાં તો કોણ સાંભળી જવાનું હતું? એટલે મનને જરા મોકળાશ હતી. ચાલતાં ચાલતાં ઊભો રહ્યો. હજી હમણાં જ ખીલવા શરૂ થયેલાં ફૂલોની સુગંધથી નાસારંધ્રોને તર કરી દેતા શિરીષના એક તરુણ વૃક્ષ નીચે ચળાયેલી ચાંદનીમાં પડેલા એક ઊંચા પથરા પર બેસી ગણગણવા લાગ્યોઃ

મને ફાગણનું એક ફૂલ આપો,
કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

મને ફાગણનું એક ફૂલ આપો… મને ફાગણનું એક ફૂલ આપો…મને ફાગણનું એક ફૂલ આપો; કે લાલ મોરા કેસૂડો કામણગારો જી લોલ, કેસૂડો કામણગારો જી લોલ, કેસૂડો…

ગણગણતાં ગણગણતાં મને જરા હસવું આવ્યું. શિરીષની નીચે બેસીને હું ફાગણનું એક ફૂલ માંગું છું અને તે કેસૂડો.

કેસૂડો કામણગારો જી લોલ.

શિરીષ પણ ફાગણનું જ ફૂલ છે. હોળીના દિવસોમાં પાંદડે પાંદડે ખીલી ઊઠે છે. એ રાત પડતાં ખીલવાનું શરૂ કરે અને સવારે તો આખી વસંત. પછી તડકો પડવા માંડે અને એ કરમાવા લાગે. શિરીષ બહુ કોમળ. જલદી કરમાઈ જાય. એને નાકે લઈએ એટલે એના તંતુસ્પર્શ અને સુગંધથી વહાલું લાગે. કવિ કાલિદાસને તો બહુ વહાલું હતું. એની વારંવાર વાત કરે. સોનારૂપા અને હીરામણિનાં આભરણોથી કંટાળેલી અલકાનગરીની કામિનીઓ તો એ શિરીષને કાને પહેરતી. એ જ કર્ણાભરણ. શિરીષ થોડું નાગરિક ફૂલ નહીં? એનો અનુભવ પણ નાગરિક.

પણ કેસૂડાના અનુનય તો ઓળછોળ. ‘અનુનય’–ચીપીચીપીને કરેલી વિનંતી — કેસૂડાને ના આવડે. એ તો કામણગારો. કેસૂડો એટલે વગડાની આગ, પ્રેમીઓ કહેશે મનડાની આગ. એ તો પ્રેમીઓ જાણે, પણ સાચે જ વગડાની આગ. એનાં અનેક નામોમાં એક નામ તે અગ્નિરથ. કેસૂડાનાં વન ખીલે શું, જાણે દાવાગ્નિ પેટ્યો.

ફાગણમાં એવાં કેસૂડાની પીળી આગથી બળતાં વન જોયાં છે. બહુ વર્ષો થયાં નથી એ વાતને, આજે શી સ્થિતિ છે, ખબર નથી. એ દિવસે પણ ફાલ્ગુની પૂર્ણિમાં હતી. અમે સૌ બે બસો ભરીને ગયાં હતાં, ઈડર-વિજયનગર તરફ પોરોના જંગલમાં. કેસૂડાની આગથી અવાચક થઈ જવાય. અમારી સાથે એક શાયર-કવિ હતા.

એક એક કેસૂડાની ડાળીએ ડાળીએ વહ્નિની શિખાઓ. કેટલાક તરુણ તો એવા ખીલેલા! દુર્દમ્ય હતી એમની લપટો! કોણ જાણે કવિને શું સૂઝેલું કે કેસૂડાની પુષ્પિત ડાળીઓ કપાવી બસની આગળ બાજુએ ભરાવી દેવડાવી. ત્યાં એક મિત્રે કેસૂડા માટેની મારી ઘેલછા જોઈ કે કેમ એક ભગ્ન મંદિરના પ્રાંગણમાં મારી આગળ કેસૂડાનાં ફૂલ ભરેલો રૂમાલ ધર્યો હતો. ‘લ્યો!’ ફાગણના એક ફૂલને બદલે આટલાં બધાં!

એ પછી કેસૂડાનાં એવાં વન જોયાં નથી. અમદાવાદથી વાયા આબુ રોડ દિલ્હી જતાં વચ્ચે બાલારામ નદીનો એક પટ્ટો આવે છે, ત્યાં પછી છૂટાછવાયાં કેસૂડા જોયેલા, પછી તો એ ખીલેલા હોય, અને આપણે ન જઈએ – અને આપણે જઈએ ત્યારે એ ખીલેલા ન હોય. માત્ર ખીલ્યા હોવાનું સ્મરણ હોય.

હા, ક્યાંક એકલદોકલ ખીલેલા કેસૂડા જોયા છે. નાનપણમાં મારાં ફોઈને ગામ જતાં સીમાડે એક એવો ખીલેલો કેસૂડો જોતો. કેટલીક વાર નીચે પડેલાં ફૂલ વીણવા મારી બા બેસી જાય. ઉનાળામાં અમારા નાનકડા બરડામાં અળાઈઓ ફૂટે ત્યારે બા તડકામાં પાણી મૂકી તેમાં એ સુકાયેલાં કેસૂડા નાંખે. તડકામાં એ પાણી કેવું તો લાલ બને! એ પાણીથી બા નવડાવતી એ સ્મરણ રહ્યું છે. અળાઈઓ મટવાનું સ્મરણ નથી.

કેસૂડાનો ખરેખરો અર્થ તો પછી સમજાતો ગયો છે. એના પોપટની ચાંચ જેવા લાલ વાંકા આકારને લીધે – કિમ્ શુકઃ! પોપટ કે? એવા સંભ્રમમાં એનું નામ પડી ગયું છે કિંશુક. પછી પલાશ. પછી ખાખરો એવું વૈદકીય નામ પણ. પણ ગુજરાતી કેસૂડો જ બરાબર. એ શબ્દાર્થને ઓળંગી જાય છે.

કેસૂડો કામણગારો જી લોલ.

કેસૂડાની સાથે ‘કામ’ જોડાયો છે. પ્રેમ જોડાયો છે, ઉલ્લાસ જોડાયો છે. હોળીના રંગપર્વને ટાણે ગમે તે રંગથી રંગો પણ કેસૂડાનો રંગ એ જ સાચો રંગ. એકસાથે બધું જ કહી દે. એટલે તો એક પત્રની ગડીમાં કોઈએ કેસૂડાની એક કળી મોકલેલી તેથી મનમાં ઉલ્લાસ ઉલ્લાસ વ્યાપી ગયેલો.

નગરમાં તો હવે કેસૂડા વિરલ થતા જાય છે. પહેલાં એક જોતો. એ. જી. ટીચર્સ કૉલેજના મેદાનમાં. એ, એકલો ઊભેલો હોય. આડી ઋતુઓમાં તો કોઈનું ધ્યાન પણ ન જાય. ઠૂંઠ જેવો લાગે. પણ ફાગણ આવ્યો નથી કે વરરાજો બન્યો નથી! હવે એ પણ નથી.

શિરીષ નીચે ચાંદનીમાં બેસી કેસૂડાની આગ યાદ આવી :

કેસૂડે કામણ ઘોળ્યાં,
લ્યો લ્યો કેસૂડા…

‘લ્યો’, પોરોના જંગલમાં કોઈએ કહેલા શબ્દો અને નાનો રૂમાલ ભરીને ધરેલાં કેસૂડાંનું ચિત્ર યાદ આવે છે. હું સુંદરમ્‌ના ગીતને આગળ ગણગણું છુંઃ

વનની વાટે વહાલા
એક ફૂલ દીઠું લોલ,
એકલ કો ડાળ,
એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું,
કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
મને ફાગણનું એક ફૂલ આપો.

હું ગણગણતો ઊભો થયો. શિરીષની સુગંધનું તળાવ ભરાઈ ગયું હતું. પણ હું તો ભર બપોરે ખીલેલાં કેસૂડાંનું ગીત ગણગણતો હતો. કેવો વિપર્યય! ચંદ્ર ઘણો ઉપર આવી ગયો હતો. ચાંદની છલકાતી હતી. હવે તો હું ઘર ભણી ઉગમણી દિશા તરફ, ચંદ્ર તરફ એનાં બદલાતાં પરિદૃશ્યો તરફ જોતો ચાલતો હતો. ક્યારેક વૃક્ષની ટોચે, ક્યારેક ડાળી વચ્ચેથી, ક્યારેક દૂરની બહુમાળી ઇમારતની ઊંચી અગાશીએ.

પાછા આવતાં રસ્તે બે મિત્રો મળ્યા. કહે ક્યાં જઈ આવ્યા! મેં કહ્યું, જરા ચંદ્રને પ્રેમ કરીને આવ્યો. તો વિનોદમાં એક મિત્રે કહ્યું – હા, હવે ચંદ્રમુખીઓ ક્યાં છે – તે ચંદ્રમુખી નહિ ને ચંદ્ર! અમે હસી પડ્યા. હા, હવે ચંદ્રમુખીને યાદ કરીને માત્ર ચંદ્ર.

પણ પછી અજવાળાં આવ્યાં. રસ્તા પરની ટ્યુબલાઇટોનાં, ઝબક ઝબક થતાં વિજ્ઞાપનોનાં ચકાચૌંધ અજવાળાં. ચંદ્ર ઉપર જોતો રહી ગયો અને ચાંદની અપહૃત. છતાં ‘મને ફાગણનું એક ફૂલ આપો…’ વાળી એ લીટી હોઠ પર આવી અને એ ગણગણતાં વાહનોથી ભરચક રસ્તો ઓળંગ્યો.

ઘરમાં આવ્યો ત્યારે તો દેશ અને દુનિયાના સમાચાર ટી.વી. પરથી પ્રસારિત થતા હતા. સારે દેશ મેં હોલી ધૂમધામ સે મનાયી ગઈ – એવા સમાચાર કેટલાક રંગરસિયાઓની રંગલીલા સાથેનાં દૃશ્યો સમેત વહેતા થતા હતા. હું પણ પછી કામમાં પડ્યો. ચંદ્ર-ચાંદની-ફાગણનું ફૂલ થોડી વાર વીસરાઈ ગયાં.

ત્યાં એકાએક વીજળી જતી રહી છે. આજે ચંદ્ર સાથે મૈત્રીયોગ છે. બહાર ચાંદની ફાટફાટ છે. એને મોકો મળ્યો છે. હું બાલ્કનીમાં ઊભો છું. ત્યાં પાછું પેલું ગાન હોઠે ચઢે છે :

મને ફાગણનું એક ફૂલ આપો,
કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

માર્ચ ૧૯૯૦