ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગઝલ લખીએ

૧૯
ગઝલ લખીએ

સર્વમાં ખૂટતી ગઝલ લખીએ
ચાલ સૃષ્ટિ વતી ગઝલ લખીએ

આયનો થઈ અને ઊભા રહીએ
એના ચહેરા સમી ગઝલ લખીએ

જેની આડે કોઈ છુપાય નહીં
પારદર્શક નરી ગઝલ લખીએ

મૂંઝવી નાંખીએ વિવેચનને
ઊલટી-સૂલટી ગઝલ લખીએ

હોય મા-બાપ સર્વ બાળકને
ચાલ સાથે મળી ગઝલ લખીએ

(પ્રેમપત્રોની વાત પૂરી થઈ)