ભરત વિંઝુડાની ગઝલસંપદા/જેવું કાંઈ નથી
૪૨
જેવું કાંઈ નથી
જેવું કાંઈ નથી
હા ના હા ના હા ના જેવું કાંઈ નથી,
ભીંત અને દરવાજા જેવું કાંઈ નથી!
પંડ તથા પડછાયા જેવું કાંઈ નથી,
નામ અને સરનામા જેવું કાંઈ નથી!
મીંડા મીંડા મીંડાઓ છે કાગળ પર,
કરીએ તો સરવાળા જેવું કાંઈ નથી!
પોતાની આંખો છે ને સપનાંઓ છે,
મોહ નથી તો માયા જેવું કાંઈ નથી!
પ્રેમ વિશે કંઈ વાત કરો તો શું કરીએ?
સંવેદનને ભાષા જેવું કાંઈ નથી!
બેમાંથી જે એકરૂપ થઈ જાએ છે,
તારા જેવું, મારા જેવું કાંઈ નથી!
મોતી લાગ્યાં હાથ તો એને ગણવામાં,
મણકા જેવું, માળા જેવું કાંઈ નથી!