ભરત વિંઝુડાની ગઝલસંપદા/તે આજ છે

૭૦
તે આજ છે

આજ નથી તે કાલ છે, કાલ નથી તે આજ છે;
વ્યક્તિ બદલતી હોય છે, એના એ તખ્તોતાજ છે.

સૌના વિચાર છે અલગ, તોય થયા છે એકઠાં,
સાથે જણાય એટલે લાગે કે આ સમાજ છે.

કેમ નમાવવાની બહુ થાય છે ઇચ્છા આપને?
મારી ઢળે છે પાંપણો એ જ ખરી નમાજ છે.

કોઈ મને બતાવતું હોય નહીં બીજી દવા,
જાગી જવું છે દર્દ ને ઊંઘી જવું ઈલાજ છે.

આમ વિરોધાભાસમાં કેમ જિવાય જિંદગી?
કામ નથી કોઈ મને, કોઈને કામકાજ છે.

હોય વધારે લાગણી, ભેટી પડાય છે તરત,
એ જ કર્યું છે આપણે, કેમ કે એ રિવાજ છે.

(તમારા માટે)