ભરત વિંઝુડાની ગઝલસંપદા/થયો


થયો

કંઈક અગ્નિકણોનો સંગ થયો
ને લિસોટો પછી સળંગ થયો

ઊડવાની જરાક ઇચ્છાનો-
એકડો ઘૂંટતાં પતંગ થયો

કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એક રંગ થયો

તારની જેમ એક માણસ પણ
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો

ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.