ભરત વિંઝુડાની ગઝલસંપદા/મળ્યાં


મળ્યાં

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા

જોવાં મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈવર અહીં બધાને ફક્ત ધારવા મળ્યા

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા

આંખો મળી છે દૃશ્યને ઝીલી બતાવવા
ચશ્માં જરાક એમાં મદદ આપવા મળ્યાં

ઊંચાઈ બેઉમાંથી વધુ કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં

(પંખીઓ જેવી તરજ)