ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/કાગડા અને ઘુવડ વચ્ચેના વેરની પૂર્વકથા


કાગડા અને ઘુવડ વચ્ચેના વેરની પૂર્વકથા

એક સમયે હંસ, પોપટ, બગલો, કોયલ, ચાતક, ઘુવડ, મોર, કપોત, પારેવો, કૂકડો વગેરે સર્વ પક્ષીઓ એકત્ર થઈને ઉદ્વેગપૂર્વક વિચાર કરવા લાગ્યાં, ‘અહો! ગરુડ આપણો રાજા છે, પણ એ તો શ્રીવાસુદેવની સેવામાં આસક્ત થયેલો હોવાથી આપણી કંઈ ચિન્તા કરતો નથી. માટે એ વૃથા સ્વામીથી શું, કે જે પારધીના પાશથી નિત્ય વધ પામતાં એવાં આપણી રક્ષા કરતો નથી? કહ્યું છે કે

ત્રાસ પામેલાં તથા બીજાઓ વડે પીડાતાં પ્રાણીઓની જે સદા રક્ષા કરતો નથી તે રાજાના રૂપમાં કાળ છે, એમાં સંશય નથી. સારી રીતે દોરનાર — નેતા — એવો રાજા જો ન હોય તો, કર્ણધાર વિનાની નૌકાની જેમ, મનુષ્યો નાશ પામે. ઉપદેશ નહિ આપનાર આચાર્ય, અધ્યયન નહિ કરનાર ઋત્વિજ, રક્ષણ નહિ કરનારા રાજા, અપ્રિય બોલનાર પત્ની, ગામમાં રહેવા ઇચ્છતો ગોવાળ અને વનમાં રહેવા ઇચ્છતો વાળંદ — એ છનો મનુષ્યે, સમુદ્રમાં ભાંગી ગયેલા વહાણની જેમ, ત્યાગ કરવો.

માટે વિચાર કરીને બીજા કોઈને પક્ષીઓનો રાજા કરવો જોઈએ.’ પછી તે સર્વેએ ભદ્ર આકારવાળા ઘુવડને જોઈને કહ્યું કે, ‘આ ઘુવડ આપણો રાજા થશે. માટે રાજાના અભિષેકને લગતી સામગ્રી લાવો.’ પછી વિવિધ તીર્થનાં જળ લાવવામાં આવ્યાં, એકસો આઠ ઔષધિનાં મૂળિયાંની સામગ્રી તૈયાર કરવામાં આવી, સિંહાસન લાવવામાં આવ્યું, સાત દ્વીપવાળી પૃથ્વીનું મંડળ ચીતરવામાં આવ્યું, વ્યાઘ્રચર્મ પાથરવામાં આવ્યું, સુવર્ણના ઘડા ભરવામાં આવ્યા; દીપ, વાદ્ય અને દર્પણાદિ માંગલિક વસ્તુઓ તૈયાર કરવામાં આવી, મુખ્ય બંદીજનો સ્તુતિપાઠ કરવા લાગ્યા, બ્રાહ્મણો એક અવાજે વેદોચ્ચાર કરવામાં પરાયણ થયા, યુવતીઓ ગીત ગાવા લાગી અને પટરાણી કૃકાલિકાને લાવવામાં આવી તે સમયે, ઘુવડ અભિષેકને માટે સિંહાસન ઉપર બેસવા જતો હતો ત્યારે ક્યાંકથી કાગડો આવ્યો. તેણે વિચાર્યું, ‘પક્ષીઓનો આ મેળો અને મહોત્સવ શેનો છે?’ પછી એ પક્ષીઓ તેને જોઈને પરસ્પર કહેવાં લાગ્યાં, ‘પક્ષીઓમાં કાગડો ચતુર હોય છે એમ સંભળાય છે. કહ્યું છે કે

મનુષ્યોમાં વાળંદ, પક્ષીઓમાં કાગડો, દાઢવાળાં પ્રાણીઓમાં શિયાળ, અને તપસ્વીઓમાં શ્વેતભિક્ષુ ધૂર્ત હોય છે.

માટે એનું વચન ગ્રહણ કરવું જોઈએ. કહ્યું છે કે

વિદ્વાનોએ ઘણી વાર એ ઘણાની સાથે ચર્ચેલા તથા સારી રીતે યોજેલ અને વિચારેલ નયો — યોજનાઓને કોઈ રીતે નિષ્ફ્ળતા મળતી નથી.

પછી કાગડાએ આવીને તે કહ્યું, ‘મહાજનોનું આ સંમેલન તથા પરમ મહોત્સવ શા માટે છે?’ તેઓ બોલ્યાં, ‘અરે! પક્ષીઓનો કોઈ રાજા નથી, માટે સર્વ પક્ષીઓએ આ ઘુવડનો પક્ષીઓના રાજા તરીકે અભિષેક કરવાનું ઠરાવ્યું છે, તેથી તું પણ તારો અભિપ્રાય આપ. યોગ્ય સમયે તું આવ્યો છે.’ પછી એ કાગડાએ હસીને કહ્યું, ‘અહો! મયૂર, હંસ, કોકિલ, ચક્રવાક, પોપટ, હારીત, સારસ આદિ મુખ્ય પક્ષીઓ વિદ્યમાન હોવા છતાં દિવસ-અંધ અને કરાલ મુખવાળા આ ઘુવડનો અભિષેક કરવામાં આવે છે એ યોગ્ય નથી. માટે એમાં મારો મત નથી. કેમ કે

આ દિવસ-અંધ ઘુવડ કોપાયમાન થયેલો નહિ હોવા છતાં વાંકા નાકવાળો, આકરી આંખવાળો, ભયંકર, અને અપ્રિય દેખાવવાળો છે, તો એ કોપાયમાન થાય ત્યારે કેવો લાગશે?

તેમ જ

સ્વભાવથી જ ભયંકર, અતિ ઉગ્ર, ક્રૂર અને અપ્રિય દેખાવવાળા ઘુવડને રાજા બનાવવાથી આપણને શી સિદ્ધિ મળવાની છે?

વળી ગરુડ આપણા સ્વામી હોવા છતાં આ દિવસ-અંધને શા માટે સ્વામી કરવામાં આવે છે? તે કદાચ ગુણવાન હોય તો પણ એક રાજા હોવા છતાં બીજો રાજા બનાવવાનુંપ્રશંસાપાત્ર ગણાતું નથી.

એક જ તેજસ્વી રાજા પૃથ્વીને માટે હિતકારી થાય છે; પ્રલયકાળના સૂર્યોની જેમ અહીં ઘણા રાજાઓ તો વિપત્તિકારણ થઈ પડે છે.

વળી તમે તેનું — ગરુડનું માત્ર નામ લઈને પણ શત્રુઓથી અજેય થશો. કહ્યું છે કે

દુષ્ટોની આગળ પોતાના સ્વામી તરીકે મોટા પુરુષોનું નામમાત્ર પણ લેવાથી તે જ ક્ષણે કલ્યાણ થાય છે.

તેમ જ

મોટાનું નામ લેવાથી પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચંદ્રનું નામ લેવાથી સસલાં સુખપૂર્વક વસે છે.’

તેઓ બોલ્યાં, ‘એ કેવી રીતે’ કાગડો કહેવા લાગ્યો —