ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/માર્કણ્ડેય મુનિની કથા


માર્કણ્ડેય મુનિની કથા

મુનિ મૃકુણ્ડુ નિ:સંતાન હોવાથી તેમણે પુત્રેચ્છા માટે પત્ની સાથે શંકર ભગવાનને તપ કરી પ્રસન્ન કર્યા. ભગવાને જ્યારે તેમને વર માગવા કહ્યું ત્યારે તેમણે પુત્ર માગ્યો. ભગવાને તેમને બે વિકલ્પ આપ્યા: દીર્ઘાયુષ્ય ધરાવતો ગુણહીન પુત્ર કે અલ્પાયુષ ધરાવતો ગુણવાન પુત્ર. ઋષિએ ગુણવાન પુત્ર માગ્યો. ભગવાન તથાસ્તુ કહી અંતર્ધાન થયા. ઋષિ પત્નીને લઈને ઘેર આવ્યા. થોડા દિવસે ઋષિપત્ની સગર્ભા થઈ અને સમયાંતરે તેમને ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થયો.

એક દિવસ બાળક જ્યારે ઘરના આંગણામાં હરતોફરતો હતો ત્યારે એક સિદ્ધ જ્ઞાની ત્યાં આવી ચઢ્યા. તેમણે પાંચ વરસના બાળકને ધ્યાનથી જોયો. પછી પિતાએ પુત્રના આયુષ્ય વિશે પૂછ્યું ત્યારે ઉત્તર મળ્યો, ‘તેના આયુષ્યમાં હવે માત્ર છ મહિના બાકી છે. તમે શોક ન કરતા.’

આ સાંભળીને તેના પિતાએ પુત્રના ઉપનયન સંસ્કાર કર્યા અને પછી પુત્રને કહ્યું, ‘હવે તને જે જે મુનિ દેખાય તેમને તું પ્રણામ કરજે.’ પુત્ર પિતાની વાત માનીને બધાને પ્રણામ કરવા લાગ્યો. આમ કરતાં કરતાં હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા. તેમના આશ્રમમાં સપ્તષિર્ઓ પધાર્યા, બાળકે બધાને પ્રણામ કર્યાં એટલે તેમણે તેને ચિરંજીવ રહેવાનો આશીર્વાદ આપ્યો. પછી તેમણે બાળકના આયુષ્યનો વિચાર કર્યો ત્યારે તેમને બાળકના આયુષ્યમાં હવે માત્ર પાંચ જ દિવસ બાકી છે એ સમજાયું. તેઓ ભયભીત થઈને બાળકને બ્રહ્મા પાસે લઈ ગયા. પ્રજાપતિએ પણ બાળકને ચિરંજીવ થજે એવો આશીર્વાદ આપ્યો. આ સાંભળીને સપ્તષિર્ઓ પ્રસન્ન થયા. બ્રહ્માએ તેમને તેમના આગમનનું કારણ પૂછ્યું.

ઋષિઓએ કહ્યું, ‘આ બાળક મૃકુણ્ડુ મુનિનો પુત્ર છે. તેનું આયુષ્ય પૂરું થયું છે. બધાને પ્રણામ કરવાની તેને આદત પડી ગઈ હતી. એક દિવસ અમે ત્યાં જઈ ચઢ્યા એટલે તેણે અમને પ્રણામ કર્યાં અને અમે તેને ચિરંજીવ થવાનો આશીર્વાદ આપ્યો. ભગવાન, તમે પણ એવો જ આશીર્વાદ આપ્યો. હવે આપણે જૂઠા કેવી રીતે પડીએ?’

બ્રહ્માએ તેને પોતાના જેટલું આયુષ્ય આપ્યું. પછી બાળકે પૃથ્વી પર જઈને પોતાના પિતાને બધી વાત કરી. તેઓ ખૂબ જ પ્રસન્ન થયા.

(સૃષ્ટિખંડ)