ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/સુબન્ધુકૃત વાસવદત્તા


સુબન્ધુકૃત વાસવદત્તા

પ્રાચીન કાળમાં ચિન્તામણિ નામના રાજા થઈ ગયા. તેમનો એક પુત્ર કન્દર્પકેતુ હતો. તેણે એક વેળા સ્વપ્નમાં કોઈ કન્યા જોઈ. તેને સારી રીતે જોયા પછી અચાનક તેની ઊંઘ ઊડી ગઈ, અને તે જાગી ગયો. પછી દ્વાર બંધ કરીને બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને દિવસ તો તેણે જેમ તેમ વીતાવ્યો, પછી રાત પણ માંડ માંડ વીતાવી. થોડી વારે તેનો પ્રિય મિત્ર મકરન્દ દ્વાર ખોલીને માંડ માંડ અંદર ગયો અને તેણે જોયું તો કન્દર્પકેતુ કામબાણથી પીડાતો હતો. તેણે મિત્રને કહ્યું, ‘મિત્ર, આ શું છે? તું કામવાસનામાં સરકી ગયો છે! તારું આવું વર્તન જોઈને સજ્જનો તર્કવિતર્ક કરી રહ્યા છે અને દુર્જન લોકો તારી નિંદા કરી રહ્યા છે. દુષ્ટોનું હૃદય તો નિંદારસમાં આનંદ લેતું હોય છે. આ દુર્જનોના મનને તો કોણ પામી શકે?’

મકરન્દની વાત સાંભળીને કન્દર્પકેતુ બોલ્યો, ‘મિત્ર, હું અત્યારે બહુ શોકગ્રસ્ત છું. કર્તવ્ય-અકર્તવ્યની કશી સૂઝ પડતી નથી. સ્મરણશક્તિ લુપ્ત થઈ ગઈ છે. એટલે અત્યારે આ વાત પડતી મૂક. તું તો બાળપણથી મારો સાથી રહ્યો છે તો ચાલ મારી સાથે.’ એમ કહીને બધાની નજરે પડ્યા વિના નગરની બહાર નીકળી પડ્યા. એમ ચાલતાં ચાલતાં તેઓ વિંધ્યાચળ પાસે આવી ગયા.

મકરન્દે ફળફૂલ લાવીને મિત્રને ભોજન કરાવ્યું અને પછી પોતે પણ થોડું ઘણું ખાધું. પછી મકરન્દે પાંદડાની જે શય્યા કરી તેના પર સૂઈ ગયો. તેનું આખું શરીર સુસ્ત થઈ ગયું હતું. રાતના બીજા પ્રહરે જાંબુના વૃક્ષ પર અંદરઅંદર ઝઘડતા શુકસારિકાના અવાજ સાંભળીને કંદર્પકેતુએ મકરન્દને કહ્યું,‘મિત્ર, આ બેની વાતો સાંભળવી જોઈએ.’

તે વેળા પાંદડાની ઘટામાં બેઠેલી સારિકાએ ક્રોધે ભરાઈને શુકને કહ્યું, ‘અરે લુચ્ચા, તું બીજી કોઈ સારિકાને શોધવા ગયો હતો ને! નહીંતર તને આટલું મોડું કેવી રીતે થાય?’ આ સાંભળીને શુકે કહ્યું, ‘ક્રોધ ન કર. મેં એક અદ્ભુત કથા સાંભળી છે અને જોઈ પણ. એટલે જ મને મોડું થઈ ગયું.’ આ સાંભળીને સારિકાને બહુ જિજ્ઞાસા થઈ અને સારિકાએ વારંવાર પૂછ્યું એટલે તેણે કથા કહેવા માંડી.

‘કુસુમપુર નામનું એક અદ્ભુત નગર છે. એમાં શૃંગારશેખર નામનો રાજા. તેની રાણી અનંગવતી. તેની પુત્રી વાસવદત્તા. એવામાં વસંત ઋતુ આવી પહોેંચી.

વાસવદત્તાની સખીઓ પાસેથી તેની ઇચ્છા જાણીને શૃંગારશેખર રાજાએ સ્વયંવર માટે આખી પૃથ્વીના રાજકુમારોને આમંત્ર્યા, પછી વાસવદત્તા પાલખીમાં બેઠી. વાસવદત્તાપ્રાપ્તિ માટે બધા રાજકુમારો પ્રતીક્ષા કરતા હતા. વાસવદત્તા ક્ષણવાર એક એકને જોઈ વિરક્તિ અનુભવી રહી હતી. એ વાસવદત્તાએ એ જ રાતે સ્વપ્નમાં એક યુવક જોયો. તે રાજા ચિન્તામણિનો પુત્ર છે અને એનું કન્દર્પકેતુ છે એ બધી વિગતો તેણે સ્વપ્નમાં સાંભળી હતી. તેને થયું, ‘પોતાનું હસ્તકૌશલ્ય એક જ સ્થળે જોવાની ઇચ્છાથી બ્રહ્માએ સમસ્ત સંસારનું સૌન્દર્ય એકત્રિત કરીને એ નવયુવાનનું સર્જન કર્યું હોવું જોઈએ.’ એને જોઈને વાસવદત્તા અન્યમનસ્ક થઈ ગઈ, તે કામજ્વર વેઠી શકી નહીં. તે કન્દર્પકેતુને આમતેમ જોયા જ કરતી હતી.

પછી તેની પ્રિય સખીઓએ કન્દર્પકેતુનું મન જાણવા માટે તમાલિકાને મોકલી. તે પણ મારી સાથે સાથે જ નીકળી અને આ વૃક્ષની નીચે જ બેઠી છે. પછી મકરન્દે આનંદમાં આવી જઈને તમાલિકાને બોલાવીને બધી વાત કહી. તેણે પ્રણામ કરીને પત્ર આપ્યો, મકરન્દે એ પત્ર વાંચ્યો- કામિનીનું હૃદય પ્રિયતમના ભાવોને પ્રત્યક્ષ જોઈને પણ સ્થિર નથી થતું, તો પછી જેણે સ્વપ્નમાં ભાવ અનુભવ્યા હોય તે યુવતી એના પર કેવી રીતે વિશ્વાસ મૂકી શકે?’

આ સાંભળીને કન્દર્પકેતુએ પોતાને અમૃતસાગરમાં ડૂબેલો, અનેક પ્રકારના આનંદનો અનુભવ કરતો માની લીધો. તેણે તમાલિકાનો સત્કાર કર્યો અને વાસવદત્તા વિશે જાતજાતનું પૂછવા લાગ્યો. એ આખો દિવસ ત્યાં જ વીતાવીને તમાલિકા અને મકરન્દને લઈને કન્દર્પકેતુ ત્યાંથી નીકળી પડ્યો. પછી કાર્તિકેય જેવા પ્રભાવશાળી કન્દર્પકેતુએ નગરમાં પ્રવેશી વાસવદત્તાભવન જોયું. પછી તે સ્ત્રીઓની પ્રેમપૂર્ણ વાતો સાંભળતો મકરન્દની સાથે વાસવદત્તાભવનમાં પ્રવેશ્યો. વાસવદત્તાના અનુપમ સૌન્દર્ય જોઈને તે મૂચ્છિર્ત થઈ ગયો. તેની આવી દશા જોઈને વાસવદત્તા પણ મૂચ્છિર્ત થઈ ગઈ. પછી મકરન્દ અને સખીઓના ટેકાથી બંને સ્વસ્થ થઈને એક આસન પર બેઠા. વાસવદત્તાની પ્રાણથીય વહાલી સખી કલાવતીએ કન્દર્પકેતુને કહ્યું, ‘નિશ્ચંતિ બેસીને પ્રેમાલાપ કરવાનો આ અવસર નથી. એટલે હું ટૂંકમાં વાત કહું છું. આ વાસવદત્તાએ તમારા માટે જે યાતનાઓ વેઠી છે તે કેવી રીતે વર્ણવાય? જો આકાશ જેટલો કાગળ લઈએ, સમુદ્ર જેટલો ખડિયો લઈએ, બ્રહ્મા લેખક હોય અને સર્વરાજ વક્તા બને તો કદાચ હજાર યુગોમાં એનો થોડો ભાગ લખી શકાય. તમે તો રાજ્ય ત્યજી દીધું છે, વધુ તો શું કહું? તમે તમારી જાતને પણ સંકટમાં નાખી છે. અમારી આ રાજકન્યાને કાલે સવારે તેના પિતાએ વિદ્યાધર ચક્રવર્તી વિજયકેતુના પુત્ર પુષ્પકેતુને આપવાનો નિર્ણય આપખુદ બનીને કરી જ લીધો છે. અહીં વાસવદત્તાએ અમારી સાથે નિશ્ચય કર્યો હતો કે જો આજે તમાલિકા કન્દર્પકેતુને લઈને નહીં આવે તો તે અગ્નિપ્રવેશ કરશે. સદ્ભાગ્યે તમે આવી જ ગયા છો. હવે તો જે કંઈ કરવું હોય તે તમે વિચારી લો.’ આટલું કહીને તે ચૂપ થઈ ગઈ.

કન્દર્પકેતુએ અત્યન્ત ભય પામીને, પ્રેમ અને આનન્દ રૂપી અમૃતસાગરમાં સ્નાન કરીને વાસવદત્તા સાથે ચર્ચા કરી, પછી સમાચાર જાણવા માટે મકરન્દને નગરમાં મોકલ્યો. પોતે મનોજવ નામના અશ્વ પર બેસીને વાસવદત્તાને લઈને નગરમાંથી નીકળી ગયો.

પછી ચારેક યોજન ચાલીને તે સ્મશાનભૂમિમાં પહોંચ્યો. ત્યાં માનવમાંસ ખાવાની ઇચ્છાથી કંક નિર્ભયતાથી ફરતા હતા. ક્યાંક અર્ધી સળગેલી ચિતામાં અનેક ગંધથી આકર્ષાઈને પિશાચો, વેતાલોના અવાજ બીવડાવતા હતા. એ સ્મશાનભૂમિમાંથી નીકળી થોડી વારમાં ખૂબ જ યોજનો વટાવીને વિંધ્યાચળવિસ્તારમાં તેઓ પ્રવેશ્યા. પછી આખી રાતના ઉજાગરાને કારણે તથા ભોજન ન મળવાને કારણે શરીરને સુસ્ત કરીને કન્દર્પકેતુ પડ્યો હતો. કેટલાય યોજનો ચાલવાને કારણે તે ખૂબ જ થાકી ગયો હતો. વાસવદત્તાની સ્થિતિ પણ એવી જ હતી. એટલે તે બંને પુષ્પોની ગંધથી છવાયેલા તથા ભમરાઓના ગુંજનવાળા લતાગૃહમાં સૂઈ ગયા. તે વખતે તેમની બધી ઇન્દ્રિયો નરી શિથિલ થઈ ગઈ હતી એટલે સ્વાભાવિક રીતે જ તેમને ઊંઘ પણ આવી ગઈ.

પછી સૂર્યભગવાન આકાશમાં ઊંચે પહોંચ્યા ત્યારે કન્દર્પકેતુની આંખ ઊઘડી ગઈ. ત્યાં આમતેમ નજર કરી પણ લતાગૃહમાં વાસવદત્તા ક્યાંય ન હતી. વૃક્ષો પર, જમીન પરના કૂવાઓમાં, સૂકાં પાંદડાંના ઢગલામાં, આકાશમાં, દસે દિશાઓમાં ક્યાંય ન જોઈ એટલે તે વિલાપ કરવા લાગ્યો. ‘અરે, વાસવદત્તા, મને દર્શન આપ. મજાક ન કર. તું ક્યાં સંતાઈ ગઈ છે? મેં તારા માટે જે યાતનાઓ વેઠી છે તેની તને જાણ છે. અરે મિત્ર મકરન્દ, દુર્ભાગ્યની રમત તો જો. પૂર્વજન્મમાં મેેં કયાં દુષ્કર્મ કર્યાં હશે? ભગવાન શું કરવા માગે છે? કાળની ગતિ પણ કેવી છે, ગ્રહોની દૃષ્ટિ કેવી દુઃખદ છે. ગુરુજનોના આશીર્વાદ ઊલટા થઈ ગયા છે…’

આમ અનેક રીતે વિલાપ કરતો તે ઇચ્છામૃત્યુની કલ્પના કરતો જંગલમાંથી નીકળ્યો. આસપાસની પ્રકૃતિ જોઈને કન્દર્પકેતુ વિચારવા લાગ્યો,‘ભાગ્યે અપકાર કરતાં કરતાં મારા પર ઉપકાર કર્યો છે. એટલે આ સામે સમુદ્ર દેખાય છે. હવે અહીં હું શરીરનું વિસર્જન કરીશ. સ્વસ્થ પુરુષે આત્મહત્યા નહીં કરવી જોઈએ તો પણ હું કરીશ.’ અને આમ કન્દર્પકેતુ સમુદ્રમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યા, ત્યાં જ આકાશવાણી સંભળાઈ. ‘કન્દર્પકેતુ, બહુ જલદી તને તારી પ્રિયતમા મળશે. એટલે આત્મહત્યાનો વિચાર માંડી વાળ.’ આ સાંભળીને તેણે એ વિચાર માંડી વાળ્યો. પ્રિયામિલનની આશા કરતો તે પ્રાણને ટકાવી રાખવા ભોજન કરવા તે કચ્છ પાસેના વનમાં ગયો. ત્યાં આમતેમ રખડીને ફળમૂળ ખાઈને તેણે ખાસ્સો સમય વીતાવી દીધો.

થોડા સમયે વર્ષા ઋતુ આવી, કન્દર્પકેતુ આમતેમ ભમવા લાગ્યો, અને ત્યાં તેણે વાસવદત્તા જેવી દેખાતી પથ્થરની એક પ્રતિમા જોઈ, તેનો સ્પર્શ કર્યો. અડતાંવેંત તે પ્રતિમા જીવતીજાગતી વાસવદત્તામાં ફેરવાઈ ગઈ. કન્દર્પકેતુએ તેને ભેટીને પૂછ્યું, ‘પ્રિય વાસવદત્તા, આ બધું શું છે?’

તેણે દીર્ઘ નિશ્વાસ નાખીને ઉત્તર આપ્યો, ‘મારા જેવી અભાગણી માટે, પાપી માટે તમે રાજ્ય ત્યજીને સામાન્ય માનવીને જેમ આમતેમ ઘૂમીને દુઃખ ભોગવો છો, એ ન તો વાણીથી કહી શકાય, ન તો તેનો વિચાર કરી શકાય. તમે ભૂખેતરસે વ્યાકુળ થઈને સૂઈ ગયા હતા. હું વહેલી જાગી ગઈ અને તમારા માટે ફળફળાદિ લાવવાની ઇચ્છાથી થોડે જ દૂર ગઈ.

પછી થોડી જ વાર વૃક્ષોમાં અને ઝાડીઓમાં સેનાનો પડાવ જોયો. મને વિચાર આવ્યો, મને બળજબરીથી લઈ જવા માટે પિતાની સેના આવી છે કે પછી આર્યપુત્રની સેના છે. તે જ વખતે ગુપ્તચર પાસેથી સમાચાર સાંભળીને એક કિરાતસેનાપતિ દૂરથી મારી સામે દોડતો આવ્યો. તે જ વખતે બીજો કિરાતસેનાપતિ પણ બધી વાત સાંભળીને મારી સામે દોડતો આવ્યો.

એક જ માંસપિંડ માટે ઝઘડતા બે ગીધની જેમ તે બંને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તેમની બાણવર્ષાથી સૂર્ય ઢંકાઈ ગયો. યુદ્ધભૂમિ ધૂળથી છવાઈ ગઈ, પછી નરકાસુરના ઘાતક નારાયણની જેમ કોઈએ મનુષ્યનું મસ્તક છેદી નાખ્યું, વેદવાક્ય અને દર્શનશાસ્ત્રોનો અનાદર કરનારા બૌદ્ધમતની જેમ કોઈના કાન, મેં, નેત્ર નષ્ટ થઈ ગયાં. પછી તો બંને સેનાનાં ધ્વજાપતાકા પડી ગયાં, અને બંનેનો વિનાશ થયો.

પછી પુષ્પ લઈ આવેલા આશ્રમસ્વામી મુનિએ યોગદૃષ્ટિથી બધી ઘટના જાણી અને તે ક્રોધે ભરાયા. ‘તારા જ કારણે મારો આ આશ્રમ ઉજ્જડ થઈ ગયો છે. એટલે તું પથ્થરની પ્રતિમા થઈ જા.’ એવો શાપ મને આપ્યો. પછી આ શાપથી આ કન્યા બહુ દુઃખી થઈ રહી છે એમ જાણીને, મેં બહુ કોશિશ કરી એટલે કહ્યું ‘જા, આર્યપુત્ર તારો સ્પર્શ કરશે એટલે તું ફરી હતી તેવી ને તેવી થઈ જઈશ.’

પછી મકરન્દે પણ ત્યાં આવીને બધી વાત જાણી. કન્દર્પકેતુ તેને અને વાસવદત્તાને લઈને પોતાના નગરમાં ગયો અને ત્યાં સ્વર્ગમાં ન સાંપડે એવું સુખ ભોગવવા લાગ્યો અને ઘણો સમય વીતાવ્યો.

(મૂળમાં કથા આટલી જ છે, પણ સુબન્ધુએ વચ્ચે વચ્ચે વર્ણનો કરી કરીને કથાને વિસ્તારી છે. આનો આછો ખ્યાલ આવે એટલા માટે એક નમૂનો જોઈએ. સારિકાની જિજ્ઞાસા સંતોષવા શુક તેને એક કથા કહે છે.)

‘કુસુમપુર નામનું એક નગર છે. તેના પ્રાસાદ ઉત્તમ સુધા અમૃતથી ધવલ હતા; શાલભંજિકા નામની વિદ્યાધરીથી અલંકૃત, બૃહતકથાના દીર્ઘ ભેદો જેવા દેખાતા, સ્તંભો પર કોતરેલી પૂતળીઓથી સુશોભિત છે.

મદમસ્ત હાથીઓના ઝુંડની જેમ અનેક ઓરડાઓથી સુશોભિત છે. સુગ્રીવની સેના જેવા ગવાક્ષોથી સુંદર દેખાય છે……’

આરંભે રાજાનું વર્ણન કરવામાં આવ્યું છે.

‘આ રાજાના શાસનકાળમાં છલ, જાતિ, નિગ્રહનો પ્રયોગ વાદવિવાદમાં થતો હતો પણ છલપૂર્વક બીજી જાતિઓનો નિગ્રહ થતો ન હતો. નાસ્તિકતા ચાર્વાકોમાં હતી, પ્રજામાં નહીં. પરસ્પરના સંબંધોમાં રોમાંચ થતા પણ પ્રજામાં એવા કંટક રોમાંચ ન હતા. વીણાઓમાં વીણાદંડનો પ્રયોગ થતો હતો પણ પ્રજામાં કોઈની નિંદા થતી ન હતી.’

એક બીજા રાજાનું વર્ણન આમ થયું છે.

‘તે રાજા રાજનીતિમાં ચતુર હતો, સમુદ્ર સુધીની પૃથ્વીનો તે અધિપતિ હતો, તેના રાજ્યમાં પિતૃકાર્યમાં જ વૃષભને દોડાવતા હતા, પરંતુ રાજામાં એવું ન હતું. ચન્દ્રમા જ કન્યા અને તુલા રાશિ પર ગતિ કરતો હતો, પ્રજામાં કોઈ વ્યક્તિ તુલા પર ચઢતી ન હતી, કોઈ વ્યક્તિ કશો અપરાધ કરતી ન હતી.’