ભારતીયકથાવિશ્વ−૪/મત્સ્યપુરાણ/ત્રિપુરનિર્માણની કથા


ત્રિપુરનિર્માણની કથા

મય નામનો માયાવી અસુર અનેક પ્રકારની માયાઓ ઊભી કરી શકતો હતો. યુદ્ધમાં દેવતાઓએ તેને હરાવ્યો એટલે તેણે ઘોર તપ કરવા માંડ્યું. તેને તપ કરતો જોઈ વિદ્યુન્માલી અને તારક નામના બે દૈત્ય પણ તપ કરવા લાગ્યા. તેઓ બંને મયની પાછળ બેસીને તપ કરતા હતા, તપને કારણે તેઓ ત્રણે અગ્નિનાં લૌકિક રૂપ હતા. ત્રિલોકને દઝાડતા તેઓ તપમાં મગ્ન હતા. હેમંત ઋતુમાં પાણીમાં રહેતા, ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિ તપ કરતા, વર્ષાઋતુમાં આકાશ નીચે ઊભા રહેતા હતા. તેઓ પોતાના શરીરને સૂકવી રહ્યા હતા અને માત્ર ફળફૂલમૂલ જળનો આહાર કરતા હતા. ક્યારેક તો તેઓ નિરાહાર રહેતા હતા. તેમનાં વલ્કલો પર કીચડ જામી ગયો હતો, તેઓ વિમલ દેહધારી હોવા છતાં કીચડમાં પડી રહેતા હતા. તેમના શરીરનું માંસ શોષાઈ ગયું હતું. તેઓ એટલા તો દુર્બળ બની ગયા હતા કે તેમના શરીરની નસો બહાર દેખાતી હતી. તેમના તપના પ્રભાવે અખિલ વિશ્વ ઝાંખું પડી ગયું. સર્વત્ર ઉદાસીનતા છવાઈ ગઈ. બધાના સ્વર ઝાંખા થઈ ગયા. દાનવોના અગ્નિથી વિશ્વને સળગતું જોઈ બ્રહ્મા તેમની પાસે આવ્યા.

પિતામહને પોતાની સમક્ષ ઉપસ્થિત જોઈને તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માનાં નેત્ર અને મુખ હર્ષથી ઘેલાં બન્યાં. પછી તેમણે કહ્યું, ‘પુત્રો, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. તમને વરદાન આપવા આવ્યો છું. જે ઇચ્છા હોય તે જણાવો.’

આ સાંભળી અસુરશિલ્પીનાં નેત્ર ઝગમગી ઊઠ્યાં, તે બોલ્યો, ‘ભગવાન તારકામય યુદ્ધમાં દેવતાઓએ દૈત્યોનો પરાજય કર્યો હતો. કેટલાક તો મૃત્યુ પામ્યા હતા, કેટલાક ભારે ઘવાયા હતા. દેવતાઓ સાથેના વેરને કારણે અમે બધી દિશાઓમાં ભાગતા રહ્યા. અમારા શરણદાતા કોણ છે તેની જાણ ન થઈ, અમારું કલ્યાણ કેવી રીતે થાય તેની સુધ પણ ન રહી. હવે હું મારા તપથી અને તમારી ભક્તિથી એક દુર્ગ બનાવવા માગું છું. એમાં પ્રવેશ મેળવવો દેવતાઓ માટે કઠિન થાય. આ ત્રિપુરમાં પૃથ્વી, જલ, અગ્નિનિમિર્ત, ઋષિમુનિઓના શાપ, દેવતાઓનાં શસ્ત્રો, દેવતાઓ પણ એમાં, દેવતાઓનાં શસ્ત્રો, દેવતાઓ પણ એમાં પ્રવેશી ન શકે. આ ત્રિપુરમાં બધાને માટે પ્રવેશબંધી.

મયદાનવની આવી વાત સાંભળીને બ્રહ્માએ આછા સ્મિત સાથે કહ્યું. ‘તમારા જેવાને માટે અમરત્વ તો નથી, એટલે તમે દુર્ગનિર્માણ કરો.’

પિતામહની વાત સાંભળીને મયદાનવે હાથ જોડીને કહ્યું, ‘જે એક જ બાણથી એ દુર્ગને સળગાવી દે એ જ યુદ્ધભૂમિમાં અમને મારી શકે, બાકી બધા માટે અમે અવધ્ય થઈ જઈએ.’

‘તથાસ્તુ’ કહીને બ્રહ્મા સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ અંતર્ધાન થઈ ગયા. પિતામહ ગયા એટલે મય અને બીજા દાનવો પણ પોતપોતાના સ્થાને જતા રહ્યા. તે બળવાન દાનવો તપ અને વરદાનના પ્રભાવે શોભવા લાગ્યા. પછી મયદાનવ દુર્ગની રચના કરવા વિચારવા લાગ્યો. હું જે ત્રિપુર દુર્ગ ઊભો કરવા માગું છું તે કેવી રીતે બને? એ દુર્ગમાં મારા સિવાય કોઈ વસી ન શકે? એના એક જ બાણથી આ દુર્ગ વીંધાવો ન જોઈએ. દેવો તો તેનો નાશ કરવાનો પ્રયત્ન કરશે જ પણ મારે મારી બુદ્ધિથી વિચારવું જોઈએ. તેમાં એક એક પુરનો વિસ્તાર સો યોજનનો કરવો જોઈએ, એના થાંભલા પણ એવા જ હોવા જોઈએ.

આ પુરનું નિર્માણ પુષ્ય નક્ષત્રમાં થવું જોઈએ. આ પુષ્ય નક્ષત્રના યોગથી આ ત્રણે પુર આકાશમાં પરસ્પર મળી જશે. જે માનવી પુષ્ય નક્ષત્રના યોગમાં આ ત્રણ પુરને પરસ્પર મળેલા જોશે તે જ એક બાણ વડે તેનો નાશ કરી શકશે. એક પુર પૃથ્વી પર લોખંડનું, બીજું આકાશમાં રજતમય અને ત્રીજું એની પણ ઉપર સુવર્ણમય થશે. આ ત્રણે પુર જોડાયેલા રહેશે એટલે તે ત્રિપુર નામથી વિખ્યાત થશે. આના અંદરના ભાગમાં સો યોજનના વિસ્તારમાં સ્તંભને કારણે બીજાઓ પ્રવેશી નહીં શકે. આ ત્રિપુરમાં સો અટ્ટાલિકા, એક જ પ્રહારમાં સો મનુષ્યોનો વધ કરી શકે એવા યંત્ર, ચક્ર, ત્રિશૂલ, ધ્વજા, મંદરાચલ-સુમેરુ પર્વત જેવા પ્રાકારો હશે. એમાં તારક લોહમય પુરની, મય સુવર્ણમય પુરની અને રજતમય દ્વાર અને શિખર જેવા પુરની રક્ષા વિદ્યુન્માલી કરશે. આ સ્થિતિમાં તો એક માત્ર શંકર ભગવાન સિવાય આ ત્રિપુરનો નાશ કોણ કરી શકે?

આમ વિચારીને મયદાનવ દિવ્ય ઉપાયોના પ્રભાવથી બનનારા અને મનના સંકલ્પથી ગતિ કરનારા ત્રિપુર દુર્ગનું નિર્માણ કરવા બેઠો. તેણે વિચાર્યું અહીં પ્રાકાર બનશે, અહીં અટ્ટાલિકાનું દ્વાર, અહીં મહેલનું મુખ્ય દ્વાર હશે. અહીં વિશાળ રાજમાર્ગ બનવો જોઈએ, અહીં બંને બાજુ પગદંડીવાળા રસ્તા, શેરીઓ હશે. અહીં ચબૂતરો, અહીં અંત:પુર, અહીં શિવમંદિર ઊભું કરી શકાય. વટવૃક્ષસહિત સરોવરો, વાવ, સરોવરો ઊભાં કરવાં પડે. અહીં ઉદ્યાન, સભાભવન અને વાટિકા થશે, દાનવોને નીકળવાનો સુંદર માર્ગ પણ ઊભો થઈ શકે. આમ નગરરચનામાં નિપુણ મયદાનવે મનના સંકલ્પમાત્રથી આ દિવ્ય ત્રિપુરની રચના કરી હતી એવું સાંભળ્યું છે. લોહમય પુરનો અધિપતિ તારકાસુર ત્યાં વસતો થયો. પૂણિર્માના ચંદ્ર જેવા રજતમય પુરનો અધિપતિ વિદ્યુન્માલી થયો, વિદ્યુતમય વાદળો જેવું તે લાગતું હતું. ત્રીજું પુર સુવર્ણમય, તેનો અધિપતિ સ્વયં મય. જેવી રીતે તારકાસુરના પુરથી વિદ્યુન્માલીનું પુર સો યોજન દૂર હતું, તેવી રીતે વિદ્યુન્માલી અને મયના પુર વચ્ચે પણ સો યોજનનું અંતર હતું. મયદાનવનું વિશાળ પુર મેરુ પર્વત જેવું દેખાતું હતું.

જેવી રીતે ભૂતકાળમાં ત્રિલોચન ભગવાન શંકરે પુષ્પકની રચના કરી હતી તેવી રીતે મયદાનવે પુષ્યનક્ષત્રના યોગથી ત્રિપુરનિર્માણ કર્યું. પુરની રચના કરતો મયદાનવ જે જે માર્ગે એક પુરમાંથી બીજા પુરમાં જતો હતો ત્યાં ત્યાં વરુણે આપેલી માલા દ્વારા ચમત્કારથી સુવર્ણ, રજત અને લોહના હજારો ભવન જાતે જ ઊભાં થઈ જતાં હતાં. તે દેવશત્રુઓનાં નગર રત્નજડિત હોવાને કારણે વધુ શોભી ઊઠતાં હતાં. એમાં ઊંચા ઊંચા કૂટાગારો હતા. બધા લોકો સ્વચ્છન્દે વિહાર કરતા હતા. સુંદરતામાં બીજાઓથી ચઢિયાતાં હતાં. તેમાં ઉદ્યાન, વાવ, કૂવા, કમળસરોવરો શોભા પામતાં હતાં. અશોક-વૃક્ષોનાં વનમાં કોયલો ટહુકતી હતી. ત્યાં ચિત્રશાળાઓ હતી, ઉત્તમ અટારીઓ હતી. મયે સાત, આઠ, નવ માળનાં ભવનોનું નિર્માણ કર્યું હતું. તેના ઉપર અસંખ્ય ધ્વજપતાકા હતી, માલાથી અલંકૃત હતી. તેમાં લાગેલી ઘંટડીઓના ધ્વનિ થતા હતા. સુવાસિત પદાર્થો હતા, પુષ્પ, નૈવેદ્ય જેવી પૂજાસામગ્રી સજ્જ હતી, પાણી ભરેલા કળશ હતા. ત્રિપુરમાં આકાશ જેવા ભૂરા અને હંસપંક્તિ જેવા ઉજ્જ્વળ ભવન હતાં. ચન્દ્રમાનો ઉપહાસ કરતી ન હોય એવી રીતે ત્યાં મોતીઓની ઝાલર હતી.

આ નગર નિત્ય મલ્લિકા, ચમેલી વગેરે સુવાસિત પુષ્પો તથા ગંધ, ધૂપ વગેરેથી સમૃદ્ધ હતું એટલે પંચેન્દ્રિયોથી સમૃદ્ધ શોભાવાળા સજ્જનોની જેમ સુશોભિત હતું. તે ત્રિપુરમાં સુવર્ણ, રજત અને લોહના પ્રાકાર હતા, તેમાં મણિ, રત્ન, અંજન જડેલા હતા. જાણે પર્વતની ચાર દીવાલ ન હોય! પ્રત્યેક પુરમાં ધ્વજાપતાકાવાળાં સેંકડો ગોપુર હતાં. તેમાં નૂપુરઝંકારથી ત્રિપુર બહુ સુંદર લાગતું હતું. તે પુરનું સૌંદર્ય સ્વર્ગથી પણ ચઢિયાતું હતું. તેમાં કન્યાપુર પણ બનાવ્યાં હતાં. તેમાં ઉદ્યાન, વિહારધામો, સરોવરો, નદીઓ, વન, ઉપવન હતાં. દિવ્ય ભોગની સામગ્રીઓ, વિવિધ રત્નો હતાં. ત્રિપુરમાંથી બહાર જવાના માર્ગો પર પુષ્પો બિછાવેલાં હતાં. માયાનું નિવારણ કરનારાં ઉપકરણો દ્વારા સેંકડો ઊંડી ખાઈઓ હતી. આ અદ્ભુત પરાક્રમસભર મયનિમિર્ત ઉત્તમ દુર્ગરચનાની વાત સાંભળી દેવરાજ ઇન્દ્રના શત્રુ અનન્ત પરાક્રમી દૈત્ય ત્યાં જઈ પહોેંચ્યા. તે ત્રિપુર અભિમાની શત્રુઓનું મર્દન કરનારા, પ્રજા માટે કષ્ટદાયક, પર્વતીય ગજેન્દ્રો જેવા વિશાળકાય અસુરોથી છવાઈ ગયું જાણે પાણીથી છવાયેલાં વાદળો વડે આકાશ ઘેરાઈ ગયું.

અસુરશિલ્પી મયદાનવે ત્રિપુર દુર્ગ બનાવ્યો તો ખરો, પણ પરસ્પર વેર ધરાવતા દેવદાનવો માટે તે દુર્ગ દુર્ગમ થઈ ગયો. મયની આજ્ઞાથી યમરાજ જેવા ભયંકર શસ્ત્રધારી દૈત્યો પોતાનાં સ્ત્રીઓ-સંતાનો સાથે આનંદથી તે ગૃહોમાં પ્રવેશ્યા. જેવી રીતે અનેક સિંહ વનને, અનેક મગર સમુદ્રને તથા ક્રોધ-કઠોરતા પરસ્પર મળીને શરીરને પોતાના વશમાં કરી લે છે તેવી રીતે દેવશત્રુ અસુરોથી આ પુર છવાઈ ગયું.

આમ તે પુર અસંખ્ય દૈત્યોથી છવાઈ ગયું. સુતલ અને પાતાલમાંથી બહાર આવેલા દાનવો, કાળા વાદળ જેવી કાન્તિ ધરાવતા પર્વતીય વિસ્તારોમાં રહેતા દાનવો પણ ત્યાં આવી ચઢ્યા. ત્રિપુરમાં આશ્રય લેનારા અસુરોની બધી ઇચ્છાઓ મયદાનવ પાર પાડતા હતા. સૌષ્ઠવયુક્ત શરીર પર ચંદનની અર્ચા કરનારા, નિર્મલ આભૂષણ, વસ્ત્ર, માલા, અંગરાગ લગાવેલા, ઉન્મત્ત ગજેન્દ્ર જેવા દાનવો ચાંદની રાતોમાં, સાંજે કમલથી સુશોભિત સરોવર તટે, આમ્રવાટિકાઓમાં, તપોવનોમાં પોતાની પત્નીઓ સાથે નિરંતર આનંદથી વિહાર કરતા હતા.

આમ મયદાનવે નિર્મેલા તે સ્થાન પર વસતા મહાઅસુરો આનંદ મનાવતા હતા. તેમણે જાતે જ ધર્મ, અર્થ, કામની પસંદગીમાં પોતાનો વિવેક પ્રયોજ્યો. સ્વર્ગમાં વસતા દેવોની જેમ જ દેવશત્રુ અસુરોનો સમય વ્યતીત થતો હતો. અહીં પુત્રો પિતૃગણોની, પત્નીઓ પતિઓની સેવા કરતી હતી. ક્યાંય કલહ ન હતો. પરસ્પર પ્રેમ હતો. કોઈ અધર્મ બળવાન થઈ જાય તો પણ તે ત્રિપુરવાસીઓને નુકસાન કરતો ન હતો. શિવમંદિરમાં શંકર ભગવાનની પૂજા કરતી વખતે તે દૈત્યો વેદોક્ત માંગલિક શબ્દો અને આશીર્વાદો બોલતા હતા. ત્રિપુરમાં આનંદ મનાવતા દાનવેન્દ્ર નુપૂરઝંકારથી વીણાવાદન તથા સુંદરીઓના ચિત્તને વ્યાકુળ કરી દેનારાં હાસ્ય નિત્ય સંભળાતાં હતાં. આમ દેવતાઓની અર્ચના, બ્રાહ્મણોને વંદન કરનારા, ધર્મ-અર્થ-કામના સાધક એવા દૈત્યોનો સમય સારી રીતે વીતતો ગયો. પછી દરિદ્રતા, અસૂયા, તૃષ્ણા, બુભુક્ષા, કલિ અને કલહ ત્યાં પ્રવેશ્યા. જેવી રીતે ભયંકર રોગ શરીરનો ભરડો લઈ લે તેવી રીતે એ બધાએ રાક્ષસો પર પોતાનો અંકુશ જમાવી દીધો. ત્રિપુરમાં પ્રવેશેલા આ દુર્ગુણોને મયદાનવે સ્વપ્નમાં જોઈ લીધા. સહ કિરણધારી સૂર્યનો ઉદય થયો એટલે મયદાનવે તારક અને વિદ્યુન્માલીની સાથે સભાગૃહમાં બે સૂર્ય સાથે વાદળની જેમ પ્રવેશ કર્યો. ત્યાં તેઓ મેરુપર્વતના શિખર જેવા સુંદર સુવર્ણમંડિત આસન પર બેઠા. સુમેરુ શિખર પર ઊમટી આવેલા વાદળ જેવા તે દેખાતા હતા. મયદાનવના એક પડખે તારકાસુર અને બીજા પડખે વિદ્યુન્માલી હતા, તેઓ મદનિયા જેવા લાગતા હતા. પછી યુદ્ધ સ્થળે પુષ્કળ ઘા થવાથી ક્રોધે ભરાયેલા અસુરો પણ યથાસ્થાને ગોઠવાયા. બધા નિરાંતે બેઠા એટલે મયદાનવ બોલ્યા, ‘દાક્ષાયણીપુત્રો, તમે ધ્યાનથી સાંભળો. તમે બધા આકાશચારી છો, તેમાંય વધુ ગરજનારા છો. મેં એક ભયાનક સ્વપ્ન જોયું છે. સ્વપ્નમાં ચાર સ્ત્રીઓને અને ત્રણ પુરુષોને પુરપ્રવેશ કરતા જોયા છે. તેમનાં રૂપ ભયાનક હતાં, મુખ ક્રોધાગ્નિથી ભરચક હતાં. જાણે તે ત્રિપુરનો વિનાશ કરવા માગે છે.

તે અત્યંત પરાક્રમશાળી પ્રાણીઓ ક્રોધે ભરાયેલાં હતાં, પુરોમાં પ્રવેશી અનેક શરીરધારણ કરી દાનવોનાં શરીરોમાં પ્રવેશી ગયાં છે. આ ત્રિપુર નગરમાં બધે અંધકાર છવાઈ ગયો છે, ગૃહ તથા તમે બધા સાગરજળમાં ડૂબી ગયાં છો. એક સ્ત્રી નગ્નાવસ્થામાં ઘુવડ પર સવાર હતી, તેની સાથે કપાળ પર લાલ તિલકવાળો એક પુરુષ હતો, ચાર પગ અને ત્રણ નેત્રવાળો પુરુષ ગધેડા પર બેઠો હતો. તેણે પેલી સ્ત્રીને કહ્યું એટલે તેણે મને જગાડ્યો.આવી અત્યન્ત ભયાનક નારી મેં સ્વપ્નમાં જોઈ. આવું સ્વપ્ન અસુરો માટે દુઃખદાયક નીવડશે. હવે જો તમે મને યોગ્ય રીતે રાજા માનતા હો અને મારી વાત હિતકારક લાગતી હોય તો મારી વાત ધ્યાન દઈને સાંભળો. તમે કોઈની ખોટી નિન્દા ન કરતા. કામ, ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા ત્યજીને સત્ય, દમ, ધર્મ અને મુનિમાર્ગ અપનાવો. શાન્તિદાયક અનુષ્ઠાનો કરો, મહેશ્વરની પૂજા કરો. કદાચ આમ કરવાથી સ્વપ્નની અસર શમી જશે. એવું લાગે છે કે ત્રિલોચન ભગવાન રુદ્ર આપણા ઘર કોપાયમાન થયા છે; કારણ કે ત્રિપુરમાં બનનારી ઘટનાઓ અત્યારથી જોવા મળી છે. તમે બધા કલહ ત્યજી દો અને સરલતા અપનાવો, અને આ દુ:સ્વપ્નના પરિણામે આવનારા કાળની પ્રતીક્ષા કરો.’

મયદાનવની આવી વાતો સાંભળીને બધા દાનવોમાં ક્રોધ અને ઈર્ષ્યા છવાઈ ગયાં. તેઓ વિનાશની દિશામાં ગતિ કરતા હોય એમ લાગ્યું. અલક્ષ્મીથી પ્રભાવિત થયેલા અસુરો ભાવિ વિનાશ સામે ઊભો હતો તે છતાં એકબીજાની સામે જોઈને ક્રોધે ભરાયા. તેમની આંખો રાતીચોળ થઈ ગઈ. પછી ભાગ્ય ખોઈ બેઠેલા ત્રિપુરવાસી દાનવો સત્ય અને ધર્મ ત્યજીને નિંદાજન્ય કર્મો કરવા લાગ્યા. તે પવિત્ર બ્રાહ્મણોનો દ્વેષ કરવા લાગ્યા. દેવતાઓની પૂજા બંધ કરી. ગુરુજનોનું અપમાન કરવા લાગ્યા, પરસ્પર ક્રોધયુક્ત વ્યવહાર કરતા થયા. કલહ કરતાં કરતાં ધર્મનો ઉપહાસ કરતા થયા, ‘હું જ સર્વસ્વ છું’ એમ કહેતા પરસ્પરની નિંદા કરવા લાગ્યા. ગુરુજનો સાથે ઉદ્ધતાઈથી બોલતા હતા. પોતે સત્કૃત હોવા છતાં ઊતરતી કક્ષાના લોકો સાથે બોલવાનું બંધ કર્યું. તેમની આંખોમાં આમ જ આંસુ આવતાં હતાં અને ઉત્કંઠિત થઈ જતા હતા. તેઓ રાતે દહીં, સત્તૂ, દૂધ, કોઠાં ખાવા લાગ્યા. એંઠાં મોંએ સૂવા લાગ્યા. મૂત્ર કરીને જળનો સ્પર્શ તો કરતા પણ પગ ધોયા વિના જ પથારીમાં સૂઈ જતા હતા. જેવી રીતે બિલાડીને જોઈ ઉંદરો ગભરાઈ જાય છે તેવી રીતે આકસ્મિક ભયથી તેઓ પણ ગભરાઈ જતા હતા. સ્ત્રી સહવાસ કરીને શરીરશુદ્ધિ બંધ કરી, અંગત કાર્યોમાં પણ તે નિર્લજ્જ થઈ ગયા. પહેલાં તેઓ સુશીલ હતા પણ હવે ક્રૂર થઈ ગયા. દેવતાઓ-તપસ્વીઓને કષ્ટ આપતા થયા. મયે ના પાડી છતાં તેઓ વિનાશની દિશામાં આગળ વધ્યા, તેમને કલહ કરવાનું મન થયું. બ્રાહ્મણો પર અપકાર કરવા લાગ્યા. ભૂતકાળમાં તેઓ દેવતાઓનું માન સાચવતા હતા, તેઓ ત્રિપુરમાં આશ્રય મળવાને કારણ વૈભ્રાજના નંદન, ચૈત્રરથ, અશોક, વરાશોક, સર્વર્તુક વગેરે વન, દેવતાઓના સ્વર્ગ અને તપસ્વીઓનાં વનનો વિનાશ કરવા લાગ્યા. તે સમયે મંદિરો અને આશ્રમોનો વિનાશ કર્યો. દેવતાઓ અને બ્રાહ્મણોના ઉપાસકને મારી નાખ્યા. આમ ઇન્દ્રના શત્રુઓ વડે થઈ રહેલા વિધ્વંસથી જાણે એવું લાગતું હતું કે તીડોએ ખેતરોમાં અનાજનો વિનાશ કર્યો.

ત્રિપુરનિવાસી દાનવોનું શીલ તો નષ્ટ થઈ જ ગયું હતું, તેમાં દુષ્ટતા પણ ઉમેરાઈ. તેમણે પ્રજાનો અને તપોવનોનો વિનાશ કરવા માંડ્યો. આકાશમાં જઈને તેઓ જે સિંહનાદ કરતા તેનાથી બધા જીવ ત્રાસી ઊઠતા હતા. આમ જ્યારે ત્રિલોક ખળભળી ઊઠ્યું, બધે અંધકાર છવાઈ ગયો ત્યારે આદિત્ય, વસુ, સાધુ, પિતૃગણ, મરુત્ગણ — આ બધા ભેગા થઈને બ્રહ્મા પાસે ગયા. ત્યાં પંચમુખ બ્રહ્મા સુવર્ણમય પદ્મ પર બિરાજ્યા હતા. દેવોએ પાસે જઈને નમસ્કાર કર્યા અને દાનવોના અત્યાચાર વર્ણવ્યા, ‘ત્રિપુરવાસી દાનવો તમારા વરદાનથી સુરક્ષિત થઈને અમને દાસ જેવા બનાવી કષ્ટ આપે છે, તમે તેમને વારો. જેવી રીતે વાદળો ઊમટી આવે ત્યારે હંસ અને સિંહના ધ્વનિથી હરણાં ભયભીત થઈને ભાગે છે તેવી રીતે દાનવોના ભયથી અમે બધા આમ તેમ સંતાઈ જઈએ છીએ. તે પણ એટલે સુધી કે દાનવોથી ભગાડેલા અમે પત્નીઓ-પુત્રોનાં નામ પણ ભૂલી ગયા છીએ. લોભ અને મોહથી આંધળાભીંત થયેલા દાનવો દેવતાઓનાં નિવાસસ્થાન તોડી નાખે છે, ઋષિઓના આશ્રમોનો વિનાશ કરે છે. તમે જો દાનવોના વિધ્વંસથી લોકને નહીં બચાવો તો સમસ્ત જગત દેવતા, મનુષ્ય અને આશ્રમ વિહોણું થઈ જશે.’

આ સાંભળી બ્રહ્માએ કહ્યું, ‘બુદ્ધિમાન દેવલોકો, મેં મયદાનવને જે વરદાન આપ્યું હતું તેનો અંત હવે આવી પહોંચ્યો છે; મેં પહેલેથી આ વાત તેમને કરી હતી. તેમનું નિવાસસ્થાન એક જ બાણના પ્રહારથી નષ્ટ થઈ જશે. એના પર બાણવર્ષા કરવી નહીં પડે. પરંતુ એક જ બાણ વડે દાનવો સમેત ત્રિપુરનો નાશ કરી શકે એવો કોઈ દેવ હું જોતો નથી. એટલે તમે અને બીજા દેવ એક સાથે દક્ષયજ્ઞના વિધ્વંસક શંકર ભગવાન પાસે જાઓ, તેઓ ત્રિપુરનો ધ્વંસ કરી દેશે.’

આ સાંભળી દુઃખી દેવતાઓ બ્રહ્માને લઈને શંકર ભગવાન પાસે આવ્યા. ત્યાં ભગવાન પાર્વતી અને નંદી સાથે બેઠા હતા. અજન્મા ભગવાનના શરીરનો વર્ણ અગ્નિ જેવો હતો, તેમનાં નેત્ર અગ્નિકુંડ જેવા રાતાં હતાં. તેમના શરીરમાંથી સહો અગ્નિ અને સૂર્યો જેવી પ્રભા ફેલાઈ રહી હતી. લલાટે બાલચન્દ્ર શોભતો હતો, મોં પૂણિર્માના ચંદ્ર કરતાંય વધુ સુંદર હતું. દેવતાઓએ ત્યાં ભગવાનની સ્તુતિ કરી…

બ્રહ્મા અને બીજા દેવતાઓની સ્તુતિ સાંભળીને શંકર ભગવાન બોલ્યા, ‘અરે દેવતાઓને શાનો ભય લાગ્યો? તમારા મનમાં જે ઇચ્છા હોય તે કહો. હું પાર પાડીશ, તમારા માટે મારે કશું અદેય નથી. હું જે ઘોર તપ કરું છું તે પણ તમારા માટે જ કરું છું.’

આ સાંભળી બ્રહ્મા સમેત દેવતાઓએ કહ્યું, ‘ભયંકર પરાક્રમી અસુરોએ કરેલા ભીષણ તપના પ્રભાવે તેઓ અમને દુઃખી કરી રહ્યા છે. દિતિના પુત્ર મયનો સ્વભાવ કલહપ્રિય છે. પીળા રંગના દ્વારવાળા ત્રિપુરદુર્ગનું નિર્માણ તેણે કર્યું છે. તે દુર્ગનો આશ્રય લઈને વરદાનના પ્રભાવે નિર્ભય થઈ ગયા છે. અમે અનાથ દાસ હોઈએ તેમ તે અમને કષ્ટ આપે છે. તે દાનવોએ નંદન જેવાં બધા ઉદ્યાનનો નાશ કર્યો છે, રંભા જેવી અપ્સરાઓનું હરણ કર્યું છે. ઇન્દ્રના વાહન, દિશાગજ કુમુદ, અંજન, વામન, ઐરાવત વગેરે ગજેન્દ્રને પણ છિનવી ગયા છે. ઇન્દ્રના રથ સાથે જોડાતા અશ્વો લઈ ગયા છે, હવે એ અશ્વ દાનવો પોતાના રથમાં જોડે છે. અમારી પાસે જે રથ, હાથી, સ્ત્રીઓ, ધન હતાં તે બધાં જ દાનવો છિનવી બેઠા છે. હવે તો અમારાં જીવન ભયમાં આવી ગયાં છે.’

ઇન્દ્ર અને બીજા દેવોની આવી વાત સાંભળીને ત્રિનેત્રધારી, વરદાયક શંકર ભગવાન બોલ્યા, ‘દાનવોને કારણે થયેલો ભય તો દૂર થવો જોઈએ, હું એ ત્રિપુરને ભસ્મ કરી દઈશ. પણ હું જે કહું છું તે તમે કરો. જો તમે દાનવો સમેત ત્રિપુરનો વિનાશ જોવા માગતા હો તો બધી સાધનસામગ્રીવાળો એક રથ સજાવો, વિના વિલંબે.’

ભગવાને આમ કહ્યું એટલે દેવતાઓએ તેમની વાત સ્વીકારી લીધી. તેઓ એક ઉત્તમ રથના નિર્માણમાં જોડાઈ ગયા. પૃથ્વીને રથ બનાવી રુદ્રના બે સેવકોને, બંને કુબર મેરુ વડે રથનું મસ્તક બનાવ્યું, મંદરની ધુરા બનાવી. સૂર્ય-ચંદ્ર રથના સોનાચાંદીનાં પૈંડાં બની ગયાં. બ્રહ્માએ શુક્લપક્ષ-કૃષ્ણ પક્ષ વડે રથની ધરીઓ બનાવી. દેવતાઓએ કંબલ અને અશ્વતર નામના નાગથી રથ સજાવ્યો. શુક્ર, બૃહસ્પતિ, બુધ, મંગલ, શનૈશ્ચર- બધા દેવ તેના પર બેઠા. ગગનમંડલનો વિનિયોગ પણ કર્યો. સુવર્ણની જેમ ચળકતા ત્રિવેણુ સર્પોથી બંને બાજુના પક્ષયંત્ર બનાવ્યા.

ગંગા, સિંધુ, શતદ્રુ, ચંદ્રભાગા, ઇરાવતી, વિતસ્તા, વિપાશા, યમુના, ગંડકી, સરસ્વતી, દેવિકા, સરયૂ — જેવી શ્રેષ્ઠ નદીઓને વેણુસ્થાન પર યોજી. ધૃતરાષ્ટ્રના વંશમાં જન્મેલા નાગ બાંધવા માટેના દોરડા બન્યા. વાસુકિ, રૈવતના વંશમાં જન્મેલા નાગ દર્પપૂર્ણ અને વેગીલી ગતિવાળા હોવાને કારણે વિવિધ પ્રકારનાં બાણ બનીને ભાથામાં મુકાયા. બધા કરતાં વધુ ઉગ્ર સ્વભાવવાળી સુરસા, દેવશુની, સરમા, કદ્રૂ, વિનતા, શચિ, તૃષા, બુભુક્ષા તથા બધાનું શમન કરનાર મૃત્યુ, બ્રહ્મહત્યા, ગોહત્યા, બાલહત્યા, પ્રજાભય- આ બધા ગદા અને શક્તિ બન્યા. કૃતયુગની પણ સહાય લીધી. ચાતુર્હોત્ર યજ્ઞના પ્રયોજક ચારો વર્ણ સ્વર્ણમય કુંડલ થયા. ચારેય વેદ ચાર અશ્વ થયા. અનેક પ્રકારનાં દાન આભૂષણો બન્યાં. પદ્મદ્વય, તક્ષક, કર્કોટક, ધનંજય — નાગ ઘોડાના વાળ બાંધવા દોરડાં બન્યાં. ઓંકારથી જન્મતા મંત્ર, યજ્ઞ-ક્રતુરૂપ ક્રિયાઓ, ઉપદ્રવ અને તેની શાંતિ માટેનાં પ્રાયશ્ચિત્ત, પશુબંધ, યજ્ઞોપવિત જેવા સંસ્કાર અને રથની શોભામાં અભિવૃદ્ધિ કરનાર મણિ, મુક્તા, પરવાળા બન્યા. ઓંકાર ચાબૂક બન્યા, વષટકાર તેનો અગ્રભાગ બન્યા. સિનીવાલી, કુહૂ, રાકા, અનુમતિ અશ્વોને રથમાં જોડનારાં દોરડાં બન્યાં. તેમાં વાયુવેગી, કાળા-પીળા-શ્વેત-રાતા રંગની પતાકાઓ હતી. છ ઋતુઓના સંવત્સરનું ધનુષ બનાવ્યું હતું, અંબિકા દેવી એ ધનુષની કદી જીર્ણ ન થનારી પણછ બની, ભગવાન રુદ્ર કાળસ્વરૂપ છે. તેમને સંવત્સર પણ કહેવામાં આવે છે. એટલે જ અંબિકા દેવી કાલરાત્રિ રૂપે તે ધનુષની અમર પ્રત્યંચા બન્યાં. જે બાણથી શંકર ભગવાન ત્રિપુરને ભસ્મ કરવાના હતા તે બાણનું નિર્માણ વિષ્ણુ,સોમ, અગ્નિ — આ ત્રણે દેવના સંયુક્ત તેજ વડે થયું હતું. તે બાણની અણિ અગ્નિ અને બાણના છેડા અંધકારનાશક ચન્દ્રમા હતા. ચક્રધારી વિષ્ણુનું તેજ આખા બાણમાં હતું. તે બાણ પર નાગરાજ વાસુકિએ તેના પરાક્રમની વૃદ્ધિ અને તેજની સ્થિરતા માટે ઉગ્ર વિષ ઠાલવી દીધું હતું.

આ પ્રકારે દેવતાઓએ દિવ્ય પ્રભાવથી રથનું નિર્માણ કરીને ભગવાન શંકર પાસે જઈને કહ્યું, ‘દાનવશત્રુવિજેતા ભગવન્, અમે તમારા માટે રથનું નિર્માણ કર્યું છે. તે ઇન્દ્ર સમેત બધા દેવોની રક્ષા કરશે.’ સુમેરુગિરિના શિખર જેવો તે રથ જોઈને શંકર ભગવાને તે રથની, દેવતાઓની પ્રશંસા કરી અને તેઓ રથનું નિરીક્ષણ કરવા લાગ્યા. પછી ઇન્દ્રને અને બીજા દેવતાઓને કહ્યું, ‘દેવતાઓ તમે જેવી રીતે બધી સામગ્રીઓ સમેત રથનું નિર્માણ કર્યું છે તે માટે હવે એક સારથિ આપો.’

આ સાંભળી દેવતાઓ તો જાણે બાણથી વીંધાઈ ગયા હોય તેમ વ્યાકુળ થઈ ગયા. તેમને ભારે ચિંતા થઈ, હવે શું કરવું? ચક્રધારી વિષ્ણુ સિવાય આ રથના સારથિ કોણ થઈ શકે? પણ તેઓ તો બાણ પર ગોઠવાઈ ગયા છે. ગાડામાં જોતરાયેલા બળદ જેવી રીતે પર્વત સાથે ટકરાઈને હાંફવા માંડે છે તેમ નિ:શ્વાસ નાખવા લાગ્યા અને આ કાર્ય કેવી રીતે પાર પાડવું તેની વિમાસણમાં પડ્યા. એટલામાં જ બ્રહ્મા બોલી ઊઠ્યા; ‘અરે, સારથિ હું થઈશ.’ અને શંકર ભગવાનના રથમાં જોડેલા ઘોડાઓની લગામ પકડી લીધી. હાથમાં ચાબૂકવાળા બ્રહ્માને સારથિરૂપે જોઈને ગંધર્વોસમેત દેવતાઓએ સિંહનાદ કર્યો. પછી પિતામહ બ્રહ્માને સારથિના સ્થાને જોઈ ‘બહુ યોગ્ય સારથિ મળ્યો’ એમ કહી લોકનાથ શંકર રથમાં બેઠા. તે રથમાં બેઠા એટલે ભારને કારણે ઘોડા વ્યાકુળ થઈ ગયા. તેઓ ધરતી પર ઘૂંટણિયે પડ્યા અને તેમનાં મોં ધૂળથી ભરાઈ ગયાં. શંકર ભગવાને જોયું કે અશ્વરૂપધારી વેદ ધરતી પર પડી ગયા છે ત્યારે જેવી રીતે સુપુત્ર આર્ત અને દુઃખી પિતૃઓનો ઉદ્ધાર કરે તેવી રીતે તેમણે ઘોડાઓને ઊભા કર્યા. પછી રથની ઘરઘરાટી સાથે સિંહનાદ થવા લાગ્યો. દેવતાઓ સમુદ્ર ગરજે તેમ જયજયકાર કરવા લાગ્યા.

પછી સમર્થ, વરદાયક બ્રહ્મા ઓમકારરૂપી ચાબૂક લઈને અશ્વોને લાડ કરતા પૂરા વેગે આગળ વધ્યા. પછી તો તે ઘોડા પૃથ્વીને પોતાની સાથે ઘસડતા અને આકાશને ગ્રસતા પુરપાટ ઝડપે આગળ વધ્યા. ફૂંફાડા મારતા સાપની જેમ તેમનાં મોંમાંથી દીર્ઘ નિ:શ્વાસ નીકળતા હતા. શંકર ભગવાનની પ્રેરણાથી બ્રહ્મા દ્વારા હંકારાતા ઘોડા પ્રલયકાળના વાયુની જેમ આગળ ધપી રહ્યા હતા. દેવાધિદેવ શિવની ઇચ્છાથી રથના ધ્વજને ઉપર ઉડાવવામાં નિપુણ નન્દી ધ્વજદંડ ઉપર બેઠા. સૂર્ય સમાન પ્રભાવશાળી શુક્ર અને બૃહસ્પતિ — આ બંને દેવ રુદ્રનું પ્રિય કરવાની ઇચ્છાથી રથનાં પૈંડાંની રક્ષા કરી રહ્યા હતા.

શત્રુઓનો સમૂળગો નાશ કરનારા ભગવાન શેષનાગ હાથમાં બાણ લઈ રથની તથા બ્રહ્માની રક્ષા કરી રહ્યા હતા. યમરાજ મહિષ પર, કુબેર સાપ પર, દેવરાજ ઇન્દ્ર ઐરાવત પર બેસીને આગળ ચાલ્યા. કાર્તિકેય સેંકડો ચંદ્રવાળા અને કિન્નરની જેમ કૂજન કરતા મોર પર સવાર થઈને પિતાના રથની રક્ષા કરતા હતા, લોકનો વિનાશ કરવા માગતા ન હોય તેમ તેઓ આગળ વધતા હતા. અગ્નિ સમાન પ્રમથગણ અગ્નિથી પ્રજ્વલિત પર્વત જેવા દેખાતા હતા. તેઓ શંકર ભગવાનની પાછળ પાછળ મહાસાગરમાં તરતા નાકગણ જેવા લાગતા હતા. ભૃગુ, ભરદ્વાજ, વસિષ્ઠ, ગૌતમ, ક્રતુ, પુલસ્ત્ય, પુલહ, મરીચિ, અત્રિ, અંગિરા, પરાશર, અગસ્ત્ય — આ બધા ઋષિમુનિઓ વિચિત્ર છંદઅલંકારોથી શોભતી વાણી વડે ભગવાનની સ્તુતિ કરતા હતા. સુમેરુગિરિના સહયોગથી સંપન્ન થયેલો એ રથ આકાશમાં વિચરતા પાંખોવાળા પર્વતની જેમ ત્રિપુરની દિશામાં આગળ વધી રહ્યો હતો. હાથી, પર્વત, સૂર્ય, મેઘ જેવી કાન્તિવાળા પ્રથમ જલધર વાદળની જેમ ગરજતા, ગર્વીલા થઈને દેવતાઓ દ્વારા બધી રીતે સુરક્ષિત રથની પાછળ પાછળ આવી રહ્યા હતા. તે રથ મકર, તિમિ, તિમિંગલોથી ઊભરાતા સમુદ્રની જેમ આગળ વધી રહ્યો હતો. તેને કારણે વજ્રપાત જેવા ગડગડાટ તથા મેઘગર્જના જેવા ધ્વનિ થઈ રહ્યા હતા.

આમ લોકપૂજિત રથ પર સવાર થઈને મહાદેવ ત્રિપુર પર આક્રમણ કરવા નીકળ્યા ત્યારે પ્રમથગણે શુભેચ્છાનો સૂર પુરાવી સિંહનાદ કર્યો. નંદી પણ શંકર ભગવાન જેવા સ્વરે ગરજવા લાગ્યો. અનેક વિપ્રો જયજયકાર કરવા લાગ્યા. આ સમયે ચંદ્ર સમાન કાન્તિવાળા દેવર્ષિ નારદ યુદ્ધભૂમિમાંથી ઊંચકાઈને ત્રિપુર નગરમાં જઈ પહોંચ્યા, દૈત્યોના એ ત્રિપુરમાં અનેક ઉત્પાતો થઈ રહ્યા હતા. ત્યાં એકાએક નારદ પ્રગટ્યા એટલે તેમનું અભિવાદન કરવા બધા દાનવો ઊભા રહી ગયા. ઐૈશ્વર્યવાળી દાનવોએ પાદ્ય, અર્ઘ્ય, મધુપર્ક દ્વારા નારદની પૂજા ઇન્દ્ર બ્રહ્માની પૂજા કરે તેમ કરી. એ પૂજાનો સ્વીકાર કરી નારદ સુવર્ણમય આસન પર બેઠા. પછી મયદાનવ પણ બધા દાનવોની સાથે યોગ્ય આસનો પર બેઠા. નારદને સુખેથી બેઠેલા જોઈ મયદાનવને બહુ આનંદ થયો. તે હર્ષથી રોમાંચિત થઈ ગયો, તેના મોં અને નેત્ર ખીલી ઊઠ્યાં.

મયદાનવે નારદ સાથે વાતો કરી, ‘નારદમુનિ, તમે તો ત્રણે કાળની ઘટનાઓ જાણો છો. આ નગરમાં જેવા ઉત્પાત થઈ રહ્યા છે તેવા મોટે ભાગે બીજે ક્યાંય થઈ રહ્યા નથી. અહીં તો બિહામણાં સ્વપ્ન દેખાય છે. ધ્વજાઓ એકાએક તૂટી પડે છે. પવન ન હોવા છતાં પતાકાઓ ભોંય ભેગી થઈ જાય છે. અટ્ટાલિકાઓ ધૂ્રજવા માંડે છે. ‘મારી નાખો, મારી નાખો.’ જેવી બૂમો બધે સંભળાય છે. આમ છતાં સ્થાણુસ્વરૂપ ભગવાન શંકર સિવાય બીજા કોઈ દેવનો મને ભય નથી. આ ઉપદ્રવો વિશે તમે તો બધું જાણો છો, તમે ભૂત ભવિષ્યનું જ્ઞાન ધરાવો છો, આ ઉત્પાત અમારા માટે ભયજનક છે. હું તમારા શરણે છું, આ ઉત્પાતોનું કારણ જણાવો.’

નારદ ઋષિએ ઉત્તર આપ્યો, ‘જે કારણે આ ઉત્પાતો થઈ રહ્યા છે તેનું કારણ જાણો. ‘ધૃ’ ધાતુ ધારણ-પોષણ અને મહત્ત્વના અર્થમાં પ્રયોજાય છે. આમાંથી જ ધર્મ શબ્દ આવ્યો છે. એટલે મહત્ત્વપૂર્ણ ધારણ કરવાથી આ શબ્દ ધર્મ કહેવાય છે. આચાર્યો આ જ ધર્મનો ઉપદેશ આપે છે. અધર્મ અનિષ્ટ પ્રસારે છે. એેટલે આચાર્યો તેનાથી દૂર રહેવા કહે છે. વેદજ્ઞ ઋષિઓ કહે છે કે મનુષ્યોએ ઉન્માર્ગ પરથી સુમાર્ગ પર આવવું જોઈએ. જેઓ સુમાર્ગ પરથી ઉન્માર્ગ પર જાય છે તેમનો વિનાશ જ થાય છે. તમે આ ઉન્મત્ત દાનવોની સાથે મહાન અધર્મના રથ પર બેસીને દેવતાઓનો અપકાર કરનારાઓની સહાય કરો છો. આ ઉત્પાત દ્વારા થતાં અપશુકન દાનવોનો વિનાશ સૂચવે છે. ભગવાન રુદ્ર મહાલોકમય રથ પર સવાર થઈને ત્રિપુરનો, તમારો તથા સઘળા અસુરોનો વિનાશ કરવા આવી રહ્યા છે. એટલે તમે મહેશ્વરનું શરણ સ્વીકારો એ જ તમારા માટે યોગ્ય છે, નહીંતર તમે પુત્રો અને દાનવો સાથે યમલોકમાં જશો.’

આમ દેવર્ષિ નારદ દાનવોને તેમના માથે તોળાઈ રહેલા ભયની જાણકારી આપી શંકર ભગવાન પાસે આવ્યા. નારદમુનિ ચાલ્યા ગયા એટલે દાનવરાજ મયદાનવે બધા દાનવોને કહ્યું, ‘દાનવો, તમે શૂરવીર છો, પુત્રવાન છો, કૃતકૃત્ય થઈ ચૂક્યા છો, તો દેવતાઓ સાથે છેલ્લી ઘડી સુધી લડી લો. તમારે કોઈ ભય અનુભવવો નહીં; દેવતાઓ પર વિજય મેળવીને આપણે દેવસભાના સભ્ય થઈશું, દેવસભા આપણી થઈ જશે. ઇન્દ્ર સહિત દેવતાઓનો વધ કરીને આપણે બધા લોક ભોગવીશું. તમે યુદ્ધ માટે સજ્જ થાઓ, કવચ પહેરો, શસ્ત્રો ધારણ કરી અટ્ટાલિકા પર ચઢી જાઓ. ત્રણે પુર પર યથાસ્થાને બેસી જાઓ, દેવતાઓ આ ત્રણે પુર પર આક્રમણ કરશે. જો દેવતાઓ આકાશમાર્ગે આક્રમણ કરે તો તમે એમનાથી પરિચિત છો એટલે પ્રયત્નપૂર્વક તેમને અટકાવી દો, બાણો વરસાવી તેમને ઘાયલ કરો.’

આમ કહી દેવતાઓ રૂપી હાથીઓને રોકવાનુું દાનવોને કહી ત્રિપુરમાં દાનવરાજ પ્રવેશ્યો. ત્યાંની સ્ત્રીઓનું મન ભયને કારણે ઉદ્વેગમય હતું. ચાંદી જેવા નિર્મલ ભાવથી સુંદર વાણી વડે દિગંબર ભગવાન શંકરની પૂજા કરી કામદેવશત્રુ, અન્ધકહર્તા અને દક્ષયજ્ઞના વિધ્વંસક શંકર ભગવાનને શરણે થયો. શંકરના ત્રીજા નેત્રમાં અગ્નિનો વાસ છે છતાં ચંદ્રશેખરના ધ્યાન બહાર રહ્યું કે મયદાનવ શરણાગત થઈને અભયપદ પ્રાપ્ત કરવા માગે છે. એટલે તેને વરદાન આપ્યું, પરિણામે તે દાનવ નિર્ભય થઈ ગયો, આગથી પણ સુરક્ષિત રહી જીવતો રહી ગયો.

નારદ પછી દેવતાઓની સેના પાસે ગયા. ભગવાન શંકરે દેવરાજ ઇન્દ્રને તથા પોતાના ગણેશ્વરોને કહ્યું, ‘ઇન્દ્ર તમારા શત્રુઓનું ત્રિપુર દેખાય છે. વિમાનો, પતાકાઓ, ધ્વજોથી તે સુશોભિત છે. એવું કહેવાય છે કે આ નગર અગ્નિ જેવું તપ્ત છે. અહીંના દાનવો કિરીટકુંડળ ધારણ કરીને પર્વત જેવા જણાય છે. તેમની અંગકાંતિ વાદળો જેવી છે, તેમનાં મોં વાંકાચૂંકાં છે. તે બધા પ્રાકારો પર, અટ્ટાલિકાઓ પર ઊભા છે, વિજયની આશા સેવી તેઓ નગરની બહાર આવી રહ્યા છે. તમે સહાયકો સમેત તેમના પર ઉત્તમ શસ્ત્ર લઈને તૂટી પડો. હું આ રથ પર બેસીને સ્થિર પર્વતની જેમ રહી, તમારા વિજય માટે ત્રિપુર સામે કોઈ છિદ્ર જોતો રહીશ. પુષ્ય નક્ષત્રના યોગે જ્યારે આ ત્રણે પુર એક સ્થાને ભેગા થશે ત્યારે એક જ બાણ વડે તેને સળગાવી મૂકીશ.’

રુદ્ર દેવે આમ કહ્યું એટલે દેવરાજ ઇન્દ્ર વિશાળ સેના લઈને ત્રિપુરને જીતવા આગળ વધ્યા. તે વેળા દેવતાઓના રથના ઘોર ધ્વનિ સંભળાતા હતા. મેઘગર્જનાની જેમ તેઓ સિંહનાદ કરી રહ્યા હતા. એ સાંભળીને દાનવો યુદ્ધલાલસાથી અસ્ત્રશસ્ત્ર લઈ ત્રિપુરની બહાર નીકળ્યા અને આકાશમાં કૂદીને ગણેશ્વરો પર આક્રમણ કર્યું. એમાં કેટલાક ઉદ્દંડ દાનવ ઘનશ્યામ જેવા શોભતા હતા, મેઘગર્જના કરી બીજા ધ્વનિને ઢાંકી દીધા, જેવી રીતે વાદળો પાછળ ચંદ્ર ઢંકાઈ જાય તેવી રીતે. ચંદ્રોદયને કારણે પૂનમ પર સમુદ્રમાં ભરતી આવે તેમ ભયંકર રૂપ ધરાવતા અસુરોથી ત્રિપુર છલકાઈ ઊઠ્યું. કેટલાક દાનવો પ્રાકારો પર, અટ્ટાલિકાઓ પર ચઢીને ‘ચાલો, નીકળો.’ કહી લલકારતા હતા. કેટલાક દાનવોએ શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યાં હતાં, તેમના ગળામાં સુવર્ણકંઠીઓ હતી, પાણી ભરેલાં વાદળની જેમ સિંહનાદ કરતા હતા, કેટલાક વસ્ત્રો ઉડાડતા આમ તેમ દોડતા હતા, ઘેર આવીને એકબીજાને પૂછતા હતા, આ શું થઈ રહ્યું છે’, બીજો દાનવ ઉત્તર આપતો, ‘શું થાય છે તેની મને જાણ નથી. એનું જ્ઞાન મારાથી છુપું છે. હજુ તો બહુ સમય છે. જુઓ પૃથ્વી રથ પર બેઠેલો જે સિંહ છે તે ત્રિપુરને શરીરમાં વધતા વ્યાધિની જેમ પીડા પહોંચાડી રહ્યો છે. એ જે હોય તે. અત્યારે ચિંતા કરવાનો અર્થ નથી. શસ્ત્ર લઈને રણભૂમિ પર આવો. પછી મને પૂછવું નહીં પડે.’ આમ એકબીજા સાથે પ્રશ્નોત્તરી ચાલતી હતી.

તારકાક્ષપુરના નિવાસી દૈત્ય તારકાક્ષને આગળ કરીને જેવી રીતે દરમાંથી વિષધર સાપ નીકળે તેમ નગરમાંથી બહાર નીકળ્યા. તે દૈત્યોએ દેવસેના પર આક્રમણ કર્યું, પરંતુ જેવી રીતે સિંહોનું જૂથ હાથીઓને અટકાવે તેવી રીતે પ્રમથગણોએ તેમને રોકી પાડ્યા. તે અભિમાની દાનવોનું રૂપ તો અગ્નિસદૃશ હતું, અને આમ તેમને રોક્યા એટલે ભડભડ કરતા અગ્નિની જેમ ભભૂકી ઊઠ્યા. ચારે બાજુ સિંહનાદ થવા લાગ્યો. દાનવો વિશાળ ધનુષ્યોની પણછ ચડાવી પ્રાણ લેનારાં બાણો વડે પ્રહાર કરવા લાગ્યા. પ્રમથગણોમાં કેટલાકનાં મુખ માર્જાર જેવાં, કેટલાંકનાં હરણ જેવાં, કેટલાંકનાં વાંકાંચૂકાં હતાં. એમને જોઈને દાનવો તાળીઓ દઈ દઈને અટ્ટહાસ્ય કરવા લાગ્યા. પક્ષીઓ તળાવમાં પ્રવેશે તેમ ધનુષમાંથી છૂટેલાં બાણ યોદ્ધાઓના કવચમાં ઘૂસી જતાં હતાં. દાનવો પાર્ષદયૂથપતિઓને લલકારતા હતા, ‘અરે, હવે તો તમારું આવી જ બન્યું છે. અમે તમને મારી નાખવાના. અમારા હાથમાંથી છૂટીને જશો ક્યાં? પાછા આવો. અમે તમને મારી જ નાખવાના.’ સૂર્યકિરણો વાદળોને વીંધે એવી રીતે દાનવો તીક્ષ્ણ બાણો વડે તેમને ઘાયલ કરતા હતા. પ્રમથગણો પણ શિલાઓ, શિલાખંડો, વૃક્ષો ફંગોળીને દૈત્યો અને દાનવોને ચૂર ચૂર કરી રહ્યા હતા. તે અનેક વાદળોથી તથા હંસોથી છવાયેલા આકાશની જેમ તે સમગ્ર પુર દાનવોથી છવાયેલું હતું. જેવી રીતે ઇન્દ્રધનુષવાળાં વાદળ જળવૃષ્ટિ કરીને ઘનઘોર વર્ષાકાલ પ્રગટાવે તેવી રીતે દૈત્યો ધનુષની પણછ કાન સુધી ખેંચીને બાણોની વર્ષા કરી અંધકાર અંધકાર કરી મૂકતા હતા. દાનવોનાં બાણથી ઘાયલ થઈને ગણેશ્વરોના શરીરમાંથી પર્વતોમાંથી ધાતુપ્રવાહ વહે તેમ રક્તધારા વહેતી હતી. જેવી રીતે કુહાડીના પ્રહારથી કાચ ભાંગીને ભુક્કો થઈ જાય તેમ ગણેશ્વરો દ્વારા ફેંકાતાં વૃક્ષ, શિલા, વજ્ર, શૂલ, પટ્ટિશ, કુહાડાથી દૈત્યો પણ નાશ પામતા હતા. ‘આ જુઓ, તારકાક્ષ જીતી રહ્યો છે.’ એવી બૂમો દૈત્યો પાડતા હતા. આ બાજુ ગણેશ્વર બૂમો પાડતા હતા, ‘જુઓ ઇન્દ્ર અને રુદ્ર વિજયી થઈ રહ્યા છે.’

આ બંને સેનાઓમાં બાણો દ્વારા અટકાવેલા તથા ઘાયલ કરેલા વીર વર્ષાકાળે પાણી ભરેલાં વાદળ ગરજે તેમ ગરજી રહ્યા હતા. કપાઈ ગયેલા હાથ, મસ્તક, પીળી પતાકાઓ, છત્રો, માંસ-લોહીથી લથપથ યુદ્ધભૂમિ બહુ ભયાનક દેખાતી હતી. દાનવો અને પ્રમથગણ પહેલાં તો ઉત્તમ શસ્ત્રો ધારણ કરીને તાડની ઊંચાઈ જેટલા કૂદકા મારતા હતા પછી ઘાયલ થઈને ભૂમિ પર પડી જતા હતા. આકાશમાં ઊભેલા સિદ્ધ, અપ્સરા, ચારણો દાનવો પર થતા પ્રહારથી આનંદ પામીને ‘બરાબર, બરાબર’ એમ બૂમો પાડતા હતા. પછી આકાશમાં દેવતાઓનો દુંુદુભિનાદ સંભળાતો હતો. મેઘગર્જના અને આઠ પગાળા શરભની ગર્જના જેવા ધ્વનિ સંભળાતા હતા. જેવી રીતે નદીઓ સમુદ્રમાં અને કૃદ્ધ સાપ દરમાં પ્રવેશે તેવી રીતે દાનવો ત્રિપુરમાં પ્રવેશી રહ્યા હતા. અસ્ત્રધારી, શૂરવીર દેવગણ તારકાક્ષના પુર ઉપર ચારે બાજુથી છવાઈ ગયા હતા- જાણે પાંખાળા પર્વતો તોળાઈ રહ્યા ન હોય! ગણેશ્વર ત્રિપુરમાં ત્રણ ભાગમાં વહેંચાઈને યુદ્ધ કરી રહ્યા હતા. વિદ્યુન્માલી અને મયદાનવ બંને યુદ્ધભૂમિમાં બરાબર ખોડાઈ ગયા હતા. હિમાલય જેવા કાંતિમાન વિદ્યુન્માલીએ ભયંકર પરિઘ વડે નંદી ઉપર આક્રમણ કર્યું. એ પ્રહારથી નંદી બહુ ઘવાયા અને ભૂતકાળમાં દૈત્ય મધુના પ્રહારથી ભગવાન નારાયણ ચકરાઈ ગયા હતા તેવી રીતે ઘૂમવા લાગ્યા.

નંદીશ્વર ઘાયલ થયા એટલે તેઓ રણભૂમિ પરથી દૂર ગયા. હવે વિખ્યાત વીર ઘંટાકર્ણ, શંકુકર્ણ અને મહાકાલ જેવા પાર્ષદો ક્રોધે ભરાઈને એક સાથે વિદ્યુન્માલી ઉપર તૂટી પડ્યા. ગણેશ જેવા આકૃતિ ધરાવતા અને મુખ્ય એવા ગણેશ્વરો ઉપર બાણો ચલાવ્યાં. તેમને ઘાયલ કરીને તે આકાશમાં ગરજતા વાદળની જેમ સિંહનાદ કરતો હતો. એ ધ્વનિથી સૂર્ય જેવી પ્રભા ધરાવતા નંદીની મૂર્ચ્છા દૂર થઈ અને વિદ્યુન્માલી પર તેમણે આક્રમણ કર્યું. રુદ્રે તેમને આપેલ પ્રજ્વલિત અગ્નિ જેવું ચમકતું વજ્ર, વજ્રતુલ્ય કઠોર શરીર ધરાવતા દાનવ ઉપર ફંગોળ્યું. નંદીના હાથમાંથી છૂટેલું, મોતી મઢ્યું તે વજ્ર વિદ્યુન્માલીની છાતીમાં વાગ્યું. ઇન્દ્રના પ્રહારથી પર્વત ધરાશાયી થાય તેમ તે વજ્રના પ્રહારથી તે દાનવ ધરતી પર પડી ગયો. પોતાના કુળને આનંદિત કરનારા નંદીએ વિદ્યુન્માલીને મોતને ઘાટ ઉતાર્યો એટલે દાનવો ચીસો પાડવા લાગ્યા. ગણેશ્વરોએ તેમના ઉપર આક્રમણ કર્યું. વિદ્યુન્માલીના મૃત્યુથી દાનવો દુઃખી હતા, ક્રોધપૂર્ણ હતા. તેઓ ગણેશ્વરો ઉપર વૃક્ષો અને પર્વતોની ઝડીઓ વરસાવવા લાગ્યા. મસમોટા પર્વતોના પ્રહારથી બધા ગણેશ્વર જેવી રીતે અધર્મી લોકો વંદનીય ગુરુજનો આગળ થઈ જાય તેવી રીતે કંકિર્તવ્યમૂઢ થઈ ગયા. પછી તારકાક્ષ વૃક્ષ અને પર્વતનું રૂપ ધરીને રણભૂમિમાં આવ્યો.

તે વેળા ઘણા ગણેશ્વરોનાં મસ્તક ચીરાઈ ગયાં હતાં, કેટલાયના પગ ભાંગી ગયા હતા, કેટલાકનાં મોં ઘાયલ હતાં. મંત્રો દ્વારા સ્તંભિત કરાયેલા સાપની જેમ તે શોભતા હતા. માયાવી મય દ્વારા મરી જતા ગણેશ્વર પિંજરામાં ચક્કર કાપતાં પંખીની જેમ ઘૂમતા હતા. પછી જેવી રીતે આગ સૂકા લાકડાને બાળી નાખે તેવી રીતે તારકાક્ષે પાર્ષદોની સેનાને બાળવા માંડી. બાણોની વર્ષા કરીને તારકાક્ષ પાર્ષદોને અટકાવી દેતો હતો. આમ મયદાનવની માયા વડે અને તારકાક્ષનાં બાણો વડે ગણેશ્વરો નાશ પામી રહ્યા હતા. જૂનાં મૂળિયાં ધરાવતાં વૃક્ષોની જેમ તેઓ વ્યાકુળ થઈ ગયા. ફરી મયદાનવે પોતાની માયા રચીને શત્રુસેના પર અગ્નિવર્ષા કરી, વળી ગ્રહ, મગર, સર્પ, વિશાળ સિંહ, વાઘ, વૃક્ષ, કાળિયાર, શરભ — આ બધાંને પણ ઢાળી દીધાં — પાણીનો મારો ચલાવ્યો અને ઝંઝાવાત ઊભો કર્યો. આમ તારકાક્ષ અને મયની માયા વડે મોહ પામી ગણેશ્વર મનોમન પણ કશું કરવાની શક્તિ ગુમાવી બેઠા. જળ અને અગ્નિની ભારે વર્ષા, હાથી, સર્પ, સિંહ, વાઘ, રીંછ, ચિત્તા અને રાક્ષસો વડે પ્રમથગણ પણ હેરાન થઈ રહ્યા હતા. માયા વડે એટલો બધો ગાઢ અંધકાર છવાઈ ગયો કે જેવી રીતે ભરદરિયે ડૂબકી મારનારાની સ્થિતિ થાય તેવી તેમની થઈ. ગણેશ્વર પીડાઈ રહ્યા હતા અને દાનવો સિંહનાદ કરતા હતા. મુખ્ય મુખ્ય દેવો ગણેશ્વરોની સહાય કરવા શત્રુસેનામાં પ્રવેશ્યા. ગદાધારી યમરાજ, વરુણ, ભાસ્કર, એક કરોડ દેવતાઓ સમેત કાર્તિકેય, શ્વેત ઐરાવત પર સવાર થયેલા ઇન્દ્ર, ચન્દ્રમા, સૂર્ય અને સૂર્યપુત્ર શનૈશ્ચર, અન્તક સમેત રુદ્ર — આ બધા બળવાનો દ્વારા રચાયેલી શત્રુસેનામાં પ્રવેશ્યા. જેવી રીતે ગજરાજ વનમાં, વાદળોવાળા આકાશમાં સૂર્ય, નિર્જન પ્રાન્તમાં સિંહ પ્રવેશે તેવી રીતે દેવતાઓએ દાનવસેના પર આક્રમણ કર્યું, પાર્ષદગણોએ શસ્ત્રપ્રહાર કરીને જેમ સૂર્ય મનુષ્યોના અન્ધકારનો અને ચન્દ્ર રાત્રિના અંધકારનો નાશ કરે તેમ તેમ દાનવોના સૈન્યની વ્યૂહરચના તોડીફોડી નાખી.

અન્ધકારનો પ્રભાવ નાશ પામ્યો અને અસ્ત્રોનો પ્રભાવ વધ્યો એટલે દિક્પાલો, લોકપાલો, ગણનાયકોએ સિંહનાદ કર્યો. પછી તેઓ યુદ્ધમાં દાનવોને ઘાયલ કરવા લાગ્યા. કેટલાયના હાથ કપાઈ ગયા, કેટલાયના પગ ભાંગી ગયા, કેટલાયનાં મસ્તક કપાઈ ગયાં, કેટલાયના શરીર બાણોથી વીંધાયાં. કળણમાં ગજરાજ ફસાઈ વિવશ થાય તેમ દેવતાઓ વડે પ્રહાર પામેલા દાનવો દુઃખી દુઃખી થઈ ગયા.

વજ્રપાણિ ઇન્દ્ર પોતાના ભયંકર વજ્ર વડે, મયૂરરાજ કાર્તિકેય શક્તિ વડે, ધર્મરાજ દંડ વડે, વરુણ ઉગ્ર પાશ વડે, પરાક્રમી-તેજસ્વી-સુંદર કેશકલાપ ધરાવતા કુબેર શૂલ વડે પ્રહાર કરતા હતા. દેવતાઓ સમાન તેજસ્વી અને પૂર્ણાહુતિ વેળાના અગ્નિ સમાન પ્રકાશમાન ગણેશ્વર વીજળીની જેમ દાનવો પર ત્રાટકતા હતા. પછી દેવતાઓની રક્ષામાં રોકાયેલા પાર્વતીનંદન કાર્તિકેયને ધ્યાનમાં રાખી મય દાનવે તારકાક્ષને કહ્યું, ‘દૈત્યરાજ, આપણાં શરીર શસ્ત્રોના મારથી ઘવાઈ ગયાં છે. શસ્ત્ર-અસ્ત્ર, ધ્વજ, કવચ, વાહન પણ વેરણછેરણ થઈ ગયાં છે. ગણેશ્વરો અને લોકનાયક દેવોના મનમાં વિજયની આકાંક્ષા જાગી છે, તેઓ વિજયી પણ થઈ રહ્યા છે, એટલે આ વીર પર પ્રહાર કરીને સેનાસહિત નગરમાં જઉં છું, થોડો વિશ્રામ કરીને શક્તિસંપન્ન થઈ સેવકો સાથે આવી પહોંચું છું.’

મયદાનવની આવી વાત સાંભળીને રક્તસમાન નેત્રો ધરાવતો તારકાક્ષ તરત જ આકાશમાર્ગે દિતિ-પુત્રો સાથે ત્રિપુરમાં પ્રવેશ્યો, દેવતાઓ તો યુદ્ધભૂમિ પર ઊછળી પડ્યા. મયનો પીછો કરી રહેલા શંકર ભગવાનના સૈનિકો ઘણા શોભી રહ્યા હતા. તેમનાં શંખ, ભેરી, નગારાં વાગી રહ્યાં હતાં. હિમાલય પર્વતની ભયંકર અને ઊંડી ગુફામાં ગજરાજ અને સિંહ ગરજતા હોય એવો ભયાનક ધ્વનિ સંભળાતો હતો.

ભૂરા આકાશમાં જેવી રીતે વાદળ પ્રવેશે તેવી રીતે મયદાનવ કાર્તિકેય પર પ્રહાર કરીને ત્રિપુરમાં પ્રવેશ્યો. પછી દીર્ઘ નિ:શ્વાસ મૂક્યો, ત્રિપુરમાં ભાગી આવેલા દાનવોને જોઈને મયદાનવ કાળની ગતિ પર વિચાર કરતો બેઠો. ‘રણભૂમિમાં યુદ્ધની અભિલાષાથી ઊભેલા વિદ્યુન્માલીને નિહાળીને ઇન્દ્ર પણ ડરતા હતા તે કાળનો કોળિયો થઈ ગયો. ત્રણે લોકમાં આ ત્રિપુર જેવો બીજો કોઈ દુર્ગ નથી અને છતાં આના પર આપત્તિ આવી ચઢી. પ્રાણરક્ષા દુર્ગથી જ થતી નથી- દુર્ગ કરતાંય ચઢિયાતી ઘણી વાતો કાળને વશ છે. જો કાળ જ કોપ કરી બેઠો હોય તો તમારી રક્ષા કાળથી કેવી રીતે થશે? ત્રણે લોકમાં અને સર્વ પ્રાણીઓમાં, જે કંઈ બળ છે તે બધું કાળને વશ છે. આવા અમિત પરાક્રમી, અસાધ્ય કાળ સામે કયો પુરુષાર્થ સફળ થઈ શકે? ભગવાન શંકર સિવાય કાળ પર વિજય કોણ મેળવી શકે? હું ઇન્દ્ર, વરુણ, યમથી ગભરાતો નથી, કુબેરથી પણ નહીં. પરંતુ આ દેવતાઓના સ્વામી મહેશ્વર પર વિજય મેળવવો બહુ દુષ્કર છે. છતાં આ દાનવો ચારે બાજુ ફેલાયેલા છે ત્યાં સુધી ઐશ્વર્યપ્રાપ્તિની આશા છે, સ્વામી બનવાનું ફળ હું પામીશ. અમૃત રૂપી જળ ભરેલું હોય એવી વાવ બાંધીશ, શ્રેષ્ઠ ઔષધિઓ પણ લાવીશ. એ શ્રેષ્ઠ સંજીવની ઔષધિઓના પ્રયોગથી મૃત દાનવો જીવતા થઈ જશે.’

આમ વિચારી (જેવી રીતે બ્રહ્માએ માયા વડે રંભા અપ્સરાનું નિર્માણ કર્યું હતું તેવી રીતે) માયાવીશ્રેષ્ઠ મયદાનવે એક સુંદર વાવ ઊભી કરી, તે વાવ બે યોજન લાંબી અને એક યોજન પહોળી હતી. ચિત્રવિચિત્ર પ્રસંગો ધરાવતી કથાની જેમ ચઢવા-ઊતરવા સીડીઓ હતી. સંપૂર્ણ ગુણોવાળી સ્ત્રીની જેમ તે વાવ શોભતી હતી, તેનાં ચન્દ્રકિરણોની જેમ ઉજ્જ્વળ, અમૃત સમાન, સુવાસિત જળથી ભરેલી હતી. તેમાં નીલ કમલ, કુમુદ તથા અનેક પ્રકારનાં કમળ ખીલ્યાં હતાં. જળની ઇચ્છાવાળા જીવોને તે પ્રાણદાન કરનારી હતી. જેવી રીતે મહેશ્વરે જટામાંથી ગંગાને વહેતી કરી એવી જ રીતે મયે વાવ બનાવી તેના પાણીથી સર્વપ્રથમ વિદ્યુન્માલીના શબને નવડાવ્યું. વાવમાં ડૂબાડતાં વેંત જેવી રીતે ઈંધણ પડવાથી હવન થઈ રહેલો અગ્નિ પ્રગટી ઊઠે છે તેવી રીતે વિદ્યુન્માલી ઊભો થઈ ગયો અને મયદાનવને અને તારકાક્ષને હાથ જોડ્યા, ‘પ્રમથ રૂપી શિયાળમાંથી ઘેરાયેલા રુદ્રની સાથે નંદી ક્યાં છે? હવે આપણે શત્રુઓને ભૂંજી નાખીશું. આપણામાં વળી દયા ક્યાંથી? આપણે કાં તો રુદ્રને ભગાડીને પ્રભાવશાળી બનીશું અથવા યુદ્ધભૂમિમાં મૃત્યુ પામીને યમરાજનો કોળિયો બનીશું.’

વિદ્યુન્માલીની આવી ઉત્સાહપૂર્ણ વાતો સાંભળીને મયદાનવની આંખોમાં આંસુ આવી ગયાં. વિદ્યુન્માલીને ભેટીને તેણે કહ્યું,‘ મહાબાહુ, તારા વિના મારે નથી જોઈતું રાજ્ય કે નથી જોઈતું જીવન. બીજા પદાર્થોની તો વાત જ ક્યાં? મેં માયા દ્વારા અમૃતથી ભરેલી આ વાવ બનાવી છે તે મૃત દાનવો- દૈત્યોને જીવનદાન આપશે. સૌભાગ્યવશ એના પ્રભાવથી જ હું તને યમલોકથી પાછો આવેલો જોઈ શકું છું. હવે આપણે આપત્તિટાણે અન્યાયથી અપહરણ કરી આણેલ મહાનિધિનો ઉપભોગ કરીશું.’

માયાના પ્રભાવે મય દ્વારા સર્જાયેલી એ વાવ જોઈને દૈત્યરાજોનાં નેત્ર-મુખ હર્ષથી પ્રફુલ્લિત થઈ ગયાં હતાં. તે દાનવોને કહેવા લાગ્યા, ‘દાનવો, હવે તમે નિર્ભય બનીને પ્રમથગણો સાથે યુદ્ધ કરો. મયે સર્જેલી આ વાવ તમને જીવનદાન કરશે.’ મેઘગર્જના જેવી એ ભેરી સાંભળીને યુદ્ધ માટે ઉત્સાહી બનેલા અસુરો ત્રિપુરની બહાર નીકળી પડ્યા. લોખંડ, ચાંદી, સુવર્ણ અને મણિના બનેલાં કુંડળ, હાર, મુકુટ દાનવોએ ધારણ કર્યાં હતાં. સતત પ્રજ્વલિત ધૂમયુકત અગ્નિ જેવા તે દેખાતા હતા. તે સુદૃઢ પરાક્રમી દૈત્ય પોતપોતાનાં અસ્ત્રો લઈને રંગમંચ ઉપર નાચતા નટના જેવા દેખાતા હતા. સૂંઢ ઊંચી કરેલા હાથીની જેમ હાથ ઊંચા કરીને તથા સિંહની જેમ નિર્ભય બનીને મેઘગર્જના કરતા હતા. કુંડ સમાન ગંભીર, સૂર્ય સમાન તેજસ્વી, વૃક્ષો જેવા ધૈર્યવાન દૈત્યો પ્રમથગણોની વિશાળ સેનાને પીડવા લાગ્યા. ત્યાર પછી ગરુડની જેમ ઝાપટનારા દાનવશત્રુ પ્રમથગણ પણ ઉત્સાહપૂર્વક યુદ્ધ કરવાની ઇચ્છાથી દાનવો પર ટૂટી પડ્યા. નંદીશ્વરના હાથ નીચે પ્રમથગણ અને તારકાસુરના હાથ નીચે દાનવો યુદ્ધ કરવા લાગ્યા. તેમને સૈન્ય પણ પ્રેરતું હતું. ચન્દ્રમા જેવી તેજસ્વી તલવારો, અગ્નિસમાન પીળા શૂળ, સુદૃઢતાથી છોડેલાં બાણ એકબીજા પર પ્રહાર કરી રહ્યાં હતાં. આકાશમાંથી ખરતી ઉલ્કાઓની જેમ બાણ, તલવારો ચમકતાં હતાં.

શક્તિના પ્રહારથી તેમનાં હૃદય છિન્નભિન્ન થઈ ગયાં હતાં. પ્રમથગણ અને અસુરો નરકમાં પડેલા જીવોની જેમ ચીસો પાડતા હતા. સુવર્ણમંડિત કુંડળ અને પ્રભાવશાળી મુગટવાળા વીર સૈનિકોનાં મસ્તક પ્રલયકાળ પ્રસંગે પર્વતશિખરની જેમ પૃથ્વી પર પડ્યાં હતાં. કુઠાર, પટ્ટા, તલવાર, ગદાના આઘાતથી છિન્ન ભિન્ન થયેલા તે ગજેન્દ્રોની જેમ ધરાશાયી થયા હતા. એકાએક ભયંકર ગર્જના કરનારા પ્રમથગણ આનંદપૂર્વક બૂમ પાડતા તો સિદ્ધગણ અદ્ભુત યુદ્ધકૌશલ દેખાડતા હતા. રણભૂમિમાં આગળ ચાલનારા ચારણો પાનો ચઢાવતા હતા. ‘અરે પ્રમથ, તમારું બળ તો કહેવું પડે!’ ‘અરે દાનવ, તમે તો ભારે ગર્વીલા!’ દાનવોએ લોખંડી ગદાનો પ્રહાર કરીને કેટલાક પાર્ષદોને મોઢામાંથી લોહી ઓકતા કરી મૂક્યા, જાણે પર્વતોમાંથી સુવર્ણધાતુઓ રેલાઈ રહી ન હોય! પ્રમથગણોએ પણ રણભૂમિમાં બાણ, વૃક્ષ, પર્વતશિખર વડે પ્રહાર કરીને ઘણા બધા દેવશત્રુ અસુરોને સારી રીતે ઘાયલ કરીને મૃત્યુના મોઢામાં ફંગોળ્યા હતા. મયદાનવની આજ્ઞાથી બીજા દાનવો મરી ગયેલા દાનવોને ઊંચકીને તે વાવમાં નાખી દેતા હતા, ત્યાં પડતાંવેંત બધા દાનવ સ્વર્ગનિવાસી દેવતાઓની જેમ તેજસ્વી શરીર પર ઉત્તમ આભૂષણો અને વસ્ત્રો ધારણ કરીને બહાર આવી જતા હતા. વાવમાંથી જીવતા નીકળતા કેટલાક દાનવો તાળીઓ પાડી આમતેમ દોડતા હતા અને બોલતા હતા, ‘દાનવો, પ્રમથગણો ઉપર ટૂટી પડો. બેસી કેમ રહ્યા છો! મરી જશો તો આ વાવ તમને પુનર્જીવિત કરી દેશે.’

દાનવોની આવી વાત સાંભળીને સૂર્ય સમાન તેજસ્વી શંકુકર્ણે શંકર ભગવાન પાસે જઈને કહ્યું, ‘દેવ, પ્રમથગણો જે દાનવોનો સંહાર કરે છે તે બધા પાણી સીંચવાથી પાક તૈયાર થાય તેમ સજીવન થઈ ઊઠે છે. આ પુરમાં અમૃતજળ ભરેલી વાવ હોવી જ જોઈએ. એમાં દાનવોને ડૂબાડવાથી તેઓ સજીવન થઈ જાય છે.’ આમ શંકર ભગવાનને ચેતવ્યા. દાનવસેનામાં ભયાનક ઉત્પાત થવા લાગ્યા. એટલે ભયાનક નેત્રોવાળા તારકાક્ષે ક્રોધે ભરાઈને સિંહની જેમ મોં કરીને મહાદેવ ઉપર આક્રમણ કર્યું. તે વેળા ત્રિપુરમાં ભેરી અને શંખોનો ધ્વનિ થવા લાગ્યો. દેવાધિદેવ શંકરના રથ પર બ્રહ્મા પણ હતા, તેમને જોઈને દાનવો ત્રિપુરની બહાર નીકળ્યા. તે જ વેળા ત્યાં આવેલા ભયંકર ભૂકંપથી શિવના રથનું પૈંડું ધરતીમાં પ્રવેશી ગયું. આ જોઈ ભગવાન રુદ્ર અને સ્વયંભૂ બ્રહ્મા પણ વ્યગ્ર થઈ ગયા. તે દેવશ્રેષ્ઠોવાળો રથ ક્યાંય સ્થાન ન મળવાને કારણે વિપત્તિગ્રસ્ત થઈ ગયો. વીર્યનાશ થવાથી જેમ શરીર, ગ્રીષ્મ ઋતુમાં ઓછા પાણીવાળું જળાશય, તિરસ્કૃત સ્નેહની જેમ તે રથ શિથિલ થઈ ગયો. આમ જ્યારે તે શ્રેષ્ઠ રથ નીચે સરકવા લાગ્યો ત્યારે બ્રહ્મા રથમાંથી કૂદી પડ્યા અને રથને ઊંચકીને ઉપર આણ્યો. પીતાંબરધારી ભગવાન જનાર્દને બાણમાંથી બહાર આવીને વિશાળ વૃષભનું રૂપ લીધું અને તે રથને ઊંચકી લીધો. જેવી રીતે કોઈ કુલપતિ પોતાના સમગ્ર કુલનો ભાર વહે તેવી રીતે જનાર્દને એ રથને પોતાનાં શિંગડાં પર ઊંચકી લીધો. તે વેળા પાંખાળા ગિરિરાજની જેમ તારકાસુરે બ્રહ્મા પર આક્રમણ કર્યું અને તેમને ઘાયલ કરી દીધા તે પ્રહારથી ઘાયલ થયેલા બ્રહ્મા રથમાં ચાબૂક મૂકીને વારેવારે દીર્ઘ શ્વાસ લેવા લાગ્યા અને ક્રોધે ભભૂકી ઊઠ્યા.

દૈત્યો અને દાનવો તારકાસુરનો સત્કાર કરવા માટે મેઘગર્જનાની જેમ ભયંકર સિંહનાદ કરવા લાગ્યા. આ જોઈ વૃષભશરીરધારી અને શંકર દ્વારા પૂજાતા ભગવાન કેશવ હાથમાં સુદર્શન લઈને દૈત્યોની બધી સેનાને કચડતા ત્રિપુરમાં પ્રવેશ્યા. ત્યાં તેઓ પેલી વાવ પાસે ગયા, તે વાવ કુમુદ, નીલકમલ અને બીજાં કમળથી શોભતી હતી. પછી સૂર્ય રાત્રિના અંધકારને પી જાય તેવી રીતે ભગવાન તે વાવનું અમૃતજળ પી ગયા. આમ એ વાવનું જળ પીને સિંહનાદ કરતા બાણમાં પાછા પ્રવેશી ગયા. પછી ભયાનક મુખવાળા ગણેશ્વરો અસુરોનો વિનાશ કરવા લાગ્યા. દાનવોના લોહીની નદીઓ વહેવા લાગી. તે બધાને યુદ્ધવિમુખ કરી દીધા. પ્રમથગણો દ્વારા ભગાડી મૂકેલા અને બાણોના પ્રહારથી ઘાયલ દાનવો મયની સાથે તારકાસુર અને વિદ્યુન્માલી ત્રિપુરમાં પાછા પ્રવેશ્યા, જાણે તેમના શરીરમાં પ્રાણ જ રહ્યા ન હતા. મહેન્દ્ર, નંદીશ્વર અને કાર્તિક ગણેશ્વરોની સાથે હર્ષપૂર્ણ બનીને શોભી ઊઠ્યા હતા. તેઓ ઉન્મત્ત બનીને સિંહનાદ કરતા, અટ્ટહાસ્ય કરતા અને બોલતા, ‘હવે ચન્દ્રમા વગેરે દિગ્પાલો સમેત આપણે વિજયી થઈશું.’

અને આ રીતે પ્રમથ શત્રુઓએ ઘાયલ કરેલા દાનવો ડરી જઈને ત્રિપુરમાં પ્રવેશ્યા. તે વેળા પ્રમથોએ ત્રિપુરના ગોપુરોને પણ તોડીફોડી નાખ્યા હતા. જેવી રીતે દાંત ગુમાવી બેઠેલા સાપ, ભાંગી ગયેલા શિંગડાંવાળા વૃષભ, પાંખો વિનાનાં પક્ષી, આછા પાણીવાળી નદીઓ શોભાહીન થઈ જાય છે તેવી રીતે દેવોના પ્રહારથી દૈત્યો મૃત:પ્રાય થઈ ગયા હતા. વિકૃત થઈ ગયેલા મોંવાળા તેઓ બોલતા હતા- હવે શું કરીએ?

કમળ સમાન મુખવાળા મયદાનવે તે મલિન મન ધરાવતા દૈત્યોને કહ્યું, ‘તમે લોકોએ યુદ્ધભૂમિમાં દેવતાઓ અને પ્રમથગણો સાથે ભયંકર યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો એમાં કશી શંકા નથી પણ પાછળથી દેવસૈન્ય અને પ્રમથગણોના મારથી ઘાયલ થઈને ભયભીત થઈ નગરમાં આવી ચઢ્યા છો. દેવલોકો સ્પષ્ટ રીતે આપણું અહિત કરી રહ્યા છે એમાં તો કશી શંકા નથી. એટલે તો મહાભાગ્યશાળી દૈત્યો અત્યારે પર્વતીય વિસ્તારોમાં સંતાઈ રહ્યા છે. કાળ સૌથી વધુ બળવાન છે. કાળને કોઈ રીતે જીતી શકાતો નથી. કાળના પ્રભાવથી જ ત્રિપુર જેવા દુર્ગ પર આપત્તિ આવી છે.’ જેવી રીતે ચન્દ્રનો ઉદય થવાથી બીજા ગ્રહ નિસ્તેજ થઈ જાય છે તેવી રીતે મયદાનવનો આવો નિગ્રહ સાંભળીને બધા દૈત્યો નિસ્તેજ થઈ ગયા.

તે જ વેળા વર્ષાકાલીન મેઘની જેમ યમરાજ જેવા ભયંકર દેખાતા, વાવરક્ષકો મયદાનવ આગળ હાથ જોડીને બોલ્યા, ‘દૈત્યરાજ, તમે જે અમૃતરૂપી જળથી ભરેલી વાવ ઊભી કરી હતી અને જેમાં નીલકમલ હતા, મત્સ્ય હતા, અન્ય પ્રકારનાં કમળ હતાં, તેનું જળ વૃષભધારી કોઈ દેવતા પી ગયો છે. અત્યારે તે વાવ મૂર્ચ્છા પામેલી સુંદરી જેવી દેખાય છે.’

વાવના રક્ષકોની વાત સાંભળીને અરેરે-આફત છે, એમ કેટલીય વાર કહીને મય દૈત્યોને કહેવા લાગ્યો, ‘દાનવો, મેં માયા વડે સર્જેલી વાવનું પાણી જો કોઈ પી ગયું તો માની જ લો કે આપણો નાશ થઈ ગયો. દેવતાઓ વડે મારી નખાતા દૈત્યોને તે વારેવારે સજીવન કરતી હતી, તે વાવનું પાણી પીવાઈ ગયું. તો પીતાંબરધારી વિષ્ણુએ જ પીધું હશે. ગદાધારી વિષ્ણુ સિવાય કોણ સમર્થ છે જે મારી આ ગુપ્ત વાવનું પાણી પી જાય. આ પૃથ્વી પર દૈત્યોની અતિ ગુપ્ત કથા પણ વિષ્ણુથી છૂપી નથી. આપણો આ પ્રદેશ સુંદર છે, સમતલ છે. અહીં વૃક્ષ નથી, પર્વત નથી. છતાં મરુત ગણ નવાં જળ વરસાવીને આપણને નુકસાન પહોંચાડે છે. જો તમને સ્વીકાર્ય હોય તો આપણે સમુદ્ર પર સ્થાયી થઈ જઈએ અને ત્યાંથી જ પ્રમથોનો વાયુ જેવો વેગ સહી લઈએ. સાગર કિનારે તેમની બધી મહેનત એળે જશે, પેલા વિશાળ રથનો માર્ગ રોકાઈ જશે. એટલે યુદ્ધ કરતી વેળા, શત્રુઓને મારતી વેળા, ભયભીત થઈને ભાગતી વેળા આ સાગર આપણા માટે આકાશની જેમ શરણદાતા થઈ જશે.’ આમ કહી દૈત્યરાજ મયદાનવ ત્રિપુર સમેત સાગર જવા તત્પર થયો. આમ શ્રેષ્ઠ ત્રિપુર નગર અગાધ જળથી ભરેલા સાગર ઉપર લહેરાવા લાગ્યું, ત્યાં ગોપુર અને આભૂષણો સમેત ત્રણે પુર યથાસ્થાન ગોઠવાઈ ગયાં.

આમ ત્રિપુર દૂર જતાં રહ્યાં એટલે ભગવાન શંકરે વેદવિદ્યાનિપુણ બ્રહ્માને કહ્યું, ‘દાનવો આપણાથી ડરી ગયા છે. એટલે તેઓ સમુદ્ર પાસે જતા રહ્યા છે. ત્રિપુર સમેત બધા દાનવ જે માર્ગે ગયા છે તે માર્ગે તમે મારો રથ લઈ જાઓ.’ આમ શસ્ત્રધારી દેવતાઓ ગર્જનાઓ કરતા કરતા દેવરથની આસપાસ ચાલતા પશ્ચિમ સમુદ્રની દિશામાં નીકળી ગયા. દેવતાઓ શંકર ભગવાનને ઘેરીને દાનવોના નિવાસ સ્થાન તરફ ગયા. ત્યાં પહોંચીને સુંદર પતાકાઓવાળું, ઢોલ-નગારા-શંખના ધ્વનિવાળું ત્રિપુર જોઈને દેવગણ વાદળોની જેમ ગરજવા લાગ્યા. અસુરશ્રેષ્ઠ મયદાનવના પુરમાં પણ સિંહનાદની સાથે સાથે મેઘગર્જના જેવાં મૃદંગોનો ધ્વનિ ક્ષુબ્ધ મહાસાગરના જેવો થઈ રહ્યો હશે. પછી દેવતાઓના આશ્રય એવા ભગવાન શંકર શત્રુઓનો સંહાર કરવા તત્પર થયા. શત્રુઓને ત્રિપુરમાં પ્રવેશતા જોઈ દેવતાઓ તથા ગણોના નાયક ઇન્દ્રને કહ્યું, ‘ઇન્દ્ર,મારી વાત સાંભળો. દાનવો તેમના નિવાસસ્થાનમાં પ્રવેશી ગયા છે. એટલે તમે યમ, વરુણ, કુબેર, કાર્તિકેય અને ગણેશ્વરોને સાથે રાખીને તેમનો સંહાર કરો ત્યાં સુધી હું પણ તેમને મારીશ. તમે શત્રુસેના પર પ્રહાર કરતા કરતા સમુદ્રમાં જ્યાં આ ત્રણ પુર છે ત્યાં જાઓ. જ્યારે દાનવોને જાણ થશે કે સમર્થ શંકર શ્રેષ્ઠ રથ પર બેસીને ત્રિપુરનો વિનાશ કરવા સમુદ્રકાંઠે આવ્યા છે ત્યારે તેઓ સમુદ્રની બહાર આવશે. ત્યારે તમે વજ્ર અને બીજાં શસ્ત્રો વડે, બાણવર્ષા વડે દાનવરાજો સમેત ત્રિપુર પર આક્રમણ કરો. હું આ રથ પર બેસીને અસુરરાજોનો વધ કરવા તમારી પાછળ જ હોઈશ. હું તમારા સુખનો વિચાર કરતો રહીશ.’ આમ શંકર ભગવાનના કહેવાથી સહાક્ષ ઇન્દ્ર ત્રિપુરનો નાશ કરવા આગળ વધ્યા.

શંકર ભગવાને આ રીતે પાનો ચઢાવ્યો એટલે દેવરાજ ઇન્દ્ર, લોકપાલો, ગણપાલો બધી બાજુથી તે અસુરોનો વધ કરવા નીકળી પડ્યા. આકાશમાં પહોંચીને પાંખોવાળા પર્વત જેવા શોભી ઊઠ્યા. જેવી રીતે વ્યાધિ શરીરનો નાશ કરે છે તેવી રીતે શંખ, ડંકાનિશાન, ઢોલ, નગારાં વગાડીને ત્રિપુરનો નાશ કરવા ગયા. ત્રિપુરવાસી દાનવોએ આગળ વધતા દેવગણોને જોયા. ‘શંકર આવી ગયા’ એમ બોલતા મહાબળવાન અસુરો પ્રલયકાલીન સમુદ્રની જેમ ખળભળી ઊઠ્યા. ભયાનક રૂપધારી દાનવો દેવતાઓનાં વાજંત્રોિનો ધ્વનિ સાંભળી વિવિધ વાદ્યો વગાડતાં મોટે મોટેથી ગરજવા લાગ્યા. પછી ફરી પરાક્રમ કરવા માગતા દેવદાનવ એકબીજા ઉપર ક્રોધે ભરાઈને પ્રહાર કરવા લાગ્યા. પછી તો એવી ગર્જનાઓની સાથે અનુપમ યુદ્ધ શરૂ થયું. બંને સેનાઓ દ્વારા સરખો સિંહનાદ થતો હતો. તેમનાં શરીર કપાવા લાગ્યાં. અનેક સૂર્ય નીચે પડી રહ્યા છે, અગ્નિજ્વાળાઓ પ્રજ્વલિત થઈ રહી છે, ઝેરી સાપ ફૂંફાડા મારે છે, પક્ષીઓ આકાશમાં ચકરાય છે, પર્વતો કાંપી રહ્યા છે, વાદળો ગરજી રહ્યાં છે, સિંહ બગાસાં ખાય છે, ભયંકર ઝંઝાવાત ફુંકાઈ રહ્યો છે, ઊછળતાં અને મહાબળવાન દાનવ કસકસાવીને યુદ્ધ કરી રહ્યા હતા, જાણે પર્વતો પર વજ્ર ટકરાઈ રહ્યા ન હોય!

જેવી રીતે આકાશમાં પવનને કારણે પ્રલયકાલીન મેઘ ગર્જના થાય છે તેવી રીતે પણછ ખેંચાયેલા ધનુષના ભીષણ શબ્દો થઈ રહ્યા હતા. યુદ્ધભૂમિમાં બંને પક્ષે ‘ગભરાઓ નહીં, ભાગીને ક્યાં જશો? હવે તો તમે મર્યા જ સમજો — શીઘ્ર પ્રહાર કરો, હું અહીં ઊભો છું, આવો અને તમારો પુરુષાર્થ બતાવો. પકડી લો, કાપી નાખો, વિદીર્ણ કરો, ખાઈ જાઓ, મારફાડ કરો.’ એવી વાણી સંભળાતી હતી, અને પછી શાંત થઈને યમલોકના પ્રવાસી બની જતા હતા. કેટલાક વીર તલવારથી, કેટલાક પરશુથી કપાઈ ગયા હતા, કેટલાક શૂલ વડે ચીરાઈ ગયા હતા. શરપુષ્પો જેવા દાનવ વન પર્વતો જેવા ભયંકર તિમંગિલોથી ભરેલા સમુદ્રમાં પડી જતા હતા. કવચ વડે કસીને બંધાયેલા શરીરવાળા દાનવો સમુદ્રમાં પડતા હતા ત્યારે મેઘગર્જના જેવો ધ્વનિ થતો હતો. તે ધ્વનિથી તથા દાનવોના લોહીની ગંધથી મગર, તિમંગિલ જેવાં પ્રાણીઓ સમુદ્રને વલોવી રહ્યા હતા. મગરમચ્છોનાં જૂથ બીજાં પ્રાણીઓને ભગાડીને રથ, શસ્ત્ર, અશ્વ, વસ્ત્ર, આભૂષણો સમેત દાનવોને ગળી જતા હતા. જેવી રીતે આકાશમાં પ્રમથો અને દાનવોનું યુદ્ધ ચાલતું હતું તેવી રીતે સમુદ્રમાં જલચર પ્રાણીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું.

જેવી રીતે આકાશમાં પ્રમથગણ દાનવોની સાથે યુદ્ધ કરતા કરતા ભમી રહ્યાં હતાં તેવી રીતે જલચર પ્રાણીઓ પણ એકબીજાનાં શરીરને આહત રીતે ચિત્કારો કરી રહ્યાં હતાં. દેવતાઓ, દાનવો, જલચર પ્રાણીઓનાં ઘા અને મોંમાંથી વહેતા લોહી વડે સમુદ્રના એ પ્રદેશનું જળ થોડા સમય માટે લાલચોળ થઈ ગયું અને એમાં પુર આવ્યું. ત્રિપુરનું પૂર્વદ્વાર અત્યંત વિશાળ અને કાળા વાદળ તથા પર્વત જેવું તેજસ્વી હતું. બળવાન ઇન્દ્ર દેવતાઓની વિશાળ સેના લઈને દ્વારને ભીડી ઊભા હતા. એવી જ રીતે ઊગતા સૂર્ય અને સુવર્ણના રંગવાળા શંકરપુત્ર સ્કન્દ ત્રિપુરના ઉત્તર દ્વારે જાણે સૂર્ય અસ્તાચલના શિખર પર ચડી રહ્યા ન હોય એવી રીતે દેખાતા હતા. દંડધારી યમરાજ અને શ્રેષ્ઠ અસ્ત્રધારી કુબેર પુરના પશ્ચિમ દ્વારે ઊભા હતા. દસ હજાર સૂર્યના તેજવાળા દક્ષશત્રુ દેવરથ પર આરૂઢ થઈ શત્રુનગરના દક્ષિણ દ્વારે હતા. ત્રિપુરના ગોપુરોને તથા સુવર્ણમય ઊંચા મહેલોને પ્રસન્ન મુખવાળા પ્રમથોએ ઘેરી રાખ્યા હતા — જાણે વર્ષા કરનારા મેઘ જ્યોતિર્ગણોને ઘેરી વળ્યા ન હોય! કૃષ્ણ વર્ણના પ્રમથગણો દાનવોના પર્વતમાળાના જેવી ઊંચી વેદિકાવાળાં ગૃહોને, રાતાં અશોકવૃક્ષો તથા અન્ય વનો ધરાવતા, કોયલોના ટહુકાવાળા વૃક્ષોને ઉખાડી ઉખાડીને સતત સમુદ્રમાં ફેંકી રહ્યા હતા અને મોટે મોટેથી ગરજતા હતા. એ ગૃહોમાં રહેતી સ્ત્રીઓ ‘અરે નાથ, અરે પિતા, હે પુત્ર, હે ભાઈ, હે પ્રિયતમા’ જેવા અનેક પોકારો કરી રહી હતી. આમ જ્યારે તે પુરમાં સ્ત્રી, પુત્ર અને બીજાઓનો વિનાશ કરનારું અત્યંત ભીષણ યુદ્ધ થવા માંડ્યું ત્યારે સાગરસદૃશ મહાન અસુરો અને ગણેશ્વરો ક્રોધે ભરાયા. પછી તો કુઠાર, શિલાઓ, ત્રિશૂલ, વજ્ર જેવાં શસ્ત્રોના પ્રહારથી શરીર અને ગૃહોનો નાશ કરનારું ઘોર યુદ્ધ શરૂ થઈ ગયું. બંને સેનાઓ વચ્ચે ભયાનક વેર હતું. એકબીજાને લક્ષ્ય બનાવીને દેવતાઓ અને દાનવોના શબ્દો પ્રલયકાળે સમુદ્ર જેવા, લાગતા હતા.

ગણેશ્વર અને અસુરો થયેલા ઘામાંથી સતત લોહી વહેડાવતા હતા, અવારનવાર ગરજતા હતા. તે પુરમાં સુવર્ણ અને સ્ફ્ટિક મણિના શિલાખંડોથી બનેલા ચિત્રવિચિત્ર માર્ગ બે જ ઘડીમાં લોહીવાળા કીચડથી લથબથ થઈ ગયા. જે માર્ગો પર નિરાંતે ચાલી શકાતું હતું તે કપાયેલાં મસ્તક, પગ, હાથથી છવાઈ ગયા અને એને કારણે ત્યાં ચાલવું અઘરું થઈ ગયું હતું. હવે તારકાસુર ક્રોધપૂર્ણ નેત્રો કરીને વૃક્ષ અને પર્વત હાથમાં લઈને યુદ્ધભૂમિ પર આવી પહોંચ્યો. તે શંકર ભગવાને રોકી રાખેલા દક્ષિણ દ્વારનું રક્ષણ કરવા માગતો હતો. મહા બળવાન અને પરાક્રમી, સત્ત્વશાળી, તારકાસુર ગર્વોન્મત્ત બનીને કિલ્લા પર ચઢેલા ભૂતોને મારીને ત્યાં ભમવા લાગ્યો. નગરમાંથી બહાર નીકળીને તેણે ભયાનક ગર્જના કરી. પર્વત જેવો તારકાસુર મદોન્મત્ત હાથીની જેમ શંકર ભગવાનના રથને પકડી લેવા માગતો હતો પણ જેવી રીતે આગળ વધતા સમુદ્રને કિનારો રોકી લે તેવી રીતે પ્રમથગણોએ તેને રોકી પાડ્યો. પવનની ગતિને કારણે સમુદ્ર ખળભળી ઊઠે તેમ યુદ્ધભૂમિ પર તારકાસુરના આગમનથી શેષનાગ, બ્રહ્મા અને ઉત્તમ ધનુર્ધારી શંકર ખળભળ્યા. આકાશગામી રથ પર બેસીને શેષનાગે, શંકરે અને બ્રહ્માએ વિશેષ ક્ષુબ્ધ બનીને પોતપોતાની રીતે તારકાસુરના સાંધા વીંધી નાખ્યા અને તેઓ ગરજવા લાગ્યા. હાથમાં ધનુષબાણ લઈ ભગવાન શંકરે પોતાનો એક પગ ઋગ્વેદ રૂપી અશ્વ પર બીજો પગ નંદીશ્વરની પીઠ પર રાખીને ત્રિપુરો એકબીજાને મળે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. ભગવાનના પગના ભારને કારણે અશ્વના સ્તન અને વૃષભના આગલા દાંત પડી ગયા, એટલે તે દેખાતા નથી. પછી રાતીચોળ આંખવાળા તારકાસુરને ભગવાન રુદ્રની પાસે આવતો જોઈ નન્દીએ તેને રોકી પાડ્યો અને પોતાના તીક્ષ્ણ કુઠાર વડે દાનવના શરીરને ચાળણી જેવું કરી નાખ્યું, જેવી રીતે ગંધની ઇચ્છાવાળો સુથાર ચંદનવૃક્ષની કાંટછાટ કરે તેવી રીતે તલવાર કાઢીને ગણેશ્વર નંદી ઉપર ત્રાટક્યો. નંદીશ્વરે તારકાસુરના ખભાથી કમર સુધી શરીરને વીંધી નાખ્યું અને તે ગરજ્યો. પછી તો તારકાસુરનો વધ થયો એટલે ગણેશ્વરોએ સિંહનાદ કર્યો, શંખનાદ કર્યો.

પ્રમથગણોના સિંહનાદ, શંખનાદ સાંભળીને પાસે જ ઊભેલા મયદાનવે વિદ્યુન્માલીને પૂછયું, ‘અરે કહે તો ખરો- અનેક મુખ ધરાવતા પ્રમથગણો સાગરગર્જના જેવો આ ભયંકર સિંહનાદ કેમ કરી રહ્યા છે?’

મયદાનવના વચન રૂપી અંકુશથી વિદ્યુન્માલી ઘવાયો, તે દેવતાઓ સાથે યુદ્ધ કરીને આવ્યો હતો. તેણે દુઃખી થઈને કહ્યું, ‘રાજન્, યમ, વરુણ, મહેન્દ્ર, રુદ્ર જેવા પરાક્રમી, તમારી કીર્તિનો નિધિ, બધાં જ યુદ્ધોમાં અડગ રહેનારો, શત્રુઓને પીડનારો તારક ગણેશ્વરોના હાથે મૃત્યુ પામ્યો છે.

સૂર્ય અને પ્રજ્વલિત અગ્નિ જેવા વિશાળ નેત્ર ધરાવતા તારકાસુરના મૃત્યુના સમાચાર સાંભળી પ્રમથગણો આનંદમાં આવી ગયા, તેમનાં નેત્ર ખીલી ઊઠ્યાં અને તેઓ મેઘગર્જના કરી રહ્યા છે.’

મિત્ર વિદ્યુન્માલીની આ વાત સાંભળી કાજળઘેરા પર્વત જેવા મયદાનવે કહ્યું, ‘હવે આપણે પ્રમાદવશ થઈને સમય વીતાવવો નથી. હું મારા પરાક્રમથી ફરી આ ત્રિપુરને અવિનાશી બનાવીશ.’

પછી તો બંનેએ ક્રોધે ભરાઈને વિશાળ સેનાની સાથે ગણેશ્વરોને મારવા લાગ્યા. ત્રિપુરમાં તે બંને જ્યાં જ્યાંથી પસાર થતા હતા, તે માર્ગો પરથી પ્રમથો ઘાયલ થઈને નાસી જવા લાગ્યા. પછી યમ, વરુણના મૃદંગઘોષ, ઢોલ, નગારાં, ખેંચાતી પણછના ધ્વનિ સાથે, તાલીઓના ગડગડાટ સાથે સિંહનાદ કરતા દેવગણો શંકર ભગવાનની પૂજા કરીને તેમને ઘેરીને સ્તુતિ કરતા તપસ્વીઓથી શોભતા શંકર ભગવાન અસ્તાચળે પહોંચેલા સૂર્ય જેવા લાગ્યા.

યુદ્ધભૂમિ પર તારકાસુરના મૃત્યુ પછી દાનવરાજે પ્રમથગણોને હાંકી કાઢ્યા અને ભયભીત થયેલા દાનવોને ધીરજ બંધાવીને કહ્યું, ‘અત્યારે મહાબળવાન એવા તમે બધા દાનવોએ શું કરવું જોઈએ તે હું તમને કહું છું: જે સમયે ચન્દ્રમાનો યોગ પુષ્ય નક્ષત્ર સાથે થશે ત્યારે એક ક્ષણ માટે ત્રિપુર એકબીજા સાથે ભળી જશે. એ સમય મેં નિશ્ચિત કર્યો છે. તમે નિર્ભય થઈને નારદે કહેલા ઉપાયોનો પ્રયોગ કરજો. આ સમયે જો કોઈ દેવતાને ત્રિપુરના ભેગા થવાની જાણ થઈ જશે તો તે એક જ બાણ વડે આ ત્રિપુરને ધરાશાયી કરી નાખશે. એટલે તમારામાં જેટલું બળ છે, દેવતાઓ પ્રત્યે જેટલું વેર છે, એ બધું ધ્યાનમાં રાખીને આ ત્રિપુરની રક્ષામાં લાગી જાઓ. તમે મહેશ્વરના ભીષણ રથને એવો અવળો કરી નાખો કે તે બાણ છોડી ન શકે. આમ આપણે ત્રિપુરની રક્ષા કરીને દેવતાઓને લાચાર બનાવી દઈશું, પછી તેમણે ફરી વાર આવનારા પુષ્યનક્ષત્રની પ્રતીક્ષા કરવી પડશે.’

મયની વાત સાંભળીને યમરાજ જેવા ભયાનક ત્રિપુરવાસી દાનવો વારેવારે સિંહનાદ કરતા બોલ્યા, ‘રાજન્, અમે તમારી આજ્ઞાનું પાલન અવશ્ય કરીશું. રુદ્ર ત્રિપુર પર બાણ મારી ન શકે એવું કાર્ય કરીશું. અમે અત્યારે જ રુદ્રનો વધ કરવા યુદ્ધભૂમિમાં જઈએ છીએ. કાં તો આ ત્રિપુર કલ્પ સુધી નિશ્ચલરૂપે આકાશમાં સ્થિર રહેશે કાં તો નારાયણના ત્રણ પગલાંની જેમ દાનવશૂન્ય થઈ જશે. તમે અમને જે કાર્ય સોંપશો તેમાંથી અમે પીછેહઠ નહીં કરીએ. આજે લોકો દેવતાઓથી કે દાનવોથી શૂન્ય જગત જોશે.’

આમ આનંદ મનાવીને તેઓ બોલતા હતા. ત્રિપુરમાં મંત્રણા કરીને બધા દાનવો સાંજ પડી એટલે સ્વચ્છન્દમાં ડૂબ્યા.

મોતીનો ભ્રમ જન્માવનાર મહામણિ જેવા ચન્દ્રનો ઉદય થયો. અન્ધકારનો નાશ કરતા તે આકાશમાં આગળ વધી રહ્યા હતા. જેવી રીતે કુમુદથી શોભતા વિશાળ સરોવરમાં હંસ, વૈડૂર્ય શિખર પર બેઠેલો સિંહ અને ભગવાન વિષ્ણુના વક્ષ:સ્થલે લટકતો હાર શોભે તેવી રીતે રીતે અત્રિના નેત્રમાંથી પ્રગટેલો ચન્દ્ર આકાશમાં સ્થિર થઈ બધા લોકને આકર્ષતો હતો. ચંદ્રોદયને કારણે ત્રિપુરમાં કૌમુદી છવાઈ ગઈ ત્યારે દાનવો પોતાનાં ગૃહોને સજાવવા લાગ્યા. શેરીઓ, માર્ગો, મહેલો, ગૃહોમાં તેલથી ભરેલા દીપક પ્રગટ્યા, તે ચમ્પકપુષ્પોની જેમ શોભતા હતા. મંદિરોમાં પણ દીપક પ્રગટ્યા, દાનવોનાં ઘર તો ધનલક્ષ્મીથી ભરેલાં હતાં જ, તે ઘર રત્નજડિત હતાં. તેથી ચન્દ્રોદયને કારણે ગ્રહોની જેમ તે દીપકોને વધુ તેજસ્વી કરતા હતા. તે ભવન બહારથી તો ચન્દ્રકિરણોથી પ્રકાશિત હતા જ, અને અંદર પ્રગટેલા દીપકોથી પ્રકાશિત હતા, આ પ્રકાશે અન્ધકારને નિર્મૂળ કરી દીધો.

જ્યારે ચંદ્રની છટા પૂરા ત્રિપુરમાં પ્રસરી ગઈ ત્યારે દાનવો પત્નીઓ સાથે પોતપોતાનાં ઘરમાં જતા રહ્યા, રાત્રિ વીતી અને કોયલો કૂંજવા લાગી.

દેવશત્રુઓના નગરમાં છેલ્લા પ્રહરની આછી ચન્દ્રિકા વરતાવા લાગી. પછી કુન્દપુષ્પોના હાર જેવા ઉજ્જ્વળ ચંદ્રમા કિરણો આછાં થયાં એટલે નિર્જલ વાદળ જેવા જણાયા. ધનસંપત્તિથી સંપન્ન મનુષ્યો દુર્ભાગ્યને કારણે શોભાહીન થઈ જાય તેવી રીતે કૌમુદી ન રહી એટલે ચન્દ્રમાની શોભા ન રહી. તથા સ્વર્ણમય ચક્ર જેવા સૂર્ય પોતાના સારથિ અરુણની પ્રભાથી ચન્દ્રમાની કાંતિને ઝાંખી કરી ઉદયાચલના ઉચ્ચ શિખર પર દેખાયા અને આકાશમંડળમાં અન્ધકારરૂપી નદીને પાર કરી.

સૂર્ય મેરુ પર્વત પર ઊગ્યો એટલે બધી દેવસેના પ્રલયકાલીન સાગરની જેમ ગરજવા લાગી. ભગવાન શંકર સહાક્ષ ઇન્દ્ર, કુબેર અને વરુણને લઈને ત્રિપુર જવા નીકળ્યા. તેમની પાછળ પાછળ અનેક રૂપધારી શત્રુનાશક પ્રમથગણ ભીષણ ગર્જના કરતા, વાજિંત્રો વગાડતા ચાલી નીકળ્યા. હાલતાચાલતા વન જેવી દેવસેના વાજિંત્રો, છત્રો, વિશાળ વૃક્ષોવાળી હતી. ભગવાનની તે ભયંકર સેનાનું આક્રમણ જોઈ દાનવો ખળભળી ઊઠ્યા. પાંખાળા પર્વતોના જેવા વિશાળ શરીર ધરાવતા દાનવોનાં નેત્ર રાતાં થઈ ગયાં. તેઓ ખડ્ગ, પટ્ટિશ, શક્તિ, શૂલ, દંડ, કુઠાર, ધનુષ, વજ્ર, મૂસલ લઈ એક સાથે ઇન્દ્ર પર તૂટી પડ્યા, જાણે ગ્રીષ્મ ઋતુના અંતે વાદળો વરસતાં ન હોય. મયદાનવ સહિત દૈત્યો વિદ્યુન્માલીને લઈને પ્રસન્ન વદને દેવતાઓ સામે લડવા લાગ્યા. તેમના મનમાં વિજયની આશા તો હતી જ નહીં; તેઓ મરી ફીટવા તત્પર હતા. તે નિર્બળોની સેના સ્ત્રીઓનાં અંગની જેમ દુર્બળ હતી. મેઘસમાન કાંતિવાળા દાનવો પરસ્પર પ્રહાર કરતા હતા. પ્રજ્વલિત અગ્નિ અને ચન્દ્રમા જેવા તેજસ્વી અસ્ત્રો વડે ક્રોધે ભરાઈને એકબીજા પર પ્રહાર કરતા હતા. કેટલાક વજ્રથી ઘવાઈને, કેટલાક બાણથી વીંધાઈને તો કેટલાક ચક્રોથી કપાઈને સમુદ્રમાં પડતા હતા. છૂટી પડેલી માળાઓવાળા વેરવિખેર થઈ ગયેલા આભૂષણોવાળા દેવતા અને ગણેશ્વર મગરમચ્છોથી ઊભરાતા સમુદ્રમાં પડતા હતા. દાનવોએ ફેંકેલા ગદા, મૂસળ, તોમર, કુઠાર, વજ્ર, શૂલ, પટ્ટિશ, પર્વતશિખર, શિલાખંડ જેવાં આયુધો સમુદ્રમાં પડી રહ્યાં હતાં.

દેવતાઓ અને દાનવોનાં શસ્ત્રોથી નક્ષત્રગણ પણ ત્રસ્ત થઈ ગયા. બે હાથી લડે એટલે નાનાં પ્રાણીઓનું આવી જ બને. દેવતાઓ અને દાનવોના યુદ્ધથી મગર જેવાં જળચર પ્રાણીઓનો વિનાશ થવા માંડ્યો.

પછી વીજળીથી ચમકતા વાદળની જેમ ગરજતા વિદ્યુન્માલીએ નંદીશ્વર પર આક્રમણ કર્યું, વિદ્યુન્માલીએ નંદીશ્વરને કહ્યું, ‘નન્દી, હું બળવાન વિદ્યુન્માલી છું. યુદ્ધની ઇચ્છાથી અહીં ઊભો છું. હવે તું મારા હાથમાંથી જીવતો જઈ નહીં શકે. યુદ્ધભૂમિ પર વાણી દ્વારા વિદ્યુન્માલીનો વધ નહીં થઈ શકે.’

પછી અલંકારનિષ્ણાત નંદીશ્વરે કહ્યું, ‘દાનવાધમ, તું કામાસકત છે. તું મને મારી શકતો હોય તો મારી બતાવ. તમારા લોકોના સ્વભાવમાં જ બડાઈ મારવાનું છે. આ પહેલાં પણ મેેં તને પશુની જેમ માર્યો છે તો અત્યારે તારા જેવા યજ્ઞવિધ્વંસકને કેમ ન મારું? જે પોતાના હાથ વડે સમુદ્ર તરવાની અને સૂર્યને આકાશમાંથી પાડી નાખવાની શક્તિ ધરાવતો હોય તે પણ મારી સામે આંખ માંડીને જોઈ ન શકે.’

પછી નંદીશ્વર જેવા જ બળવાન વિદ્યુન્માલીએ તેને એક બાણ મારીને વીંધ્યો. નંદીશ્વરની છાતીમાં એ બાણ વાગ્યું, જેવી રીતે સૂર્ય પોતાના પ્રભાવે નદીઓ અને સમુદ્રનું પાણી પી જાય છે એવી રીતે તે બાણ નંદીશ્વરનું લોહી પીવા લાગ્યું. આ પ્રહારથી ક્રોધે ભરાયેલી નંદીશ્વરે એક હાથ વડે વૃક્ષ ઉખાડીને હાથીની જેમ ફેંક્યું. પવનથી ગતિમાન અને ઘોર ધ્વનિ કરતું, ફૂલોને વિખેરતું તે વૃક્ષ આગળ વધ્યું, પણ વિદ્યુન્માલીનાં બાણ વડે વિખરાઈને એક મોટા પક્ષીની જેમ ભૂમિ પર પડી ગયું.

વિદ્યુન્માલીનાં ઉત્તમ બાણોના પ્રહારથી નષ્ટભ્રષ્ટ થઈ ગયેલું વૃક્ષ જોઈ નંદીશ્વર ક્રોધે ભરાયા. પછી તો સૂર્ય અને ઇન્દ્રના બાહુ જેવા પ્રભાવશાળી પોતાના હાથ ઊંચા કરીને ગરજતા ગરજતા તે ક્રૂર રાક્ષસનો વધ કરવા હાથી જેવી રીતે મહિષ પર ટૂટી પડે એવી રીતે વિદ્યુન્માલી પર નંદીશ્વર ઝૂઝ્યા. વિદ્યુન્માલીએ સેંકડો બાણથી નંદીશ્વરને વીંધી નાખ્યા. નંદીશ્વરનું શરીર બાણ રૂપી કંટકોથી છવાઈ ગયું. પછી તેમણે વિદ્યુન્માલીના રથને પકડીને દૂર ફંગોળી દીધો. તે રથના ઘોડા લટકી રહ્યા હતા અને ચક્કરભમ્મર ફરતા રણભૂમિ પર પડી ગયા — જેવી રીતે મુનિના શાપથી સૂર્યસહિત સૂર્યનો રથ પડી ગયો હતો તેવી રીતે, પછી વિદ્યુન્માલી માયાના આશ્રયે પોતાને સુરક્ષિત રાખીને રથમાંથી બહાર આવ્યો અને સામે ઊભેલા નંદી પર શક્તિ ફંગોળી. પ્રમથગણોના નાયક નંદીશ્વરે લોહીથી લથપથ બનેલી એ શક્તિને હાથમાં લઈને વિદ્યુન્માલી પર ફેંકી. એ શક્તિએ કવચ ભેદીને વિદ્યુન્માલીનું હૃદય વીંધી નાખ્યું, વજ્રપ્રહારથી પર્વત પડી જાય તેમ તે ભૂમિ પર પડી ગયો. વિદ્યુન્માલીના મૃત્યુને સિદ્ધોએ, ચારણોએ વધાવ્યું, અને તેમણે શંકર ભગવાનની પૂજા કરી. નંદીશ્વરે વિદ્યુન્માલીનો વધ કર્યો એટલે મયદાનવે પ્રમથસેનાને દાવાનળ વનને સળગાવે તેમ સળગાવા માંડી. શૂલના પ્રહારથી વીંધાયેલા વક્ષ:સ્થળવાળા, ગદાના પ્રહારથી તૂટી ગયેલા મસ્તકવાળા, બાણોથી ઘેરાયેલા પ્રમથગણ સમુદ્રમાં પડવા લાગ્યા. પછી વજ્રધારી ઇન્દ્ર, યમરાજ, કુબેર, નંદીશ્વર, ષડાનન કાર્તિકેય- આ બધા અસુરોથી ઘેરાયેલા મયને ઉત્તમ શસ્ત્રોથી વીંધવા લાગ્યા. મયદાનવે એક ઉત્તમ બાણ વડે ઐરાવત પર બેઠેલા સહાક્ષ ઇન્દ્રને તથા ઐરાવત હાથીને તથા યમરાજને અને કુબેરને વીંધ્યા. પછી વાદળની જેમ ગરજવા લાગ્યો. પ્રમથગણોનાં બાણોથી પરાક્રમી દાનવો બહુ ઘવાતા હતા. વિષ્ણુના પ્રહારથી જેવી રીતે અસુરો ભાગે એવી રીતે ત્રિપુરમાં બધા દાનવો પ્રવેશવા લાગ્યા. રણભૂમિમાં શંકર ભગવાનની સેનામાં ચારે બાજુ શંખ, ઢોલ, ભેરી, મૃદંગ બજી ઊઠ્યા. આ વીર સૈનિકોનો સિંહનાદ વજ્રની જેમ ગુંજી ઊઠ્યો, દાનવોનો પરાજય સૂચવાતો હતો. એ જ સમયે દૈત્યપુરનો વિનાશક પુષ્યયોગ આવ્યો. એના પ્રભાવે ત્રણે પુર જોડાઈ ગયા.

એટલે ત્રિનેત્ર ધરાવતા શંકર ભગવાને પોતાના ત્રિદેવમય બાણને ત્રણ ભાગમાં વહેંચીને ત્રિપુર પર ફેંક્યું. એ બાણે આકાશને સુવર્ણમય અને સૂર્યકિરણોના પુંજ જેવું કરી દીધું. ભગવાન શંકર ત્રિપુર પર બાણ ચલાવીને ‘મને ધિક્કાર છે, ધિક્કાર છે.’ એમ ચીસ પાડી ઊઠ્યા. આમ શંકર ભગવાનને વ્યાકુળ જોઈને ગજરાજની જેમ ચાલતા નન્દીશ્વર શૂલપાણિ ભગવાન પાસે જઈને બોલ્યા, ‘શું થયું કહો જોઈએ.’ ચંદ્રશેખર ભગવાન શંકરે દુઃખી થઈને કહ્યું, ‘આજે મારો ભક્ત મય પણ નાશ પામવાનો.’ આ સાંભળીને મનોવેગી, વાયુવગી મહાબળવાન નંદીશ્વર તે બાણ ત્રિપુર પહોંચે છે તે પહેલાં મય પાસે જઈને બોલ્યા, ‘મય, આ ત્રિપુરનો વિનાશકાળ આવી ગયો છે. એટલે તું આ ગૃહમાંથી બહાર નીકળી જા.’ એટલે શંકર ભગવાનનો ભક્ત મયદાનવ નંદીશ્વરની વાત સાંભળીને પોતાના મુખ્ય ગૃહની સાથે ત્રિપુર ત્યજીને નાસી નીકળ્યો. પછી તે બાણે અગ્નિ, સોમ અને નારાયણ રૂપે ત્રણ ભાગમાં વહેંચાઈને ત્રણે નગરને પર્ણના દડિયાની જેમ બાળીને ભસ્મ કરી દીધા. કુપુત્રના દોષને કારણે જેવી રીતે ભાવિ પેઢીઓ નાશ પામે તેવી રીતે ત્રણે પુર બાણના તેજથી બળીને ભસ્મ થઈ ગયા.

સમેરુ, કૈલાસ અને મંદરાચલના અગ્રભાગ જેવા દેખાતાં ગૃહો સુમેરુ, કૈલાસ મંદરાચલના આગલા ભાગ જેવા ઘણાં ગૃહોનું નિર્માણ કર્યું હતું. એ ગૃહોમાં વિશાળ કમાડ, ઝરૂખા હતા, છજાં સુંદર રીતે શોભતાં હતાં. સુંદર મહેલ, ઉત્કૃષ્ટ કૂટાગાર (ઉપલી છતના ખંડ) જલવેદિકાઓ અને બારીઓ તે ગૃહોમાં હતા. ત્યાં સુવર્ણના અને રજતના દંડ વડે ધ્વજ-પતાકાઓ લહેરાતા હતા. આ હજારો ગૃહમાં આગ લાગી ગઈ. મહેલના ઉપલા ભાગમાં બેઠેલી ઝરૂખામાં બેસી આસપાસ જોતી, ધરતી પર અને વન-ઉપવનમાં ઘૂમતી દાનવસ્ત્રીઓ અગ્નિથી સળગતી હતી. પતિની આંખો સામે જ બળીને ભસ્મ થઈ રહી હતી, કોઈ કમલનયની સ્ત્રી અશ્રુપૂર્ણ નેત્રે કહેતી હતી, ‘હું બીજાની પત્ની છું. તમે તો ત્રિલોકના ધર્મસાક્ષી છો, એટલે મારો સ્પર્શ કરવો અનુચિત છે.’ ‘શિવસમાન અગ્નિદેવ, મેં પતિવ્રતાએ આ ગૃહમાં મારા પતિને સૂવાડ્યા છે. એમને મૂકીને તમે બીજે જતા રહો.’ એક દાનવપત્ની બાળકને ખોળામાં લઈ અગ્નિ પાસે જઈને કહેવા લાગી, ‘સ્વામી કાર્તિકના પ્રિય અગ્નિ, આ બાળક મને બહુ કઠિનતાથી પ્રાપ્ત છે. એને તમારા ખોળામાં લેવું યોગ્ય નથી. આ મને બહુ વહાલું છે.’ કેટલીક દાનવપત્નીઓ પતિઓને મૂકીને સમુદ્રમાં કૂદી રહી હતી. તેમનાં આભૂષણોનો ધ્વનિ સંભળાતો હતો. ત્રિપુરમાં અગ્નિજ્વાળાઓથી ગભરાઈને ચીસો પાડતી હતી- અરે પિતા — અરે પુત્ર, ઓ માતા- ઓ મા… કહી વ્યાકુળ બનીને કરુણ રુદન કરી રહી હતી. જેવી રીતે દાવાગ્નિ કમળસરોવરને બાળીને ભસ્મ કરી દે તેવી રીતે અગ્નિદેવ ત્રિપુરસ્ત્રીઓના મુખકમલને સળગાવી રહ્યા હતા.

જેવી રીતે શિયાળમાં ઝાકળ સરોવરોમાં કમળનો નાશ કરે એવી રીતે અગ્નિદેવ ત્રિપુર-નારીઓના મુખ અને નેત્ર રૂપી કમળને સળગાવી રહ્યા હતા. ત્રિપુરમાં બાણાગ્નિ પડવાથી ભયભીત થઈને ભાગી રહેલી સુકોમળ અસુર નારીઓના કંદોરા, ઝાંઝરના ધ્વનિ આક્રંદના ધ્વનિ સાથે ભળી જઈને ભયંકર લાગતો હતો. આ અગ્નિકાંડમાં અર્ધચંદ્રથી શોભતી વેદિકાઓ, તોરણોવાળી અગાસીઓ પણ સળગીને નાશ પામી હતી. બચી જવા માટે જાણે કૂદી પડતા ન હોય એવી રીતે તે બધાં ગૃહ સળગી સળગીને સમુદ્રમાં પડી રહ્યાં હતાં. જેવી રીતે સંપત્તિવાન વ્યક્તિનું કુળ કુપુત્રને કારણે નષ્ટ થઈ જાય તેવી રીતે અગ્નિજ્વાળાઓવાળા ગૃહ સમુદ્રમાં પડવાને કારણે પાણી તપી ઊઠ્યું હતું. ચારે દિશામાં પડતાં ગૃહોની ગરમીને કારણે ઊકળતા પાણીમાં તોફાન આવ્યું, તેને કારણે મગર, તિમિંગલ જેવા બીજા જળચર જીવો દાઝી જવાને કારણે ભયભીત થઈ ગયા. મંદરાચલ જેવો ઊંચો ગોપુર બીજાં ગૃહોની સાથે પ્રચંડ ધ્વનિ કરતો સમુદ્રમાં પડ્યો. થોડા સમય અગાઉ જે ત્રિપુર હજારો ઊંચાં ઊંચાં ભવનોને કારણે સહ શિખરવાળા પર્વતની જેમ શોભતું હતું તે અગ્નિના આહાર અને બલિનો ભોગ બનીને તેનો નામ માત્રનો અવશેષ રહી ગયો. અદિતિપુત્ર વજ્રધારી ઇન્દ્રે જ્યારે આ વાત સાંભળી ત્યારે મયના એ ગૃહને તેમણે શાપ આપ્યો- ‘મયનું આ ગૃહ કોઈને માટે કામનું નહીં રહે. સંસારમાં તેની પ્રતિષ્ઠા નહીં રહે. અગ્નિની જેમ તે સદા ભયયુક્ત રહેશે. જે જે પ્રદેશોનો પરાજય થવાનો હશે તે બધાની પ્રજા મરણોન્મુખ પ્રજા આ ત્રિપુરખંડને જોઈ શકશે.’ (૮)