ભારતીયકથાવિશ્વ−૪/શિવપુરાણ/વિષ્ણુ ભગવાન અને દધીચિના સંઘર્ષની કથા


વિષ્ણુ ભગવાન અને દધીચિના સંઘર્ષની કથા

ક્ષુવ નામે એક બળવાન અને તેજસ્વી રાજા થઈ ગયો. તે રાજા દધીચિ ઋષિનો મિત્ર હતો. પણ એક વખત બંને વચ્ચે ભારે વિવાદ થયો. દધીચિ ઋષિ ત્રણે વર્ણમાં બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ માનતા હતા. પણ રાજા તેમની વાત સ્વીકારી ન શક્યો. રાજા બધા લોકપાલોનાં શરીર ધારણ કરે છે એટલે રાજા શ્રેષ્ઠ છે, આમ કહી તેણે ઋષિને પોતાનું પૂજન કરવા કહ્યું. ઋષિએ ક્રોધાવેશમાં આવી જઈ રાજાના માથામાં મુક્કા માર્યા. એટલે રાજાએ પણ વળતો પ્રહાર કરી વજ્ર વડે ઋષિને ઘાયલ કર્યા, અને ઋષિ નીચે પડી ગયા. ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું એટલે તેમણે ત્યાં આવીને મંત્રજળથી દધીચિ ઋષિનું શરીર પહેલાં હતું તેવું કરી દીધું. તેમણે દધીચિને શિવનો મૃત્યુંજય મંત્ર જપવા કહ્યું. મંત્ર કહી તે ઋષિ જતા રહ્યા. દધીચિ ઋષિ શિવસ્મરણ કરતા વનમાં તપ કરવા જતા રહ્યા. મૃત્યુંજય મંત્રનો જાપ જપી મહાદેવને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા એટલે તેમની સ્તુતિ કરી. પછી ભગવાન પાસે વરદાન માગ્યાં. ‘મારાં હાડકાં વજ્ર જેવાં થાય, મારો કોઈ નાશ ન કરે અને હું કોઈ રીતે દીન ન બનું.’

ભગવાને તો વરદાન આપ્યાં અને પછી ઋષિ ક્ષુવ રાજાને ત્યાં ગયા. ભગવાન પાસે વરદાન માગ્યાં હતાં એટલે ક્ષુવ રાજાના માથે લાત મારી. અભિમાની રાજાએ ઋષિની છાતીમાં વજ્રનો પ્રહાર કર્યો પણ તે શસ્ત્ર કશું કરી ન શક્યું. એટલે રાજાને અચરજ થયું. અવધ્ય, અદીન ઋષિને જોઈ રાજા બહુ નવાઈ પામ્યા અને વનમાં જઈ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન પ્રગટ થયા એટલે રાજાએ તેમની સ્તુતિ કરી. પછી રાજાએ કહ્યું,

‘દધીચિ નામનો કોઈ બ્રાહ્મણ એક કાળે મારો મિત્ર હતો. પાછળથી મહાદેવના મૃત્યુંજય મંત્રના પ્રતાપે તે અવધ્ય થઈ ગયો છે. ભરસભામાં મારા માથે લાત મારી છે, અને હવે અભિમાની બનીને કહે છે: હું કોઈનાથી ડરતો નથી.’

વિષ્ણુ ભગવાને બ્રાહ્મણોની પ્રશંસા કરી અને છતાં દધીચિને હરાવવાનું વચન આપ્યું.

વિષ્ણુએ છળકપટ કરી બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ઋષિ પાસે જઈને વરદાન માગ્યું.

દધીચિ ઋષિ વિષ્ણુ ભગવાનને પામી ગયા અને શંકર ભગવાનનું સ્મરણ કરવા કહ્યું, ‘એકાધિક વાર ‘હું કોઈનાથી ડરતો નથી.’ એ સાંભળીને વિષ્ણુ ભગવાન કોપ્યા અને સુદર્શન હાથમાં લઈ ઊભા. પણ સુદર્શન ચક્ર કશું નુકસાન કરી ન શક્યું. એટલે દધીચિ ઋષિ બોલ્યા, ‘આ સુદર્શન પણ શંકર ભગવાન પાસેથી જ તમને મળ્યું છે. પણ તે મારો નાશ કરવા માગતું નથી. મારા પર જેટલાં અસ્ત્ર વાપરવાં હોય તેટલાં વાપરો.’

તેમની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને ક્રોધે ભરાઈને બધાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં. વળી દેવતાઓએ પણ વિષ્ણુને સહાય કરવા માંડી એટલે દધીચિએ દર્ભની સળી ઉપાડીને શિવનું સ્મરણ કરી દેવો પર ફેંકી. એ દર્ભસળી પણ ત્રિશૂળ બની ગઈ અને દેવતાઓને બાળવાનો નિર્ધાર થયો. દેવતાઓએ ફેંકેલાં બધાં શસ્ત્રોએ ત્રિશૂળની પૂજા કરવા માંડી. દેવતાઓ ત્યાંથી નાસી ગયા. વિષ્ણુ ભગવાને પોતાના શરીરમાંથી લાખો-કરોડો ગણ પેદા કર્યા અને તે બધા ઋષિ સામે યુદ્ધે ચડ્યા. દધીચિએ લાંબો સમય તેમની સાથે યુદ્ધ કરીને બધાને બાળી દીધા. પછી માયા સર્જવામાં કુશળ વિષ્ણુએ વિશ્વરૂપ ધારણ કર્યું. તેમના શરીરમાં હજારો જીવ, કરોડો બ્રહ્માંડો જોયાં. એટલે દધીચિ ઋષિએ કહ્યું, ‘હવે હું તમને દિવ્ય દૃષ્ટિ આપું છું. તમે મારામાં અખિલ બ્રહ્માંડ જુઓ.’ એમ કહી ઋષિએ ભગવાનને આખું બ્રહ્માંડ દેખાડ્યું. ફરી વિષ્ણુ ભગવાન કોપ્યા, દેવતાઓ તો નાસી જ ગયા. એવામાં ક્ષુવ રાજા ત્યાં આવી ચઢ્યા. તેમણે બધા દેવોને યુદ્ધ કરવામાંથી વાર્યા, બ્રહ્માએ પણ તે બ્રાહ્મણને અજેય ગણાવ્યા. રાજાએ દધીચિને પ્રણામ કર્યાં. ઋષિએ રાજા પર કૃપા કરી અને વિષ્ણુને, દેવોને શાપ આપ્યો,

‘ઇન્દ્રસહિત, મુનીશ્વરો, વિષ્ણુ રુદ્રના કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જાઓ.’ બધા દેવતાઓ પોતપોતાનાં સ્થાને ગયા.

(૩૯)