ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/ગોપીવસ્ત્રહરણ


ગોપીવસ્ત્રહરણ

હેમન્ત ઋતુમાં માગશર મહિને નંદબાવાના વ્રજની કુમારિકાઓ કાત્યાયની દેવીની પૂજા કરવા લાગી. તેઓ માત્ર નૈવેદ્ય જ લેતી હતી, પૂર્વ દિશા રાતી થવા માંડે એટલે આ કુમારિકાઓ યમુનામાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની મૂતિર્ બનાવી સુવાસિત ચંદન, પુષ્પો, અનેક પ્રકારનાં નૈવેદ્ય, ધૂપદીપથી પૂજા કરતી. શ્રીકૃષ્ણ અમારા પતિ થાય એવી માગણી કરતી.

એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાકાંઠે જઈને પોતપોતાનાં વસ્ત્ર ઉતાર્યાં અને ભગવાનના ગુણ ગાતી દરરોજની જેમ યમુનાકાંઠે જઈને જલક્રીડા કરવા લાગી. ભગવાન શ્રીકૃષ્ણથી ગોપીઓની ઇચ્છા અજાણી ન રહી. તેઓ કુમારિકાઓની સાધના સફળ કરવા યમુનાતટે ગયા. તેમણે એકલે હાથે ગોપીઓનાં વસ્ત્ર ઉઠાવી લીધાં અને કૂદકો મારતાંક કદંબવૃક્ષ પર ચઢી ગયા. બીજા ગોપબાલો હસવા લાગ્યા, શ્રીકૃષ્ણ પણ હસતાં હસતાં ગોપીઓને કહેવા લાગ્યા, ‘અરે કન્યાઓ, તમને મન થાય તો પોતપોતાનાં વસ્ત્ર લઈ જાઓ. હું સાચું કહું છું. મજાક નથી કરતો. તમે વ્રત કરી કરીને કંતાઈ ગઈ છો. આ મારા સખા ગોપબાલો જાણે છે કે હું કદી જૂઠું બોલ્યો નથી, તમારી ઇચ્છા થાય તો વસ્ત્ર લઈ જાઓ, કાં તો એકેક કરીને આવો- કાં તો બધી સામટે આવો. મારે કોઈ મુશ્કેલી નથી.’

ભગવાનની આ હસીમજાક જોઈ ગોપીઓના હૃદયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. જરા સંકોચ પામીને તેઓ એકબીજાની સામે જોવા લાગી, હસતી રહી. પાણીમાંથી બહાર ન નીકળી. ત્યારે ભગવાને હસતાં હસતાં વાત કરી ત્યારે કુમારિકાઓનું ચિત્ત તેમના પ્રત્યે ખેંચાયું. ઠંડા પાણીમાં તે ગળા સુધી ઊભી હતી. એટલે થર થર કાંપતી હતી, તેમણે કહ્યું, ‘શ્રીકૃષ્ણ, જોર જુલમ ન કરો. તમે નંદબાવાના લાડકા પુત્ર છો. અમે તમારી દાસી છીએ. તમે તો ધર્મનો અર્થ સારી રીતે જાણો છો. તમે જે કહેશો તે અમે કરીશું. અમને હેરાન ન કરો. અમારાં વસ્ત્ર આપી દો, નહીંતર અમે નંદબાવાને ફરિયાદ કરીશું.’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘હે કન્યાઓ, તમારું સ્મિત પવિત્ર અને પ્રેમપૂર્ણ છે. જો તમે તમારી જાતને દાસી માનો છો અને મારું કહ્યું કરવા તૈયાર છો તો અહીં આવીને વસ્ત્ર લઈ લો.’ આ કન્યાઓ ઠંડીને કારણ ધૂ્રજી રહી હતી. શ્રીકૃષ્ણની વાત સાંભળીને તેઓ બંને હાથે પોતાનાં ગુપ્તાંગ ઢાંકીને યમુનાની બહાર નીકળી. તેમના શુદ્ધ ભાવથી કૃષ્ણ પ્રસન્ન થયા, તેમને નજીક આવેલી જોઈ તેમણે ગોપીઓનાં વસ્ત્ર પોતાના ખભા પર મૂક્યાં અને હસતાં હસતાં બોલ્યા, ‘તમે જે વ્રત લીધું હતું તેને સારી રીતે નિભાવ્યું છે એમાં શંકા નથી. પણ તમે નિર્વસ્ત્ર થઈને પાણીમાં સ્નાન કર્યું છે એટલે વરુણનો તથા યમુનાનો અપરાધ કર્યો છે. આ દોષ નિવારવા તમે બંને હાથ માથા પર મૂકી પ્રણામ કરો અને પછી વસ્ત્ર લઈ લો.’ શ્રીકૃષ્ણની વાત સાંભળીને કન્યાઓ એવું સમજી કે નિર્વસ્ત્ર બનીને સ્નાન કરવાથી વ્રતમાં ઊણપ આવી છે.

શ્રીકૃષ્ણની વાત માનીને બધી કુમારિકાઓએ નમસ્કાર કર્યા અને પછી વસ્ત્ર પહેરી ચાલવા લાગી. શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે હવે પોતપોતાને ઘેર જાઓ. આવતી શરદ ઋતુની રાતોમાં તમે મારી સાથે વિહાર કરશો.’