ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/બલરામ કૌરવો સામે


બલરામ કૌરવો સામે

જામ્બવતીનો પુત્ર સામ્બ એકલે હાથે ઘણા વિજય મેળવી શકે એવો હતો. તે સ્વયંવરમાં દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કરી લાવ્યો. આ જાણીને કૌરવો ક્રોધે ભરાયા. ‘આ બાળક બહુ જિદ્દી છે, આપણું અપમાન કરવા તે આપણી કન્યાનું અપહરણ કરી ગયો, લક્ષ્મણાને તો તે ગમતો જ ન હતો. આ જિદ્દીને પકડીને બાંધી લો. જો યાદવો ક્રોધે ભરાશે તો આપણું શું બગાડી લેશે? તેઓ આપણી કૃપાથી જ ધનધાન્યથી સમૃદ્ધ પૃથ્વી ભોગવી રહ્યા છે. જો સામ્બને આપણે લઈ આવ્યા છીએ તે સમાચાર જાણીને અહીં આવશે તો આપણે તેમને પાણીપાતળા કરી દઈશું. તેઓ સાવ હતાશ થઈ જશે.’ આમ વિચારીને કર્ણ, શલ, ભૂરિશ્રવા, યજ્ઞકેતુ, દુર્યોધન વગેરેએ કૌરવોના વૃદ્ધજનોની સંમતિ લઈને સામ્બને પકડવાની યોજના કરી,

ધૃતરાષ્ટ્રના પુત્રો મારો પીછો કરી રહ્યા છે એ સામ્બે જોયું. એટલે એક સરસ ધનુષ ચઢાવીને સિંહની જેમ એકલો ઊભો રહી ગયો. આ બાજુ કર્ણને આગળ કરીને કૌરવો સામ્બ પાસે જઈ પહોંચ્યા. ‘ઊભો રહે, ઊભો રહે’ એમ કહી તેના પર બાણ છોડવા લાગ્યા. યાદવવંશી સામ્બ શ્રીકૃષ્ણના પુત્ર હતા. જેવી રીતે હરણોના હુમલાથી સિંહ ચિઢાઈ જાય તેવી રીતે કૌરવોની બાણવર્ષાથી તે ચિઢાયા. સામ્બે ધનુષટંકાર કરીને જુદા જુદા રથમાં બેઠેલા કર્ણ સહિતના વીરો પર બાણવર્ષા કરી. ચાર ચાર બાણ ચાર ઘોડા પર, એકએક બાણ તેમના સારથિ પર અને એક એક બાણ એ રથધારી વીર યોદ્ધાઓ પર માર્યાં. તેના આવા અદ્ભુત પરાક્રમની પ્રશંસા વિપક્ષીઓ પણ કરવા લાગ્યા. પછી એ છ વીર પુરુષોએ એક સાથે હુમલો કરીને સામ્બનો રથ તોડી નાખ્યો. તેના ચાર ઘોડાને બાણ માર્યાં, એકે સામ્બનું ધનુષ ભાંગી નાખ્યું. આમ કૌરવોએ માંડમાંડ સામ્બને રથ વગરનો કરીને તેને બાંધી લીધો. પછી તેઓ સામ્બને અને લક્ષ્મણાને લઈને વિજય મનાવતા હસ્તિનાપુર જતા રહ્યા.

નારદ પાસેથી આ સમાચાર જાણીને યાદવો ક્રોધે ભરાયા. ઉગ્રસેનની આજ્ઞા લઈને હસ્તિનાપુર પર ચઢાઈ કરવાની તેમણે તૈયારી કરી. બલરામ કલહપ્રિય કળિયુગના બધા તાપ મટાડનારા. કૌરવો અને યાદવોની લડાઈ તેમને પસંદ ન પડી. યાદવો યુદ્ધની પૂરી તૈયારીને બેઠા હતા. છતાં તેમને શાંત કરીને એક તેજસ્વી રથમાં બેસીને હસ્તિનાપુર ગયા. તેમની સાથે થોડા બ્રાહ્મણો અને કેટલાક વૃદ્ધ યાદવો પણ ગયા. ગ્રહોથી ઘેરાયેલા ચંદ્રમા જેવી તેમની શોભા હતી, હસ્તિનાપુર પહોંચીને નગર બહાર એક ઉપવનમાં તેઓ ઊતર્યા અને કૌરવો શું કરવા માગે છે તેની તપાસ કરવા ઉદ્ધવને ધૃતરાષ્ટ્ર પાસે મોકલ્યા.

કૌરવસભામાં જઈને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, બાહલિક, દુર્યોધનની ઔપચારિક વંદના કરીને બલરામના આગમનના સમાચાર ઉદ્ધવે આપ્યા. પોતાના પરમ હિતચિંતક અને પ્રિય બલરામના આગમનના સમાચાર સાંભળીને કૌરવો રાજી રાજી થઈ ગયા. ઉદ્ધવનો સત્કાર કરીને મંગલ સામગ્રી લઈને બલરામનું સ્વાગત કરવા નીકળ્યા. પછી અવસ્થા અને કક્ષા પ્રમાણે બધા તેમને મળ્યા. ગાયો અને અર્ઘ્ય આપ્યાં. જેઓ બલરામનો પ્રભાવ જાણતા હતા તેમણે મસ્તક નમાવી પ્રણામ કર્યાં. એકબીજાનાં ખબરઅંતર પૂછ્યાં. પછી બલરામે ધીરજપૂર્વક અને ગંભીરતાપૂર્વક કહ્યું, ‘સર્વશક્તિશાળી ઉગ્રસેન મહારાજે તમારા માટે એક આજ્ઞા કરી છે. તમે એકાગ્રતાથી, સાવધાનીથી તે સાંભળો અને તરત તેનું પાલન કરો. ઉગ્રસેને કહેડાવ્યું છે કે તમે બધા અધર્મ આચરીને એકલા પડી ગયેલા સામ્બને હરી ગયા છો અને એને બંદી બનાવ્યો છે. સંબંધીઓમાં ફાટફૂટ ન પડે, સંપ સચવાઈ રહે એટલા માટે અમે સહી લીધું. બીજા શબ્દોમાં સામ્બ અને તેની પત્નીને સોંપી દો!’

બલરામની વાણી વીરતા, શૌર્ય અને પૌરુષથી સભર હતી, તેમની શક્તિ અનુસાર હતી. આ સાંભળીને કૌરવો રાતાપીળા થઈ ગયા. તેઓ કહેવા લાગ્યા, ‘આ તો નવાઈ કહેવાય, કાળની ગતિનો કોઈ તાગ પામી ન શકે. એટલે તો આજે પગની જૂતી મુકુટવાળા મસ્તકે બેસવા માગે છે. આ યાદવો સાથે આપણે કોઈ રીતે વિવાહસંબંધ બાંધ્યો, તેઓ આપણી સાથે ખાતાપીતા થયા, આપણે જ એમને રાજસિંહાસન પર બેસાડી આપણા બરોબરિયા બનાવ્યા. આ યાદવો ચામર, વીંઝણા, શંખ, શ્વેત છત્ર, મુકુટ, રાજાને છાજે તેવી શય્યાનો ઉપભોગ કરી રહ્યા છે. કારણ કે આપણે જાણી કરીને તેમની ઉપેક્ષા કરી. બસ, હવે બહુ થયું. યાદવો પાસે રાજચિહ્ન રહેવાં ન જોઈએ, આપણે એ છિનવી લેવાં જોઈએ. સાપને દૂધ પીવડાવનારને છેવટે તો એ ઘાતક જ નીવડે છે. એટલે આપણા જ દીધેલાં રાજચિહ્ન મેળવ્યાં પછી હવે આપણો વિરોધ કરી રહ્યા છે. આપણી જ મહેરબાનીથી તેઓની ઉન્નતિ થઈ અને હવે નિર્લજ્જ થઈને આપણા ઉપર હુકમો બજાવી રહ્યા છે. સિંહનો કોળિયો કદી ઘેટું છિનવી ન શકે તો ભીષ્મ, દ્રોણ, અર્જુન વગેરે કુરુવંશીઓ જાણી જોઈને જતું ન કરે તો દેવરાજ ઇન્દ્ર પણ કોઈ વસ્તુ કેવી રીતે ભોગવી શકે?’

કુરુવંશીઓ પોતાની કુલીનતા, સ્વજનોનાં બળ, સંપત્તિને લીધે અભિમાની થઈ ગયા હતા, તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા ન કરી.

બલરામે કૌરવોની દુષ્ટતા, તેમનું અભિમાન, તેમણે કરેલાં અપમાન જોયાં. તેઓ ક્રોધે ભરાયા, તેમની સામે નજર પણ માંડી શકાતી ન હતી. તેઓ અટ્ટહાસ્ય કરીને કહેવા લાગ્યા, ‘સાચું છે — જે દુષ્ટો કુલીનતા, બળ, ધનને કારણે અભિમાની થઈ જાય છે તેમને શાંતિ નથી જોઈતી. તેમને ઠેકાણે લાવવાનો એક જ રસ્તો, તેમને શિક્ષા કરવાનો, તેમને સમજાવી ન શકાય, જેવી રીતે પશુઓને સરખા કરવા માટે ડંડો વાપરીએ છીએ, તેવી રીતે તેમનો પણ દંડ કરવો જોઈએ. જુઓ તો ખરા, બધા યાદવો, શ્રીકૃષ્ણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયા, અને હું એમને સમજાવવા માટે અહીં આવ્યો. છતાં તેઓ દુષ્ટતા આચરી રહ્યા છે, તેમને શાંતિ નથી જોઈતી. ઝઘડા જ કરવા છે, આટલા બધા અભિમાની થઈને તેમણે મારો તિરસ્કાર કરી ગાળો પર ગાળો મને દીધી. ભલે, પૃથ્વી પરના રાજાઓની વાત બાજુ પર રાખો, ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો પણ જેમની આજ્ઞા પાળે છે તે ઉગ્રસેન, રાજાધિરાજ નથી, તેઓ માત્ર ભોજ, વૃષ્ણિ અને યાદવોના જ સ્વામી છે; જે સુધર્માસભાને વશ કરીને તેમાં બેસે છે, જે દેવતાઓનું વૃક્ષ પારિજાત — ઉખાડીને લઈ આવે છે તે શ્રીકૃષ્ણ પણ રાજસિંહાસનના અધિકારી નથી. ભલે આખા જગતની સ્વામિની લક્ષ્મી જેમના ચરણકમળને વંદે છે તે શ્રીકૃષ્ણ છત્ર, ચામર જેવી સામગ્રી રાખી ન શકે. ભલે, શ્રીકૃષ્ણના ચરણકમળની ધૂળ ગંગા જેવાં તીર્થોને પણ તીર્થ બનાવતી હોય, ભલે ને બધા લોકપાલો તેમની ચરણરજ લેતા હોય. બ્રહ્મા, શંકર, હું, લક્ષ્મી પણ જેની ચરણરજ લેતા હોઈએ તો પછી શ્રીકૃષ્ણ માટે સિંહાસન ક્યાં છે? બિચારા યાદવો તો કુરુવંશીઓએ આપેલો જમીનનો ટુકડો ભોગવે છે — અમે યાદવો તો પગની જૂતી અને યાદવો તો મુકુટ છે. આ કુરુવંશીઓ ઐશ્વર્યથી ઉન્મત્ત, ઘમંડી, અને છકી ગયા છે, એમની એકેએક વાત કટુતાથી ભરેલી છે, મોંમાથા વગરની છે, હું તો આ લોકોને દંડ આપી શકું છું, મારાથી તેમની વાતો સહી શકાતી નથી. આજે ધરતી પરથી કૌરવોનું નામનિશાન મટાડી દઈશ.’ આ કહેતી વખતે તો જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે એટલો બધો ક્રોધ તેમને આવ્યો. તે પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા. તેમણે હળની ધાર વડે હસ્તિનાપુરને ઉખાડી કાઢ્યું અને ગંગા તરફ તે ખેંચવા લાગ્યા.

હળથી ખેંચાવાને કારણે હસ્તિનાપુર પાણીમાં ડોલતી નૌકાની જેમ ધ્રૂજવા લાગ્યું. કૌરવોએ જોયું કે આપણું નગર ગંગામાં પડી રહ્યું છે ત્યારે તેઓ ગભરાઈ ગયા. પછી લક્ષ્મણા અને સામ્બને આગળ કરીને પોતાનો જીવ બચાવવા કુટુંબીજનો સાથે બલરામની શરણે ગયા, અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી બલરામે પ્રસન્ન થઈ તેમને અભયદાન આપ્યું. દુર્યોધન પોતાની પુત્રી લક્ષ્મણાને ખૂબ ચાહતો હતો. તેણે પહેરામણીમાં સાઠ વર્ષની વયવાળા બારસો હાથી, દસ હજાર ઘોડા, સૂર્ય જેવા ચમકતા છ હજાર સુવર્ણરથ, સુવર્ણહાર ધરાવતી એક હજાર દાસીઓ આપી. બલરામે એ બધાનો સ્વીકાર કર્યો અને પછી દ્વારકાની દિશામાં પ્રયાણ કર્યું. દ્વારકામાં પહોંચીને બધા સ્વજનોને મળ્યા. હસ્તિનાપુરની બધી કથા કહી.

એક દિવસ દ્વારકાની રાજસભા આગળ એક અજાણ્યો માણસ આવ્યો. દ્વારપાલો દ્વારા કહેડાવીને સભામાં આવ્યો અને તેણે શ્રીકૃષ્ણને વંદન કર્યાં. પછી બધી વાત કરી. જરાસન્ધના દિગ્વિજય વખતે વીસેક હજાર રાજાઓએ જરાસન્ધની આણ સ્વીકારી ન હતી. તે બધાને તેણે કેદ કર્યા છે. તે માણસે ભગવાનની સ્તુતિ કરી, જરાસન્ધના ત્રાસમાંથી છોડાવવા પ્રાર્થના કરી.

તે જ વખતે નારદ ત્યાં આવી પહોંચ્યા. શ્રીકૃષ્ણે તેમનો સત્કાર કર્યો, નારદે શ્રીકૃષ્ણની વંદના કરી.

ત્યાર પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવની સલાહ માગી. એટલે તે બોલ્યા, ‘પાંડવો રાજસૂય યજ્ઞ કરી રહ્યા છે, અને જેણે દસે દિશાઓમાં દિગ્વિજય કર્યો હોય તે જ આવો યજ્ઞ કરી શકે. એટલે આ યજ્ઞ કરવા જરાસન્ધને જીતવો અનિવાર્ય છે. એને જીતી લેવાથી આપણું લક્ષ્ય સિદ્ધ થશે, કેદ થયેલા રાજાઓની મુક્તિ થશે, તેને કારણે તમને કીર્તિ મળશે. જરાસન્ધમાં દસ હજાર હાથીનું બળ છે એટલે તે બળિયા રાજાઓને પરાજિત કરી શકે છે. એને હરાવી શકાય માત્ર ભીમસેન દ્વારા, તે પણ આવા જ બળિયા છે. તે બંને પરસ્પર યુદ્ધ કરીને જરાસન્ધને જીતી લે તે વધુ સારું. સો અક્ષૌહિણી સેના લઈને જાઓ તો પણ એને જીતી ન શકાય. એ રાજા બ્રાહ્મણભક્ત છે, જો કોઈ બ્રાહ્મણ તેની પાસે કશી યાચના કરે તો તે ના ન પાડે. ભીમસેન બ્રાહ્મણવેશે જઈ તેની પાસે યુદ્ધ માગી લે. તમારી હાજરીમાં જો ભીમસેન અને જરાસન્ધનું યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે. જો તેનો વધ થશે તો રાજાઓ મુક્ત થશે, તેમની રાણીઓ પોતાના મહેલમાં તમારી લીલાનાં ગીત ગાશે. એટલે આ માર્ગ અપનાવો. જરાસન્ધનો વધ થવાથી ઘણાં બધા લક્ષ્ય સિદ્ધ થશે.’

ઉદ્ધવની વાત નારદ, શ્રીકૃષ્ણ, વૃદ્ધ યાદવોને સાચી લાગી. એટલે કૃષ્ણે બધાની સંમતિ લઈને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારીઓ કરી. દારુકને બોલાવીને ગરુડધ્વજ રથ તૈયાર કર્યો. પછી રુક્મિણીને લઈને, બધાં સંતાનોને લઈને સેના સાથે નીકળી પડ્યા. પગે ચાલનારા સૈનિકો રક્ષા કરતા હતા. સેવકોની પત્નીઓ, વારાંગનાઓ શણગાર કરીને તંબૂ, કનાત, કંબલ, ઓઢવા-બેસવાની સામગ્રી લઈને બળદ, પાડા, ગધેડા, ખચ્ચર પર લાદીને નીકળી પડી…વિદાય લેતા પહેલાં શ્રીકૃષ્ણે નારદની પૂજા કરી અને પછી જરાસંધે કેદ કરેલા રાજાઓના પ્રતિનિધિને કહ્યું, ‘તું રાજાઓને મળીને કહેજે —ગભરાતા નહીં, તમારું કલ્યાણ થશે. હું જરાસન્ધનો વધ કરાવીશ.’ એ સાંભળીને તે દૂત જતો રહ્યો અને રાજાઓને શ્રીકૃષ્ણનો સંદેશો કહ્યો એટલે બધા રાજાઓ કારાગારમાંથી છૂટવા માટે વહેલામાં વહેલી તકે શ્રીકૃષ્ણના દર્શનની રાહ જોવા લાગ્યા.

શ્રીકૃષ્ણ આનર્ત, સૌવીર, મરુ, કુરુક્ષેત્ર, અને વચ્ચે આવતા પર્વત, નગર, નદી, ગામડાં વટાવીને આગળ વધ્યા. દૃષદ્વતી, સરસ્વતી નદી પાર કરીને પાંચાલ-મત્સ્ય દેશોમાં થઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા, યુધિષ્ઠિરને જ્યારે શ્રીકૃષ્ણના આગમનની જાણ થઈ ત્યારે તેઓને બહુ આનંદ થયો, આચાર્યો, સ્વજનોને લઈને શ્રીકૃષ્ણનું સ્વાગત કરવા માટે નગર બહાર આવ્યા. મંગલ ગીતો ગવાયાં, વાજાં વાગ્યાં, બધા બ્રાહ્મણોએ વેદમંત્રોનો પાઠ કર્યો, શ્રીકૃષ્ણને જોઈને યુધિષ્ઠિર ગદ્ગદ થઈ ગયા. ઘણા દિવસે તેમણે ભગવાનને જોયા.

બધા જ પાંડવોએ શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, નૃત્ય — ગીત થયાં. ઇન્દ્રપ્રસ્થ નગરના રાજમાર્ગો પર સુગંધિત જળ છંટાયું હતું. ઠેકાણે ઠેકાણે ધજાપતાકા લહેરાતી હતી. તોરણો બંધાયાં હતાં. પાણી ભરેલાં સુવર્ણકળશ વચ્ચે વચ્ચે મૂક્યાં હતાં. નગરનાં સ્ત્રીપુરુષો સ્નાન કરીને, શણગાર સજીને આમ તેમ ફરી રહ્યાં હતાં. ઘેર ઘેર દીવા પ્રગટ્યા હતા, દરેકના ઘરમાં ધૂપ થયો હતો. શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ નગરને જોતાં જોતાં આગળ વધી રહ્યા હતા. જ્યારે સ્ત્રીઓને જાણ થઈ કે સુંદર શ્રીકૃષ્ણ આવ્યા છે ત્યારે તેઓ દર્શન માટે એટલી બધી ઉત્સુક હતી કે તેમની કેશલટો ઢીલી પડી ગઈ, સાડી પણ ઢીલી થઈ ગઈ, કામકાજ છોડ્યાં, પતિઓને છોડ્યા અને રાજમાર્ગ પર દોડી આવી. સ્ત્રીઓએ અટારીઓ પર ચઢીને શ્રીકૃષ્ણ અને રાણીઓનાં દર્શન કર્યાં, તેમના પર પુષ્પવર્ષા કરી, મનોમન આલિંગન આપ્યાં. તેઓ પરસ્પરને કહેવા લાગી, ‘આ ભાગ્યશાળી રાણીઓએ કેવાં પુણ્ય કર્યા હશે કે શ્રીકૃષ્ણ તેમની સામે હાસ્ય, કટાક્ષથી જોયા કરે છે.’

પછી શ્રીકૃષ્ણ રાજમહેલમાં પ્રવેશીને કુન્તીને મળ્યા. પુત્રવધૂ દ્રૌપદીની સાથે આગળ વધીને તેમનું સ્વાગત કર્યું. યુધિષ્ઠિર તો એટલા બધા હરખાઈ ગયા કે કેવી રીતે પૂજા કરવી તેની જ સમજ ન પડી. સુભદ્રા અને દ્રૌપદીએ શ્રીકૃષ્ણને વંદન કર્યાં. કુન્તીના કહેવાથી રુક્મિણી, સત્યભામા, ભદ્રા, જામ્બવતી, કાલિન્દી, મિત્રવિન્દા, લક્ષ્મણા, સત્યા — આ બધી કૃષ્ણપત્નીઓનું સ્વાગત કર્યું; યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની સેના, સેવકો, મંત્રીઓને જ્યાં બધી સગવડો હતી ત્યાં ઉતારો આપ્યો.

ખાંડવવનના દહન વખતે મયાસુરનો જીવ અર્જુને અને કૃષ્ણે બચાવ્યો હતો. એટલે તેણે યુધિષ્ઠિર માટે એક સુંદર સભાનું નિર્માણ કર્યું હતું.

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ આગળ રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો અને શ્રીકૃષ્ણે એને વધાવી લીધો. ‘રાજસૂય યજ્ઞ કરવાથી બધા લોકોમાં તમારી કીર્તિ ફેલાશે. પૃથ્વીના બધા રાજાઓને જીતીને, યજ્ઞસામગ્રી એકત્રિત કરીને તમે આ મહાયજ્ઞનું આયોજન કરો. તમારા બધા ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશ છે. તમે તો પરમ સંયમી છો, તમારા સદ્ગુણોએ મને પણ વશ કરી દીધો છે. આ સંસારમાં કોઈ પણ દેવ તેજ, યશ, લક્ષ્મી, સૌન્દર્ય દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી ન શકે.’

શ્રીકૃષ્ણની વાત સાંભળીને યુધિષ્ઠિર આનંદિત થયા અને પોતાના ભાઈઓને તેમણે દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો, ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરી તેમને ખૂબ જ પ્રભાવશાળી બનાવી દીધા. સૃંજયવશી વીરોની સાથે સહદેવને દક્ષિણમાં દિગ્વિજય કરવા મોકલ્યા, નકુલને પશ્ચિમમાં, અર્જુનને ઉત્તરમાં, ભીમસેનને પૂર્વ દિશામાં મોકલ્યા. આ બધાએ રાજાઓને જીતી લીધા અને બધું ધન લાવીને યુધિષ્ઠિરને સોંપ્યું, જ્યારે તેમને જાણ થઈ કે જરાસન્ધ પર વિજય મેળવી નથી શકાયો ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા. ઉદ્ધવે બતાવેલો ઉપાય શ્રીકૃષ્ણે તેમને જણાવ્યો. પછી ભીમસેન, અર્જુન અને શ્રીકૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈને જરાસન્ધની રાજધાની ગિરિવ્રજ પહોંચ્યા. જરાસન્ધ બ્રાહ્મણભક્ત હતો, અને ધર્મપ્રિય હતો. ત્રણેએ અતિથિસત્કારના સમયે જરાસન્ધ પાસે જઈને યાચના કરી. ‘રાજન્, તમારું કલ્યાણ થાઓ, અમે બહુ દૂરથી આવેલા અતિથિઓ છીએ, અમે કોઈ ખાસ કામસર આવ્યા છીએ. તમે અમારી ઇચ્છા પાર પાડો.’

તે લોકોના અવાજ, દેખાવ, કાંડા પર ધનુષની પ્રત્યંચાનું નિશાન — આ બધું જોઈને તેને ખ્યાલ આવી ગયો કે આ ત્રણે બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે. પછી મનોમન વિચાર કર્યો, ‘આ લોકો ક્ષત્રિય હોવા છતાં મારાથી ડરી જઈને બ્રાહ્મણના વેશે અહીં આવ્યા છે. હવે જો તેઓ માગણ બનીને આવ્યા હોય તો તેઓ જે માગશે તે હું તેમને આપીશ. કોઈ માગે તો મારું આ પ્રિય શરીર આપતાંય મને જરા પણ સંકોચ નહી થાય. વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ લઈને બલિ પાસેથી બધું જ છિનવી લીધું અને તો પણ બલિની કીર્તિ દિગ્દિગન્ત સુધી વિસ્તરી. બલિને આનો ખ્યાલ આવી ગયો હતો, શુક્રાચાર્યે તેમને અટકાવ્યા પણ હતા, તોય આખી પૃથ્વીનું દાન કરી દીધું, આ શરીર તો નાશવંત છે, આ શરીર વડે જો યશ ન મળે, જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવે નહીં — તેનું જીવન નાશવંત છે.’ આમ વિચારી ઉદાર જરાસન્ધે શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું, ‘તમારી ઇચ્છા થાય તે માગી લો. તમે કહેશો તો મારું મસ્તક પણ આપી દઈશ.’

શ્રીકૃષ્ણે કહ્યું, ‘રાજન્, અમે અન્નના યાચક નથી, અમે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છીએ. અમે યુદ્ધની ઇચ્છા કરીએ છીએ. તમારી ઇચ્છા હોય તો અમને દ્વન્દ્વ યુદ્ધની ભિક્ષા આપો. આ પાંડુપુત્ર ભીમસેન અને અર્જુન છે. હું તમારો ભાઈ અને જૂનો દુશ્મન શ્રીકૃષ્ણ છું.’

આ સાંભળી જરાસન્ધ હસી પડ્યો, ‘જો તમારે યુદ્ધ કરવું હોય તો તમારી માગણી સ્વીકારું છું. પણ કૃષ્ણ, તમે તો ભારે ડરપોક છો, યુદ્ધ વખતે તમે ગભરાઈ જાઓ છો. એટલે સુધી કે તમે મથુરા છોડીને દ્વારકા ભાગી ગયા, આ અર્જુન પણ યોદ્ધો નથી. મારાથી નાનો છે, મારો સમોવડિયો નથી. એટલે તેની સાથે પણ ન લડું. હવે રહ્યા ભીમસેન, એ મારા બરોબરિયા છે.’

આમ કહીને ભીમસેનને એક ગદા આપી, અને પોતે બીજી ગદા લઈને નગર બહાર નીકળ્યો. બંને અખાડામાં આવીને ગદાઓ વડે યુદ્ધ કરવા લાગ્યા. અવારનવાર પેંતરા બદલતા, જાણે હાથીઓના દંતશૂળ એકબીજાને અથડાતા હોય એમ બંનેની ગદા એકબીજા સાથે ટકરાવા લાગી, બે હાથી જ્યારે ક્રોધે ભરાઈને એકબીજા સાથે બાખડે ત્યારે આસપાસનાં વૃક્ષોની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરે, એવી જ રીતે ભીમસેને અને જરાસન્ધે એકબીજા પર ગદા વડે તેમનાં અંગેઅંગ પર આઘાત કર્યા, ગદાના ભુક્કા બોલ્યા ત્યારે બંને વીર ક્રોધે ભરાઈને એકબીજા સાથે મુક્કાબાજી કરવા લાગ્યા. એનો અવાજ વીજળીના કડાકાભડાકા જેવો સંભળાવા લાગ્યો. બંનેના ઉત્સાહમાં જરાય ઓટ આવી નહીં, તેમની શક્તિ જરાય ઓછી ન થઈ. બેમાંથી કોઈની હારજીત ન થઈ. દિવસે લડતા અને રાતે મિત્રોની જેમ રહેતા. આમ લડતાં લડતાં સત્તાવીસ દિવસ વીતી ગયા.

અઠ્ઠાવીસમા દિવસે ભીમસેને શ્રીકૃષ્ણને ક્હ્યું, ‘હું યુદ્ધમાં જરાસન્ધને જીતી શકતો નથી.’ શ્રીકૃષ્ણ જરાસન્ધના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા. તેમને એ પણ ખબર હતી કે જરા નામની રાક્ષસીએ એના શરીરના બે ટુકડાને જોડીને જીવતદાન આપ્યું હતું. તેમણે ભીમસેનમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસન્ધના વધનો ઉપાય વિચાર્યો. તેમણે એક વૃક્ષની ડાળને વચ્ચેથી ચીરીને ઇશારો કરી સમજાવ્યું, ભીમસેને શ્રીકૃષ્ણનો આશય સમજી લીધો અને જરાસન્ધના પગ પકડી જમીન પર પાડી દીધો. પછી એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને જેવી રીતે હાથી વૃક્ષની ડાળી ચીરી નાખે તેવી રીતે જરાસન્ધને ચીરી નાખ્યો. બધાએ જોયું કે જરાસન્ધના શરીરના બે ટુકડા થઈ ગયા છે, તેમના મૃત્યુના સમાચાર જાણીને પ્રજાજનો દુઃખી દુઃખી થઈ ગયા. શ્રીકૃષ્ણ અને અર્જુન ભીમને ભેટ્યા…શ્રીકૃષ્ણે જરાસન્ધના સિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કર્યો, જરાસન્ધે કેદ કરેલા બધા રાજાઓને છોડાવ્યા. તેમનાં શરીર-વસ્ત્ર મેલાદાટ હતાં. ભૂખે કંતાઈ ગયા હતા, મોં સુકાઈ ગયાં હતાં, પછી તેમણે સામે ઊભેલા શ્રીકૃષ્ણને, તેમના શરીરને, વસ્ત્રોને, ચાર હાથને જોયા. અને પછી તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી…પછી ભગવાને રાજાઓને ક્લેશમાંથી મુક્ત કર્યા… શ્રીકૃષ્ણ, ભીમસેન, અર્જુનને લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા અને તેમણે શંખનાદ કર્યો, બધાએ જરાસન્ધના મૃત્યુની વાત જાણી, શ્રીકૃષ્ણે બધી વાત માંડીને કહી. યુધિષ્ઠિરની આંખોમાંથી આનંદાશ્રુ સરી પડ્યાં.

રાજસૂય યજ્ઞની તૈયારીના દિવસોમાં યુધિષ્ઠિરના અંત:પુરની સુંદરતા અને રાજસૂય યજ્ઞને કારણે પાંડવોને મળેલી મહત્તાથી દુર્યોધનના મનમાં ભારે ઈર્ષ્યા જન્મી… એક દિવસ યુધિષ્ઠિર ભાઈઓ — સ્વજનો અને શ્રીકૃષ્ણ સાથે મયદાનવે નિર્મેલી સભામાં સુવર્ણસિંહાસન પર બેઠા હતા તે વેળા દુર્યોધન, દુ:શાસન અને બીજા ભાઈઓ સાથે ત્યાં આવ્યો. તેણે મુકુટ માથે મૂક્યો હતો, ગળામાં હાર હતો ને હાથમાં તલવાર હતી. ક્રોધે ભરાઈને તે દ્વારપાલો અને સેવકોને ગમેતેમ સંભળાવતો હતો. મયદાનવે રચેલી માયા તે સમજી ન શક્યો એટલે જ્યાં જમીન હતી ત્યાં પાણી માનીને તેણે વસ્ત્ર ઊંચાં લઈ લીધાં અને જ્યાં પાણી હતું ત્યાં જમીન માની લીધી, એટલે તે પાણીમાં પડી ગયો. તેને પડી ગયેલો જાણી ભીમસેન, રાણીઓ અને બીજા રાજાઓ હસવા લાગ્યા. યુધિષ્ઠિર તેમને અટકાવી રહ્યા હતા પણ શ્રીકૃષ્ણના ઇશારાથી તેમને ટેકો મળ્યો હતો. દુર્યોધન ભોંઠો પડી ગયો, તેના રોમેરોમમાં ક્રોધ વ્યાપ્યો. તે મોં બગાડીને હસ્તિનાપુર જતો રહ્યો. આ જોઈ બધા હાહાકાર કરવા લાગ્યા. યુધિષ્ઠિરનું મન પણ ખિન્ન થઈ ગયું. શ્રીકૃષ્ણ ચૂપ રહ્યા. તેમને મન તો પૃથ્વીનો ભાર ઊતરી ગયો. સાચું પુછાવો તો શ્રીકૃષ્ણની દૃષ્ટિને કારણે જ દુર્યોધનને આવો ભ્રમ થયો હતો.

શિશુપાલ, શાલ્વ અને પૌણ્ડ્રકના મૃત્યુ પછી મિત્રઋણ અદા કરવા મૂર્ખ દન્તવક્ત્ર એકલો જ યુદ્ધભૂમિ પર આવી ચઢ્યો. ક્રોધે રાતાપીળા થયેલા આ રાજાના હાથમાં માત્ર ગદા જ હતી. તેની મહાશક્તિને કારણે ધરણી ધમધમી રહી હતી. શ્રીકૃષ્ણ તેને આવતો જોઈને ગદા લઈ રથમાંથી કૂદી પડ્યા. જેવી રીતે સમુદ્રકાંઠો ભરતીઓટને અટકાવી દે છે તેવી રીતે શ્રીકૃષ્ણે તેને રોકી પાડ્યો. ઘમંડના તોરમાં તેણે કૃષ્ણને કહ્યું, ‘બહુ સૌભાગ્ય અને આનંદની વાત છે કે આજે તું મારી સામે આવ્યો છે. તું મારા મામાનો દીકરો છે એટલે તને મારી તો ન નખાય પણ તેં મારા મિત્રોની હત્યા કરી છે. બીજાઓ પણ તને મારી નાખવા માગે છે. એટલે આજે હું મારી વજ્ર જેવી નવી નક્કોર ગદા વડે તારો અન્ત આણીશ. તું મારો સંબંધી છે છતાં શત્રુ છે, શરીરમાં રહેતા રોગના જેવો. હું મારા મિત્રોને બહુ ચાહતો હતો. મારા પર તેમના ઘણા ઉપકાર છે. હવે તને મારી નાખીને જ હું ઋણમુક્ત થઈશ.’ જેવી રીતે મહાવત અંકુશ વડે હાથીને ઘાયલ કરે છે એવી રીતે તેણે પોતાની કડવી વાતોથી શ્રીકૃષ્ણને આઘાત આપવાનો પ્રયત્ન કર્યો અને શ્રીકૃષ્ણના માથા પર ગદા મારવા ગયો. ગદા વાગવા છતાં શ્રીકૃષ્ણે જરાય અસ્થિર ન થયા. પોતાની કૌમુદિકી ગદા વડે તેમણે શત્રુની છાતી પર પ્રહાર કર્યો, તેને કારણે દન્તવક્ત્રનું હૃદય ચીરાઈ ગયું. મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. વાળ વિખરાઈ ગયા. હાથપગ પહોળા થઈ ગયા. શિશુપાલના મૃત્યુ વખતે જેમ બન્યું હતું તેમ દન્તવક્ત્રના શરીરમાંથી એક નાનકડી જ્યોતિ નીકળી અને શ્રીકૃષ્ણમાં સમાઈ ગઈ.

દન્તવક્ત્રનો ભાઈ વિદૂરથ ભાઈના મૃત્યુથી દુઃખી થઈ ગયો. ક્રોધે ભરાઈને તે ઊના નિ:શ્વાસ નાખતો હાથમાં ઢાલ તલવાર લઈને શ્રીકૃષ્ણને મારી નાખવા ધસ્યો. આ જોઈને શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર વડે તેનું મસ્તક વાઢી નાખ્યું. આમ જેમનો વધ કરવો અશક્ય હતું તે બધાનો નાશ કરીને દ્વારકામાં શ્રીકૃષ્ણ પ્રવેશ્યા. તેમનું સ્વાગત ભારે દબદબાથી કરવામાં આવ્યું.