ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/બ્રાહ્મણપત્નીઓ અને શ્રીકૃષ્ણ


બ્રાહ્મણપત્નીઓ અને શ્રીકૃષ્ણ

એક વેળા વનમાં ગયેલા ગોપબાલોને શ્રીકૃષ્ણને કહ્યું, ‘અમે ભૂખ્યા થયા છીએ.’ ત્યારે તેમણે કહ્યું, ‘અહીંથી થોડે દૂર વેદપાઠી બ્રાહ્મણો આંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. ત્યાં જઈને મારું અને બલરામનું નામ દઈને તેમની પાસેથી થોડી ભોજનસામગ્રી લઈ આવો.’ ગોપબાલો ત્યાં ગયા પણ કશું મળ્યું નહીં એટલે પાછા આવીને ભગવાનને વાત કરી. એટલે ભગવાને ફરી તેમને મોકલ્યા પણ આ વખતે બ્રાહ્મણપત્નીઓ પાસે.

ગોપબાલો ફરી યજ્ઞશાળામાં ગયા ત્યાં જઈને જોકહ્યું તો બ્રાહ્મણસ્ત્રીઓ સજીધજીને બેઠી હતી. તે બધીને પ્રણામ કરીને ગોપબાલોએ કહ્યું, ‘અમારા તમને નમસ્કાર, ભગવાન શ્રીકૃષ્ણ થોડે જ દૂર છે, તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. ગાયો ચરાવતાં ચરાવતાં અમે બહુ દૂર આવી ચઢ્યા છીએ-તેમને અને અમને ભૂખ લાગી છે. તમે થોડું ભોજન આપો.’

તે બ્રાહ્મણસ્ત્રીઓ ઘણા સમયથી ભગવાનની સુંદર લીલાઓની વાતો સાંભળતી હતી. તેમનાં મન શ્રીકૃષ્ણમાં પરોવાયેલાં હતાં. કોઈક રીતે તેઓ શ્રીકૃષ્ણનાં દર્શન માટે આતુર હતી. શ્રીકૃષ્ણના આગમનના સમાચાર સાંભળીને તે ઉતાવળી થઈ, વાસણોમાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય — એમ ચારે પ્રકારની ભોજનસામગ્રી લીધી. પતિ-પુત્રોની મના છતાં શ્રીકૃષ્ણ પાસે જવા નીકળી પડી. દિવસોના દિવસો સુધી શ્રીકૃષ્ણનું ગુણકીર્તન સાંભળી સાંભળીને ભગવાનના ચરણમાં પોતાનું હૃદય ધરી દીધું હતું. બ્રાહ્મણપત્નીઓએ જોયું તો યમુના તીરે અશોકવનમાં ગોપબાલોથી વીંટળાયેલા બલરામ-શ્રીકૃષ્ણ આમ તેમ ફરતા હતા. તેમના શ્યામ શરીર પર સોનેરી પીતાંબર હતું, ગળામાં વનમાળા હતી. માથે મોરમુકુટ. અંગેઅંગમાં ચિતરામણ કર્યું હતું. નવી નવી કૂંપળોના ગુચ્છા શરીરમાં લટકાવી નટ જેવો વેશ બનાવ્યો હતો. એક હાથ ગોપબાલના ખભે અને બીજા હાથે કમળ નૃત્ય કરાવતા હતા. કાનોમાં કમળકુંડળ હતાં, ગાલ પર વાંકડિયા વાળની લટો હતી. મેં પર મંદમંદ સ્મિત વહેરાતું હતું. અત્યાર સુધી શ્રીકૃષ્ણની લીલા સાંભળી હતી અને હવે આંખો સામે જ શ્રીકૃષ્ણ હતા, એટલે જોતી રહી, હૃદયની આગ શાંત કરી.

ભગવાન તો અંતર્યામી છે, તેમણે જોયું કે સ્વજનોની પરવા કર્યા વિના માત્ર મારા દર્શન માટે તે અહીં આવી છે, તે બોલ્યા, ‘દેવીઓ, તમારું સ્વાગત. તમારા માટે શું કરીએ? તમે અમારા દર્શનની ઇચ્છાથી આવી છો…પણ હવે તમે મારું દર્શન કરી લીધું એટલે યજ્ઞશાળામાં પહોેંચી જાઓ. તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે. તે તમારી સાથે મળીને જ યજ્ઞ પૂરો કરી શકશે.’

બ્રાહ્મણપત્નીઓ બોલી, ‘તમારી વાત નિર્દય છે. શ્રુતિ કહે છે કે જે એક વાર ભગવાનને મળે છે તેને સંસારમાં પાછા આવવું પડતું નથી. તમે આ વાત સાચી પાડો. અમે સ્વજનોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવી છીએ, અમારી ઇચ્છા છે કે તમારા શરીર પરથી ખરી પડેલી તુલસીમાળા અમારી વેણીમાં ગૂૂંથીએ. હવે અમારા સ્વજનો અમારો સ્વીકાર નહીં કરે, બીજાઓની તો વાત છોડો. અમારો બીજો કોઈ આધાર નથી, એેટલે અમે બીજાના શરણે નહીં જઈએ.’

ભગવાને કહ્યું, ‘દેવીઓ, તમારાં સ્વજનોમાંથી કોઈ પણ તમારો તિરસ્કાર નહીં કરે. એમની વાત બાજુ પર, આખું જગત તમારું સમ્માન કરશે. હવે તમે મારી થઈ ગઈ છો… એટલે હવે તમે ઘેર જાઓ.’ આ સાંભળી બ્રાહ્મણપત્નીઓ યજ્ઞશાળામાં ગઈ.