ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/ત્યક્તા રાણી અને તેના પુત્ર ભદ્રાયુની કથા


ત્યક્તા રાણી અને તેના પુત્ર ભદ્રાયુની કથા

દશાર્ણ દેશના રાજા વજ્રબાહુની પત્ની સુમતિ પોતાના નવજાત બાળકની સાથે કોઈ અસાધ્ય રોગનો ભોગ બની ગઈ, પરિણામે તે દુષ્ટ રાજાએ તેને વનમાં ત્યજી દીધી. ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ ભોગવતી તે મહામહેનતે આગળ વધવા લાગી. બહુ દૂર ગયા પછી તેણે વૈશ્યોનું એક નગર જોયું. ત્યાં ઘણાં સ્ત્રીપુરુષો રહેતાં હતાં. તે નગરનો રક્ષક એક મહાજન વૈશ્ય નામે પદ્માકર હતો. તે બીજા કુબેરના જેવો ધનવાન હતો. તેના ઘરમાં કામ કરતી એક દાસીએ દૂરથી તે રાજપત્નીને જોઈ, રાણીને જોતાંવેત તેની હાલત સમજાઈ ગઈ. તે પોતાના સ્વામી પાસે તેને લઈ ગઈ. વૈશ્યરાજે માંદલાં માદીકરાને જોયાં, પછી એકાંતમાં બધા સમાચાર જાણ્યા. એટલે તેણે રાણીને પોતાના ઘરની પાસે એક મકાનમાં ઉતારો આપ્યો અને તેમને જોઈતી બધી વસ્તુઓની વ્યવસ્થા કરી આપી. તે ઘરમાં સુરક્ષિત હોવા છતાં તેના રોગમાં કશો સુધારો થયો નહીં અને થોડા જ દિવસોમાં તેના પુત્રનો રોગ સાવ અસાધ્ય થઈ ગયો અને તે મરણ પામ્યો. તેના શોકમાં સુમતિ બેસુધ થઈ ગઈ અને ભૂમિ પર પડી ગઈ. પછી વૈશ્યોની સ્ત્રીઓએ તેને બહુ સમજાવી તો પણ તે વિલાપ કરતી રહી, ‘અરે પુત્ર, આમેય બધાં સ્વજનોએ મને ત્યજી દીધી હતી અને હવે તું પણ આ અનાથ માતાને છોડીને ક્યાં ચાલ્યો ગયો?’

તે જ વેળા ઋષભ નામના કોઈ શિવયોગી ત્યાં આવ્યા અને સુમતિને ધીરજ બંધાવાનો પ્રયત્ન કર્યો. જન્મમરણની માયા બહુ વિગતે સમજાવી. ત્યારે સુમતિએ તેમને ગુરુ માનીને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘મારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો, સ્વજનોએ મને ત્યજી દીધી અને આ અસાધ્ય રોગનો ભોગ બની. હવે મારા માટે મૃત્યુ સિવાય બીજી કઈ ગતિ? મૃત્યુ ટાણે તમારાં દર્શન થયાં એટલે હું ધન્ય થઈ ગઈ.’

રાણીની વાત સાંભળી શિવયોગી મૃત બાળક પાસે ગયા અને શિવમંત્રથી મંત્રેલી ભસ્મ લઈ બાળકના મોંમાં તે નાખી એટલે તરત જ તે જીવતો થયો. બાળકે આંખો ખોલી. તેને દૂધ પીવું હતું એટલે તે રડવા લાગ્યો. માની આંખોમાં આનંદનાં આંસુ આવ્યાં અને બાળકને ખોળામાં લઈ લીધું. પછી તે શિવયોગીએ મા અને બાળકના ઝેરી ઘાવાળા શરીરને ભસ્મનો સ્પર્શ કરાવ્યો એટલે બંનેનાં શરીર દિવ્ય થઈ ગયાં. બંને દેવ સમાન થઈ ગયાં. પછી તેમણે રાણીને કહ્યું, ‘પુત્રી, તું દીર્ઘકાળ સુધી જીવતી રહેજે. તને વૃદ્ધાવસ્થાનો સ્પર્શ પણ નહીં થાય. તારો આ પુત્ર ભદ્રાયુ નામથી પ્રસિદ્ધ થશે. તે રાજ્ય મેળવશે. જ્યાં સુધી તારો આ પુત્ર પૂર્ણ વિદ્વાન ન થાય ત્યાં સુધી તું આ વૈશ્યરાજના ઘરમાં જ રહેજે.’

આમ કહી શિવ યોગી પોતાને જ્યાં જવું હતું ત્યાં ચાલ્યા ગયા. ભદ્રાયુ ત્યાં મોટો થવા લાગ્યો. વૈશ્યને પણ સુનય નામનો એક પુત્ર હતો, તે ભદ્રાયુનો મિત્ર બન્યો. બંને એકબીજાને ચાહતા હતા. વૈશ્યરાજે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પુત્રના અને ભદ્રાયુના સંસ્કારવિધિ કરાવ્યા. પછી જનોઈ દેવામાં આવી. અને બંને બાળકોએ ગુરુસેવા કરતા કરતા સંપૂર્ણ વિદ્યાઓ શીખી લીધી. રાજકુમાર સોળ વરસના થયા ત્યારે શિવ યોગી ફરી વૈશ્યરાજને ત્યાં આવ્યા. રાણીએ અને રાજકુમારે વારે વારે પ્રણામ કર્યાં અને પૂજા કરી. શિવયોગીએ પૂછ્યું, ‘પુત્ર, કુશળ તો છે ને! તારી માતાને કોઈ કષ્ટ તો નથી ને? બધી વિદ્યા શીખી લીધી? ગુરુજનોની સેવા કરે છે ને? મારું સ્મરણ કરે છે ખરો?’

આ સાંભળી સુમતિએ પોતાનો પુત્ર તેમના પગમાં મૂકી દીધો. ‘ગુરુદેવ, આ તમારો જ પુત્ર છે. તમે એના પર દયા કરીને તેને સ્વીકારો. શુભ કર્મનો ઉપદેશ આપો.’

આમ રાણીએ કહ્યું એટલે ગુરુએ તેને સનાતન ધર્મનો વિગતે ઉપદેશ આપ્યો… પછી ગુરુએ મોટો ધ્વનિ કરનારો એક શંખ આપ્યો, વળી શત્રુઓનો નાશ કરનાર એક તલવાર આપી, પછી મંત્રેલી ભસ્મ રાજકુમારના આખા શરીરે લગાવી, તેનામાં બાર હજાર હાથીઓનું બળ સીંચ્યું. પછી યોગીએ કહ્યું, ‘આ તલવારની ધાર બહુ તેજ છે. જે તે જોશે તે તરત જ મૃત્યુ પામશે, અને જે શત્રુ આ શંખનો ધ્વનિ સાંભળશે તે બેસુધ થઈ ધરતી પર ઢળી જશે. આ બંને દિવ્ય છે. આના પ્રભાવથી અને ભગવાન શિવના કવચથી, ભસ્મને કારણે તું શત્રુઓ પર વિજય પામીશ. પિતાનું સંહાિસન તને મળશે. તું પૃથ્વીનું રક્ષણ કરજે.’

આમ ભદ્રાયુને બોધ આપીને માતા અને પુત્રની પૂજા સ્વીકારીને શિવયોગી જતા રહ્યા.

આ તરફ મગધ દેશના રાજાએ વજ્રબાહુને યુદ્ધમાં હરાવી તેમના પાટનગરને નષ્ટ કરી નાખ્યું. તેમની સ્ત્રીઓનું અને ગાયોનું હરણ કર્યું, વજ્રબાહુને પણ દોરડે બાંધીને પોતાના નગરમાં લઈ ગયા. રાષ્ટ્રના વિનાશના સમાચાર ભદ્રાયુને પણ મળ્યા. પિતાને કેદ કર્યાની અને માતાઓના હરણની ખબર પણ તેને મળી. આ સાંભળી ભદ્રાયુ સિંહગર્જના કરવા લાગ્યો. શંખ, તલવાર લીધાં, કવચ પહેર્યું અને અશ્વ પર સવાર થઈ શત્રુઓને જીતવા તે તેમની સેનામાં પ્રવેશી ગયો અને ધનુષને કાન સુધી ખેંચીને બાણ મારવા લાગ્યો. રાજકુમારનાં બાણ ઝીલતાં ઝીલતાં શત્રુઓ પણ તેના પર ટૂટી પડ્યા. અનેક ઘા થયા છતાં તે જરા પણ વિચલિત ન થયો. તે શિવકવચથી સુરક્ષિત હતો. તેણે ઘણા બધા રથ, હાથી, પદાતિ સૈનિકોને માર્યા. રણભૂમિ પર જ એક રથીને સારથિ સમેત મારીને તેના રથ પર અંકુશ જમાવી દીધો. પોતાના મિત્ર વૈશ્યકુમારને સારથિ બનાવ્યો અને આગળ ગતિ કરી જાણે કે મૃગોના ઝુંડમાં કોઈ સિંહ પેઠો. શત્રુસેનાના બધા બળવાન સેનાપતિ તલવાર ઉગામી માત્ર તેના તરફ જ ધસ્યા. આ જોઈ ભદ્રાયુ તેમની સામે તલવાર ધરીને ઊભો રહી ગયો. ચમકતી આ તલવાર જોઈ બધા સેનાપતિ મૃત્યુ પામ્યા. પછી શત્રુસેનાનો વિધ્વંસ કરવા માટે ભદ્રાયુએ મહાશંખ વગાડ્યો અને એનો ધ્વનિ સાંભળતાંવેંત બધા શત્રુ બેહોશ થઈને ઢળી પડ્યા. તે બધાને મરેલા જેવા માનીને તેમનો વધ તેણે ન કર્યો. પછી તેણે પિતાને અને માતાઓને બંધનમુક્ત કર્યા. આમ જ મુખ્ય મંત્રીઓ, પુરજનોની સ્ત્રીઓ, બાળકો, કન્યાઓ તથા ગોધન — બધાંને છોડાવ્યાં. પછી નગરના રાજા, મંત્રીઓ, મુખ્ય અધિકારીઓ અને સેનાપતિઓને કેદ કરીને નગરમાં આણ્યા. પહેલાં જે લોકો ભાગી ગયા હતા તે બધા પાછા આવ્યા. રાજકુમારનું પરાક્રમ જોઈને બધા નવાઈ પામ્યા, તેઓ વિચારવા લાગ્યા, ‘આ કોઈ સિદ્ધ, તપસ્વી કે દેવતા હોવો જોઈએ. તેણે જે પરાક્રમ કર્યું તે કોઈ માનવી કરી જ ન શકે. આ વીરે નવ અક્ષૌહિણી સેનાને પરાજિત કરી છે.’

ભદ્રાયુના પિતા વજ્રબાહુ આનંદ અને અચરજ પામ્યા, આંખોમાંથી આંસુ વહેવડાવતાં તેઓ સામે આવ્યા અને રાજકુમારે તેમને પ્રણામ કર્યાં. ‘તું કોણ છે, દેવતા, મનુષ્ય કે ગંધર્વ? તારાં માતાપિતા કોણ, તારું વતન કયું, તેં અમને બધાંને શા માટે છોડાવ્યાં? તારા આ ઉપકારનો બદલો તો હજાર જન્મે પણ ચૂકવી નહીં શકું. આ પુત્રો, આ પત્નીઓ, આ રાજ્ય અને આ નગર કરતાંય હું તને વધારે ચાહું છું.’

ભદ્રાયુએ કહ્યું, ‘આ મારો મિત્ર સુનય, હું તેના જ ઘરમાં મારી માતા સાથે રહું છું. મારું નામ ભદ્રાયુ, હું મારી વાત પછીથી કહીશ. અત્યારે તમે મિત્રો અને સ્ત્રીઓની સાથે નગરપ્રવેશ કરો, મનમાંથી ભય કાઢી નાખો. હું પાછો ન આવું ત્યાં સુધી આ શત્રુઓને છોડતા નહીં.’

આમ કહી ભદ્રાયુ પોતાને ઘેર આવ્યો અને માને બધા સમાચાર કહ્યા. રાણી પ્રસન્ન થઈને તે ભેટી પડી, વૈશ્યરાજે પણ બહુ ઉમળકો બતાવ્યો. રાજા વજ્રબાહુ, સ્ત્રીઓ, પુત્રો, મંત્રીઓ સાથે રાજમહેલમાં પ્રવેશ્યા. સવારે શિવ યોગીએ મહારાણી સીમંતિનીના પતિ ચંદ્રાંગદ પાસે જઈને ભદ્રાયુના અલૌકિક પરાક્રમની વાત કરી કહ્યું, ‘રાજન્, તમે તમારી પુત્રી કીર્તિમાલિનીનો વિવાહ રાજકુમાર ભદ્રાયુ સાથે કરો.’ આમ કહી યોગી ચાલ્યા ગયા.

પછી રાજા ચંદ્રાંગદે વિવાહ માટે રાજકુમાર ભદ્રાયુને બોલાવ્યો અને પોતાની પુત્રી કીર્તિમાલિની તેની સાથે પરણાવી. ભદ્રાયુના પિતા વજ્રબાહુને પણ બોલાવ્યા અને તેનું સ્વાગત કર્યું. વજ્રબાહુએ જોયું કે શત્રુજિત ભદ્રાયુ વિવાહ કરીને મને પગે લાગી રહ્યો છે, ત્યારે તેને ગળે લગાડી નિષધરાજને કહ્યું, ‘તમારો આ જમાઈ બહુ બળવાન છે. હું એના કુળની વાત સાંભળવા માગું છું.’

આ સાંભળી નિષધરાજે સ્મિતપૂર્વક કહ્યું, ‘રાજન્, આ તમારો જ પુત્ર છે. બાળપણમાં તે રોગી હતો, એટલે તમે મા અને બાળકને વનમાં મોકલી દીધાં. એ અસહાય નારીને એક વૈશ્યના ઘરમાં આશ્રય મળ્યો. થોડા સમયે બાળકનું મૃત્યુ થયું પણ કોઈ યોગીરાજે તેને સજીવન કર્યો, તેમના જ પ્રભાવથી બંનેને દિવ્ય રૂપ સાંપડ્યાં. યોગીએ આપેલા શંખ અને તલવાર વડે, શિવકવચ પહેરી ભદ્રાયુએ યુદ્ધમાં શત્રુઓ પર વિજય મેળવ્યો. તે એકલા જ બાર હજાર હાથીઓનું બળ ધરાવે છે. બધી વિદ્યાઓમાં પારંગત એવા તે હવે મારા જમાઈ પણ છે, તમે મા અને પુત્રને લઈ તમારા નગરમાં જાઓ. તમને ઉત્તમ કલ્યાણ સાંપડશે.’

આમ કહી રાજા પોતાના અંત:પુરમાં રહેલી રાજાની પટરાણીને લઈ આવ્યા. તે વસ્ત્રાલંકારથી સુશોભિત હતાં. વજ્રબાહુને તેમની પત્નીનો મેળાપ કરાવ્યો. આ બધી વાત સાંભળી વજ્રબાહુ બહુ સંકોચ પામ્યા અને આત્મનિંદા કરી. પત્ની અને પુત્રને મળીને તેમને રોમાંચ થયો, બંનેને ભેટ્યા અને બધાને લઈ પોતાના પાટનગરમાં પ્રવેશ્યા. નગરજનો ભદ્રાયુને જોઈને આનંદ પામ્યા. સમય જતાં વજ્રબાહુનું મૃત્યુ થયું અને ભદ્રાયુએ પૃથ્વી પર શાસન કરવા માંડ્યું. ગૃધરાજ હેમરથ સાથે મૈત્રી કરી.

થોડા સમયે ભદ્રાયુએ પોતાની પત્ની સાથે વનમાં પ્રવેશ કર્યો. જોયું તો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી દોડતાં હતાં. બંને ચીસો પાડતાં હતાં, ‘અમને બચાવો, અમને બચાવો.’ આ સાંભળી રાજાએ ધનુષ હાથમાં લીધું, એટલામાં જ એક વાઘે આવીને બ્રાહ્મણીને પકડી લીધી. ‘અરે નાથ, અરે શંભુ, અરે જગદીશ્વર’ અને તે વિલાપ કરવા લાગી. વાઘ બહુ ભયાનક હતો. વાઘે તે બ્રાહ્મણીને જેવી પકડી કે ભદ્રાયુએ તીર માર્યું પણ વાઘ પર તેની કોઈ અસર ન થઈ અને તે બ્રાહ્મણીને પકડીને દૂર લઈ ગયો. પોતાની પત્નીને વાઘ લઈ ગયો એટલે તે બહુ દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ‘અરે પ્રિયે, અરે પતિવ્રતા, મને અહીં એકલો મૂકીને તું ક્યાં ચાલી ગઈ? હવે હું જીવીશ કેવી રીતે? રાજન્, તમારાં શસ્ત્રોની તો બહુ પ્રશંસા સાંભળી હતી. ક્યાં છે તે? તમારા મહાન ધનુષનું શું થયું? તમારામાં બાર હજાર હાથીનું બળ હતું તેનું શું થયું? તમારા શંખ, તલવાર અને મંત્રોનું શું થયું? બીજાઓનાં દુઃખ દૂર કરવાં ક્ષત્રિયનો ધર્મ છે. રાજા તો ધન અને પ્રાણ આપીને પણ શરણાગતોની રક્ષા કરે છે. જે દુઃખીઓની પ્રાણરક્ષા કરી નથી શકતા તેમનું જીવવું વ્યર્થ છે.’

આમ બ્રાહ્મણનો વિલાપ સાંભળીને અને તેના મોઢે પોતાની નિંદા સાંભળીને મનોમન તે વિચારવા લાગ્યો, ‘આજે ભાગ્ય બદલાઈ ગયું, મારું પરાક્રમ નષ્ટ થઈ ગયું. મારો ધર્મ નાશ પામ્યો. હવે મારી સંપદા, રાજ્ય અને આયુ પણ નાશ પામશે.’ પછી તેણે બ્રાહ્મણના પગે પડીને તેને ધીરજ બંધાવી, ‘મારું પરાક્રમ નાશ પામ્યું છે. મારા પર કૃપા કરો. શોક જતો કરો. તમને જે જોઈએ તે આપીશ. આ રાજ્ય, આ રાણી, આ મારું શરીર — બોલો તમારે શું જોઈએ છે?’

બ્રાહ્મણે કહ્યું, ‘રાજન્, આંધળાને દર્પણથી શું? જે ભિક્ષા માગીને જીવે તેને ઘર શું કામ લાગે? જે મૂર્ખ છે તે પુસ્તકને લઈને શું કરશે? જેની પાસે સ્ત્રી નથી તે ધનને શું કરશે? મારી પત્ની તો નથી, હવે તમે કામભોગ માટે તમારી રાણી મને આપો.’

રાજા બોલ્યા, ‘બ્રાહ્મણ, શું તમારો આવો ધર્મ છે? ગુરુએ શું તમને આવો ઉપદેશ આપ્યો છે? પારકી સ્ત્રીનો સ્પર્શ સ્વર્ગ અને સુયશનો નાશ કરે છે તે શું તમે નથી જાણતા? પરસ્ત્રીના ઉપભોગથી જે પાપ સાંપડે તે સેંકડો પ્રાયશ્ચિત્તથી પણ દૂર થઈ શકતું નથી.’

બ્રાહ્મણે કહ્યું, ‘રાજન્, હું તપ કરીને બ્રહ્મહત્યા કે મદિરાપાન જેવાં પાપ પણ દૂર કરીશ. પછી પરસ્ત્રીગમન શી વિસાતમાં? તમે તમારી પત્ની મને આપો, નહીંતર નરકે જશો.’

ભદ્રાયુએ મનોમન વિચાર્યું, ‘બ્રાહ્મણની પ્રાણરક્ષા ન થઈ તો મહાપાપ લાગશે. એમાંથી બચવા માટે પત્ની આપી દેવી પડશે. તેને પત્ની આપીને હું ચિતાપ્રવેશ કરીશ.’ એમ વિચારીને રાજાએ ચિતા પ્રગટાવીને બ્રાહ્મણને બોલાવ્યો અને તેને પત્ની સોંપી. પછી દેવતાઓને પ્રણામ કરીને અગ્નિની પરિક્રમા કરી, ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા. તેમના પાંચ મુખ હતાં, મસ્તક પર ચંદ્રકલા હતી. હાથમાં ત્રિશૂળ જેવાં શસ્ત્ર, અને નંદી પર તે સવાર હતા.

રાજાએ તેમની સ્તુતિ કરી. પછી ભગવાને કહ્યું, ‘રાજા, તારી પરીક્ષા કરવા હું બ્રાહ્મણ થયો હતો, પેલો વાઘ તો માયાવી હતો, પેલી બ્રાહ્મણી ગિરિરાજનંદિની ઉમા. તારું ધૈર્ય જોવા માટે જ મેં તારી પત્ની માગી હતી. હવે તું કોઈ દુર્લભ વર માગ.’

‘તમારું દર્શન એ જ મારે મન વરદાન. મારાં માતાપિતા પાસે તમે રહો.’

આમ વરદાન આપીને ભગવાન ઉમા સાથે અંતર્ધાન થયા. ભદ્રાયુએ કીર્તિમાલિની સાથે હજારો વર્ષ વિહાર કર્યો.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)