ભારતીયકથાવિશ્વ−૪/હિતોપદેશની કથાઓ/મૃગ અને કાગડાની મૈત્રીકથા
મગધ દેશમાં ચંપકવતી નામના મોટા વનમાં લાંબા સમયથી એકબીજાના મિત્ર થઈને મૃગ અને કાગડો રહેતા હતા. હવે આ મૃગ જ્યાં ઇચ્છા થાય ત્યાં ફરતો હતો. તેનું હૃષ્ટપુષ્ટ શરીર જોઈને એક શિયાળે વિચાર કર્યો, ‘આનું સ્વાદિષ્ટ માંસ હું ક્યારે ખાઈ શકું? પણ પહેલાં તો મારે તેને વિશ્વાસમાં લેવો પડે.’ એમ વિચારી તે મૃગ પાસે જઈને બોલ્યો, ‘અરે મિત્ર, મજામાં છે ને?’ મૃગે પૂછ્યું, ‘કોણ છે તું?’ શિયાળે કહ્યું, ‘હું ક્ષુદ્રબુદ્ધિ નામનો શિયાળ છું. બાંધવો કોઈ હવે રહ્યા નથી. એટલે મરણતોલ સ્થિતિમાં રહું છું. તારા જેવો મિત્ર મળ્યો એટલે ફરી આ સંસારની માયામાં પ્રવેશ્યો છું. હું તારો અનુચર થઈને રહીશ.’ મૃગે હા પાડી. એટલામાં સૂર્યનારાયણ અસ્તાચળે જઈ પહોંચ્યા. બંને મૃગના નિવાસે ગયા. ત્યાં ચંપક વૃક્ષની ડાળી પર સુબુદ્ધિ નામનો કાગડો રહેતો હતો. તે મૃગનો મિત્ર હતો. તેણે બંનેને — મૃગને અને શિયાળને — સાથે આવેલા જોઈ પૂછ્યું, ‘અરે મિત્ર ચિત્રાંગ, આ તારી સાથે કોણ છે?’ ‘આ શિયાળ મારી સાથે દોસ્તી કરવા માગે છે.’ કાગડો બોલ્યો, ‘મિત્ર, અચાનક આવી ચઢેલા અજાણ્યા સાથે દોસ્તી ન કરાય.’ કહ્યું છે- જેના કુળ, સ્વભાવનો આપણને પરિચય ન હોય તેવાને કદી રહેવા માટે જગ્યા ન આપવી. બિલાડાને કારણે જરદ્ગવ નામનો ગીધ મૃત્યુ પામ્યો હતો.’ તે બંનેએ પૂછ્યું, ‘કેવી રીતે?’ એટલે કાગડાએ વાત માંડી.