ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/ઇન્દ્ર અને સુરભિ


ઇન્દ્ર અને સુરભિ

(આ કથા વ્યાસ ભગવાન ધૃતરાષ્ટ્રને કહીને કૌરવ-પાંડવો વચ્ચે સરખો પ્રેમ રાખવાની વાત કરે છે.)

હજારો વર્ષ પહેલાં ગાયોની માતા સુરભિ સ્વર્ગમાં જઈ ચઢી અને ચોધાર આંસુ પાડવા લાગી. ઇન્દ્રે તેને રડતી જોઈને પૂછ્યું, ‘અરે, અરે, તું કેમ રડે છે? બોલ, દેવતાઓ, માનવીઓ અને ગાયો મજામાં તો છે ને? તું રડે છે એટલે કશુંક વધારે ખરાબ થયું લાગે છે?’

સુરભિએ કહ્યું, ‘ઇન્દ્રદેવ, તમારો તો કશો વાંક નથી. હું મારા પુત્રને જોઈને રડી રહી છું. આ ખેડૂત તો જુઓ — કેવો ખૂંખાર છે! મારા નબળા પુત્રને કોરડા ફટકારી રહ્યો છે. હળમાં જોતરીને એને કેટલો બધો રિબાવે છે! આવા થાકી ગયેલા અને માર ખાઈ રહેલા પુત્રને જોઈને મને દયા આવે છે, હું દુઃખી દુઃખી થઈ જઉં છું. હળમાં બે બળદ જોડ્યા છે, એક બળવાન છે, જોરાવર છે, તેને બહુ ભાર ખેંચવામાં વાંધો ન આવે, પણ બીજો બળદ બહુ નબળો છે, હાડકાંપાંસળાં દેખાય છે, તેનાથી તો બોજ ખેંચાતો જ નથી. હું એના માટે આંસુ સારી રહી છું. જુઓ તો ખરા. કોરડા ખાયા જ કરે છે, વારે વારે એના પર જુલમ થાય છે, પણ એનાથી ભાર ખેંચાતો જ નથી. એના દુઃખે હું દુઃખી થઈ છું, આંખોમાંથી આંસુ વહ્યે જાય છે.’

ઇન્દ્રે આ સાંભળી કહ્યું, ‘સુરભિ, તારા તો સેંકડો પુત્ર દુઃખી છે, તું આના જ માટે કેમ આંસુ સારે છે?’

સુરભિએ કહ્યું, ‘ભગવાન, મારા માટે બધા પુત્રો સરખા છે પણ જે વધારે દુઃખી હોય, જે દીન હોય તેના પર મને વધુ દયા આવે છે.’

સુરભિની વાત સાંભળીને ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. તે જ વખતે ઇન્દ્રે પૃથ્વી પર બહુ વરસાદ પાડ્યો, બારે મેઘ ખાંગા થયા. ખેતી કરી રહેલા ખેડૂતના કામમાં વિઘ્ન ઊભું થયું.

(આરણ્યક પર્વ, ૧૦)