ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/મનુ અને મત્સ્યની કથા


મનુ અને મત્સ્યની કથા

(માર્કંડેય મુનિ હવે યુુધિષ્ઠિરને મનુની કથા કહી સંભળાવે છે.)

સૂર્યપુત્ર મનુ પ્રજાપતિ સરખા તેજસ્વી હતા. તેજ, બળ, લક્ષ્મી અને તપથી સૂર્ય અને બ્રહ્માથી પણ ચડી ગયા. બદરિકાશ્રમમાં જઈને એક પગે ઊભા રહીને તેમણે ઘોર તપ કર્યું. દસ હજાર વર્ષ સુધી જીભ, મસ્તક, નેત્રોને સ્થિર કરીને આકરું તપ કર્યું. એક દિવસ વીરિણી નદીના તીરે ભીનાં વસ્ત્રવાળા અને જટાધારી મનુ પાસે એક માછલી આવી અને તે બોલી, ‘ભગવન્, હું બહુ નાની માછલી છું, મને મોટી માછલીઓની બહુ બીક લાગે છે. તમે મને એ બધી માછલીઓથી બચાવો. એમને કારણે જીવન જીવવું અઘરું થઈ ગયું છે, અને એક મોટી માછલી નાની, દુર્બળ માછલીને ગળી જતી હોય છે. એટલે મને આ ભયમાંથી ઉગારો. હું આ ઉપકારનો બદલો વાળીશ.’

આ વાત સાંભળીને મનુનું હૃદય અનુકંપાથી ઊભરાઈ આવ્યું, અને માછલીને પોતાના હાથમાં ઝાલી લીધી. પછી ચંદ્રકિરણ જેવી તે માછલીને પાણી ભરેલા એક વાસણમાં મૂકી દીધી. મનુ પ્રત્યેના પ્રેમને કારણે તે માછલી મોટી થવા લાગી, મનુ પણ પોતાના સંતાનની જેમ તેને ચાહતા હતા. પછી તે માછલી બહુ મોટી થઈ, તે વાસણ નાનું પડ્યું. તેણે કહ્યું, ‘ભગવન્, હવે મારે માટે એક મોટું વાસણ લાવો.’ એટલે મનુ તે માછલીને ત્યાંથી ઊઠાવીને એક મોટી વાવમાં લઈ ગયા અને તેમાં મૂકી, ઘણો સમય વીત્યો, એટલે તે માછલી ત્યાં પણ બહુ મોટી થઈ ગઈ. તે વાવ આઠ કોસ લાંબી અને ચાર કોસ પહોળી હતી, પણ માછલી એટલી મોટી થઇ ગઈ કે તે વાવમાં હરીફરી શકતી ન હતી. માછલીએ એક દિવસ મનુને કહ્યું, ‘હવે મને સમુદ્રની પ્રિય સ્ત્રી ગંગામાં નાખી દો, અથવા તમારી ઇચ્છામાં આવે તે કરો.’

પછી માછલીની વાત સાંભળીને મનુ માછલીને ગંગા કાઠે લઈ ગયા અને માછલીને ગંગામાં નાખી દીધી. પછી માછલી તો ગંગામાંય મોટી થવા લાગી, ફરી એક દિવસ તેણે મનુને કહ્યું, ‘હું ગંગામાં પણ હરીફરી શકતી નથી, એટલે હવે મને સમુદ્રમાં મૂકી આવો.’ એટલે મનુ તે માછલીને સમુદ્રમાં મૂકી આવ્યા. એ માછલીને લઈને જ્યારે મનુ સમુદ્ર તરફ નીકળ્યા ત્યારે તે માછલી બહુ મોટી હોવા છતાં ઊંચકવી સરળ હતી. તેના સુગંધિત વાયુથી મનુ પ્રસન્ન થયા. ત્યારે માછલીએ કહ્યું,‘ ભગવન્, તમે સમયાનુસાર મારી રક્ષા કરી છે, હવે તમારે જે કરવાનું છે તે ધ્યાનથી સાંભળો. થોડા જ દિવસમાં ચર અને અચર વિશ્વમાં ભારે પ્રલય આવશે. બધા લોકના વિનાશનો સમય આવી પહોંચ્યો છે, હું તમારા હિતની વાત કહું છું.

ચર અને અચર એવાં બધાં જ સ્થાવર, જંગમ પ્રાણીઓ માટે મહાભયંકર સમય આવી પહોંચ્યો છે. તમે એક નૌકા તૈયાર કરો, એને મજબૂત દોરડું બાંધો. જ્યારે પ્રલયનો સમય આવે ત્યારે સપ્તષિર્ઓની સાથે એ નૌકામાં બેસી જજો. મેં પહેલાં કહ્યું છે તે પ્રમાણે તમે એ નૌકામાં સમસ્ત જગતનાં બીજ સાવધાનીપૂર્વક મૂકજો. નૌકામાં બેઠા પછી મારી રાહ જોજો. હું જ્યારે આવીશ ત્યારે મારા માથા પરના શિંગડાથી ઓળખી કાઢજો. હવે મેં તમને બધી વાત કરી દીધી. હું હવે જઉં છું. મારી વાતમાં સંદેહ ન કરતા.’

માછલીની વાત સાંભળીને મનુએ કહ્યું કે હું એમ જ કરીશ. પછી બંને એકબીજાની સંમતિથી છૂટા પડ્યા.

એ માછલીના કહેવા પ્રમાણે મનુએ જગતભરનાં બીજ ભેગાં કર્યાં. એક સુંદર નૌકામાં બેસીને ભયાનક મોજાંવાળા સમુદ્રમાં તરવા લાગ્યા. પછી મનુએ એ માછલીનું સ્મરણ કર્યું. તરત જ તે માછલી મસ્તક પર શિંગડું ધારણ કરીને ત્યાં આવી પહોંચી. એ મહાસમુદ્રમાં શિંગડાવાળી માછલી પર્વત જેવા વિરાટ શરીરવાળી દેખાતી હતી. મનુએ નૌકાના દોરડાનો એક છેડો માછલીના શિંગડા સાથે બાંધી દીધો. દોરડું બંધાયું એટલે માછલી ઝડપથી નૌકાને સમુદ્રમાં ખેંચવા લાગી. ખેંચાવાને કારણે નૌકા સમુદ્રમાં તરવા લાગી. સમુદ્રનાં મોજાં પર તે ઊછળવા લાગી અને ઘોર અવાજ કરવા માંડી. વાયુને કારણે સમુદ્રમાં તે નૌકા ગોળ ગોળ ફરવા લાગી. જેમ કોઈ ચપલા સ્ત્રી નૃત્ય કરે તેમ તે નૌકા ઘૂમવા લાગી. તે સમયે ન ભૂમિ દેખાઈ, ન કોઈ દિશા દેખાઈ. આકાશ તથા બધી દિશાઓ જળપૂર્ણ જ દેખાતી હતી. આખું જગત પાણીમાં ડૂબી ગયેલું દેખાતું હતું, ત્યારે માત્ર સપ્તષિર્ઓ, મનુ અને માછલી જ નજરે પડતાં હતાં. આમ તેઓ ઘણાં વર્ષો સુધી સમુદ્રમાં તરતા રહ્યા અને તે માછલી પણ આળસ કર્યા વિના સમુદ્રમાં નૌકા ખેંચતી રહી. આમ ખેંચાતા ખેંચાતાં નૌકા હિમાલયના ઊંચામાં ઊંચા શિખરે જઈ પહોંચી. ત્યાં પહોંચ્યા પછી માછલીએ હસતાં હસતાં ઋષિઓને કહ્યું, ‘હવે બહુ જલદી આ નૌકાને હિમાલયના શિખર સાથે બાંધી દો, વિલંબ ન કરતા.’

આ સાંભળી તે ઋષિઓએ તરત જ તે નૌકાને હિમાલયના શિખર સાથે બાંધી દીધી. જે શિખર સાથે નૌકાને બાંધવામાં આવી હતી તેનું નામ નૌબંધન જ છે. પછી તે માછલીએ એકઠા થયેલા ઋષિઓને કહ્યું, ‘મુનિઓ મને જ પ્રજાપતિ કહે છે. મારું નામ બ્રહ્મા છે, મારો તાગ કોઈ પામી શકતું નથી. મેં માછલીનું રૂપ લઈને તમને બધાને ભય મુક્ત કર્યા છે. હવે મનુ જગતના દેવદાનવ, મનુષ્ય તથા બીજી ચરાચર સૃષ્ટિનું સર્જન કરશે. તપ કરવાથી તેમનામાં સૃષ્ટિસર્જનની વૃદ્ધિ પ્રગટશે, મારી કૃપાથી તેમાં કશી ભૂલ નહીં કરે.’ આમ કહીને માછલી અંતર્ધાન થઈ ગઈ. સૃષ્ટિસર્જનની ઇચ્છા મનુએ કરી પણ તે ભ્રાન્ત થઈ ગયા, ભારે તપ કર્યું. તપ પછી સૃષ્ટિસર્જન આરંભ્યું અને યોગ્ય સૃષ્ટિ બનાવી.


(આરણ્યક પર્વ, ૧૮૫)