ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વિભાંડક ઋષિ અને ઋષ્યશૃંગની કથા


વિભાંડક ઋષિ અને ઋષ્યશૃંગની કથા

(અહીં આગળ કશ્યપ ગોત્રના ઋષિ વિભાંડકનો ‘પુણ્યઆશ્રમ’ છે. તેમના પુત્રનું નામ ઋષ્યશૃંગ હતું. તેમણે પોતાના તપના પ્રભાવથી ઇન્દ્ર પાસે વર્ષા વરસાવી હતી. તે દિવસોમાં દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ઋષ્યશૃંગ મુનિથી ડરી જઈને ઇન્દ્રે પુષ્કળ વર્ષા કરી હતી. તે તેજસ્વી અને સમર્થ મુનિ હરણીના પેટે જન્મ્યા હતા, તેમણે રાજા લોમપાદના રાજ્યમાં એક અદ્ભુત કાર્ય કર્યું હતું. વર્ષાને કારણે ખેતરો લીલાંછમ બની ગયાં, જેવી રીતે સૂર્યદેવે પોતાની પુત્રી સાવિત્રીનું લગ્ન બ્રહ્મા સાથે કર્યું હતું તેવી રીતે રાજાએ પોતાની પુત્રી શાન્તાનું લગ્ન ઋષ્યશૃંગ સાથે કર્યું. હવે લોમશ મુનિ યુધિષ્ઠિરને ઋષ્યશૃંગની કથા કહી સંભળાવે છે. આ કથા રામાયણમાં પણ આવે છે.)

વિભાંડક ઋષિ એક વિશાળ સરોવર કિનારે બેસીને તપ કરી રહ્યા હતા, લાંબા સમય સુધી તપ કરવાને કારણે તેઓ દેવતાઓના તથા ઋષિઓના પ્રિય બની ગયા હતા. એક દિવસ પાણીમાં સ્નાન કરતી ઉર્વશીને જોઈ, એને જોતાંવેંત તેમને વીર્યાવ થઈ ગયો. એક તરસી હરણી પાણી સાથે એ વીર્ય પી ગઈ, બ્રહ્માનું વચન અમોઘ હોવાને કારણે તે હરણી ગાભણી થઈ. અને તેના પેટે ઋષ્યશૃંગનો જન્મ થયો. નાનપણથી જ તેઓ તપ કરવાને નિમિત્તે વનમાં જ રહ્યા, આ બાળકના માથા પર એક શિંગડું હતું એટલે તેઓ ઋષ્યશૃંગના નામે જાણીતા થયા. તેમણે જન્મથી માંડીને ક્યારેય પોતાના પિતા સિવાય બીજી કોઈ પણ વ્યક્તિને જોઈ જ ન હતી. પરિણામે પહેલેથી તેમનું મન બ્રહ્મચર્યમાં પરોવાયેલું રહ્યું. એ સમયે દશરથ રાજાના એક મિત્ર લોમપાદ અંગરાજ્યમાં શાસન કરતા હતા. એવું સાંભળ્યું છે કે લોમપાદે બુદ્ધિ ભ્રમિત થવાને કારણે કોઈ બ્રાહ્મણને ધન આપવાનું વચન આપ્યા છતાં ધન આપ્યું નહીં એટલે બ્રાહ્મણોએ લોમપાદ રાજાનો બહિષ્કાર કર્યો. પુરોહિતને કારણે કે બીજા કોઈ કારણે તેમના રાજ્યમાં વરસાદ ન પડ્યો. એટલે લોમપાદે દુકાળ નિવારણમાં નિપુણ એવા તપસ્વી બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, રાજાને તેમણે કહ્યું, ‘તમારા પર કેટલાક બ્રાહ્મણો ક્રોધે ભરાયા છે. તેનું પ્રાયશ્ચિત્ત તમારે કરવું પડશે. તમે વિભાંડક મુનિના પુત્ર ઋષ્યશૃંગને બોલાવો. તે બ્રહ્મચારી છે, સ્ત્રીઓનો કશો અનુભવ નથી, તે વનવાસી જીવ છે. જો આ ઋષિકુમાર રાજ્યમાં પગ મૂકે તો વરસાદ પડે. એમાં કશી શંકા નથી.’

બ્રાહ્મણોની વાત સાંભળીને રાજાએ કોઈ પવિત્ર સ્થળે જઈ પ્રાયશ્ચિત્ત કર્યું અને બ્રાહ્મણોને રિઝવી પાછા આવ્યા. પ્રજાએ જ્યારે જાણ્યું કે મહારાજ પાછા આવી ગયા છે ત્યારે તેમણે ફરી રાજા તરીકે તેમનો સ્વીકાર કર્યો. પછી રાજાએ મંત્રના જાણકાર મંત્રીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરી અને ઋષ્યશૃંગને કેવી રીતે બોલાવવા તેની જાણકારી મેળવી. રાજાએ પાટનગરની મુખ્ય વારાંગનાઓને બોલાવી કહ્યું, ‘તમે કોઈ પણ રીતે ઋષ્યશ્રુંગને અહીં બોલાવી લાવો. તેના મનને મોહ પમાડો, વિશ્વાસ જન્માવીને અહીં લઈ આવો.’ રાજાની વાત સાંભળીને વારાંગનાઓને એક બાજુ રાજાનો અને બીજી બાજુ ઋષિના શાપનો ભય લાગ્યો. ત્યારે તેમણે રાજાને કહ્યું, ‘મહારાજ, આ કામ થઈ નહીં શકે.’

પછી એક વૃદ્ધાએ રાજાને કહ્યું, ‘મહારાજ, એ તપસ્વી ઋષિને અહીં લાવવાનો હું પ્રયત્ન કરીશ. પરંતુ મારી ઇચ્છામાં આવે તે પ્રમાણે કરવાની મને મંજૂરી આપો. તો જ હું ઋષ્યશંૃગને લોભાવી શકીશ.’

રાજાએ તેના મનની વાત જાણી લીધી, તેને ઘણું ધન અને વિવિધ રત્નો આપ્યાં. તે વૃદ્ધા નવયૌવનવાળી અને રૂપાળી અનેક સ્ત્રીઓને લઈને વનમાં ગઈ.

તે વૃદ્ધાએ રાજાની આજ્ઞાનું પાલન કરીને એક નૌકા પર આશ્રમ ઊભો કર્યો, કૃત્રિમ રીતે ઊભા કરેલાં એ આશ્રમમાં અનેક ફૂલ, ફળાઉ વૃક્ષો હતાં. તે નૌકાને વિભાંડક ઋષિના આશ્રમ પાસે જ નાંગરી, મુનિના આશ્રમે પોતાની દૂતી મોકલી. એક દિવસ વિભાંડક ઋષિ આશ્રમની બહાર નીકળ્યા તે જોઈને તે વૃદ્ધાએ પોતાની પુત્રીને બધી સમજ પાડીને ઋષ્યશૃંગ પાસે મોકલી. તેણે આશ્રમમાં જઈને તપસ્વી મુનિના પુત્ર શૃંગી ઋષિને જોયા. તેણે પૂછ્યું, ‘તમારા આશ્રમમાં તપસ્વીઓ કુશળ તો છે ને! તમારે ત્યાં ફળ-મૂળ તો થાય છે ને? આશ્રમમાં આનંદપૂર્વક વિહાર તો કરી શકો છો ને? હું આજે તમને મળવા જ આવી છું. કહો, તમારા આશ્રમના તપસ્વીઓનું તપ તો વધે છે ને? તમારા પરમ તેજસ્વી પિતા તમારા પર વહાલ તો વરસાવે છે ને? તમારો વેદ પાઠ તો સારી રીતે થાય છે ને?’

ઋષ્યશ્રુંગે આ સાંભળી કહ્યું, ‘તમે બધી રીતે સમૃદ્ધ હોઈ પ્રકાશની જેમ ચમકો છો એટલે હું તમને પ્રણામ કરું છું. હું નિયમ પ્રમાણે તમને પાદ્ય, અર્ઘ્ય, ફલમૂળ આપીશ. અહીં કુશનું આસન પડ્યું છે, તેના પર કાળા હરણનું ચામડું છે. તમે એના પર નિરાંતે બેસો. તમારો આશ્રમ ક્યાં છે? તમારું નામ શું? દેવસમાન તમે કયું વ્રત પાળો છો?’

આ સાંભળી વારાંગનાએ ઉત્તર આપ્યો, ‘મારો સુંદર આશ્રમ આ પર્વત પાસે થોડે દૂર છે. તમારે મને પ્રણામ કરવાના ન હોય. તમે આપેલું પાણી પણ હું નહીં અડું.’

ઋષ્યશૃંગે તેને પાકાં ભિલામાં, આમળાં, ઇંગુદી વગેરે ફળ આપવા ઇચ્છ્યાં. પણ તે વારાંગનાએ એ બધાંનો અસ્વીકાર કર્યો અને ઋષ્યશંૃગને ઉત્તમ ભોજન આપ્યું. તે બધાનાં રંગરૂપ જોઈને અને તે ખાઈને ઋષિ પ્રસન્ન થઈ ગયા. પછી વારાંગનાએ સુગંધિત પુષ્પમાળા, રંગબેરંગી વસ્ત્ર, ઉત્તમ પેય પદાર્થો આપ્યાં, અને આનંદિત થઈને તેની સાથે હસીમજાક કરવા લાગી. પછી એક દડો લઈને વિવિધ હાવભાવ દેખાડવા લાગી, ક્યારેક મુનિના શરીરને વળગી પડતી, ક્યારેક તેમને ભેટી પડતી. લજ્જિત અને ઉન્મત્ત બનીને ક્યારેક તે રાળ, અશોકનાં ફૂલોવાળી ડાળીઓને ઝુકાવતી, ક્યારેક ફૂલો ચૂંટતી. આમ તેણે વિભાંડકપુત્રને લોભાવી દીધો. પછી ઋષ્યશૃંગના શરીરે વિકાર જોઈ તેની કાયાને વળગીને તેમની સામે જોતાં જોતાં અગ્નિહોત્રનું બહાનું કાઢીને તે ધીરે ધીરે ત્યાંથી ચાલી નીકળી.

તેના ગયા પછી ઋષ્યશૃંગ કામપ્રદીપ્ત થયા અને બેસુધ જેવા બની ગયા. એકાંતમાં બેસીને તેનું જ ધ્યાન ધરવા લાગ્યા, વ્યાકુળ થઈને દીર્ઘ નિ:શ્વાસ લેવા લાગ્યા. ત્યાર પછી થોડા સમયે પિંગળ નેત્રવાળા, રોમપૂર્ણ વેદપાઠી કશ્યપમુનિના પુત્ર વિભાંડક ત્યાં આવ્યા. તેમણે પોતાના પુત્રને ઉદાસ, અન્યમનસ્ક, એકાંતમાં બેસીને ધ્યાન ધરતો, દીર્ઘ નિ:શ્વાસ નાખતો જોયો. પછી તેમણે પૂછ્યું, ‘અરે, તું આજે સમિધ લેવા કેમ ગયો નથી? અગ્નિહોત્ર તો કર્યું ને? સુક અને સુવાનો સ્પર્શ કેમ નથી કર્યો? ગાય પાસે વાછરડાને મૂક્યું નથી? અરે, આજે તું પહેલાંના જેવો નથી દેખાતો? તું ચિંતાતુર છે, આટલો ઉદાસ કેમ? મારા ગયા પછી અહીં કોણ આવ્યું હતું?’

‘અહીં એક જટાધારી બ્રહ્મચારી આવ્યો હતો, તે બહુ લાંબો નહીં, બહુ ટૂંકો પણ ન હતો, તે કાંચનવર્ણો હતો; તેની આંખો કમળ જેવી હતી, ભૂષણો પહેરેલાં દેવ જેવો હતો. તે અત્યંત રૂપવાન, સૂર્ય જેવો તેજસ્વી હતો. તેની જટા સુગંધિત, લાંબી લાંબી, સુવર્ણાલંકારોવાળી. તેના ગળામાં એક હાર હતો. તેના ગળાની નીચે માંસનાં બે પિંડ હતા, તે સુંદર હતા. રોમહીન હતા. તેનો નાભિપ્રદેશ સુંદર હતો, તેની કમર બહુ પાતળી હતી — જાણે હતી જ નહીં, તેનાં વસ્ત્રો નીચે કટિમેખલા હતી. એક વિચિત્ર વસ્તુ તેના પગમાં હતી, તેમાંથી અવાજ આવતો હતો. તળાવમાં પ્રમત્ત હંસ બોલતા હોય એવો ધ્વનિ તે ચાલે ત્યારે આવતો હતો. મોં સુંદર હતું, અદ્ભુત હતું. તે જોઈને મને બહુ આનંદ થયો. તેનો અવાજ કોયલ જેવો હતો, તે સાંભળીને મારું હૃદય વ્યથિત થઈ ગયું. તેનો શ્વાસ વસંત ઋતુના વાયુ જેવો હતો. તે બ્રહ્મચારી ઉત્તમ સુવાસવાળો હતો.

તેની જટા ઉત્તમ રીતે ગૂંથેલી હતી, માથાની વચ્ચેથી ભાગ પાડેલો હતો. તેના કાને સુંદર કુંડળ હતાં. તે બ્રહ્મચારી કોઈ ફળને જમણા હાથમાં લઈને ઉછાળ્યા કરતો હતો. જેવી રીતે પવનને કારણે વૃક્ષ ડોલે તેવી રીતે વારેવારે તે ફળ ફેંકીને કાંપતો હતો. તે દેવપુત્ર બ્રહ્મચારીને જોઈ મારા હૃદયમાં પ્રેમ અને આનંદ પ્રગટ્યા. મારા શરીરને વળગીને તેણે મારા મોંને પોતાની જટાઓમાં છુપાવી દીધું, પછી મારા મોં સાથે પોતાનું મોં જોડીને કશું કહ્યું, તેનાથી મને બહુ આનંદ થયો. મેં તેને ફળ આપ્યાં, પણ તેણે ન લીધાં- હું વ્રત કરું છું એમ કહી મને કશાક ખાદ્ય પદાર્થ આપ્યા. મારા કરતાં એનાં ફળ બહુ જુદાં હતાં. પછી અત્યંત સ્વાદિષ્ટ પાણી પીવા આપ્યું, મને એમ જ લાગ્યું કે પૃથ્વી ગતિમાં આવી ગઈ છે. પછી તેણે રેશમી દોરીમાં ગૂંથેલી સુગંધિત માળા આપી, પછી અહીં એ બધું મૂકીને તે બ્રહ્મચારી પોતાના આશ્રમમાં જતો રહ્યો. તેના જવાથી મારું મન બહેકી ગયું છે, મારું શરીર તપી ગયું છે. મને થાય છે કે હું તેના આશ્રમમાં જતો રહું, અથવા તે અહીં કાયમ રહે. હવે હું તેના આશ્રમે જવા માગું છું. જોઉં તો ખરો કે તે કયું વ્રત કરે છે? મારી ઇચ્છા છે કે તે ઉગ્ર કર્મવાળા બ્રહ્મચારીની સાથે રહીને તેના જેવું જ તપ હું કરું.’ આ સાંભળી વિભાંડકે કહ્યું, ‘અરે પુત્ર, અનેક રાક્ષસો આવું તપ અદ્ભુત રૂપ ધારણ કરીને વનમાં ઘૂમ્યા કરે છે, તે સુંદર રૂપ ધરાવતા રાક્ષસ તપસ્યામાં બાધા ઊભી કરે છે. અનેક ઉપાયો કરીને ઋષિઓને લોભાવે છે, મુનિઓને લલચાવે છે, અને તેમને ઉત્તમ લોકમાંથી નીચે પાડી નાખે છે. સ્થિર ચિત્તવાળા, કલ્યાણ ઇચ્છનારા, ઉત્તમ લોક મેળવવા માગતા મુનિઓએ એમનાથી દૂર રહેવું જોઈએ. પાપાચરણ કરનારા આ રાક્ષસો તપમાં વિઘ્ન ઊભાં કરે છે. તને પીવા માટે જે પેય આપ્યું તે પાણી નહીં, મદ્ય હતું. આ ઉત્તમ સુવાસવાળી માળા મુનિઓને ન છાજે.’

આમ એ તો રાક્ષસ હતા એમ કહી, પુત્રના મનને તે સ્ત્રીમાંથી હટાવી તેને શોધવા લાગ્યા. ત્રણ દિવસ સુધી શોધી ન શક્યા ત્યારે તે પોતાના આશ્રમે પાછા આવ્યા. ચોથા દિવસે વિભાંડક મુનિ ફરી ફળફૂલ લેવા જતા રહ્યા, ત્યારે ખૂબ સુંદર રીતે સજાવટ કરીને તે વારાંગના ત્યાં આવી ચઢી. તેને જોતાંવેંત ઋષ્યશૃંગ પ્રસન્ન થઈ ગયા અને બેસુધ થઈ ગયા. પછી બોલ્યા, ‘મારા પિતા અહીં આવી ચઢે તે પહેલાં આપણે બંને તમારા આશ્રમે જતા રહીએ.’

પછી તે વારાંગનાએ ઋષ્યશ્રુંગને પોતાની નૌકામાં બેસાડી દીધો અને તેને અનેક રીતે લોભાવતી લોમપાદના રાજ્યમાં જઈ ચઢી. પછી તે સુંદર, શ્વેત નૌકાને આશ્રમ દેખાય એવી રીતે ઊભી કરી દીધી. તે વિચિત્ર વનનું નામ રાજાશ્રમ રાખ્યું. રાજા લોમપાદ વિભાંડકના પુત્ર ઋષ્યશૃંગને પોતાના અંત:પુરમાં લઈ ગયા અને જેવા તે પ્રવેશ્યા કે રાજાએ આકાશને મેઘથી છવાયેલું જોયું, ચારે બાજુ પાણી પાણી જોયું. પછી રાજા લોમપાદે પોતાની પુત્રી શાંતા ઋષિપુત્ર સાથે પરણાવી, અનેક ગાયો, અનેક વાહનો આપ્યાં.

રાજાએ અનેક પશુ આપી ગોવાળોને કહ્યું, ‘વિભાંડક મુનિ જ્યારે પોતાના આશ્રમમાંથી આવીને પુત્ર વિશે પૂછપરછ કરે ત્યારે હાથ જોડીને કહેજો: આ બધાં પશુ, બધાં વાહન તમારા પુત્રનાં જ છે — બોલો તમારું કયું કાર્ય કરીએ?’

પછી મહા ક્રોધી વિભાંડક ફળફૂલ લાવીને પોતાના આશ્રમમાં આવ્યા અને પુત્રને શોધવા લાગ્યા ત્યારે પુત્ર ન જોયો, તે બહુ ક્રોધે ભરાયા. તેમને શંકા ગઈ કે રાજાએ કશીક યોજના કરી લાગે છે. તેઓ ચંપાપુરી, અંગરાજ, અંગદેશ તથા રાજાનાં બીજાં નગરોને ભસ્મ કરવાની ઇચ્છાથી ચાલી નીકળ્યા. રસ્તામાં તે મુુનિ બહુ થાકી ગયા, ભૂખે આકળવિકળ થઈ ગયા, પછી તેમણે સમૃદ્ધ ગોવાળો જોયા. ગોવાળોએ તેમની પૂજા રાજાની જેમ કરી અને વિભાંડક મુનિ આખી રાત તેમની સાથે રહ્યા. પછી તેમણે પૂછ્યું, ‘ભાઈઓ, આ બધી ગાયો અને રખેવાળો કોનાં છે?’

ગોવાળોએ કહ્યું, ‘આ બધું તમારું છે. તમારા પુત્રે મેળવ્યું છે.’

આમ વિભાંડક મુનિ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમનો સત્કાર થયો, તેમની પૂજા થઈ, તેમનો ક્રોધ શાંત થઈ ગયો, પ્રસન્ન થઈ તેઓ રાજા પાસે ગયા. રાજાએ તેમની પૂજા કરી, વિભાંડકે પોતાના પુત્રને સ્વર્ગના ઇન્દ્રની જેમ રાજભવનમાં બેઠેલો જોયો, તેમના પુત્રની પત્ની શાંતાને પણ વાદળોથી ચમકતી વીજળીની જેમ જોઈ. વિભાંડક મુનિ પુત્રવધૂ શાન્તા, પુત્રનો ધનભંડાર, ગાયો જોઈ ખૂબ જ રાજી થયા, તેમનો ક્રોધ ઓસરી ગયો, રાજા પર કૃપા વરસાવી. પછી વિભાંડક મુનિએ સૂર્યસમાન રાજાનું બધું કાર્ય પૂરું થઈ જાય ત્યારે પુત્ર અને પુત્રવધૂને વનમાં આવજો એમ કહ્યું.

ઋષ્યશ્રુંગે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને પછી પિતા પાસે જતા રહ્યા. જેવી રીતે રોહિણી ચંદ્રની સેવા કરતી તેમ શાંતા ઋષ્યશૃંગની સેવા કરતી હતી. અરુંધતી વસિષ્ઠની, લોપામુદ્રા અગત્સ્યની, દમયંતી નલની, શચી ઇન્દ્રની, ઇન્દ્રસેના અજમીઢ મુદ્ગલની સેવા કરતી તેમ શાંતા કરતી હતી.

(આરણ્યક પર્વ, ૧૧૦થી ૧૧૩)