ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/શિશુપાલકથા


શિશુપાલકથા

(રાજસૂય યજ્ઞમાં કોની પૂજા પહેલાં થવી જોઈએ એ પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે ભીષ્મ શ્રીકૃષ્ણની પૂજાનો પ્રસ્તાવ મૂકે છે. આ વાતનો વિરોધ જોરશોરથી શિશુપાલ કરે છે, એટલું જ નહીં તે શ્રીકૃષ્ણને અને ભીષ્મને ગાળો આપે છે. ભીમ ક્રોધે ભરાઈને શિશુપાલને મારવા જાય છે ત્યારે ભીષ્મ એને રોકે છે અને શિશુપાલના જન્મની કથા કહી સંભળાવે છે.)

શિશુપાલ જન્મ્યો ત્યારે તેને ત્રણ આંખ હતી અને ચાર હાથ હતા. વળી જન્મતાંવેંત તેણે ગધેડાના સ્વરમાં ચીસ પાડી હતી. આથી તેના માતાપિતા અને સ્વજનો બી ગયા, તેનું આવું વિકૃત શરીર જોઈને તેનો ત્યાગ કરવાનો વિચાર કરતા હતા. ચેદિરાજ અને રાણી, મંત્રી, પુરોહિત ચિંતાતુર થઈ ગયા. તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. ત્યારે આકાશવાણી થઈ, ‘તમારો આ પુત્ર બળવાન અને શ્રીમાન થશે, તમને એનાથી કશો ભય નડશે નહીં, એટલે ગભરાયા વિના તેને ઉછેરો. તમારા કોઈ પ્રયત્નથી તેનું મૃત્યુ નહીં થાય. હજુ તેનો કાળ આવ્યો નથી. તેનું મૃત્યુ કોઈ શસ્ત્રથી થશે અને તેની હત્યા કરનારાનો જન્મ થઈ ચૂક્યો છે.’

આ સાંભળીને પુત્રપ્રેમથી આકુળવ્યાકુળ થઈ ગયેલી તેની મા બોલી, ‘મારા પુત્ર માટે જે કોઈએ આ વાણી સંભળાવી છે, તેને મારાં વંદન. એક વાત મારે હજુ જાણવી છે. મારા પુત્રનો વધ કોણ કરશે?’

ફરી આકાશવાણી સંભળાઈ, ‘જે વ્યક્તિ આ બાળકને લે અને તેના બે હાથ અને ત્રીજી આંખ ખરી પડે તે વ્યક્તિ આને મારશે.’ ત્રણ આંખો અને ચાર હાથવાળા તે બાળકની વાત તથા આકાશવાણીની વાત સાંભળીને ચારે દિશાઓમાંથી રાજાઓ બાળકને જોવા આવ્યા. ચેદિરાજ આવનારાઓની પૂજા કરીને પોતાના બાળકને પ્રત્યેક રાજાના ખોળામાં મૂકતા હતા. સેંકડો રાજાઓના ખોળામાં બાળકને મૂકવા છતાં તેના વધારાનાં અંગ એવાં ને એવાં જ રહ્યાં. ત્યાર પછી બલરામ અને કૃષ્ણ પોતાની ફોઈને મળવા ચેદિનગર આવ્યા. બધાનાં ખબરઅંતર પૂછીને બંને આસન પર બેઠા. રાણીએ પુત્રને કૃષ્ણના ખોળામાં મૂક્યો. જેવો શિશુપાલ ખોળામાં મુકાયો તેવા જ તેના બે હાથ અને ત્રીજી આંખ ખરી ગયા. આ જોઈ માતા બહુ ડરી ગઈ અને કૃષ્ણ પાસે વરદાન માગ્યું. ‘કૃષ્ણ, હું ભયભીત થઈ ગઈ છું. મને એક વરદાન આપો. તમે તો દુઃખીઓનાં દુઃખદર્દ દૂર કરો છો, ભયભીતોને અભય બનાવો છો.’

આ સાંભળી કૃષ્ણે કહ્યું, ‘તમે બીશો નહીં. બોલો, શું વરદાન આપું? શક્ય હશે કે અશક્ય હશે, હું તમારી વાત માનીશ.’

શ્રીકૃષ્ણની વાત સાંભળીને માતાએ કહ્યું, ‘તમે શિશુપાલના અપરાધ માફ કરતા રહેજો.’

‘તમારો પુત્ર વધયોગ્ય હોવા છતાં હું તેના સો અપરાધ માફ કરીશ. એટલે હવે દુઃખી ન થતાં.’

(સભાપર્વ, ૪૦)