ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા


ઇન્દ્ર-દેવસેના અગ્નિસ્કન્દ — કાર્તિકકથા/દેવસેનાકથા

પ્રાચીન કાળમાં દેવતાઓ અને દાનવોનું જે યુદ્ધ થયું તેમાં દાનવો વિજયી થયા. ઇન્દ્ર પોતાની સેનાનો આવો પરાજય જોઈને બહુ દુઃખી થયા, વળી તેમની પાસે સેનાપતિ પણ ન હતા. ઇન્દ્ર વિચારવા લાગ્યા, મહાપરાક્રમી એવો મને સેનાપતિ મળવો જોઈએ, એવો સેનાપતિ પોતાની સેનાની પીછેહઠ જોઈને તેની રક્ષા કરી શકે. આમ વિચાર કરતાં કરતાં તેઓ માનસ નામના પર્વત પર ગયા. ત્યાં તેમના કાને કોઈ રડતી સ્ત્રીનો અવાજ સંભળાયો, તે રડતાં રડતાં કહેતી હતી, ‘કોઈ આવો, મારી રક્ષા કરો, મને બચાવો. મને કોઈ યોગ્ય પતિ બતાવો, અથવા પતિ બનો.’

ઇન્દ્રે તેની પાસે જઈને કહ્યું, ‘તું ગભરાઈશ નહીં. ડરવાની કોઈ જરૂર નથી.’ આમ બોલતા હતા અને ત્યાં સામે કેશીને ઊભેલો જોયો.

ઇન્દ્રના હાથમાં ગદા, માથે મુગટ હતા; ધાતુવાળા પર્વત જેવા તે દેખાતા હતા, એ કન્યાનો હાથ પકડીને ઊભેલા કેશીને ઇન્દ્રે કહ્યું, ‘અરે નીચ, તું આ કન્યાનું અપહરણ કેમ કરવા માગે છે? હું વજ્રધારી ઇન્દ્ર છું, આને હેરાન કરવાનું બંધ કર.’

કેશીએ ઉત્તર આપ્યો, ‘હે પાકશાસન ઇન્દ્ર, તું આ કન્યાનો હાથ મૂકી દે. હું તેની સાથે લગ્ન કરવા માગું છું. તને જો જીવ વહાલો હોય તો આને છોડીને તારે ઘેર જતો રહે.’

આમ કહીને ઇન્દ્રને મારવા કેશીએ ગદા ઉગામી, સામેથી આવતી ગદાને ઇન્દ્રે વજ્ર વડે અધવચ્ચેથી જ કાપી નાખી. હવે કેશીએ ગુસ્સે થઈને ઇન્દ્રને મારવા પર્વતનું એક શિખર ફેંક્યું. એ શિખરને પણ ઇન્દ્રે વજ્રથી કાપી નાખ્યું. શિખર ધરતી પર પડતાં પડતાં કેશીના માથા પર વાગ્યું. એટલે કેશી ભારે વેદના અનુભવતો તે ભાગ્યવતી કન્યાને ત્યાં જ મૂકીને ભાગી ગયો. તે ભાગી ગયો એટલે ઇન્દ્રે કહ્યું, ‘હે સુંદરી, તું કોણ છે? કોની પુત્રી છે? અહીં શું કરતી હતી?’

‘હું પ્રજાપતિની પુત્રી દેવસેના, મારી એક બહેન દૈત્યસેના, એનું અપહરણ પહેલેથી જ કેશી કરી ગયો હતો, અમે પ્રજાપતિની આજ્ઞા લઈને આ માનસ પર્વત પર હમેશા રમવા આવતી હતી. આ મહાબળવાન કેશી અમારા બંનેનું અપહરણ કરવા માગતો હતો. મારી બહેન દૈત્યસેના કેશી સાથે રહેવા માગતી હતી, પણ હું નહીં. એ દૈત્યસેનાને તો ઉપાડી ગયો, તમે મને એના પંજામાંથી છોડાવી લીધી. હવે તમારી આજ્ઞાથી કોઈ બળવાન મારો પતિ થાય એવું ઇચ્છું છું. હું તો અબળા છું, મારા પિતાએ મને વરદાન આપ્યું હતું. તારો પતિ મહાબળવાન હશે. તેને બધા દેવ-રાક્ષસો નમશે.’

ઇન્દ્રે પૂછ્યું, ‘તારો પતિ કેવો બળવાન હશે તે તું મને કહે જોઈએ.’

‘દેવતા, દાનવ, યક્ષ, કિન્નર, સાપ, રાક્ષસ, દુષ્ટ, દૈત્યને જીતી શકે એવો બળવાન. તમારા સહિત બધાં પ્રાણીઓ પર વિજય મેળવે, બ્રાહ્મણોનો ભક્ત અને કીતિર્વાન હોય.’

દેવસેનાની આવી ઇચ્છા જાણીને ઇન્દ્ર તો મુંઝાઈ ગયા. ‘આ કન્યાને જેવો પતિ જોઈએ છે તેવો તો કોઈ છે જ નહીં. તે જ વેળાએ સૂર્ય જેવા તેજસ્વી ઇન્દ્રે સૂર્યોદય જોયો અને સૂર્યમાં પ્રવેશતા ચંદ્રને જોયો. તે દિવસે અમાસ હતી, રૌદ્ર મુહૂર્ત હતું. ઉદયાચલ પર દેવ-દાનવોને લડતા જોયા. રાતાં વાદળોથી ભરચક સવારની સંધ્યા જોઈ, તેમણે સમુદ્રને પણ રાતા પાણીથી ભરેલો જોયો. ભૃગુ અને અંગિરાએ આપેલી અનેક મંત્રયુક્ત આહુતિઓ સ્વીકારીને અગ્નિને સૂર્યમાં પ્રવેશતો ઇન્દ્રે જોયો. તે વેળા ચોવીસ પર્વ પણ સૂર્ય સામે આવી ગયા, તે વેળા રૌદ્ર, ધર્મ, સૂર્ય, ઇન્દ્ર એકાકાર થઈ ગયા. સૂર્ય-ચંદ્રને એકબીજામાં ભળેલા જોઈ ઇન્દ્ર બહુ વિચાર કરવા લાગ્યા. આ સૂર્ય, ચંદ્ર, અગ્નિનું મિલન બહુ અદ્ભુત અને ભયાનક છે. આ ચંદ્રનો પુત્ર દેવસેનાનો પતિ બની શકે. અગ્નિ સર્વગુણસંપન્ન છે, અગ્નિ પણ દેવતા છે. જો અગ્નિ કોઈ રીતે ગર્ભ ધારણ કરે તો તે આ કન્યાનો પતિ બની શકે. આમ વિચારીને ઇન્દ્ર બ્રહ્મલોક ગયા, દેવસેનાને આગળ કરીને બ્રહ્માને બધી વાત કરી. આ કન્યાનો પતિ થઈ શકે એવી કોઈ શૂરવીર વ્યક્તિ બતાવવા પણ કહ્યું.

બ્રહ્માએ કહ્યું, ‘તમે જે વિચારો છો એ પ્રમાણે જ થશે, એક બળવાન બાળકનો જન્મ થવાનો છે. તે તમારો સેનાપતિ થશે. એ જ આ કન્યાનો પતિ થશે. આ સાંભળી ઇન્દ્રે અને દેવસેનાએ બ્રહ્માને પ્રણામ કર્યા. પછી ઇન્દ્ર વસિષ્ઠ અને બીજા બ્રાહ્મણો હતા ત્યાં ગયા. તે યજ્ઞમાં મળનારા સોમભાગને લેવા ઇન્દ્ર અને બીજા દેવતાઓ ગયા. વિધિ વિધાન પ્રમાણે યજ્ઞમાં જ્યાં અગ્નિ પ્રગટ્યો ત્યાં બધા ઋષિઓ દેવતાઓ માટે આહુતિ આપવા લાગ્યા. પછી સૂર્યમંડલમાંથી અદ્ભુત અગ્નિને આમંત્રણ આપ્યું. તેનો સ્વીકાર કરીને અગ્નિ ત્યાં આવ્યા. બધા બ્રાહ્મણોએ મંત્રો ભણીને આહુતિ આપી. અગ્નિએ એનો સ્વીકાર કરીને બધા ઋષિઓને અને દેવતાઓને ભાગ આપ્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી અગ્નિએ વિદાય લેતાં લેતાં ઋષિપત્નીઓને પોતાના આશ્રમમાં સૂતેલી જોઈ, કાંચનવર્ણી, ચંદ્રકળા જેવી, અગ્નિજ્વાળા જેવી તેજસ્વી એ સુંદર સ્ત્રીઓને જોઈને અગ્નિ કામાતુર બની ગયા, ઋષિપત્નીઓમાં આસક્ત થઈ ગયા, તેમના મન પરનો કાબૂ જતો રહ્યો. પછી અગ્નિએ વિચાર્યું, હું જે રીતે કામવશ થયો તે બહુ ખોટું કહેવાય; આ બ્રાહ્મણસ્ત્રીઓ પતિવ્રતા છે, કામરહિત છે. તેમની કામના કરવી ન જોઈએ અને છતાં હું તેમની કામના કરી રહ્યો છું. કોઈ કારણ વિના તેમને જોઈ ન શકું, તેમને સ્પર્શી ન શકું. એટલે ગૃહસ્થઅગ્નિમાં પ્રવેશીને તેમને વારંવાર જોઈ શકીશ. આમ વિચારી અગ્નિ તેમાં પ્રવેશ્યા અને પોતાની જ્વાળાઓથી તે કાંચનવર્ણી સ્ત્રીઓને સ્પર્શવા લાગ્યા, તેમનું રૂપ જોઈને પ્રસન્ન થઈ ગયા. આમ ઘણા દિવસો ત્યાં રહેવાથી તે સ્ત્રીઓમાં તેમનું મન પરોવાઈ ગયું, એ સ્ત્રીઓના વશમાં આવી ગયા. જ્યારે તેઓનું હૃદય કામથી પ્રજ્વળવા લાગ્યું ત્યારે તેમણે શરીરત્યાગ કરવાનો નિર્ધાર કર્યો, પણ જ્યારે બ્રાહ્મણોની સ્ત્રીઓ તેમને પ્રાપ્ત ન થઈ ત્યારે તેઓ વનમાં જતા રહ્યા. સ્વાહા નામની દક્ષપુત્રી આરંભે અગ્નિ સાથે લગ્ન કરવા માગતી હતી. તે ઘણા વખતથી અગ્નિની નબળાઈ શોધી રહી હતી. પણ અગ્નિ હમેશાં સાવધાન રહેતા હતા. સ્વાહા તેમનામાં કોઈ નબળાઈ શોધી ન શકી. જ્યારે તેને જાણ થઈ કે અગ્નિ કામવશ થઈને વનમાં જતા રહ્યા છે ત્યારે તેને થયું કે હવે અગ્નિ કામાંધ થયા છે. હું સાતેય ઋષિઓની પત્નીનું રૂપ લઈને તેમની સામે જઉં, તેઓ એ અવસ્થામાં મને જોેશે ત્યારે રૂપ અને કામથી મોહવશ થઈ જશે. એટલે મને અગ્નિનો પ્રેમ મળશે અને મારું કાર્ય પણ થશે.

અંગિરા ઋષિની સ્ત્રીનું નામ શિવા હતું. રૂપે-ગુણે-શીલે તે સંપૂર્ણ હતી. સ્વાહાએ સૌથી પહેલાં એનું જ રૂપ લીધું અને વનમાં અગ્નિ પાસે ગઈ. ‘હે અગ્નિ, હું કામવિહ્વળ છું, મારી ઇચ્છા પાર પાડો. જો આવું નહીં થાય તો હું મૃત્યુ પામીશ. હું અંગિરા ઋષિની પત્ની શિવા છું, ઋષિઓની પત્નીઓએ સંમત થઈને મને તમારી પાસે મોકલી છે.’

અગ્નિએ કહ્યું, ‘તેં જે ઋષિપત્નીઓની વાત કરી તેમણે તથા તેં કેવી રીતે જાણ્યું કે હું કામવશ થયો છું.’

શિવાએ કહ્યું, ‘તમે અમને પહેલેથી બહુ ગમો છો પણ અમને તમારી બીક બહુ લાગે છે. તમારા સંકેતો વડે અમો પામી ગયા. એટલે બધી ઋષિપત્નીઓએ મને તમારી પાસે મોકલી છે, અત્યારે હું કામતપ્ત છું. મારી સાથે સમાગમ કરો, મારી સાથે વિહાર કરી લો, મારી માતાઓ મારી રાહ જોઈ રહી છે, મારે જલદી પાછા જવું છે.’

એટલે રાજી થઈને અગ્નિએ સ્વાહા સાથે સમાગમ કર્યો, સ્વાહાએ પણ એ સુખ માણ્યું. અગ્નિનું સ્ખલિત થયેલું વીર્ય સ્વાહાએ હાથમાં ઝીલી લીધું. પછી તે વિચારવા લાગી, વનમાં મને આવા વેશે કોઈ જોઈ લેશે તો ઋષિપત્નીને વ્યભિચારિણી સમજશે, અને અગ્નિને અપરાધી ગણશે. એટલે હવે હું ગરુડીનું રૂપ ધરીને આ વનમાંથી નીકળી પડીશ.

આમ વિચાર કરીને સ્વાહા ગરુડીનું રૂપ લઈને વનમાંથી નીકળી પડી. રસ્તામાં તેણે એક શ્વેત પર્વત જોયો. ત્યાં ઝેરીલા સાત ફણાળા સાપ હતા. રાક્ષસ, પિશાચ, ભૂત, રાક્ષસીઓ, વનજંતુઓ અને અનેક પ્રકારના પક્ષીઓ હતાં.

તે પર્વત ઉપર માંડમાંડ જઈ શકાય, છતાં સ્વાહા ત્યાં ગઈ અને તેણે એક સુવર્ણકુંડમાં વીર્ય ઠાલવી દીધું. આ પ્રકારે સ્વાહાએ બધી ઋષિપત્નીઓનું રૂપ લઈને તેણે અગ્નિ સાથે વિહાર કર્યો, પરંતુ તે વસિષ્ઠની પત્ની અરુન્ધતીનું રૂપ લઈ ન શકી. અરુન્ધતી ખૂબ જ તપસ્વી હતી, અને પતિવ્રતા પણ હતી. આમ અગ્નિની કામના કરનારી સ્વાહાએ છ વખત પડવાના દિવસે અગ્નિનું વીર્ય એક સુવર્ણકુંડમાં ઠાલવી દીધું. તે વેળા અગ્નિના સ્ખલિત વીર્યમાંથી એક પુત્ર પ્રગટ્યો, બધા ઋષિઓએ તેની પૂજા કરી. સ્ખલિત વીર્યથી તે પ્રકટ્યો એટલે તેનું નામ સ્કન્દ પડ્યું.

એ બાળકને છ મોં, બાર હાથ, બાર આંખો હતાં, ત્રણ ગળાં અને બાકીનું શરીર એક જ હતું. દ્વિતીયાના દિવસે તે પિંડ રૂપે રહ્યો, તૃતીયાએ બાળક થઈ ગયો, ચોથને દિવસે બધા અંગ અલગ અલગ થઈ ગયાં. તે સમયે વીજળીઓ સમેત લાલ લાલ મેઘ આકાશમાં દેખાવા લાગ્યા; સવારે સૂર્યોદય વખતે તે જેવી રીતે લાલ દેખાય તેવી રીતે બાળક લાલ લાલ દેખાવા લાગ્યો. જન્મતાંવેંત તેણે ધનુષ ધારણ કરી લીધું, એ ધનુષ જોઈને જ લોકો તો થથરી ઊઠતા હતા. ત્રિપુરાસુરનો વધ કરતી વખતે આ ધનુષ શિવે સજ્જ કર્યું હતું. આ ધનુષની પણછ ખેંચીને કાર્તિકેય મોટેથી ગરજતા હોય એવો અવાજ સાંભળીને ચિત્ર અને ઐરાવત નામના હાથી દોડ્યા. સૂર્ય સમાન તેજસ્વી બાળકે તેમને આવતા જોઈને એક હાથે તેમને પકડી લીધા. એક હાથ વડે શક્તિ અને બીજા હાથ વડે પ્રાણીઓ ઝાલી લીધા અને તેમની સાથે રમત માંડી. ચીસો પાડી. પછી પરાક્રમી સ્કંદે બંને હાથ વડે શંખ પકડીને ફૂંક્યો એટલે બધાં બળવાન પ્રાણીઓ ડરી ગયાં, બંને હાથ વડે આકાશને મારતા હતા. જાણે ત્રણે લોકને ગ્રસી જશે એવું લાગવા માંડ્યું, ઉદયાચલ પર્વત પર સૂર્ય શોભે તેમ કાર્તિકેય શોભી ઊઠ્યા. તે પર્વત પર બેસીને બધી દિશાઓને જોવા લાગ્યાં અને ઘણું બધું જોઈને ફરી ગરજવા લાગ્યા. એ સાંભળીને બધાં પ્રાણીઓ ડરી ગયાં અને તેમને શરણે ગયાં. જે જુદા જુદા વર્ણવાળા સ્કન્દના શરણે ગયા અને બ્રાહ્મણોએ પાર્ષદ કહ્યા. કાર્તિકેય બધાંને ધીરજ આપીને ઊભા થયા અને ધનુષ સજ્જ કરીને શ્વેત પર્વતની દિશામાં ઘણા બાણ છોડ્યા. પોતાના બાણો વડે હિમાલયના પુત્ર કૌંચ પર્વતને વીંધી નાખ્યો. એટલે ત્યાં રહેતા હંસ અને ગીધ મેરુ પર્વત પર જતા રહ્યા. તેમનાં બાણોથી કૌંચ પર્વત ધડાકા સાથે ધરતી પર પડી ગયો, એમના અવાજથી બીજા પર્વતો પર પણ ભયાનક અવાજ થવા લાગ્યા.

પુષ્કળ શક્તિ ધરાવતા કાર્તિકેય એ ભયાનક અવાજ સાંભળીને જરાય ડર્યા નહીં. અને ફરી ગરજવા લાગ્યા. પોતાની વિપુલ શક્તિ શ્વેત પર્વત પર ફેંકી, એટલે પર્વતનું શિખર તૂટી ગયું. બાણ અને શક્તિ લાગવાથી તે પર્વત ગભરાઈને ધરતી ત્યજીને આકાશમાં ઊડી ગયો. પૃથ્વી પણ ઘવાઈ ઘવાઈને ચારે બાજુ પડવા લાગી. તે પણ બહુ દુઃખી થઈ ગઈ. લાચાર થઈને કાર્તિકેયની શરણે ગઈ, ફરી પાછી તે બળવાન થઈ ગઈ. પછી બધા પર્વતોએ તેમને પ્રણામ કર્યા અને ધરતી પર બેસી ગયા. પછી શુક્લપક્ષની પાંચમે બધાએ કાર્તિકેય સ્વામીને જોયા. લોકહિત કરનારા મહા ઋષિઓએ આ ભયાનક ઉત્પાતો જોયા ત્યારે બધા ઋષિ ગભરાઈને શાન્તિ શાન્તિ બોલવા લાગ્યા. જે ઋષિઓ તે ચૈત્રરથ વનમાં રહેતા હતા તે બધા કહેવા લાગ્યા, આ અગ્નિએ આપણા માટે ભયાનક અનર્થ કર્યો છે. અગ્નિએ છ ઋષિઓની પત્નીઓ વડે આ બાળકને જન્મ આપ્યો છે. જેમણે સ્વાહા દેવીને ગરુડી રૂપે જતી જોઈ હતી તેઓ કહેવા લાગ્યા કે તેં જ આ અનર્થ કર્યો છે. પણ કોઈને ખબર ન હતી કે આ બધી લીલા સ્વાહાની જ હતી. જ્યારે તે ગરુડીએ આ બધું સાંભળ્યું, આ તો મારો જ પુત્ર છે, ત્યારે કાર્તિક સ્વામી પાસે જઈને કહેવા લાગી, હું જ તારી મા છું. મારો જ પુત્ર છે, ત્યારે છયે ઋષિઓએ પોતાની પત્નીઓને ત્યજી દીધી, પણ વસિષ્ઠ ઋષિએ પોતાની પત્ની અરુન્ધતીનો ત્યાગ ન કર્યો. જ્યારે બધા વનવાસીઓ કહેવા લાગ્યા કે છ ઋષિપત્નીઓએ એક પુત્રને જન્મ આપ્યો છે ત્યારે સ્વાહાએ સાત ઋષિઓ પાસે જઈને કહ્યું કે આ પુત્ર તો મારો છે. પણ તેની વાત કોઈ ઋષિએ માની નહીં. દરેક જણ એમ જ કહેવા લાગ્યું કે અમે આ વાત નથી જાણતા.

આ બધી ઘટના વિશ્વામિત્ર ઋષિ સારી રીતે જાણતા હતા, તેમણે સપ્તષિર્ઓના યજ્ઞમાં અગ્નિને કામવશ થયેલો જોયો હતો. અગ્નિની પાછળ પાછળ તેઓ છાનામાના ગયા પણ હતા. ત્યાં સ્વાહાનું પરાક્રમ પણ જોયું હતું. આ બધી વાત તેમણે સપ્તષિર્ઓને કરી. પછી વિશ્વામિત્ર કાર્તિકેય પાસે ગયા, અને તેમના માટે એક સ્તોત્ર પણ બનાવ્યું. તેમણે સ્વામી કાર્તિકેયના જાતકર્મ, સંસ્કાર, મંગલ કર્મ પણ કર્યાં.

વિશ્વામિત્ર મુનિએ આ સઘળું લોકહિત માટે કર્યું એટલે વિશ્વામિત્ર મુનિ સ્વામી કાર્તિકેયના ખૂબ જ માનીતા બની ગયા. આ ઋષિએ સપ્તષિર્ઓને તેમની પત્નીઓની નિર્દોષતાની વાત કરી. ઋષિઓએ વિશ્વામિત્ર ઋષિની વાત સાંભળ્યા પછી, તેમની સ્ત્રીઓ નિર્દોષ હતી તો પણ લોકાપવાદના ભયથી પાછી ન જ સ્વીકારી.

દેવતાઓને જ્યારે જાણ થઈ કે કાર્તિક સ્વામી જન્મ્યા છે ત્યારે તેમણે ઇન્દ્ર પાસે જઈને કહ્યું, ‘કાર્તિકેય તો બહુ બળવાન છે. તેને જીતી લો, વિલંબ ન કરતા, જો તેને નહીં જીતો તો તે ઇન્દ્ર બની જશે. આપણા સમેત ત્રણે લોક જીતી લેશે.’

એટલે ઇન્દ્ર વ્યથિત થઈને બોલ્યા, ‘આ બાળક બહુ બળવાન છે. યુદ્ધમાં તો તે પ્રજાપતિ બ્રહ્માને પણ હરાવશે. એટલે બધી લોકમાતાઓ તેમની પાસે જઈને તેના બળનો નાશ કરે.’ બધી લોકમાતા તેમની વાત માનીને કાર્તિક પાસે ગઈ પણ તેનું અનંત બળ જોઈને હતાશ થઈ ગઈ, એને જીતી નહીં શકાય એમ માનીને તેની શરણાગતિ સ્વીકારી લીધી. પછી બોલી, ‘હે બળવાન કાર્તિક, તું અમારો પુત્ર થા. અમે જગતને ધારણ કરીએ છીએ, અમે તારા પ્રેમમાં ડૂબેલી છીએ. તું અમારો સત્કાર કર.’

સ્કંદે બધી માતાઓની પૂજા કરી. તે જ વખતે મહાબળવાન સ્કંદે પોતાના પિતા અગ્નિને આવતા જોયા. તેમણે પણ કાર્તિકની બહુ પ્રશંસા કરી, લોકમાતાઓની સાથે તે ત્યાં બેસીને બધી બાજુએથી કાર્તિકની રક્ષા કરવા બેઠા. લોકમાતાઓના ક્રોધમાંથી પ્રગટેલી સ્ત્રી હાથમાં ત્રિશૂલ લઈને પોતાના પુત્રને રક્ષે તેમ કાર્તિકને રક્ષવા લાગી. લાલ સમુદ્રની કન્યા પણ કાર્તિકની પુત્રવત્ રક્ષા કરવા લાગી. તે બહુ ક્રૂર હતી અને લોહી પીનારી હતી. નૈગમેય નામનો અગ્નિ બકરાનું રૂપ લઈને તે બાળકને રમાડવા લાગ્યો.

ગ્રહ, ઉપગ્રહ, ઋષિઓ, લોકમાતાઓ, અગ્નિ વગેરે દેવતા, પાર્ષદો આનંદ પામ્યા. આ અને બીજા બધા દેવતા, લોકમાતાઓ કાર્તિકની આજુબાજુ બેસી ગઈ. હવે દેવરાજ ઇન્દ્રને પોતાના વિજય વિશે શંકા થવા માંડી, ઐરાવત પર ચઢીને, બધા દેવતાઓને સાથે રાખીને કાર્તિકેયને મારવાની ઇચ્છાથી તેની સામે આવ્યા. કાર્તિકેયે મહાઉગ્ર, તેજસ્વી, મનોવેગી, ચિત્રવિચિત્ર ધ્વજાવાળી, ધનુર્ધારીઓવાળી સેના જોઈ. એ સેનાને હરાવવા માટે તેઓ ઇન્દ્રની સામે ગયા. મહાબળવાન ઇન્દ્રે કાર્તિકને આવતા જોઈ તેમને પરાજિત કરવાની ઇચ્છાથી, દેવતાઓને આનંદિત કરવા માટે જોરજોરથી ગરજવા લાગ્યા. ઇન્દ્રની ગર્જના સાંભળીને બધા ઋષિઓ અને દેવતા તેમની પૂજા કરવા લાગ્યા. ઇન્દ્ર કાર્તિક સામે જઈ પહોંચ્યા, ત્યાં જઈને ઇન્દ્રે દેવતાઓની સાથે સિંહગર્જના કરી. એ સાંભળીને કાર્તિક પણ સમુદ્રની જેમ ગરજ્યા. એ સાંભળીને દેવોની સેના ગભરાઈ ગઈ અને સુધબુધ ગુમાવીને આમતેમ ભટકવા લાગી. અગ્નિપુત્ર કાર્તિકેયે જોયું કે દેવતાઓ મારવા આવ્યા છે ત્યારે તેમણે મોંમાંથી ભયાનક અગ્નિજ્વાળા તેમની સામે ફેંકી.

દેવતાઓની સેના સળગી સળગીને, પૃથ્વી પર પડવા લાગી. કોઈનું મસ્તક, કોઈનું શરીર, કોઈનું વાહન, કોઈનું શસ્ત્ર — આ બધું સળગવા લાગ્યું. ખરતા તારાઓની જેમ દેવતાઓ ધરાશાયી થવા માંડ્યા. સળગતા દેવતાઓ કાર્તિકેયને શરણે ગયા. જ્યારે દેવતાઓએ ઇન્દ્રને ત્યજી દીધા તો યુદ્ધવિરામ થઈ ગયો. પછી ઇન્દ્રે કાર્તિકેય પર વજ્ર ઉગામ્યું. તે વજ્ર કાર્તિકેયના જમણા ખભે વાગ્યું. સ્કંધનો બાહુ કપાઈ ગયો. ત્યારે તેમના ખભામાંથી એક પુરુષ જન્મ્યો. તેણે સોનાનું કવચ અને દિવ્ય કુંડળ પહેર્યા હતા. વજ્ર લાગવાથી તે પુરુષ જન્મ્યો તેનું નામ વિશાખ પડ્યું. ઇન્દ્રે કાલાગ્નિ જેવા બીજા પુરુષને જોયો. એટલે પછી હાથ જોડીને ઇન્દ્ર કાર્તિકની શરણે ગયા. કાર્તિકે તેમને અને તેમની સેનાને અભયદાન આપ્યું. દેવતાઓએ રાજી થઈને વાજિંત્રો વગાડ્યાં.

કાર્તિકના પાર્ષદો વિચિત્ર રૂપવાળા હતા. તેમનો જન્મ કાર્તિકને વજ્ર લાગવાથી થયો હતો. આ કઠોર પાર્ષદો, બાળકોનો તથા ગર્ભોનો નાશ કરે છે. વજ્ર લાગવાથી કાર્તિકેયના શરીરમાંથી કન્યાઓ પણ પ્રગટી હતી. આ કુમારોએ વિશાખને પોતાના પિતા માન્યા. પછી વિશાખ બકરાનું મોં ધરાવીને કન્યાઓ તથા કુમારોથી વીંટળાઈને કાર્તિકેયની રક્ષા કરવા લાગ્યા. વિશાખને જોવા આવેલા માતૃગણ ભદ્રશાખ અને કૌસલ નામથી પ્રસિદ્ધ થયા. ત્યારથી બધા લોકોએ કાર્તિકને બધાં બાળકોના પિતા માની લીધા. અગ્નિ અને રુદ્રને સ્કંદના પિતા માને છે, સ્વાહા તથા ઉમાને તેમની માતા માને છે. પુત્ર કે પુત્રીની ઇચ્છા-કરનારા કાર્તિકેય પાસે જઈને તપો નામના અગ્નિથી ઉત્પન્ન થયેલી કન્યાઓ કાર્તિકેય પાસે જઈને કહેવા લાગી, ‘હે કાર્તિકેય, તમારી કૃપાથી અમે બધા લોકોની ઉત્તમ માતાઓ બનીએ, અમે પૂજનીય બનવા માગીએ છીએ. અમારી આ ઇચ્છા પાર પાડો.’

કાર્તિકેયે કહ્યું, ‘સરસ. તમે વહેંચાઈ જાઓ, તમે અડધી શિવા બનો, અડધી અશિવા બનો.’

આ લોકમાતાઓ કાર્તિકેયને પોતાનો પુત્ર માનીને જતી રહી. એમાં કાકી, હલિમા, રુદ્રા, બૃહલી, આર્યા, પલાલા અને મિત્રા બધા શિશુઓની માતા ગણાય છે. સ્કંદની કૃપાથી શિશુ નામનો પુત્ર થયો, તે બહુ ભયંકર લાલ નેત્રવાળો અને દારુણ હતો. આમ આઠ થયા, છાગમુખ અગ્નિ સાથે નવ.

કાર્તિકેયના છ મોઢામાં વચ્ચે બકરાનું મુખ છે, લોકમાતાઓ સદા તેની પૂજા કરે છે. છ મુખોમાં તે જ ઉત્તમ છે. ભદ્રશાખે એના જ વડે દિવ્ય શક્તિનું સર્જન કર્યું હતું. આ બધી ઘટના શુક્લ પક્ષની પાંચમે થઈ અને છઠને દિવસે મહાભયાનક યુદ્ધ થયું.

મહાતેજસ્વી કાર્તિકેય સુવર્ણમાળા, કવચ, મુકુટ પહેરીને બેઠા હતા. તેમની આંખો લાલચોળ હતી. લાલ વસ્ત્રધારી, તીક્ષ્ણ દાંત, લક્ષણવંતા, ત્રણે લોકોમાં પ્રિય, વરદાન આપનારા, ધનુર્ધારી કાર્તિકેયની સેવા કરવા માટે સાક્ષાત લક્ષ્મી પધાર્યાં. લક્ષ્મી સાથે તે બહુ શોભી ઊઠ્યા. ઋષિઓએ કાર્તિકેયની પૂજા કરી અને સ્કંદને કહેવા લાગ્યા, ‘તમારું કલ્યાણ થાય, તમે પ્રજાનું કલ્યાણ કરો, હજુ તો તમારા જન્મને છ જ દિવસ થયા છે અને બધા લોકને વશ કરી લીધા છે. તમે દેવતાઓને અભયદાન આપ્યું છે. તમે જ ઇન્દ્ર બની જાઓ, પછી અમે બધા નિર્ભય થઈ જઈશું.’

કાર્તિકેય બોલ્યા, ‘ઇન્દ્ર ત્રણે લોકનું કયું હિત કરે છે? દેવતાઓની રક્ષા કેવી રીતે કરે છે!’

ઋષિઓએ ઉત્તર આપ્યો, ‘ઇન્દ્ર પ્રજામાં સુખ, તેજ, બળની સ્થાપના કરે છે. જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે બધાં કામ સિદ્ધ થાય છે. દુષ્ટોનો નાશ કરે છે, સાધુઓનું પાલન કરે છે. બધી પ્રજા પર શાસન કરે છે. સૂર્ય ન હોય ત્યારે સૂર્ય, ચન્દ્રમા ન હોય ત્યારે ચન્દ્ર, અગ્નિ ન હોય ત્યારે અગ્નિ, વાયુ-પૃથ્વી, જળ ન હોય ત્યારે આ સર્વનાં રૂપ ઇન્દ્ર લે છે. ઇન્દ્ર સૌથી વધુ બળવાન છે. તમે બધા બળવાનોમાં શ્રેષ્ઠ છો, એટલે તમે જ ઇન્દ્ર થઈ જાઓ.’

ઇન્દ્રે કહ્યું, ‘હે મહાબાહુ, તમે અમારા માટે સુખની ખાણ છો એટલે તમે ઇન્દ્રાસન પર બેસી જાઓ.’

કાર્તિકેયે કહ્યું, ‘ હે શક્ર, મારે ઇન્દ્ર બનવું નથી. તમે જ ત્રણે લોક પર રાજ કરો. હું તમારો સેવક, તમે જ વિજયની ઇચ્છા રાખો.’

ઇન્દ્રે કહ્યું, ‘તમારું બળ તો અદ્ભુત છે, તમે દેવતાઓના શત્રુ જીતો. તમને વધુ બળવાન જોઈ લોક મારો આદર નહીં કરે. હું નિર્બળ થઈને જો ઇન્દ્રાસન પર બેઠો રહીશ તો લોકો આપણી વચ્ચે કુસંપ કરાવશે. એવું થશે ત્યારે આપણે બે જૂથમાં વહેંચાઈ જઈશું અને પછી તો આપણા બે વચ્ચે યુદ્ધ થશે. એ યુદ્ધમાં તમે મને ચોક્કસ હરાવશો, એટલે તમે અત્યારથી ઇન્દ્ર થઈ જાઓ. આ વિશે બહુ વિચાર ન કરો.’

કાર્તિકેયે કહ્યું, ‘ઇન્દ્ર તમે જ અમારા પર અને ત્રણે લોક પર રાજ કરો. હું તમારો સેવક. બોલો, મારે માટે શી આજ્ઞા છે?

ઇન્દ્રે આ સાંભળીને કહ્યું, ‘તમે ખરેખર આ વાત કરતા હો, અને મારી આજ્ઞાનું પાલન કરવા માગતા હો તો મારી વાત સાંભળો, તમે દેવોના સેનાપતિ થઈ જાઓ. હું તમારા કહેવાથી ઇન્દ્રપદ પર બેસીશ.’

કાર્તિકેયે કહ્યું, ‘હે ઇન્દ્ર, દાનવોનો વિનાશ કરવા, દેવતાઓની કાર્યસિદ્ધિ કરવા, ગૌબ્રાહ્મણોનું હિત કરવા અને દેવતાઓનું હિત કરવા મને સેનાપતિ તરીકે સ્થાપો.’

તે જ વખતે ઇન્દ્રે અને દેવતાઓએ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યા. ઋષિઓ દ્વારા પૂજાયેલા કાર્તિકેય સેનાપતિપદે બહુ શોભી ઊઠ્યા. પ્રજ્વલિત અગ્નિમંડળની જેમ તેમના મસ્તક પર સુવર્ણછત્ર શોભ્યું, વિશ્વકર્માએ બનાવેલી સુવર્ણમાલા શંકર ભગવાને પોતાના હાથે પહેરાવી. તે વખતે શંકર ભગવાન પાર્વતી સાથે આવ્યા હતા, તેમણે પણ કાર્તિકેયની પૂજા કરી. બ્રાહ્મણો શંકરને અગ્નિ કહે છે એટલે કાર્તિકેય શંકરના પુત્ર કહેવાયા. શંકરે જે વીર્યત્યાગ કર્યો હતો તે શ્વેત પર્વત બની ગયો. તે પર્વત પર કૃતિકા એટલે અગ્નિની ઇન્દ્રિય સર્જી હતી. બધા દેવ શંકરે કાર્તિકેયની પૂજા કરી એટલે તેમને રુદ્રના પુત્ર કહેવા લાગ્યા. અગ્નિમાં પ્રવેશી શિવે આ પુત્ર સર્જ્યો છે એટલે તે દિવસથી કાર્તિકેયને શંકરના પુત્ર કહેવા લાગ્યા. શંકર, અગ્નિ, સ્વાહા અને દેવતાઓમાં શ્રેષ્ઠ અને શિવપુત્ર બન્યા. લાલ વસ્ત્ર પહેરેલા અગ્નિપુત્ર કાર્તિકેય લાલ વાદળમાં સૂર્યની જેમ શોભી ઊઠયા. તે વખતે અગ્નિએ એક કૂકડો અને લાલ ધ્વજા આપી. રથ પર એ બંને પ્રલયકાળના અગ્નિની જેમ શોભી ઊઠ્યા. શક્તિ તેમની સાથે જ ઉત્પન્ન થયેલા કવચમાં પ્રવેશી ગઈ, એ જ શક્તિ દેવોના યુદ્ધ વખતે પ્રગટ થાય છે. શક્તિ, કવચ, બળ, તેજ, કાંતિ, સત્ય, બ્રાહ્મણત્વ, ચૈતન્ય, ભક્તરક્ષા, દુષ્ટોનો નાશ, પ્રજાપાલન — આ બધા ગુણ કાર્તિકેયના જન્મ સાથે જ પ્રગટ્યા હતા. આભૂષણ ધરાવતા કાર્તિકેય ચંદ્રમંડળની જેમ શોભી ઊઠ્યા. દેવતાઓ વાજિંત્રો વગાડવા લાગ્યા, દેવતા-ગંધર્વ ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ સિવાય પણ ઘણા બધા લોકોએ તેમનું અભિવાદન કર્યું. દેવોએ પોતાના સેનાપતિને જોયા. પ્રાત:કાળે રાત્રિના અંધકારને દૂર કરતા સૂર્યની જેમ દેવ-સેનાપતિ શોભવા લાગ્યા. પછી હજારો દેવતાઓની સેના આવી પહોંચી, બધા ચારે બાજુથી કહેવા લાગ્યા, તેમને ઘેરી લીધાં, પછી કાર્તિકેય ભૂતગુણોથી ઘેરાયેલા હતા, સેનાએ તેમને ઘેરી લીધા, પછી કાર્તિકેયે બધાને શાન્ત કર્યા. કાર્તિકેયનો અભિષેક થઈ ગયો એટલે કેશી રાક્ષસના પંજામાંથી છોડાવેલી દેવસેના ઇન્દ્રને યાદ આવી, બ્રહ્માએ કાર્તિકેયને જ આના પતિ તરીકે પસંદ કર્યા હતા. દેવસેનાને અલંકારો પહેરાવી કાર્તિકેય પાસે ઇન્દ્ર લઈ ગયા. ‘દેવશ્રેષ્ઠ, આ કન્યા. તમારો જન્મ પણ થયો ન હતો ત્યારે બ્રહ્માએ એનું સર્જન કર્યું હતું. હવે તમે આ કન્યાના કમળ જેવા જમણા હાથને સ્વીકારો.’

ઇન્દ્રની વાત સાંભળી કાર્તિકેયે દેવસેના સાથે વિધિપૂર્વક વિવાહ કર્યો. બૃહસ્પતિએ મંત્રોચ્ચાર કરી હોમ કર્યો. આ વિવાહ છઠને દિવસે થયો. આ તિથિએ બ્રાહ્મણો સુખદ અને ધનદા કહે છે. એને જ બધા સિનીવાલી, કુહૂ, સદ્વૃત્તિ અને અપરાજિતા કહે છે. દેવસેના અને કાર્તિકેયનું લગ્ન થયું ત્યારે લક્ષ્મી પણ ત્યાં આવ્યાં. પાંચમે કાર્તિકેય લક્ષ્મીવાન થયા એટલે એ તિથિનું નામ શ્રીપંચમી, છઠને દિવસે લગ્ન થયું એટલે તેને મહાતિથિ કહે છે.

કાર્તિકેય દેવતાઓના સેનાપતિ થયા, તેમની શોભા વધી ત્યારે સપ્તઋષિઓમાંથી છ ઋષિઓની પત્ની તેમની પાસે આવી. તે બધી ધામિર્ક હતી, વ્રતધારિણી હતી તો પણ ઋષિઓએ તેમને ત્યજી દીધી હતી. તેમણે કહ્યું, ‘પુત્ર, અમને અમારા દેવસમાન પતિઓએ ક્રોધે ભરાઈને અમને કાઢી મૂકી. એટલે અમે તો ધર્મભ્રષ્ટ થઈ ગઈ. કોઈએ અમારા પતિઓને એવું કહ્યું કે કાર્તિકેય તમારી સ્ત્રીઓના પેટે જન્મ્યા છે. આ જૂઠી વાત સાંભળીને તેમણે અમને કાઢી મૂકી. તમે અમારી રક્ષા કરો. તમારી કૃપાથી અમને અક્ષય સ્વર્ગ મળશે. અમે તમને પુત્ર બનાવવા ઇચ્છીએ છીએ. આ કાર્ય કરીને તમે ઋણમુક્ત થાઓ.’

કાર્તિકેયે કહ્યું, ‘તમે બધી મારી માતાઓ, હું તમારો પુત્ર. તમારી જે ઇચ્છા હશે તે બધી ફળશે.’

બ્રાહ્મણીઓને આમ કહીને કાર્તિકેયે ઇન્દ્રને કહ્યું, ‘હવે તમારું કાર્ય કરું’ એટલે ઇન્દ્રે કહ્યું, ‘અભિજિત રોહિણી કરતાં નાની છે અને છતાં તે મોટી બહેન રોહિણી સાથે સ્પર્ધા કરીને મોટી બનવા માગે છે, એટલે તે તપ કરવા વનમાં ગઈ છે. હું ગભરાઈ ગયો છું. અભિજિત નક્ષત્ર આકાશમાંથી જતું રહ્યું છે. તમે બ્રહ્મા પાસે જઈને સમયનો વિચાર કરો. બ્રહ્માએ પહેલાં ઘનિષ્ઠાને આદિકાળ બનાવ્યો છે, સૌથી પહેલાં રોહિણી હતી.’

ઇન્દ્રની આ વાત સાંભળીને કૃત્તિકા આકાશમાં જતી રહી, આ કૃત્તિકા ગાડાના આકારે દેખાય છે, તેનો દેવતા અગ્નિ છે. વિનતાએ કાર્તિકેયને કહ્યું, ‘તું મારા પિંડદાતા પુત્ર થા. એટલે હું હમેશા તારી સાથે રહેવા માગું છું.’

કાર્તિકેય કહ્યું, ‘તમે જે બોલ્યા છો એ જ પ્રમાણે થશે. હું તમને વંદન કરું છું. તમે મને પ્રેમથી ઉછેરો અમે પુત્રવધૂ તમને માનપાન આપશે, તમે અહીં જ રહો.

પછી લોકમાતાઓ કાર્તિકેયને કહેવા લાગી, ‘અમે લોકમાતાઓ છીએ, બધા પંડિતો અમારી સ્તુતિ કરે છે. અને તમારી માતા બનવા માગીએ છીએ, તમે અમારી પૂજા કરો.’

કાર્તિકેયે ઉત્તર આપ્યો, ‘તમે સૌ અમારી માતા, હું તમારો પુત્ર, તમારી જે ઇચ્છા હોય તે કહો. હું પૂરી કરીશ.’

‘પહેલાં જે લોકમાતાઓ હતી તેમનું સ્થાન અમને મળે, અને તેમને એ સ્થાન ન મળે. અમે જ પૂજ્ય બનીએ અને તે ન બને. તેમણે તમારા કારણે અમારા સંતાન છિનવી લીધાં છે. તમે એ સંતાનો અમને આપો.’

‘એ બધાં સંતાનો તો નાશ પામી ગયાં, હવે એ તો પાછા તમને ના મળી શકે. તમારા બીજાં કોઈ સંતાનો જોઈતાં હોય તો કહો.’

‘અમે એ લોકમાતાનાં સંતાનો ખાવા માગીએ છીએ, તમારા સિવાય તેમનું જે કંઈ હોય તે અમને આપો.’

‘તમે તો બહુ દુઃખદ માગણી કરી છે. તો પણ તમને તે માતૃકાનાં સંતાનો આપું છું. તમે તેમની રક્ષા કરજો. તમને તો બધા સજ્જનો વંદન કરે છે.’

એટલે લોકમાતાઓએ કહ્યું, ‘ભલે તમારી ઇચ્છા પ્રમાણે અમે એ સંતાનોની રક્ષા કરીશું. તમારી સાથે ઘણો સમય રહેવાની ઇચ્છા છે.’

કાર્તિકેયે કહ્યું, ‘જ્યાં સુધી બાળકો સોળ વર્ષનાં ન થાય ત્યાં સુધી અલગ અલગ રૂપે તે બાળકોને પીડો. હું તમને મારો ભયંકર અંશ આપીશ. એ સાથે સુખે પૂજાઈને અહીં રહો.’

ત્યારે કાર્તિકેયના શરીરમાંથી મનુષ્યનાં બાળકોનું ભક્ષણ કરવા એક મહાબળવાન પુરુષ પ્રગટ્યો, તેનો રંગ સુવર્ણ જેવો હતો. તે પ્રગટતાંની સાથે ભૂખે જમીન પર પડી ગયો. કાર્તિકેયની આજ્ઞાથી તે રુદ્ર ગ્રહ બની ગયો, બ્રાહ્મણોએ તેને સ્કન્દાસ્પમાર તરીકે ઓળખાવ્યો છે. જે ખૂબ ભયંકર વિનતા છે. તે શકુનિગ્રહ કહેવાય છે. પૂતના નામની રાક્ષસીને પૂતનાગ્રહ પણ કહે છે. બહુ દુઃખદાયક, ઘોરરૂપા છે, તેને શીતપૂતના કહે છે. આ ભયંકર પૂતના સ્ત્રીઓના ગર્ભનો નાશ કરી નાખે છે. અદિતિનું નામ રેવતી છે, તેનો ગ્રહ રૈવત છે, તે પણ ઘોર છે અને બાળકોને રંજાડે છે. દિતિ દૈત્યોની માતા છે, તેનું નામ મુખકંડિકા, તે બાળકોનું માંસ ખાયા કરે છે, કાર્તિકેયના આ બધાં સંતાનો બાળકોને પીડનારાં છે, મહાગ્રહ છે. આ સ્ત્રીઓનાં પતિ બહુ દુષ્ટ કાર્યો કરે છે, તે પણ બાળકોનો નાશ કરે છે. સુરભિ નામની ગૌમાતા પર શકુનિ આરૂઢ થઈને પૃથ્વીનાં બાળકોને આરોગી જાય છે.

સરમા કૂતરાની મા છે, તે પણ સ્ત્રીઓના ગર્ભનો નાશ કરે છે. કરંજ નિલયા નામે વૃક્ષોની માતા છે. પુત્રની ઇચ્છા રાખનારા લોકો કરંજના વૃક્ષમાં તેને પ્રણામ કરે છે, આ અને બીજા અઢાર ગ્રહો છે, તેઓ માંસ-મદ્યના ચાહનારા છે, સાત દિવસ સુધી તેઓ સૂતિકાગૃહમાં રહે છે. કદ્રૂ સૂક્ષ્મરૂપે ગર્ભમાં પ્રવેશી જાય છે, અને તે ગર્ભને ખાઈ જાય છે, ત્યારે તેના ગર્ભમાંથી નાગ જન્મે છે. જે ગંધર્વોની માતા છે, તે ગર્ભને લઈને ચાલી જાય છે. એટલે તે સ્ત્રી ગર્ભવિનાની થઈને ધરતી પર ફરે છે. જે અપ્સરાની માતા છે તે પણ ગર્ભ ઝીલે છે, એટલે પંડિતો કહે છે કે ગર્ભનો નાશ થયો. કાર્તિકેયને દૂધ પીવડાવનારી લાલ સમુદ્રકન્યાનું નામ લોહિતાયની છે, તેની પૂજા કદંબ વૃક્ષમાં થાય છે. જેમ પુરુષોમાં શિવ તેમ સ્ત્રીઓમાં આર્યા, એ આર્યા કાર્તિકેયની માતા. તેની પૂજા જાતજાતની ઇચ્છાઓ ફળે એ માટે થાય છે. બાળક જ્યાં સુધી સોળ વર્ષનો થાય ત્યાં સુધી આ બધા ગ્રહ અકલ્યાણ કરનારા હોય છે, તે પછી તે ગ્રહ કલ્યાણકારી થઈ જાય છે. સ્ત્રીપુરુષોના આ બધા ગ્રહ સ્કન્દ ગ્રહ જાણવા. આ બધાની પૂજા ધૂપ, દીપ, સ્નાનથી કરવાની. તેમની શાંતિ માટે કાર્તિકેયનું નામ દઈને બલિ ચઢાવવાનો. આમ પૂજા કરવાથી સારું ફળ મળે છે, તેઓ પુરુષોનું તેજ અને આયુષ્ય વધારે છે.

હવે સોળ વર્ષ પછી પીડનારા ગ્રહોની વાત કરીએ.

જે લોકો સૂતા-જાગતા દેવતાઓ જોયા કરે છે, અને પછી ઉન્માદને વશ થાય છે તે ગ્રહનું નામ દેવગ્રહ. જે સૂતાંબેસતાં પિતૃઓ જોયા કરે છે અને પછી ઉન્મત્ત થાય છે તે પિતૃગ્રહનો દોષ ગણાય. જે સિદ્ધોનું અપમાન કરે છે અને જેને સિદ્ધો ક્રોધે ભરાઈને શાપે છે, પછી જે ઉન્મત્ત થઈ જાય છે તે સિદ્ધગ્રહનો દોષને કારણે. જે માનવી અનેક સુવાસ લે, અનેક રસનું પાન કરે અને પછી ઉન્માદી થાય તે રાક્ષસગ્રહને કારણે. પૃથ્વી પર જેના શરીરમાં ગંધર્વ પ્રવેશે છે તે તરત જ ઉન્મત્ત થઈ જાય છે, એ ગંધર્વગ્રહને કારણે, સમય પ્રતિકૂળ હોય ત્યારે તે પુુરુષ પર યક્ષ કબજો જમાવે છે અને જે પાગલ થઈ જાય છે તે યક્ષગ્રહના દોષને કારણે, જેના પર પિશાચ ચડી બેસે છે અને તેને લીધે જે ગાંડો થઈ જાય છે તે પૈશાચગ્રહને કારણે, જે વ્યક્તિ વાત, પિત્ત અને કફની વિસંવાદિતાને કારણે ઉન્મત્ત થઈ જાય છે તેનો ઇલાજ શાસ્ત્ર પ્રમાણે કરવો. જે વ્યક્તિ વિકલતાથી, ભયથી અને કઠોર વસ્તુ જોવાથી ઉન્મત્ત બને છે તેના ચિત્તને શાંત કરવું જોઈએ. કોઈ ગ્રહ રમવાની ઇચ્છા કરે, કોઈ ખાવાની અને કોઈ સાવ સામાન્ય ઇચ્છા કરે — આમ ગ્રહોની ત્રણ ઇચ્છા હોય છે. સત્તર વર્ષની ઉમર સુધી આ બધા ગ્રહ દુઃખ આપે છે. પછી તાવ જેવા રોગ જ ગ્રહ જેવા બની જાય છે. જે વ્યક્તિ ઇન્દ્રિયજિત હોય, આળસુ ન હોય, શ્રદ્ધાવાન અને આસ્તિક હોય તેને આ ગ્રહો નડતા નથી. જેઓ શિવભક્ત છે તેની પાસે આ ગ્રહ ફરકતા પણ નથી.

એક બાજુ કાર્તિકેયે લોકમાતાઓનું પ્રિય કાર્ય કર્યું તો બીજી બાજુ સ્વાહાએ કુમારને કહ્યું, ‘તું મારા ગર્ભમાંથી જન્મ્યો છે એટલે હું તારી પાસેથી દુર્લભ પ્રેમ ઝંખું છું.’

‘તમે મારી પાસે કેવા પ્રકારનો પ્રેમ ઝંખો છો?’

‘હું દક્ષની પ્રિય કન્યા, મારું નામ સ્વાહા, નાનપણથી જ અગ્નિએ પસંદ કરી બેઠી હતી. મારી આ ઇચ્છા તેઓ જાણતા ન હતા. હું તો સદા અગ્નિ સાથે જ રહેવા માગું છું.’

‘આજ પછી ઉત્તમ ચરિત્રવાળા, ઉત્તમ માર્ગને વરેલા બ્રાહ્મણો મંત્રોની સાથે યજ્ઞમાં જે આહુતિ અગ્નિમાં આપશે તે સ્વાહા બોલશે એ રીતે તમે આજથી અગ્નિ સાથે જ રહેશો.’

કાર્તિકેયના આ શબ્દો સાંભળી, તથા સ્કંદે તેની પૂજા કરી એટલે સ્વાહા બહુ રાજી થઈ અને પતિ અગ્નિથી સંયુક્ત થઈને તેણે સ્કંદની પૂજા કરી.

પછી બ્રહ્માએ કાર્તિકેયને ત્રિપુરાસુરનો નાશ કરનારા પિતા મહાદેવ પાસે મોકલ્યા, ‘મહાદેવે અગ્નિનું અને પાર્વતીએ સ્વાહાનું રૂપ ધરી પ્રજાના હિત માટે તમને જન્મ આપ્યો છે, યુદ્ધમાં તમને કોઈ હરાવી નહીં શકે. શિવે પોતાનું સત્ત્વ પાર્વતીમાં સિંચ્યું હતું તે આ પર્વતમાં ઢળ્યું હતું, એમાંથી મિંજિકામિંજિક સ્ત્રીપુરુષો જન્મ્યા. જે બાકી રહી ગયું તે લાલ સમુદ્રમાં, સૂર્યકિરણોમાં, થોડું ધરતી પર, થોડું વૃક્ષોમાં — આમ એ સત્ત્વ પાંચ ભાગમાં વહેંચાયું. એટલે જાતજાતના ગણ જન્મ્યા. માંસ ખાનારા એ બધા પાર્ષદો. તેમને બુદ્ધિમાનો જ જાણી શકે. કાર્તિકેયે તેમની વાત માનીને મહાદેવની પૂજા કરી.

ધનની ઇચ્છાવાળાઓએ એ ગણોની પૂજા આકડાનાં ફૂલોથી કરવી જોઈએ. જેઓ કોઈ રોગનો ઇલાજ કરવા માગે છે તેમણે સામાન્ય પૂજા કરવી. મિંજિક અને અમિંજિક બંને શિવમાંથી પ્રગટ્યા છે એટલે બાળકોના હિતચિંતકોએ બંનેની વંદના કરવી જોઈએ. સંતાનપ્રાપ્તિ માટે પુરુષોએ માંસભક્ષિણી, વૃક્ષવાસિની, વૃદ્ધિકા નામની દેવીઓ જ્યાં છે તે વૃક્ષોને પ્રણામ કરવા જોઈએ.

ઐરાવતના બે ઘંટાનું નામ વૈજયન્તી છે, તે બંને બુદ્ધિમાન ઇન્દ્રે કાર્તિકેયને આપ્યા હતા. એમાં એક વિશાખનો અને બીજો પતાકા નામનો કાર્તિકેયનો છે. દેવતાઓએ આપેલાં રમકડાં વડે સ્કંદ રમતા થયા. દેવોથી અને પિશાચોથી ઘેરાયેલા તેજસ્વી કાર્તિક સુવર્ણપર્વત પર શોભાયમાન થયા. સૂર્યોદયથી ઉત્તમ ગુફાઓવાળા મન્દરાચલ શોભિત થાય છે તેવી રીતે તે પર્વત કાર્તિકને કારણે સુંદર દેખાવા લાગ્યો.

સંતાનક, કનેર, પારિજાત, જય, અશોક, કદંબ જેવાં વૃક્ષોથી, દિવ્ય પશુઓથી, પક્ષીઓથી આ શ્વેત પર્વત શોભી ઊઠ્યો. ત્યાં દેવતાઓ અને મહર્ષિઓ ભેગા થયા, ખળભળતા સમુદ્ર જેવા અવાજવાળા, મેઘ સમાન ગરજતા ઢોલ વગેરે વાજિંત્રો વાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આનંદિત પ્રાણીઓના અવાજો સંભળાવા લાગ્યા. ઇન્દ્ર સમેત આખું જગત શ્વેત પર્વત પર પ્રસન્ન કાર્તિકેયને જોવા લાગ્યા. અગ્નિપુત્ર કાર્તિક સેનાપતિપદે બેઠા તે જ વેળા શિવ પાર્વતી સાથે સૂર્ય જેવા તેજસ્વી રથ પર પ્રસન્નતાપૂર્વક તે રથ સ્વચ્છ આકાશમાં ઊડવા લાગ્યો. ઇન્દ્રધનુ સાથે વાદળોમાં વીજળી સહિત સૂર્ય જેમ શોભે તેમ પાર્વતી સાથે શંકર ભગવાન શોભી ઊઠ્યા. તેમની આગળ ગુહ્યકો સાથે ભગવાન કુબેર પુષ્પક વિમાનમાં બેસી નીકળી પડ્યા. વરદાન આપનાર વૃષવાહન શંકર ભગવાન પાછળ ઐરાવત પર દેવતાઓ સાથે ઇન્દ્ર નીકળી પડ્યા. એમની જમણી બાજુએ બધા અલંકારો પહેરીને જંભક નામના યક્ષ અને રાક્ષસો સાથે અમોઘ નામના મહાયક્ષ નીકળ્યા. એમની જમણી બાજુ યુદ્ધ કરનારા અનેક મરુતગણો અને રુદ્ર, વસુ નીકળ્યા. મહા ઘોર રૂપ ધરાવતા યમરાજ સેંકડો ભયંકર રોગ લઈને શંકરને ચારે બાજુથી ઘેરીને નીકળ્યા. યમની પાછળ શિવનું ભયાનક, ત્રણ ધારવાળું તીક્ષ્ણ વિજય નામનું ત્રિશૂલ અલંકૃત થઈને નીકળ્યું. તેમની પાછળ ઉગ્ર પાશ લઈને વરુણ રાજા જલજન્તુઓથી ઘેરાઈને તથા શંકર ભગવાનને વીંટળાઈને નીકળ્યા. વિજય ત્રિશૂલની પાછળ ગદા, મૂસળ, પટ્ટિશ, શિવછત્ર, મહા ઋષિઓથી વીંટળાયેલું કમંડળ નીકળ્યું. તેમની ડાબી બાજુએ દેવો અને ભૃંગઅંગિરાઓથી પુજાતો દંડ ચાલ્યો. આ બધાની પાછળ રથમાં શંકર નીકળ્યા. એમના તેજથી બધા દેવતાઓ આનંદિત થયા. તેમની પાછળ પાછળ ઋષિ દેવતા, ગંધર્વ, નાગ, નદી, તળાવ, વૃક્ષ, અપ્સરાઓ, નક્ષત્ર, ગ્રહ, દેવશિશુઓ, સુંદર સ્ત્રીઓ ફૂલો ઊછાળતી ચાલી નીકળી. તેમની પાછળ રાજઋષિઓ સાથે શિવસ્તુતિ કરતા ઇન્દ્ર ચાલ્યા. પાર્વતીની પાછળ સાવિત્રી, ગૌરી, વિદ્યા, કેશિની, ગાંધારી, મિત્રસા નીકળ્યાં. તેમની પાછળ કવિઓની બધી વિદ્યાઓ નીકળી. ઇન્દ્ર અને બીજા દેવતાઓ શંકરના આજ્ઞાકારીઓ બન્યા. તેમની આગળ ગ્રહ નામનો રાક્ષસ ધજાપતાકા લઈને નીકળ્યો, પાછળ સ્મશાનવાસી રુદ્રના મિત્ર પિંગલ નામના યક્ષરાજ ચાલ્યા. આમ ભગવાન શિવ કૈલાસથી નીકળ્યા. તેમની આગળ કોઈની ગતિ ન થઈ શકે. સારાં કર્મો વડે જગતના લોકો શંકરને પ્રાપ્ત કરી શકે છે. તેમના જ નામ શિવ, રુદ્ર, ઈશ, પિતામહ છે, બધા એમને પિતામહ કહી પૂજે છે. દેવતાઓની સેના સાથે કૃતિકાપુત્ર કાર્તિકેય પણ નીકળ્યા. પછી ભગવાન શિવે કાર્તિકેયને કહ્યું, ‘તું આળસ કર્યા વિના સાતમા વ્યૂૂહ ‘મારુતસ્કન્ધ’ની રક્ષા કરજે.’

કાર્તિકેયે હા પાડીને કહ્યું, ‘એ સિવાય બીજું કોઈ કામ હોય તો પણ કહેજો.’

‘તું હમેશાં મારું દર્શન કરતો રહેજે. એમ કરવાથી અને મારી ભક્તિ કરવાથી તારું કલ્યાણ થશે.’

આમ કહીને શિવે કાર્તિકને છાતીસરસો ચાંપ્યો અને તેને વિદાય કર્યો. કાર્તિકેય ચાલ્યા ગયા એટલે ત્યાં અનેક ઉત્પાત થવા લાગ્યા. બધા દેવો મોહ પામ્યા. તારાઓ સાથે આકાશ સળગી ઊઠ્યું, ત્રણે લોક જડ થઈ ગયા. પૃથ્વી હાલકડોલક થવા લાગી, ઘોર અવાજો સંભળાયા. આખા જગતમાં અંધકાર છવાઈ ગયો. આ જોઈને શિવ, પાર્વતી, દેવતાઓ, મહર્ષિઓ ગભરાઈ ગયા. બધા જ્યારે આવા મોહ પામ્યા ત્યારે પર્વત અને મેઘ જેવા શરીર ધરાવતા, અસ્ત્રશસ્ત્ર ધરાવતા રાક્ષસોની સેના દેખાઈ. અગણિત અને ઘોર દેખાતા રાક્ષસોની સેનાએ શંકર અને દેવતાઓ પર હુમલો કર્યો. તેઓ દેવો ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા, બીજાં અનેક શસ્ત્રો વરસવાં લાગ્યાં. એ મહા ભયંકર શસ્ત્રો વાગવાથી દેવતાઓની સેના વિખરાઈ ગઈ. કોઈના અશ્વ, કોઈના હાથી, કોઈના રથ, કોઈના શસ્ત્ર નાશ પામ્યા. વનમાં આગ લાગી ન હોય એવી રીતે રાક્ષસોથી હારી રહેલી દેવોની સેના દેખાવા લાગી. દેવતાઓ પડતા આથડતા ભાગતા રહ્યા. તેઓ યુદ્ધને કારણે પીડા ભોગવતા હતા, તેમની નજરે કોઈ સ્વામી દેખાતો ન હતો. દેવતાઓની ભાગંભાગ જોઈને ઇન્દ્રે દેવતાઓને ધીરજ આપી. ‘શૂરવીરો, નિર્ભય બનો. શસ્ત્રો ધારણ કરો. યુદ્ધ માટે તૈયાર થાઓ, કોઈ વાતે દુઃખી ન થાઓ.આ દુષ્ટ વિકરાળ રાક્ષસોને જીતી લો. તમારી સાથે હું પણ લડીશ.’

ઇન્દ્રની વાતોથી દેવોમાં હિંમત આવી, ઇન્દ્રને આગળ કરીને રાક્ષસો સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. બધા દેવતા મરુત, સાધ્ય અને વસુઓને લઈને દાનવો સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલા દેવોએ ઉગામેલાં શસ્ત્રોથી દાનવો લોહીલુહાણ થવા લાગ્યા. તેમના શરીરમાં ભોંકાયેલાં બાણ પછી પર્વતો પરથી પડી જતા સાપની જેમ પછી ધરતી પર પડવાં લાગ્યાં; આકાશમાંથી વાદળ પડે તેમ તે બાણ નીચે પડવાં લાગ્યાં. પછી હાથમાં શસ્ત્રો લઈને દેવતાઓ ગરજવા લાગ્યા, વાજિંત્રો વગાડવા લાગ્યા. આમ દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા આ ભયાનક યુદ્ધમાં ચારે બાજુ લોહી અને માંસ નજરે પડતા હતા. ત્યાં અચાનક બાજી પલટાઈ ગઈ. દેવતાઓ પીછેહઠ કરવા લાગ્યા. ભયંકર રાક્ષસોએ દેવતાઓ પર હુમલો કર્યો. ભેદી જેવા અનેક વાજિંત્રો વાગવા લાગ્યાં. રાક્ષસો સિંહગર્જના કરવા લાગ્યા. દાનવોની સેનામાંથી મહિષ નામનો એક દાનવ મોટો પર્વત લઈને દેવો સામે ધસ્યો. વાદળોની વચ્ચે દેખાતા સૂરજની જેમ દાનવને આવતો જોઈ કેટલાય દેવતાઓ તેની સામે ધસી ગયા. મહિષે પણ દેવતાઓ ઉપર પર્વત ફેંક્યો, એ પર્વત પડવાથી દસ હજાર દેવો મૃત્યુ પામ્યા. જેવી રીતે હરણાંની સામે સિંહ દોટ મૂકે તેવી રીતે દાનવોની સાથે મહિષ દેવતાઓને બીવડાવતો દોડ્યો. તેને આવતો જોઈ ઇન્દ્ર સહિત બધા દેવ શસ્ત્રો પડતાં મૂકીને ભાગી ગયા. પછી મહિષ ક્રોધે ભરાઈને શંકરના રથ સામે દોડ્યો અને રથને પકડી લીધો. જે વખતે મહિષ શંકરના રથ સામે ધસી ગયો હતો ત્યારે આકાશમાં અને પૃથ્વી પર ભયાનક કોલાહલ થયો, ઋષિઓ મૂર્ચ્છા પામ્યા. મેઘ જેવા દેખાતા રાક્ષસો ગર્જના કરવા લાગ્યા, હવે તેમને ખાત્રી થઈ ગઈ કે આપણે દેવો પર વિજય મેળવી લીધો છે. હવે શંકરે મહિષાસુર સામે મોરચો માંડ્યો, પણ તેનું મૃત્યુ કાર્તિકેયના હાથ લખાયું હતું એટલે શંકરે કાર્તિકેયનું સ્મરણ કર્યું. મહિષાસુરે પણ શંકરના રથને જોઈ ગર્જના કરી, એટલે દાનવો રાજી રાજી થઈ ગયા અને દેવો બી ગયા. દેવતાઓ સમક્ષ જ્યારે આવો દારુણ સમય આવ્યો ત્યારે સૂર્ય જેવા તેજસ્વી કાર્તિકેય આવ્યા. તેમણે ગળામાં લાલ માળા પહેરી હતી, તેમનાં વસ્ત્ર લાલ હતાં. ક્રોધને કારણે તેમનું મોં લાલચોળ થઈ ગયું હતું. તેમનું કવચ સોનાનું હતું. સુવર્ણરંગી રથ પર બેસીને તેઓ યુદ્ધ કરવા આવ્યા. તેમને જોતાંવેંત દૈત્યોની સેના ભાગવા લાગી. કાર્તિકેયે મહિષનો વધ કરવા ઝળહળતી શક્તિ તેમના પર છોડી. એટલે મહિષાસુર પૃથ્વી પર પટકી પડ્યો. મસ્તક કપાઈ ગયું અને રાક્ષસનું મૃત્યુ થયું. વારંવાર ફેંકાયેલી તે શક્તિ હજારો શત્રુઓને મારી નાખીને સ્કન્દના હાથમાં તે ફરી આવી ગઈ, એ દૃશ્ય દેવોએ-દાનવોએ જોયું. કાર્તિકેયે પોતાના બાણ વડે અનેક દાનવોનો વધ કર્યો, કાર્તિકેયના ઘોર પાર્ષદો બી ગયેલા હજારો રાક્ષસોને ખાઈ ગયા. દાનવોને ખાઈ જઈને તેમનું લોહી પીધું અને ખૂબ આનંદમાં આવી જઈને તેમણે જરા વારમાં બધા દાનવોનો નાશ કરી નાખ્યો. જેવી રીતે અંધકારને સૂર્ય, વૃક્ષોને અગ્નિ અને મેઘોને વાયુ નષ્ટ કરી દે છે તેવી રીતે કાર્તિકેયે પોતાના બળ વડે દાનવોનો નાશ કર્યો. કાર્તિકેયે આ બધાને મારીને શંકરને પ્રણામ કર્યા; દેવતાઓએ કાર્તિકની વંદના કરી, સૂર્ય જેવા તેજસ્વી તે દેખાવા લાગ્યા. શત્રુઓને મારીને કાર્તિક શંકર પાસે જઈ રહ્યા હતા ત્યારે અધવચ્ચે ઇન્દ્રે કાર્તિકને છાતીસરસા ચાંપ્યા. ઇન્દ્રે કહ્યું, ‘કાર્તિક, તમે મહિષાસુરનો વધ કર્યો. બ્રહ્માએ તેને વરદાન આપ્યું હતું એટલે તે દેવતાઓને સાવ તુચ્છ માનતો હતો. તમે દેવતાઓના માર્ગમાંથી એ કાંટો દૂર કર્યો. તેણે અમને બહુ દુઃખ આપ્યું હતું. પાડા જેવા બળવાન અને દેવશત્રુ દૈત્યોને તમે મારી નાખ્યા. તમારા ગણો સેંકડો દૈત્યોને ખાઈ ગયા. યુદ્ધમાં તમને કોઈ હરાવી ન શકે. તમે શંકર જેવા જ બળવાન છો. તમારું આ કાર્ય ચારે બાજુ પ્રસિદ્ધ થઈ જશે, તમારી કીતિર્ ત્રણે લોકમાં ફેલાશે. અમે બધા દેવો તમારા કહ્યામાં રહીશું.’

પછી ભગવાન શંકર ભદ્રવટ ગયા, દેવતાઓ પોતાના નિવાસસ્થાને ગયા. શંકરે જતાં જતાં દેવતાઓને કહ્યું, ‘તમે કાર્તિકને મારી જેમ જ ગણજો. અગ્નિપુત્ર કાર્તિકે એક જ દિવસમાં બધા દાનવોને મારીને ત્રણે લોક પર વિજય મેળવ્યો, ઋષિઓએ તેમની વંદના કરી.

(આરણ્યક પર્વ, ૨૧૩-૨૨૧)