ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ઇન્દ્ર અને પોપટની કથા


ઇન્દ્ર અને પોપટની કથા

કાશીરાજના પ્રદેશમાં એક વ્યાધ ઝેરી બાણ સાથે રાખીને ગામમાંથી બહાર નીકળી હરણની શોધ કરી રહ્યો હતો. મહાવનમાં માંસલોભી વ્યાધે થોડે દૂર હરણને જોઈ તેના પર બાણ ચલાવ્યું. અમોઘ બાણ ચલાવનારા તે શિકારીએ મૃગવધ માટે બાણ માર્યું પણ નિશાન ચૂકી જવાથી તે બાણ એક મોટા વૃક્ષને વીંધી ગયું. વિષમાં ઝબકોળેલા તે બાણ વડે બળપૂર્વક વૃક્ષ વીંધાયું એટલે તેના ફળ, પાંદડાં ખરી પડ્યાં અને તે સુકાવા લાગ્યું. તે વૃક્ષની આવી અવસ્થા થવા છતાં તેની બખોલમાં લાંબા સમયથી રહેનારો એક પોપટ વૃક્ષ પર પ્રેમ હોવાને કારણે ત્યાં ને ત્યાં જ રહેવા લાગ્યો. તે ધર્માત્મા કૃતજ્ઞ ક્યાંય જતો આવતો ન હતો, કશું ખાતો ન હતો. તે એટલો દૂબળો થઈ ગયો કે તેનાથી બોલી પણ શકાતું ન હતું. તે પોતે વૃક્ષની સાથે સાથે સુકાવા લાગ્યો. આ ઉદાર, મહા સત્ત્વયુક્ત બુદ્ધિવાળા, સુખદુઃખને સમાન ગણનારા ધૈર્યવાન પોપટની વાત જાણીને ઇન્દ્રને અચરજ થયું. તેમણે વિચાર્યું, આ પંખી પક્ષીઓની જાતમાં જન્મીને અસંભાવ્ય પારકા દુઃખે દયાભાવ દાખવી રહ્યો છે. અથવા ઇન્દ્રને આ બાબતમાં કશું અચરજ ન થયું, કારણ કે બધાં પ્રાણીઓમાં તથા બધી જાતિઓમાં દયા અને નિષ્ઠુરતા જોવા મળતા હોય છે. ત્યાર પછી ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને પૃથ્વી પર ઊતર્યા અને તે પોપટને કહેવા લાગ્યા,

‘હે પક્ષીશ્રેષ્ઠ, દક્ષની દૌહિત્રી શુકી તારા દ્વારા ઉત્તમ પ્રજાવાળી થઈ છે. હું તને પૂછું છું કે તું શા માટે આ વૃક્ષનો ત્યાગ કરતો નથી?’

આમ ઇન્દ્રે પૂછ્યું એટલે પોપટે માથું નમાવીને પ્રણામ કરી કહ્યું, ‘દેવરાજ, તમારું સ્વાગત છે, તપને કારણે હું તમને ઓળખી ગયો છું.’

ત્યાર પછી સહાક્ષ ઇન્દ્રે, ‘સાધુ સાધુ’ કહ્યું, ‘શું આશ્ચર્યયુક્ત વિજ્ઞાન છે?’ એમ વિચારી મનોમન તેના તપની પ્રશંસા કરવા લાગ્યા.

વલસૂદન (વલનો વધ કરનાર) ઇન્દ્રે આ શુભ કર્મ કરનારા પરમ ધાર્મિક પોપટને જાણીને પણ વૃક્ષ સાથેની સુહૃદતા વિશે પૂછ્યું.

‘આ વૃક્ષ પર્ણહીન, ફલહીન છે; સુકાઈ ગયું છે. પક્ષીઓને માટે રહેવા લાયક નથી. આ મહાવનમાં બીજાં, પુષ્કળ વૃક્ષો છતાં તું આનું સેવન શા માટે કરે છે? આ મહાવનમાં બીજાં અનેક વૃક્ષો છે, એમનાં કોટર પર્ણવાળાં છે, દેખાવે સુંદર છે, તે વૃક્ષો પર પક્ષીઓને હરવા ફરવા પૂરતી જગા છે. હે ધીર પક્ષી, આ વિશે બુદ્ધિપૂર્વક વિચારીને તું આ નિર્જીવ, સામર્થ્યહીન, સારહીન, શ્રીહીન, સૂકા વૃક્ષનો ત્યાગ કર.’

ધર્માત્મા પોપટે ઇન્દ્રની વાત સાંભળીને, દીર્ઘ નિ:શ્વાસ નાખીને દુઃખી થઈને કહ્યું,

‘હે શચીપતિ, દેવરાજ, દૈવનું ઉલ્લંઘન થઈ શકતું નથી. તમે જે વિશે પ્રશ્ન પૂછ્યો છે તે વિશે સાંભળો. હું આ વૃક્ષ પર જન્મ્યો, બાલ્યાવસ્થાથી ઊછર્યો છું, સદ્ગુણી બન્યો છું, શત્રુઓથી કદી ત્રાસ પામ્યો નથી. હે અનઘ(પાપરહિત), હું પારકાના દુઃખે દુઃખી થઉં છું; દયાળુ, ભક્ત અને અનન્ય ગતિવાળો છું. તમે કરુણા કરીને મારામાં શા માટે વૈફલ્યનો ભાવ પ્રગટાવો છો? સાધુઓના મહાન ધર્મનું લક્ષણ દયા છે. એનાથી જ તેઓ સદા પ્રસન્ન રહે છે. બધા દેવતાઓ ધર્મ વિશે કશી શંકા થાય ત્યારે તમને જ પૂછે છે. હે દેવ, આ જ કારણે તમે દેવતાઓના અધિપતિ છો. હે સહાક્ષ, મારા જેવા ભક્તને આ વૃક્ષત્યાગ માટે કહેવું તમને શોભતું નથી. જ્યારે આ વૃક્ષ સમર્થ હતું ત્યારથી હું તેનો આશ્રિત છું. આજે હું કેવી રીતે તેનો ત્યાગ કરું? એ કેમ બને?’

ઇન્દ્ર તેની વાત સાંભળીને હર્ષ પામ્યા. તે ધર્મજ્ઞ પોપટના દયા ભાવથી અત્યંત સંતુષ્ટ થઈને બોલ્યા, ‘તું વર માગ.’ ત્યારે પોપટે એ વૃક્ષ ફરી પાછું લીલુંછમ્મ થાય એવો વર માગ્યો. દેવરાજ તે પોપટની વૃક્ષ પરની દૃઢ ભક્તિ અને શીલસંપદા જાણીને પ્રસન્ન થયા અને તરત જ તે વૃક્ષને અમૃતથી સીંચ્યું, ત્યાર પછી તે વૃક્ષ પોપટની દૃઢ ભક્તિથી ફળફૂલપર્ણ અને સુંદર શાખાઓથી શ્રીસંપન્ન બન્યું.

(અનુશાસન, ૫)