ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કપિલા ગાયોની કથા


કપિલા ગાયોની કથા

પ્રાચીન કાળમાં સ્વયંભૂ બ્રહ્માએ દક્ષને આજ્ઞા કરીને કહ્યું કે તમે પ્રજાને જન્મ આપો. ત્યારે પ્રજાહિત માટે તેમના જીવનનિર્વાહની વ્યવસ્થા કરી. જેવી રીતે દેવતાઓ અમૃતના આધારે છે તેવી રીતે બધી પ્રજા આજીવિકાના આધારે છે. જીવો આજીવિકા માટે બ્રહ્મા પાસે ગયા. ત્યારે મનમાં ને મનમાં એનો વિચાર કરીને પ્રજાપતિએ આજીવિકા માટે અમૃત પીધું અને તૃપ્ત થયા, તેમના મોંમાંથી સુરભિ(સુવાસ) પ્રગટી; તેની સાથે જ સુરભિ ગાય પણ પ્રગટી. પ્રજાપતિએ તેને પોતાની પુત્રી માની. પછી સુરભિએ સુવર્ણરંગી કપિલા ગાયોને જન્મ આપ્યો. જેવી રીતે નદીઓના તરંગોમાંથી ફીણ થાય છે તેવી રીતે બધા પ્રકારનું દૂધ આપનારી ગાયોનાં દૂધમાંથી ફીણ પ્રગટ્યું. આ ફીણ વાછરડાના મોંમાંથી પૃથ્વી પર વસતા મહાદેવના માથા પર પડ્યું. આને કારણે તેમણે ક્રોધે ભરાઈને કપિલાને ભસ્મ કરવા તેની સામે જોયું. જેવી રીતે સૂરજ વાદળોને રંગબેરંગી બનાવે છે તેવી રીતે મહાદેવના તેજે કપિલા ગાયોને જુદા જુદા રંગવાળી બનાવી દીધી. જે ગાયો ત્યાંથી ભાગીને ચંદ્રના શરણે ગઈ તેમના રંગ બદલાયા નહીં. પછી ક્રોધે ભરાયેલા મહાદેવને પ્રજાપતિએ કહ્યું, ‘તમે અમૃતથી અભિસિક્ત થયા છો. ગાયોનું દૂધ એંઠું નથી હોતું. જેવી રીતે ચંદ્રમા અમૃત ઝીલીને ફરી એની વર્ષા કરે છે તેવી જ રીતે આ રોહિણી ગાયો અમૃતથી ઉત્પન્ન થયેલું દૂધ આપે છે. વાયુ, અગ્નિ, સુવર્ણ, સમુદ્ર અને દેવતાઓએ પીધેલું અમૃત દૂષિત નથી હોતું તેવી રીતે વાછરડાએ પીધા પછી ગાયો પણ દૂષિત નથી થતી. આ ગાયો ઘી અને દૂધ વડે બધા લોકોનું ભરણપોષણ કરશે. બધા જ આના અમૃતમય ઐશ્વર્યની ઇચ્છા કરે છે.’ પછી મહાદેવને પ્રસન્ન કરવા ગાયો ઉપરાંત એક વૃષભ આપ્યો. મહાદેવે પ્રસન્ન થઈને તે વૃષભને પોતાની ધજા આપી, તેને પોતાનું વાહન બનાવ્યો અને તેમનું નામ વૃષભધ્વજ પડ્યું. (અનુશાસન પર્વ, ૭૬)