ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નચિકેત અને યમ


નચિકેત અને યમ

બુદ્ધિમાન ઉદ્દાલક ઋષિએ યજ્ઞની દીક્ષા સ્વીકારીને પુત્ર નચિકેતને પોતાની સેવા કરવા કહ્યું, તે યજ્ઞ પૂરો થયો એટલે પુત્રને તેમણે કહ્યું, ‘હું સ્નાન કરતી વેળાએ અને વેદપાઠ કરતી વખતે નદીકિનારે સમિધ, કુશ, પુષ્પ અને પાણીથી ભરેલો કળશ ભૂલી ગયો છું, તું જઈને તે બધી વસ્તુઓ અહીં લઈ આવ.’

નચિકેત ત્યાં ગયો પણ તેને કશું મળ્યું નહીં, નદીના વેગીલા પ્રવાહમાં બધું વહી ગયું હતું. તેણે પિતા પાસે જઈને કહ્યું, ‘મને ત્યાં કશંુ ન દેખાયું.’

ઉદ્દાલક મુનિ ત્યારે ભૂખતરસથી વ્યાકુળ અને થાકેલા હતા. એટલે તેમણે પુત્રને શાપ આપ્યો, ‘તું યમના દર્શન કર ત્યારે.’

પિતાના વચનવજ્રથી પીડિત થઈને હાથ જોડી તે બોલ્યો, ‘પ્રસન્ન થાઓ.’ આટલું કહેતાંવેંત તે ચૈતન્ય ગુમાવી ધરતી પર પડી ગયો. નચિકેતને પૃથ્વી પર પડેલો જોઈ ‘આ મેં શું કર્યું?’ કહી દુઃખથી મૂર્ચ્છા પામી તે પોતે નીચે પડી ગયા. દુઃખી થઈને પુત્રને ગળે વળગાડ્યો અને દિવસ તથા ભયંકર રાત્રિ વીતાવી. સુકાઈ ગયેલી અનાજની ખેતી જેમ વર્ષાથી હરીભરી થાય છે તેમ કુશ પર પડેલો નચિકેત પિતાના આંસુના સ્પર્શ સળવળ્યો. મૃત્યુ પામીને પાછા આવેલા, જાણે ઊંઘમાંથી ઊઠેલા, દિવ્ય ગંધવાળા પુત્રને પિતાએ પૂછ્યું, ‘હે પુત્ર, શું તેં સ્વકર્મથી શુભ લોકો પર વિજય મેળવ્યો છે? મેં દૈવબળથી તને ફરી પ્રાપ્ત કર્યો, તારું આ શરીર માનુષી નથી, તે દિવ્ય છે.’

પરલોકની બધી ઘટનાના પ્રત્યક્ષદર્શી પુત્રે પિતાએ પૂછ્યું એટલે બીજા સાધુ મહર્ષિઓની વચ્ચે બધી વાર્તા કહેવા લાગ્યો,

‘હું તમારી આજ્ઞાનું પાલન કરવા માટે અહીંથી નીકળ્યો અને અત્યંત વિશાળ, રુચિર પ્રભાવવાળી યમપુરીમાં આવીને સભા જોઈ. અત્યંત પ્રભાવાળી તે સેંકડો યોજનની કાંચનભૂમિ પર પોતાનું તેજ રેલાવી રહી હતી. હું યમરાજને ત્યાં પહોંચ્યો એટલે મને આસન આપવા આજ્ઞા કરી. તેમને પાદ્ય અર્ઘ્યથી મારી પૂજા કરી. પછી મેં સદસ્યોથી ઘેરાયેલા અને પૂજ્યમાન યમને મૃદુ સ્વરે કહ્યું, ‘હે ધર્મરાજ, હું તમારે ત્યાં આવ્યો છું એટલે હું જે લોકને માટે યોગ્ય હોઉં તેની વાત કરો.’

યમે કહ્યું, ‘હે સૌમ્ય, તું મૃત્યુ પામ્યો નથી. તારા તેજસ્વી પિતાએ માત્ર આટલું જ કહ્યું હતું કે તું યમનું દર્શન કર. હે વિપ્ર, તારા પિતા પ્રજ્વલિત અગ્નિ સમાન તેજસ્વી છે, હું તેમની વાત મિથ્યા ન કરી શકું. હે તાત, તેં મારું દર્શન કર્યું, હવે પાછો જા. તારા દેહકર્તા પિતા શોક કરે છે. તારી કઈ ઇચ્છા પૂરી કરું? તું મારો પ્રિય અતિથિ છે. એટલે ઇચ્છા થાય તે વર માગ.’

ધર્મરાજની વાત સાંભળી મેં કહ્યું, ‘જે સ્થળે આવ્યા પછી કોઈ પાછું જઈ શકતું નથી તે સ્થળે હું આવ્યો છું. જો તમે મને વરદાન આપવા માગતા હો તો પુણ્યાત્મા પુરુષોના સમૃદ્ધ લોક જોવા માગું છું.’ ત્યાર પછી તે દેવે વાહનવાળા પ્રકાશિત ઉત્તમ પ્રભાવાળા તેજસ્વી યાન પર બેસાડી પુણ્યાત્માઓને પ્રાપ્ત થનારા બધા લોકનું દર્શન કરાવ્યું. મેં ત્યાં મહાત્માના તેજસ્વી ગૃહ જોયા, તેમનું નિર્માણ અનેક પ્રકારનું હતું, અને બધા પ્રકારનાં રત્નોથી તે નિર્માયાં હતાં. તે બધા ચંદ્રમંડળ જેવાં તેજોમય હતાં, નાની નાની ઘંટડીઓવાળી ઝાલર હતી, ત્યાં સેંકડો માળ હતા, તેમાં જલાશય અને વન હતાં, તે વૈડૂર્ય અને સૂર્યની જેમ પ્રકાશિત હતા, કેટલાંક રૂપાનાં, કેટલાંક સોનાનાં હતાં. ઊગતા સૂર્યજેવા રાતા ઘણા બધા હતા. કેટલાક સ્થાવર હતા, કેટલાક જંગમ.

ત્યાં ખાણીપીણીના મોટા મોટા ઢગલા હતા, વિપુલ સંખ્યામાં વસ્ત્રો, શય્યા હતાં, સર્વ મનોકામનાઓ પૂરી કરનારા વૃક્ષ તે ભવનોમાં હતાં. ત્યાં નદીઓ, વીથિઓ(માર્ગો), સભાગૃહ, વાવ, તળાવ, તૈયાર કરેલા ઘોષ કરનારા સેંકડો રથ હતા. દૂધ વહેવડાવતી નદીઓ, પર્વત, ઘી, નિર્મલ જળ, વૈવસ્વત (યમ)ની અનુમતિથી અત્યાર સુધી ન જોયેલાં સ્થળ જોયા. આ બધું જોઈને મેં પુરાણપ્રભુ ધર્મરાજને કહ્યું, ‘આ બધી દૂધ અને ઘીની નદીઓ કોના માટે છે?’

(પછી યમ દાનનો મહિમા, ગોદાનનો મહિમા વિગતે સમજાવે છે, ગાયનું મહત્ત્વ પણ વર્ણવે છે.)

ધર્મરાજની આ બધી વાત સાંભળીને મેં મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યાં અને તેમની આજ્ઞાથી તમારા ચરણોમાં આવ્યો છું.’

(અનુશાસન, ૭૦)