ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/પૂજની ચકલીની કથા


પૂજની ચકલીની કથા

કાંપિલ્યના રાજા બ્રહ્મદત્તના અંત:પુરમાં પૂજની નામની ચકલી ઘણા સમયથી એમની સાથે રહેતી હતી. તે જીવજીવક પક્ષીની જેમ બધાં પ્રાણીઓની બોલી સમજી શકતી હતી અને તિર્યક્ જાતિમાં જન્મી હોવા છતાં સર્વજ્ઞ હતી, બધા જ ધર્મતત્ત્વની જાણકાર હતી. પૂજનીએ તે રાજમંદિરમાં એક સુંદર તેજસ્વી પુત્રને જન્મ આપ્યો, તે જ અરસામાં રાણીને પણ એક પુત્ર જન્મ્યો. પૂજની સમુદ્રકિનારે હરતાંફરતાં બે ફળ લાવતી હતી, એક પોતાના પુત્ર માટે અને બીજું રાજપુત્ર માટે. આ રીતે તે અમૃત સમાન સ્વાદવાળા, બળ અને તેજની વૃદ્ધિ કરનારાં બે ફળમાંથી એક ફળ પોતાના પુત્રને આપતી હતી અને બીજું ફળ રાજપુત્રને આપતી હતી. રાજપુત્ર તે ફળ ખાઈને ખૂબ જ હૃષ્ટપુષ્ટ થયો. એક દિવસ તે રાજપુત્ર ધાત્રીના ખોળામાં બેસીને તે પક્ષીના બચ્ચા સાથે રમવા લાગ્યો. ત્યાર પછી તે રાજપુત્રે પોતાની સાથે જન્મેલા એ પક્ષીને કોઈ સૂના સ્થાને લઈ જઈ તેને મારી નાખ્યો અને પછી ધાત્રીના ખોળામાં પાછો બેસી ગયો. ત્યાર પછી પૂજની ફળ લઈને આવી અને ત્યાં તેણે રાજપુત્રે મારી નાખેલા અને જમીન પર પડેલા પોતાના પુત્રને જોયો. પોતાના પુત્રને મરેલો જોઈ પૂજનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને દુઃખથી સંતપ્ત થયેલી દીન પૂજની બોલી, ‘ક્ષત્રિયમાં સહવાસનો ભાવ, પ્રીતિ, સૌહાર્દ નથી હોતાં, આ લોકો કોઈ સ્વાર્થથી પ્રેરાઈને જ બીજાઓની પૂજા કરે છે અને કાર્ય પૂરું થયા પછી આશ્રિતોનો ત્યાગ કરી દે છે. સર્વનો વિનાશ કરનારા ક્ષત્રિયો પર વિશ્વાસ કરવો નહીં, આ લોકો અપકાર કર્યા પછી પણ નિરર્થક સાંત્વન આપતા રહે છે. આજે હું આ વિશ્વાસઘાતી, ક્રૂર, કૃતઘ્ન ક્ષત્રિય બાળક સામે વેર લઈશ. સાથે સાથે જન્મીને ઉછરેલા, સાથે ભોજન કરનારા અને શરણાગતનો વધ કરવાથી તેણે ત્રણ પ્રકારનાં પાપ કર્યાં છે.’

પૂજનીએ એમ કહીને પોતાની બંને પાંખો વડે રાજપુત્રની આંખો ફોડી નાખી અને આકાશમાં જઈ તે બોલી. ‘આ સંસારમાં જે પાપ ઇચ્છા કરીને થયાં છે તેનું ફળ એ જ સમયે પાપ કરનારાને મળે છે. જેમને પાપનો બદલો મળે છે તેમનાં પહેલાનાં શુભાશુભ ફળ નષ્ટ થતાં નથી. જો કોઈએ કરેલાં પાપકર્મનું કોઈ ફળ ન દેખાય તો પણ તેના પુત્ર, પૌત્ર, સ્વજનોમાં તે પાપકર્મનું ફળ જોવા મળે છે.’

બ્રહ્મદત્તે કહ્યું, ‘હે પૂજની, અમે તારો અપરાધ કર્યો છે, તેનું વેર તેં લઈ લીધું, એટલે આપણાં બંનેનાં પલ્લાં સરખાં થઈ ગયા, એટલે તું મારા જ નિવાસમાં રહે, બીજે ન જા.’

પૂજનીએ કહ્યું, ‘જેણે જે સ્થાને એક વાર કોઈનો અપરાધ કર્યો હોય પંડિતો ત્યાં વાસ કરનારની પ્રશંસા નથી કરતા, ત્યાંથી જતા રહેવામાં જ કલ્યાણ છે.’

(પછી બંને વચ્ચે ચાલતા સંવાદમાં અપરાધ-શિક્ષા-પ્રાયશ્ચિત્તની લાંબી ચર્ચા છે.)

(શાંતિપર્વ, ૧૩૭)