ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/મતંગ અને ગર્દભીની કથા


મતંગ અને ગર્દભીની કથા

કોઈ બ્રાહ્મણને મતંગ નામનો પુત્ર હતો, તે કોઈ અન્ય વર્ણના પુરુષથી જન્મ્યો હોવા છતાં જાત કર્મના સંસ્કારથી તે બ્રાહ્મણતુલ્ય જ હતો. પિતાની આજ્ઞાથી તે કોઈનો યજ્ઞ કરાવવા શીઘ્રગામી ગર્દભવાળા રથ પર ચઢીને નીકળ્યો. રથ ખેંચવાવાળો ગર્દભ નાની વયનો હતો. એણે તેની માના દેખતાં વારેવારે મારીને ગર્દભના નાકને ઈજા કરી. પુત્રપ્રેમી ગર્દભી નાકમાં ઊંડો ઘા પડેલો જોઈને બોલી, ‘હે પુત્ર, શોક ન કર, તારા ઉપર ચાંડાળ સવાર થયો છે. બ્રાહ્મણો આવા દારુણ નથી હોતા. બ્રાહ્મણો બધાના મિત્ર હોય છે. બધાં પ્રાણીઓના શાસ્તા આચાર્ય શું ક્યારેય કોઈના પર પ્રહાર કરે? આ સ્વભાવથી પાપ વૃત્તિવાળો છે એટલે બાળક પર દયા નથી કરતો. તે પોતાની જાતિનો જ આદર કરે છે, જાતિ સ્વભાવ બુદ્ધિ પર નિયંત્રણ કરે છે.’

મતંગ ગર્દભીનું આવું દારુણ વચન સાંભળીને તરત જ રથમાંથી ઊતરીને ગદર્ભીને પૂછ્યું, ‘હે કલ્યાણી, મારી માતા કોનાથી દૂષિત થઈ છે? તેં મને ચાંડાળ કેવી રીતે માન્યો? મને જલદીથી કહે. મેં કોના વડે ચાંડાળ જાતિમાં જન્મ લીધો છે? મારું બ્રાહ્મણત્વ કેવી રીતે નાશ પામ્યું છે? તને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ? હે મહાપ્રાજ્ઞી, તું આ વિશે યથાર્થ કહે.’

ગર્દભી બોલી, ‘તું યૌવનથી ઉન્મત થયેલી બ્રાહ્મણી અને ચાંડાળ નાપિત (વાળંદ) દ્વારા જન્મ્યો છે, તું ચાંડાલ છે એટલે તારું બ્રાહ્મણત્વ નષ્ટ થયું છે.’

ગર્દભીની વાત સાંભળીને મતંગ ઘેર પાછો આવ્યો, એને આવેલો જોઈ એના પિતાએ કહ્યું,

‘મેં તને યજ્ઞસિદ્વિના મોટા કાર્યમાં નિયુક્ત કર્યો હતો, તો પછી તું શા માટે પાછો આવ્યો? તારી તબિયત તો સારી છે ને?’

મતંગે કહ્યું, ‘જે પુરુષ ચાંડાળ કે એનાથીય ઊતરતી જ્ઞાતિનો હોય તે કેવી રીતે કુશળ રહી શકે? હે પિતા, આ જેની મા છે તે કુશળ કેવી રીતે? હે પિતા! માનવેતર જાતિમાં જન્મેલી ગર્દભી મને બ્રાહ્મણી અને ચાંડાળનો પુત્ર કહે છે, એટલે હું મોટું તપ કરીશ.’

પિતાને આમ કહીને મોટું તપ કરવા કૃતનિશ્ચયી બન્યો. મહા અરણ્યમાં જઈને વનમાં તપ કરવા લાગ્યો. કાલક્રમે મતંગ ઉત્તમ રીતે બ્રાહ્મણત્વ મેળવવા ઘોર તપ આદરી દેવતાઓને સંતાપ આપવા લાગ્યો. તેને આવી રીતે તપ કરતો જોઈ દેવરાજ બોલ્યા, ‘હે મતંગ, તું માનવભોગ ત્યજીને શા નિમિત્તે તપ કરી રહ્યો છે? હું તને વરદાન આપું છું, ઇચ્છા થાય તે માગી લે. તારા મનમાં જે હોય તે બધું માગ, વાર ન લગાડીશ.’

મતંગે કહ્યું, ‘હું બ્રાહ્મણત્વ મેળવવા આ તપ કરી રહ્યો છું, તે પ્રાપ્ત થશે ત્યારે જ અહીંથી જઈશ.’

ઇન્દ્રે તેની વાત સાંભળીને કહ્યું, ‘જેમનું અંત:કરણ સ્વચ્છ ન હોય તેમને માટે બ્રાહ્મણત્વ શક્ય નથી. બધાં પ્રાણીઓમાં બ્રાહ્મણત્વ શ્રેષ્ઠ છે, આ તપ વડે એ ઇચ્છા પાર પડી નહીં શકે. એ શ્રેષ્ઠતા માટે તપ કરવા જતાં તું તરત જ નાશ પામીશ. દેવતા, અસુર અને મનુષ્યોમાં જે પરમ પવિત્ર તરીકે વર્ણવાયું છે તે બ્રાહ્મણત્વ ચંડાળજાતિમાં જન્મેલો પુરુષ કોઈ રીતે પ્રાપ્ત કરી ન શકે.’

દૃઢ નિશ્ચયી, ઉત્તમ વ્રતી મતંગ ઇન્દ્રની એવી વાત સાંભળીને સો વર્ષ સુધી એક પગે ઊભો રહીને તપ કરતો રહ્યો.

એટલે મહાયશસ્વી ઇન્દ્રે ફરી તેને કહ્યું, ‘હે મતંગ, તું અત્યંત દુર્લભ પરમ સ્થાન પ્રાપ્ત કરવા માગે છે. હે પુત્ર, તું સાહસ ન કર. આ તારા ધર્મનો માર્ગ નથી. અપ્રાપ્ય વિષયની પ્રાર્થના કરવાથી થોડા જ સમયમાં તે નષ્ટ થશે. તે મતંગ, તું વારંવાર મારી ના છતાં બધા પ્રકારનાં તપ વડે પરમ પદ પ્રાપ્ત કરવા માગે છે, પણ તને સફળતા નહીં મળે. પશુપક્ષી યોનિના બધા જીવ જો મનુષ્યત્વ પ્રાપ્ત કરી લે તો તે પહેલાં પુલ્કસ કે ચાંડાળ થઈને જન્મ લે છે. હે મતંગ, આ લોકમાં વ્યભિચારી કે પાપયોનિમાં જો કોઈ જીવ દેખાય તો તે એ જ જાતિમાં લાંબો સમય ભમતો રહેશે. સહ વર્ષ પછી તે શૂદ્ર યોનિમાં રહે છે. એ જ યોનિમાં તે વારંવાર પરિભ્રમણ કરે છે. ત્યાર પછી ત્રીસ ગણો સમય વીતે ત્યારે તે વૈશ્ય જાતિમાં જન્મે છે, એ જ જાતિમાં તેને વારંવાર જન્મ લેવો પડે છે. પછી સાઠ ગણો સમય વીતે ત્યારે તે ક્ષત્રિય જાતિમાં જન્મે છે, એ જ જાતિમાં લાંબો સમય તેને ભમવું પડે છે. ફરી સાઠ ગણો સમય વીતે ત્યારે તે હલકા પ્રકારના બ્રાહ્મણને ઘેર જન્મે છે; ત્યાં પણ તેને ઘણો સમય ભમવું પડે છે. ત્યાર પછી બસો ગણો સમય વીતે ત્યારે અસ્ત્રશસ્ત્ર વડે જીવિકા ચલાવતા બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે, આમ છતાં તે જાતિમાંય બહુ સમય સુધી પરિભ્રમણ કરવું પડે છે. ત્યાર પછી ત્રણસો વર્ષનો સમય વીતે ત્યારે ગાયત્રીનો જાપ કરનારા બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થાય છે. એવો જન્મ મળ્યા પછી પણ બહુ સમય સુધી એ જ કુળમાં વારે વારે જન્મ લે છે. ફરી ચારસો વર્ષે તે ક્ષોત્રિય કુળમાં જન્મ લે છે, એ કુળમાં પણ લાંબો સમય ભ્રમણ કરે છે. હે પુત્ર, આ જ રીતે કામ દ્વેષ, ક્રોધહર્ષ, અતિમાન, અતિવાદ વગેરે દોષ તે દ્વિજાધમમાં પ્રવેશે છે. તે જો એ શત્રુઓ પર વિજય મેળવી શકે તો સદ્ગતિ પ્રાપ્ત કરી શકે, અથવા જો એ શત્રુઓ તેને જીતી લે તો તાલ વૃક્ષની ટોચ પરથી પડતા ફળની જેમ નીચે પડી જાય છે. હે મતંગ, મેં તને જે કહ્યું તેના સારી રીતે વિમર્શ કરી બીજા મનગમતા વરની પ્રાર્થના કર. બ્રાહ્મણત્વ દુર્લભ છે.’

આ સાંભળીને મતંગ બહુ શોકમગ્ન થયો. ગયામાં જઈ સો વર્ષ અંગૂઠા પર ઊભો રહ્યો. એવું સાંભળ્યું છે કે તે ધર્માત્મા દુષ્કર યોગનો આધાર લઈ અત્યંત કૃશ થઈ ગયો નાડીઓ ઊપસી આવી, અસ્થિચર્મ ખરી ગયું. બધાં પ્રાણીઓનું હિત જોનારા વાસવે (ઇન્દ્રે) તેને ખરતું જોઈને ત્યાં ધસી ગયા અને તેને ઝાલી રાખ્યું.

ઇન્દ્રે કહ્યું, ‘મતંગ, અત્યારે બ્રાહ્મણત્વ કામાદિ શત્રુઓથી ઘેરાયેલું છે, બ્રાહ્મણોની પૂજા કરવાથી સુખ મળે છે અને પૂજા ન કરવાથી દુઃખ. સર્વ પ્રાણીઓનું યોગક્ષેમ બ્રાહ્મણત્વમાં સ્થાપિત થયું છે, પિતૃઓ અને દેવગણ બ્રાહ્મણોથી તૃપ્ત થયા છે. હે મતંગ, બ્રાહ્મણ બધા ભૂતોમાં શ્રેષ્ઠ વર્ણવાયો છે. તેને જે ઇચ્છા થાય છે તે તેને ફળીભૂત થાય છે. જીવ અનેક યોનિમાં પ્રવેશ કરીને વારે વારે જન્મ લે છે અને ત્યારે ક્યારેક બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરે છે.’

મતંગે કહ્યું, ‘હું દુઃખી છું અને મને શા માટે દુઃખી કરો છો? મરેલાને શું કામ મારો છો? જે પુરુષ બ્રાહ્મણત્વ પામીને પણ પામ્યો નથી એનો શોક કરું છું. હે શતક્રતુ, જો ક્ષત્રિય વગેરે ત્રણ વર્ણો માટે બ્રાહ્મણત્વ દુર્લભ છે, અને દુર્લભ હોઈ માનવો તેનું અનુષ્ઠાન નથી કરતા, ધનસદૃશ બ્રાહ્મણત્વ પામીને જે પુરુષ એનું અનુષ્ઠાન નથી કરતો તે પાપીઓમાં પાપી અને તેનાથી ય અધમ છે. બ્રાહ્મણત્વ પામવું જ દુષ્પ્રાપ્ય છે, પ્રાપ્ત થયા પછી તેનું પાલન કરવું અઘરું છે, આ દુર્લભ વિષય પામીને પણ મનુષ્ય તેનું અનુષ્ઠાન નથી કરતો. હે શક્ર, એકાંતવાસ, નિર્દ્વન્દ્વ, અહિંસા, ઇન્દ્રિયદમન અને દાનનો આધાર લીધા પછી પણ હું શા માટે બ્રાહ્મણત્વ પ્રાપ્તિ માટે અપાત્ર છું? હે પુરંદર, હું સ્વેચ્છાપૂર્વક વિહાર કરું, ઇચ્છાનુસાર રૂપ ધારણ કરી આકાશગામી થઉં, બ્રાહ્મણ ક્ષત્રિયના વિરોધ વિના પૂજા પ્રાપ્ત થાય અને મારી અક્ષય કીર્તિ થાય એવું કરો.’

ઇન્દ્રે કહ્યું, ‘તું છંદોદેવ નામથી વિખ્યાત થઈશ અને સ્ત્રીઓ તને પૂજશે.’ આવું વરદાન આપી ઇન્દ્ર અંતર્ધાન થયા. મતંગ પણ પ્રાણ ત્યજીને તે પરમ પદ પામ્યો.

(અનુશાસન, ૨૮-૩૦)