ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/યુધિષ્ઠિરનો યજ્ઞ અને નોળિયો


યુધિષ્ઠિરનો યજ્ઞ અને નોળિયો

(મહાભારતકારે હમેશા સાદગી, સંયમને પ્રાધાન્ય આપ્યું, અને એટલે જ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં એક ચમત્કારિક ઘટના પણ આલેખી.)

રાજસૂય યજ્ઞ માટે જ્યારે યુધિષ્ઠિર પર પુષ્પવૃષ્ટિ થઈ હતી ત્યારે અડધું અંગ સોનાનું હોય તેવો એક નોળિયો ત્યાં આવી ચઢ્યો અને તે મનુષ્યની વાણીમાં બોલ્યો, ‘તમારો આ યજ્ઞ એક બ્રાહ્મણના જેવો તો નથી જ.’ અને પછી એ આખો પ્રસંગ વર્ણવે છે. એક બ્રાહ્મણ બહુ ઓછું અન્ન લાવીને જીવન જીવતો હતો. એના ઘરમાં પત્ની, પુત્ર અને પુત્રવધૂ હતા. આ ચારે જણ સાદાઈથી, સંયમથી જીવતા હતા. એવામાં ત્યાં દુકાળ પડ્યો, બ્રાહ્મણ પાસે કશું ન હતું, ખેતરોનો પાક નાશ પામ્યો હતો. બ્રાહ્મણ પરિવારને ભૂખ્યા રહેવાનો આવ્યો. એક વેળા તેને થોડા જવ મળ્યા. એમાંથી તેમણે ભાખરી તૈયાર કરી. તેઓ ભોજન કરવા બેઠા હતા ત્યાં કોઈ બ્રાહ્મણ અતિથિ આવ્યો. બ્રાહ્મણને તેમણે જમાડ્યો. તો પણ તેની ભૂખ શમી નહીં, એટલે એની પત્નીએ પોતાના ભાગનું ભોજન આપી દીધું. બ્રાહ્મણ દંપતીએ પુષ્કળ આગ્રહ કર્યો એટલે અતિથિએ તે ભોજન સ્વીકાર્યું પણ તોય તે ભૂખ્યો રહ્યો, એટલે બ્રાહ્મણપુત્રે પોતાના ભાગનું ભોજન આપી દીધું, તો પણ અસંતુષ્ટ રહેલા અતિથિને છેવટે પુત્રવધૂએ ભોજન આપ્યું. આ દાનથી બધા સંતુષ્ટ થયા. એ બધા સ્વર્ગે ગયા પછી હું દરમાંથી બહાર નીકળ્યો, ત્યાં વેરાયેલા કણમાં આળોટવાથી મારું અડધું અંગ સુવર્ણનું થયું, પછી હું ઘણે બધે સ્થળે ભમ્યો છું, અને તો પણ મારું બાકીનું શરીર સોનાનું ન જ થયું.’

(પાછળથી જનમેજય આ નોળિયા વિશે પૂછે છે ત્યારે વૈશમ્પાયન એ કથા કહે છે)

જમદગ્નિ ઋષિએ શ્રાદ્ધ કરવાનો સંકલ્પ કર્યો એટલે તેમની કામધેનુ જાતે જ તેમની પાસે આવી અને ઋષિએ પોતે એને દોહી. દૂધ પવિત્ર અને નવા વાસણમાં મૂક્યું. પછી ક્રોધ રૂપ ધારણ કરીને તે વાસણમાં પ્રવેશ્યા. તેઓ ઋષિની પરીક્ષા લેવા માગતા હતા. ઋષિ આવી ઘટના જોઈને શું કહે છે તેની તેમને જિજ્ઞાસા થઈ. ક્રોધે એ દૂધને વલોવ્યું. મુનિએ આ બધું જાણ્યા કર્યા પછી પણ ક્રોધ ન કર્યો. ભૃગૃશ્રેષ્ઠ જમદગ્નિ પાસે બે હાથ જોડીને ક્રોધ ઊભા રહી ગયા. તે બોલ્યા, ‘હે ભાર્ગવ, હું પરાજિત થયો. ભૃગુવંશી બ્રાહ્મણો બહુ ક્રોધી હોય છે એવી વાત મેં સાંભળી હતી. પરંતુ આજે એ વાત ખોટી સાબીત થઈ, તમારો વિજય થયો. તમે મહાત્મા છો, ક્ષમાવાન છો, એટલે આજથી હું તમારે વશ. તમારા તપની મને બીક લાગે છે. એટલે તમે મારા પર પ્રસન્ન થાઓ.’

જમદગ્નિએ આ સાંભળી કહ્યું, ‘મેં તમને સાક્ષાત્ જોયા છે. તમે મારો કોઈ અપરાધ કર્યો નથી. હું તમારા પર ક્રોધે ભરાયો નથી. તમે નિશ્ચંતિ બનીને જાઓ. મેં પિતૃઓ માટે આ દૂધનો સંકલ્પ કર્યો હતો. એ પિતૃઓ જ એના સ્વામી છે. તેમની પાસેથી જ તમે વધુ જાણી શકશો એટલે તમે જાઓ.’

જમદગ્નિની આવી વાત સાંભળીને ભયભીત થયેલા ક્રોધ પિતૃઓના અભિશાપથી નોળિયા રૂપે જન્મ્યા. તેમણે શાપના અંત માટે પિતૃઓને વિનંતી કરી. ત્યારે તેઓ બોલ્યા, ‘જ્યારે તમે ધર્મની નિંદા કરશો ત્યારે આ શાપમાંથી મુક્ત થશો.’

તેમણે જ નોળિયાને યજ્ઞસ્થાનનું અને ધર્મારણ્યનું ઠેકાણું બતાવ્યું હતું, તે ધર્મરાજની નિંદા કરવા માટે જ દોડતો દોડતો યજ્ઞસ્થળે આવી ચઢ્યો હતો. તેણે જ્યારે કહ્યું, ‘તમારો યજ્ઞ પેલા બ્રાહ્મણની તોલે ન આવે’ ત્યારે તે નોળિયો શાપમુક્ત થયો.

(આશ્વમેધિક પર્વ, અધ્યાય ૯૨થી ૯૪, ૯૬)