ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિપુલે ગુરુપત્નીની કરેલી રક્ષા


વિપુલે ગુરુપત્નીની કરેલી રક્ષા

દેવશર્મા નામના એક વિખ્યાત મહાભાગ ઋષિ હતા, તેમની ભાર્યાનું નામ રુચિ હતું. પૃથ્વીમાં એના જેવી સુંદરી કોઈ ન હતી. દેવ, ગંધર્વ, દાનવો અને ખાસ કરીને તો ઇન્દ્ર તેનું રૂપ જોઈને ઉન્મત્ત થઈ જતા હતા. નારીઓનું ચરિત્ર જાણનારા મહામુનિ દેવશર્મા યથાશક્તિ અને ઉત્સાહપૂર્વક પોતાની ભાર્યાની રક્ષા બધી રીતે કરતા હતા. ઇન્દ્ર પરસ્ત્રીગામી હતો એ વાત તેઓ જાણતા હતા. એટલે તેઓ પત્નીની રક્ષા કરતા હતા. એક વેળા તે ઋષિએ યજ્ઞ કરવાની ઇચ્છા પ્રગટ કરી, તે સમયે તેઓ વિચારવા લાગ્યા કે પત્નીની રક્ષા કેવી રીતે કરવી. મહા તપસ્વીએ મનોમન ભાર્યાની રક્ષાનો ઉપાય વિચારીને ભાર્ગવગોત્રી પોતાના પ્રિય શિષ્ય વિપુલને બોલાવીને કહ્યું, ‘હે પુત્ર, હું યજ્ઞ કરવા માટે બહાર જઈશ. સુરેશ્વર (ઇન્દ્ર) રુચિને ચાહે છે, તું શક્તિ પ્રમાણે તેની રક્ષા કરજે. ઇન્દ્ર વિશે તું સાવધ રહેજે, કારણ કે તે વિવિધ રૂપ ધારણ કરી શકે છે.’

આ સાંભળીને અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી, સદૈવ ઉગ્ર તપ કરવાવાળા, નિયતેન્દ્રિય તપસ્વી, ધર્મજ્ઞ, સત્યવાદી વિપુલે ઉત્તર આપ્યો, ‘ભલે એમ કરીશ.’ જ્યારે ગુરુ જવા નીકળ્યા ત્યારે તેણે ઋષિને ફરી પૂછ્યું, ‘શક્ર આવે ત્યારે તેમનાં કેવાં કેવાં રૂપ હોય છે, તે સમયે તેમનું શરીર કેવું હોય છે અને તેજ કેવું હોય છે? તમે મને એની સમજ પાડો.’

ત્યાર પછી ભગવાન મહાનુભાવ વિપુલને ઇન્દ્રની માયાનું વર્ણન કરવા લાગ્યા, ‘હે વિપ્રર્ષિ, વલનો વધ કરનાર પાકશાસન (ઇન્દ્ર) અનેક પ્રકારની માયા રચી શકે છે, તે અવારનવાર અનેક રૂપ ધારણ કરે છે. ક્યારેક તે કિરીટી, વજ્રધારી ધનુષ ધારણ કરીને, મુકુટવાળા, કાને કુંડળવાળા હોય છે, તો ક્યારેક ઘડીવારમાં ચાંડાળ જેવા દેખાય છે. ક્યારેક શિખાવાળા, ક્યારેક જટાવાળા, ક્યારેક ચીરવસ્ત્રવાળા, ક્યારેક વિશાળ શરીરવાળા, ક્યારેક સ્થૂળ તો ક્યારેક કૃશ દેખાય છે, તે ક્યારેક ગૌર, ક્યારેક શ્યામ તો ક્યારેક કૃષ્ણ વર્ણવાળા દેખાય છે, ક્યારેક કુરૂપ — ક્યારેક રૂપવાન, ક્યારેક મૂઢ, ક્યારેક મૌનધારી, ક્યારેક વામન ક્યારેક ખૂબ જ લાંબા બને છે. ક્યારેક બ્રાહ્મણ, ક્યારેક ક્ષત્રિય, ક્યારેક વૈશ્ય, તો ક્યારેક શૂદ્ર થઈ જાય છે. શતક્રતુ (ઇન્દ્ર) ક્યારેક અનુલોમ તો ક્યારેક પ્રતિલોમ બને છે. તે પોપટ, કાગડો, કોયલ અને હંસનું રૂપ લે, ક્યારેક સિંહ, વાઘ, હાથીનું રૂપ અવારનવાર લે. દેવ, દૈત્ય અને રાજાઓનું શરીર પણ ધારણ કરે, તે અત્યંત કૃશ, વાત રોગથી પીડાતા પક્ષી જેવા તો ક્યારેક વિકૃત વેશવાળા બને છે. ક્યારેક તે ચોપગા, બહુરૂપી, બાલિશ બને છે, તે મક્ષિકા અને મચ્છર જેવું રૂપ પણ ધારણ કરે છે. હે વિપુલ, કોઈ તેમને પકડી શક્તું નથી, વિશ્વકર્તા પણ તેમને ઓળખી નથી શકતા. ઇન્દ્ર અદૃશ્ય થાય ત્યારે જ્ઞાનનેત્રથી નજરે પડે છે, પછી વાયુરૂપ બની જાય છે. હે વિપુલ, ઇન્દ્ર આવી રીતે સદા નવાં નવાં રૂપ ધારણ કરે છે એટલે સુંદરી રુચિની કાળજીપૂર્વક રક્ષા કરજે. યજ્ઞનું નૈવેદ્ય ચાટવાની ઇચ્છા કરતા કૂતરા જેવા દેવેન્દ્ર રુચિનો સ્પર્શ કરી ન શકે એની સંભાળ રાખજે.’

આમ કહીને મહાભાગ દેવશર્મા મુનિ યજ્ઞ માટે ચાલી નીકળ્યા. વિપુલ પણ ગુરુની વાત સાંભળીને ચિંતાતુર થયો, મહાબળવાન ઇન્દ્રથી ગુરુપત્નીની રક્ષા કરવા તત્પર રહ્યો. તેણે વિચાર્યું, સુરેન્દ્ર અત્યંત પરાક્રમી, દુર્ઘષ અને માયાવી છે તો ગુરુપત્નીની રક્ષા કરવા શું કરી શકાય? આશ્રમ અને કુટીર બંધ કરીને ઇન્દ્રને દૂર રાખવો શક્ય નથી, કારણ કે તે અનેક રૂપ લઈ શકે છે. દેવરાજ વાયુ રૂપે જઈને ગુરુપત્નીને સ્પર્શી શકે, એટલે આજથી હું તેમના શરીરમાં પ્રવેશીને રહીશ. હું પૌરુષથી તો તેમની રક્ષા કરી શકીશ નહીં; કારણ કે હરિવાહન ઇન્દ્ર બહુ રૂપ ધારણ કરી શકે છે. એટલે યોગબળ દ્વારા હું ઇન્દ્રથી તેમની રક્ષા કરી શકીશ. ગુરુપત્નીની રક્ષા માટે હું સંપૂર્ણ અંગોથી તેમનામાં સમાઈ જઈશ. દિવ્ય જ્ઞાન ધરાવતા મહાતપસ્વી, મારા ગુરુ આજે પત્નીને પરપુરુષ દ્વારા દૂષિત થયેલી જોશે તો ક્રોધે ભરાઈને તેઓ નિ:સંશય મને શાપ આપશે. જેવી રીતે અન્ય સ્ત્રીની રક્ષા મનુષ્ય નથી કરી શકતા એવી જ રીતે આની રક્ષા કરવી મારા માટે અશક્ય છે, સુરેન્દ્ર તો ખૂબ માયાવી છે, હું તો સંશયમાં પડી ગયો છું. અત્યારે તો મારે ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ જ ઉચિત લાગે છે, જો હું એ પાલન કરી શકીશ તો બહુ જ આશ્ચર્યની વાત ગણાશે. હું યોગબળથી ગુરુપત્નીના કલેવરમાં પ્રવેશ કરું અને રજોરૂપથી મુક્ત રહેવાથી મારો કોઈ અપરાધ ગણાશે નહીં. જેવી રીતે પથિક સૂના સ્થાને વાસ કરે છે તેમ હું ગુરુપત્નીના શરીરમાં નિવાસ કરીશ. જેવી રીતે કમળપત્ર પર જળબિંદુ નિર્લિપ્ત ભાવે સ્થિર રહે છે તેવી જ રીતે સાવધ રહીને તેમના શરીરમાં સ્થિર રહીશ. આમ ધર્મની આલોચના કરીને, કે બધી રીતે વેદવેદાંગની આલોચના કરીને, ગુરુની અને પોતાની તપસ્યાનું અવલોકન કરીને, મનોમન નિશ્ચય કરીને ભૃગુવંશી વિપુલે ગુરુપત્નીની રક્ષા માટે મહાન પુરુષાર્થ આદર્યો.

મહાતપસ્વી વિપુલ ગુરુપત્ની પાસે બેસીને, અનિંદિતાંગી ગુરુપત્નીને અનેક કથાઓથી લોભાવવા લાગ્યા. વિપુલે પોતાનાં નેત્રોના તેજથી રુચિનાં બંને નેત્રોનું તેજ સંયોજિત કર્યું. અને જેવી રીતે પવન આકાશમાં પ્રવેશે તેવી રીતે તે તેના શરીરમાં પ્રવેશ્યો. મુનિ વિપુલ છાયાની જેમ લક્ષણોથી લક્ષણોમાં, મુખમાંથી મુખમાં પ્રવેશી હલનચલન વિના સ્થિર ભાવે નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી વિપુલ ગુરુપત્નીના શરીરને સ્તંભિત કરી તેની રક્ષામાં નિયુક્ત થઈ સ્થિર રહ્યા. ગુરુપત્ની પોતાના શરીરમાં પ્રવેશેલા વિપુલને જાણી ન શકી. જ્યાં સુધી તે મહાત્માના ગુરુ યજ્ઞ સમાપ્ત કરીને પોતાના આશ્રમમાં ન આવ્યા ત્યાં સુધી વિપુલ બધી રીતે ગુરુપત્નીની રક્ષા કરવામાં પ્રવૃત્ત રહ્યા.

ત્યાર પછી એક વાર ઇન્દ્ર દિવ્ય સૌંદર્યવાળા શરીરે આશ્રમમાં આવ્યા, તે અપ્રતિમ મોહક સુંદર રૂપ ધારણ કરીને, દર્શનીય બનીને આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે તે સમયે ચિત્રાલેખનની જેમ સ્તબ્ધ નયના અને નિશ્ચેષ્ટ વિપુલનું કલેવર જોયું. તથા ભરાવદાર નિતંબ અને પયોધર(સ્તન)વાળી, પદ્મપત્ર સમાન વિશાલ નેત્રવાળી, પૂર્ણચંદ્ર મુખવાળી રુચિને જોઈ. ઇન્દ્રને જોઈને રુચિએ ઊભા થવાની ઇચ્છા કરી, તેના રૂપથી વિસ્મિત થઈને ‘કોણ છો?’ કહેવાની ઇચ્છા તેને થઈ. વિપુલ દ્વારા રક્ષાયેલી તે ઊભા થવાની ઇચ્છા છતાં ઊભી થઈ ન શકી. ત્યારે દેવેન્દ્રે તેને પરમ મનોહર વચન કહ્યાં, ‘હે શુચિસ્મિતા, હું દેવેન્દ્ર છું, તારા જ માટે અહીં આવ્યો છું. હે સુંદર ભ્રમરવાળી, હું તારા સંકલ્પિત કામથી વિહ્વળ બનીને આવ્યો છું, સમય વીતી રહ્યો છે, વિલંબ ન કર.’

ઇન્દ્ર આ કહી રહ્યા હતા ત્યારે ગુરુપત્નીના શરીરમાં રહેલા વિપુલ મુનિએ એ સાંભળ્યું અને દેવરાજને જોયા પણ ખરા. વિપુલ દ્વારા સ્તંભિત થઈ ગયેલી અનિંદિતા રુચિ ઊભી થઈ ન શકી, કશું બોલી ન શકી. તે ભૃગુવંશી, મહાતેજસ્વી વિપુલે ગુરુપત્નીનો આશય જાણીને બળપૂર્વક યોગ વડે રુચિને નિગ્રહ કરી રાખી. તેણે તેની બધી ઇંદ્રિયો યોગબંધન વડે બદ્ધ કરી દીધી. શચીપતિએ રુચિને યોગબળથી મોહિત અને નિર્વિકાર જોઈને લજ્જિત થઈ ફરી કહ્યું, ‘આવ, આવ.’

રુચિએ તેમને પ્રત્યુત્તર આપવાની ઇચ્છા કરી, પરંતુ વિપુલે ગુરુપત્નીની વાણીને ફેરવી નાખી, રુચિના ચંદ્રસમાન મુખમાંથી સંસ્કારી વચન નીકળ્યું, ‘તમે શા માટે અહી આવ્યા છો?’ પરવશ હોઈ રુચિ આમ બોલીને લજ્જિત થઈ, ઇન્દ્ર પણ સંત્રસ્ત થયા અને અન્યમનસ્ક થઈ સ્થિર રહ્યા. દેવરાજ ઇન્દ્રે તેનો આ વિકૃત ભાવ જાણી દિવ્ય દૃષ્ટિ વડે તેની સામે જોયું,

તેમણે આદર્શ(આયનો)માં પ્રતિબિંબની જેમ ગુરુપત્નીના શરીરમાં વિપુલના શરીરને જોયું. પુરંદર(ઇન્દ્ર) ઘોર તપસ્યાયુક્ત વિપુલને જોઈને બી ગયા.

અને શાપના ભયથી ત્યાં જ ઊભા રહ્યા. મહાતપસ્વી વિપુલ ગુરુપત્નીના શરીરમાંથી નીકળી પોતાના શરીરમાં પ્રવેશ્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘હે અજિતેન્દ્રિય, પાપી, કામી પુરંદર, દેવ લોકો અને મનુષ્યો લાંબા સમય સુધી તારી પૂજા નહીં કરે. ગૌતમે તારા આખા શરીરે ભગચિહ્ન લગાડ્યા પછી તું મુક્ત થયો હતો તે ભૂલી ગયો? તને યાદ છે ને? હું તને મૂઢમતિ, અકૃતાત્મા અને અસ્થિર જાણું છું. હે મૂઢ, હે પાપી, આ મારા દ્વારા રક્ષાયેલી છે, તું જ્યાંથી આવ્યો ત્યાં પાછો ચાલ્યો જા. હે મૂઢાત્મા, આજે હું મારા તેજથી તને ભસ્મ કરવા માગતો નથી. મેં કૃપા કરીને તને ભસ્મ કરવાની ઇચ્છા નથી કરી. મારા ધીમાન ગુરુ તને પાપીને જોઈને તરત જ નિ:શેષ કરી નાખશે. હે ઇન્દ્ર, તું ફરી આવું કર્મ ન કરીશ, બ્રાહ્મણવૃંદ તમારા માટે માનનીય છે, એટલે બ્રહ્મબળથી પીડાઈને પુત્રો અને સેવકો સમેત નાશ ન પામતો પોતાને અમર સમજીને જો તું સ્વેચ્છાચારી રહીશ તો યાદ રાખજે, કોઈ તપસ્વીનું અપમાન ન કરીશ, કારણ કે તપ વડે કશું અસાધ્ય નથી.’

ઇન્દ્ર મહાનુભાવ વિપુલનું વચન સાંભળીને લજ્જિત થઈ કશું કહ્યા વિના ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. મુહૂર્ત જેટલો સમય વીત્યા પછી મહાતપસ્વી દેવશર્મા ઇચ્છાનુસાર યજ્ઞ સમાપ્ત કરીને આશ્રમમાં આવ્યા. ગુરુ આવ્યા એટલે પ્રિયકાર્ય કરવાવાળા વિપુલે અનંદિતા ગુરુપત્નીની કેવી રીતે રક્ષા કરી તે બધી વાત કરી. તે શાંતચિત્ત ગુરુવત્સલ વિપુલ ગુરુને નમન કરી પહેલાંની જેમ અશંકિત થઈ ગુરુની સેવા કરવા લાગ્યો. ગુરુ વિશ્રામ કરી ભાર્યા સાથે બેઠા ત્યારે વિપુલે ઇન્દ્રની બધી વાત કરી. પ્રતાપી મુનિશ્રેષ્ઠ વિપુલનું વચન સાંભળી તેના સ્વભાવ, ચરિત્ર, તપસ્યા, નિયમથી સંતુષ્ટ થયા.

વિપુલની ગુરુસેવાવૃત્તિ, પોતાના માટેની ભક્તિ અને ધર્મમાં સ્થિરતા જોઈ ગુરુએ ‘સાધુ, સાધુ’ કહીને ધન્યવાદ આપ્યા. ધર્માત્મા દેવશર્માએ શિષ્યને ધર્મપરાયણ જોઈને કહ્યું, ‘વર માગ.’ ગુરુવત્સલ વિપુલે ગુરુ પાસે વર માગ્યો. વર મેળવી ગુરુની આજ્ઞાથી ઉત્તમ તપ કરવા પ્રવૃત્ત થયો. તે મહાતપસ્વી દેવશર્મા પણ વલ અને વૃત્રાસુરનો વધ કરનારા ઇન્દ્રથી નિર્ભય થઈને ભાર્યા સહિત નિર્જન વનમાં વિહાર કરવા લાગ્યા.

(અનુશાસન ૪૦, ૪૧)