ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વીતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ


વીતહવ્યને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ

ધર્માનુસાર પ્રજાપાલન કરનાર મહાત્મા મનુને શર્યાતિ નામે પુત્ર હતો. એ જ શર્યાતિના વંશમાં હૈહય અને તાલજંગ નામના બે રાજા થયા, તેઓ વત્સના પુત્ર હતા. હેહયની દસ પત્નીઓથી તેને સો પુત્ર થયા, તેઓ શૂરવીર અને યુદ્ધમાં અપરાજિત હતા. તે બધા એક સરખા રૂપ અને પ્રભાવવાળા હતા, વિદ્વાન અને યુદ્ધશાળી હતા. ધનુર્વેદ અને વેદના વિષયોમાં પારંગત હતા. કાશી રાજ્યમાં દિવોદાસના પિતામહ હર્યશ્વ નામના રાજા હતા, વીતહવ્યના પુત્રોએ હર્યશ્વના રાજ્ય પર આક્રમણ કરીને ગંગાયમુનાની વચ્ચે યુદ્ધમાં તે રાજાને મારી નાખ્યો. તે મહારથી હૈહયપુત્ર તે નરશ્રેષ્ઠને મારીને નિર્ભય થઈને વત્સરાજની રમ્ય નગરીમાં પ્રવેશ્યો. હર્યશ્વના પુત્ર સાક્ષાત્ ધર્મસમાન, દેવતુલ્ય સુદેવનો કાશી રાજ્ય પર રાજ્યાભિષેક થયો, તે કાશીરાજનો ધર્માત્મા પુત્ર પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. વીતહવ્યના બધા પુત્રોએ આક્રમણ કરીને તેને પણ યુદ્ધમાં પરાજિત કર્યો. હૈહયપુત્રો તેને યુદ્ધમાં પરાજિત કરી સ્વસ્થાને જેવા આવ્યા હતા તેવા પાછા ફર્યા, ત્યાર પછી સુદેવનો પુત્ર દિવોદાસ કાશીરાજ બન્યો. મહાતેજસ્વી દિવોદાસે મહાત્મા હૈહયવંશીઓનું બળ જાણીને ઇન્દ્રની આજ્ઞાથી વારાણસી નગરી વસાવી. ત્યાં વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર લોકો હતા. ત્યાં બજારો અનેક દ્રવ્યોથી પૂર્ણ અને વૈભવપૂર્ણ હતા. તે નગરી ગંગાના ઉત્તર કાંઠે અને ગોમતીના દક્ષિણ કાંઠે ઇન્દ્રની અમરાવતીની જેમ દિવોદાસે વસાવી. પૃથ્વીપતિ રાજશાર્દૂલ દિવોદાસ ત્યાં રાજ કરતા હતા ત્યારે હૈહયોએ ફરી આક્રમણ કર્યું. મહાબળવાન, મહા તેજસ્વી દિવોદાસ નગરીની બહાર જઈને હૈહયોની સાથે દેવાસુર સંગ્રામની જેમ યુદ્ધ કરવા લાગ્યા. તેમણે એક હજાર દિવસ સુધી યુદ્ધ કર્યું, આ યુદ્ધમાં દિવોદાસના ઘણાં વાહનો મૃત્યુ પામ્યાં, તેમની દશા પણ ખરાબ થઈ ગઈ. તે પૃથ્વીપતિ દિવોદાસ સેના અને કોશ નાશ પામ્યા એટલે પાટનગર ત્યજી પલાયન થઈ ગયા.

તે રાજા ધીમાન ભારદ્વાજના આશ્રમમાં હાથ જોડીને શરણે ગયા. તેમણે કહ્યું, ‘હે ભગવન્, વૈતહવ્યવંશના પુત્રોએ યુદ્ધમાં મારા કુળનો વિનાશ કર્યો છે, હું એકલો જ દુઃખી થઈને તમારા શરણે આવ્યો છું. હે ભગવન્, તમે શિષ્યસ્નેહ વડે મારી રક્ષા કરવા સમર્થ છો. તે પાપકર્મીઓએ મારા વંશને ઉજ્જડ કરી નાખ્યો છે.’

પ્રતાપવાન મહાભાગ ભરદ્વાજ ઋષિએ કહ્યું, ‘બીશ નહીં, બીશ નહીં. તારો ભય દૂર થશે. હું તારા પુત્ર નિમિત્તે આજે યજ્ઞ કરીશ, તે વડે તું સહ વૈતહવ્યોને પરાજિત કરી શકીશ.’

ત્યાર પછી ભરદ્વાજ ઋષિએ પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો. તે યજ્ઞના પ્રભાવથી રાજાને પ્રતર્દન નામનો પુત્ર થયો. તે પુત્ર જન્મીને તરત જ તેર વર્ષના યુવાન જેવો થઈ ગયો. તે સમયે તેણે બધા વેદ — ધનુર્વેદ પામી લીધા. ધીમાન ભરદ્વાજ યોગબળથી તેના શરીરમાં પ્રવેશ્યા, સર્વ લોકના તેજનો સંચય કરીને તેના શરીરમાં પ્રવેશ્યા. ત્યાર પછી પ્રતર્દન કવચ, ધનુષ્ય અને બાણ લઈને અગ્નિની જેમ દેદીપ્યમાન થયા. શરાસન ધારણ કરી ધનુષ્ય કંપાવતા મેઘસદૃશ બાણોની વર્ષા કરતા ચાલી નીકળ્યા. સુદેવપુત્ર રાજા દિવોદાસ પુત્રને જોઈને પરમ હર્ષ પામ્યા. અને મનોમન વૈતહવ્યના પુત્રોને સળગી મરેલા કલ્પ્યા. ત્યાર પછી રાજા દિવોદાસ પ્રતર્દનને યુવરાજપદે સ્થાપી પોતાને કૃતકૃત્ય માની આનંદ પામ્યા. પછી વૈતહવ્યના પુત્રોનો વિનાશ કરવા પુત્રને અરિદમનને મોકલ્યો. તે પરાક્રમી શત્રુનગરી પર વિજય મેળવવા રથમાં બેસી વૈતહવ્યોની નગરીમાં ગંગાપાર કરીને જઈ પહોંચ્યો. વૈતહવ્યના પુત્રોએ રથઘોષ સાંભળીને શત્રુઓના રથને પીડનારા સમર્થ નગરાકાર રથ લઈને પુરીની બહાર નીકળ્યા. વિચિત્ર પ્રકારના યુદ્ધ કરવાવાળા, નરવ્યાઘ્રો ધનુષ ઉઠાવીને બાણવર્ષા કરતા કરતા પ્રતર્દનની સામે ચાલી નીકળ્યા. જેવી રીતે વાદળ હિમાલય પર જળવર્ષા કરે છે તેવી રીતે તેઓ રાજા ઉપર અનેક પ્રકારની અસ્ત્રવર્ષા કરવા લાગ્યા. મહાતેજસ્વી રાજા પ્રતર્દને પોતાનાં અસ્ત્રોથી તેમનાં બધાં અસ્ત્રોનું નિવારણ કરીને અગ્નિસદૃશ તેજસ્વી બાણો વડે તે બધાને મારી નાખ્યા.

ભલ્લાસ્ત્ર વડે તેમનાં મસ્તકોના સેંકડો — હજારો ટુકડા થઈ ગયા. તેમનાં બધાં રુધિરવાળાં અંગો કિંશુક (પલાશ, કેસૂડો) વૃક્ષ પરથી ફૂલ ખરે તેમ નીચે ખરી પડ્યાં. બધા પુત્રોના મૃત્યુને કારણે વૈતહવ્ય નગર છોડીને ભૃગુના આશ્રમમાં જઈ પહોંચ્યા. તે રાજા વૈતહવ્ય ભૃગુ ઋષિને શરણે ગયો. ઋષિએ તેને અભયદાન આપ્યું, શિષ્યને આશ્રય આપ્યો. ત્યાર પછી તેમનો પીછો કરતા કરતા દિવોદાસપુત્ર પણ એ આશ્રમમાં જઈ પહોંચ્યા. ત્યાં જઈને બોલ્યા, ‘મહાત્મા ભૃગુના શિષ્યોમાંથી કોણ કોણ અહીં છે? હું મુનિના દર્શન કરવા માગું છું, તેમને મારી વાત પહોંચાડો.’

ભૃગુ મુનિએ પ્રતર્દનના આગમનના સમાચાર સાંભળી તે જ વખતે આશ્રમની બહાર નીકળી તે રાજાનું પરમ વિધિપૂર્વક સ્વાગત કર્યુ; ભૃગુએ તે રાજેન્દ્રને પૂછ્યું, ‘કયા કાર્ય માટે તમે અહી આવ્યા છો?’

ત્યારે રાજાએ ભૃગુને આગમનનું કારણ જણાવ્યું, ‘હે ભગવન્, રાજા વૈતહવ્યને તમે આશ્રમની બહાર કાઢો. તેમના પુત્રોએ મારા સમસ્ત કુળનો વિનાશ કર્યો છે, કાશીનું રાજ્ય તથા તેનો રત્નસંચય નષ્ટ થયો છે. આ બળના ઘમંડથી ભરેલા રાજાના સો પુત્ર મારા હાથે મૃત્યુ પામ્યા છે, હવે હું એનો વધ કરીને પિતાના ઋણમાંથી મુક્ત થઈશ.’

ધર્મશ્રેષ્ઠ ભૃગુએ કૃપાવાન થઈને રાજાને કહ્યું, ‘અહીં કોઈ ક્ષત્રિય નથી, આ બધા તો બ્રાહ્મણો છે.’

પ્રતર્દન ભૃગુ ઋષિનું વચન સાંભળીને મુનિનો ચરણસ્પર્શ કરીને ધીરેથી હસતાં બોલ્યો, ‘હે ભગવન્, આમ થવાથી પણ હું નિ:સંશય કૃતકૃત્ય થયો. કારણ કે તે રાજાને મારા પરાક્રમથી સ્વજાતિમાંથી દૂર કર્યો. હવે મને જવાની આજ્ઞા આપો, મારા કલ્યાણનો વિચાર કરજો. મેં રાજાનો જાતિત્યાગ કરાવ્યો.’

ત્યાર પછી રાજા પ્રતર્દન ભૃગુમુનિની આજ્ઞાથી જેવી રીતે સાપ વિષ બહાર કાઢીને ચાલ્યો જાય તેવી રીતે ત્યાંથી જતો રહ્યો. વૈતહવ્યે ભૃગુના માત્ર વચન દ્વારા બ્રહ્મર્ષિત્વ અને બ્રહ્મવાદિત્વનો લાભ મેળવ્યો.

રૂપમાં ઇન્દ્ર જેવો ગૃત્સમદ નામનો પુત્ર તેમનો હતો. ‘તું ઇન્દ્ર છે’ એમ કહીને દૈત્યોએ એને પકડી લીધો હતો. ઋગ્વેદમાં ગૃત્સમદની કથા છે. ત્યાં તેની પૂજા બ્રાહ્મણો કરતા હતા. બ્રહ્મર્ષિ ગૃત્સમદ બ્રહ્મચારી હતા. તેમનો પુત્ર સુચેતા પણ બ્રાહ્મણ હતો. સુચેતાનો પુત્ર વર્ચા, વર્ચાનો પુત્ર વિહવ્ય, વિહવ્યનો પુત્ર વિતત્ય, વિતત્યનો પુત્ર સત્ય, સત્યનો પુત્ર સંત, સંતનો પુત્ર શ્રવા, શ્રવાનો પુત્ર તમ, તમનો પુત્ર પ્રકાશ, પ્રકાશનો પુત્ર વિજયીઓમાં શ્રેષ્ઠ વાગિન્દ્ર હતો. વાગિન્દ્રનો પુત્ર વેદવેદાંગમાં પારંગત હતો, ઘૃતાચી અપ્સરાએ પ્રમતિના પુત્ર રુરુને જન્મ આપ્યો. રુરુએ પ્રમદ્વરા દ્રારા શુનક નામનો પુત્ર જન્મ્યો, તેનો પુત્ર શૌનક નામે વિખ્યાત થયો. નરાધિપ વૈતહવ્ય પણ આમ ક્ષત્રિય થઈને ભૃગુની કૃપાથી બ્રાહ્મણ થઈ ગયા.’

(અનુશાસન ૩૧)