ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/હવે બ્રાહ્મણોની મહાનતાની બીજી કથા


હવે બ્રાહ્મણોની મહાનતાની બીજી કથા

મહર્ષિ વૈન્ય નામના રાજર્ષિએ અશ્વમેધ યજ્ઞ કરવા ઇચ્છ્યો હતો. તેમની પાસેથી ધન મેળવવાની ઇચ્છા અત્રિ મુનિને થઈ. રસ્તે જતાં જતાં તેમને વિચાર આવ્યો, બહુ ધનની ઇચ્છા નહીં કરવી, કારણ કે ધનને કારણે જ ધર્મનાશ થાય છે. આમ વિચારીને અત્રિ ઋષિએ વનમાં જવાની ઇચ્છા કરી. પછી પત્ની અને પુત્રોને બોલાવીને કહ્યું, ‘તમે બધા વનમાં ચાલો. ત્યાં કશા ઉપદ્રવ નહીં નડે, બહુ સુખ મળશે.’

આ સાંભળી ધર્માચરણ કરવાવાળી તેમની પત્નીએ કહ્યું, ‘તમે વૈન્ય રાજા પાસે જઈને બહુ ધનની યાચના કરો. તે રાજા યજ્ઞ કરી રહ્યા છે એટલે તમને બહુ ધન આપશે. ધન લાવીને નોકરચાકરો તથા પુત્રોને એ આપજો, પછી જ્યાં જવું હોય ત્યાં જજો. ધર્મજ્ઞ મનુ વગેરેએ આને જ પરમ ધર્મ કહ્યો છે.’

અત્રિએ આ સાંભળી કહ્યું, ‘ઋષિ ગૌતમે મને કહ્યું છે કે રાજષિર્ વૈન્ય ધર્મ અને સત્યવ્રત પાળનારા છે. પણ ત્યાંના બ્રાહ્મણો મારા દ્વેષી છે. જ્યારથી ગૌતમ મુનિની વાત કાને પડી છે ત્યારથી ત્યાં જવાનો વિચાર માંડી વાળ્યો છે. જો હું ત્યાં જઈશ તો બધા કલ્યાણ, અર્થ, ધર્મયુકત મારી વાણીને નિરર્થક કહેશે. તને જો આ જ યોગ્ય લાગતું હોય તો હું જઈશ. રાજા વૈન્ય મને બહુ ધન આપશે, ગાયો આપશે.’

પત્નીને આમ કહી અત્રિ ઋષિ વૈન્ય રાજાના યજ્ઞમાં જઈ પહોંચ્યા અને રાજા વૈન્યની સ્તુતિ કરવા લાગ્યા. ‘હે રાજા, તમે જગતસ્વામી છો, તમે અહીંના પહેલા રાજા છો. ઋષિમુુનિઓ તમારી સ્તુુતિ કરે છે. તમારા સિવાય બીજું કોઈ ધર્મને જાણતું નથી.’

આ સાંભળી ગૌતમ ઋષિએ ક્રોધે ભરાઈને કહ્યું, ‘ અત્રિ, આવી વાણી ક્યારેય ન બોલતા, તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. અમારા પહેલા રાજા ઇન્દ્ર છે, તે જ પ્રજાપતિ છે.’

ગૌતમ ઋષિની વાત સાંભળીને અત્રિ બોલ્યા, ‘અમે જે બોલ્યા તે સત્ય છે. જેવા ઇન્દ્ર રાજા છે તેવા આ પણ છે. તમે જ ભ્રમનો ભોગ બનીને ભૂલો છો. તમારામાં જ બુદ્ધિ નથી.’

ગૌતમે કહ્યું, ‘અત્રિ, હું બધું જાણું છું, હું કશું ભૂલતો નથી. કશું કહેવાની ઇચ્છા કરનારા તમે જ ભૂલો છો. વ્યાવહારિક ઉન્નતિની ઇચ્છા મનમાં હોવાથી તમે રાજાની સ્તુતિ કરી રહ્યા છો.’

‘તમે નથી પરમ ધર્મ જાણતા, નથી પ્રયોજન જાણતા. તમે મૂર્ખ છો, બાળક છો. તમને કોઈ કયા કારણે વયસ્ક કહી શકે?’

બધા ઋષિમુનિઓ આગળ જ્યારે આ બંને વિવાદ કરી રહ્યા હતા ત્યારે યજ્ઞમાં બેઠેલા ઋષિઓ પૂછવા લાગ્યા, ‘આ બંને શા માટે વિવાદ કરી રહ્યા છે? આ બંનેને વેનની સભામાં કોણે આવવા દીધા? યજ્ઞના કયા અધિકારે તેઓ અહીં છે? આ મોટે મોટેથી બૂમો કેમ પાડે છે?’

ત્યારે બધા જ ધર્મના જાણકાર કાશ્યપે કહ્યું, ‘હે બ્રાહ્મણો, અમે બંને હવે તમને પ્રશ્ન કરીએ છીએ, તે સાંભળો. અત્રિ કહે છે. રાજા વૈન્ય બ્રહ્મા છે. હું એ નથી માનતો.’

તેમની વાત સાંભળી મહાત્મા મુનિઓ સંશયનિવારણ માટે ધર્મજ્ઞ સનતકુમાર પાસે ગયા અને બધી વાત તેમને કહી. એટલે સનત્કુમારે ખુલાસો કર્યો, ‘બ્રહ્મસત્તા અને ક્ષાત્રસત્તા સાથે જોડાય તથા ક્ષાત્રસત્તા બ્રહ્મસત્તા સાથે જોડાય તો રાજા જ પહેલા ધર્મ અને પ્રજાપતિ છે. તે જ રાજા ઇન્દ્ર, શુક્ર, ધાતા, બૃહસ્પતિ છે. જે ક્ષત્રિય રાજા જગતનો પાલક છે, તેને પ્રજાપતિ કહીએ — જે બધા પર અધિકાર ચલાવે તેને સમ્રાટ કહીએ. જે રાજાની સ્તુતિ આ બધા શબ્દોથી કરીએ તેની કોણ પૂજા ન કરે? જૂના જમાનામાં રાજા ધર્મના ઉત્પત્તિસ્થાન હતા. યુદ્ધવિજેતા, પ્રસન્ન, શીઘ્ર સ્વર્ગ આપનારા, શીઘ્ર વિજય મેળવનારા અને વિષ્ણુ નામથી જાણીતા હતા. સત્યના ઉત્પત્તિસ્થાન, યુદ્ધવિજેતા, સત્ય-ધર્મના પ્રવર્તક રાજાને અધર્મથી ડરતા મુનિઓએ ધર્મરક્ષક બનાવ્યા છે. જેવી રીતે સૂર્ય પોતાના તેજથી અંધકારનો નાશ કરે છે તેવી રીતે રાજા પણ પોતાના તેજથી અધર્મનો નાશ કરે છે. એટલે એવું જણાય છે કે રાજા બધામાં પ્રધાન છે અને ‘રાજા’ શબ્દથી પણ તે પ્રધાન જ ગણાય છે.

આ સાંભળીને વૈન્ય રાજા બહુ આનંદ પામ્યા, પછી અત્રિને તેમણે કહ્યું, ‘હે પ્રિય, મુનિએ મને સર્વદેવસમ્મત અને મનુષ્યશ્રેષ્ઠ કહ્યો એટલે હું તમને ઘણું ધન આપીશ. ઉત્તમ વસ્ત્ર અને અલંકારભૂષિત એક હજાર દાસીઓ આપીશ, દસ કરોડ સુવર્ણમુદ્રા, દસ ભાર સોનું આપીશ. તમે સર્વજ્ઞ છો.’

અત્રિ એ બધા ધનનો સ્વીકાર કરી પોતાને ઘેર ગયા, ધન પુત્રોને આપી વનમાં જતા રહ્યા.


(ગીતાપ્રેસ, આરણ્યક પર્વ, ૧૮૪-૧૮૫)