ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/વાલી-સુગ્રીવનો ભૂતકાળ


વાલી-સુગ્રીવનો ભૂતકાળ

(રામલક્ષ્મણ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે અને વાલીવધની પ્રતિજ્ઞા કરે છે ત્યારે સુગ્રીવ પોતાના ભૂતકાળની કથા માંડે છે.)

વાલી નામનો મારો મોટો ભાઈ મને અને મારા પિતાને બહુ પ્રિય હતો. પિતાના મૃત્યુ પછી વાલી મોટો પુત્ર છે એટલે મંત્રીઓએ તેને રાજગાદી સોંપી. પરંપરાથી ચાલતું આ રાજ્ય વાલી ભોગવતો હતો અને હું નિત્ય તેની સેવામાં હતો.

તે સમયે માયાવી નામનો એક બળવાન રાક્ષસ હતો. સ્ત્રીને કારણે વાલી સાથે તેને ઝઘડો થયો હતો. એક વેળા જ્યારે નગરીના લોકો સૂઈ ગયા હતા ત્યારે તે કિષ્કિન્ધાના બારણે આવીને બરાડવા લાગ્યો. એનો ઘોર અવાજ સાંભળીને મારો ભાઈ આગળપાછળનો કશો વિચાર કર્યા વિના નીકળી પડ્યો. અંત:પુરની સ્ત્રીઓએ અને મેં તેને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો પણ બધાને અવગણીને તે તો નીકળી પડ્યો. હું પણ સ્નેહવશ તેની સાથે નીકળ્યો. દૂરથી અમને જોઈને તે રાક્ષસ ત્રાસ્યો અને નાઠો. અમે તેની પાછળ દોડ્યા. રસ્તામાં ચન્દ્રનો પ્રકાશ હતો. પછી તે ઘાસથી ઢંકાયેલા એક ભોંયરામાં પેસી ગયો. એવી રીતે શત્રુને ભોંયરામાં પેસી જતો જોઈને વાલી ક્રોધે ભરાયો. પછી તેણે મને ભોંયરાના અગ્રભાગે ઊભો રાખ્યો. ‘હું પાછો ન આવું ત્યાં સુધી તું અહીં જ ઊભો રહેજે.’

મેં તેની સાથે જવા બહુ કહ્યું પણ તેણે મને ના જ પાડી અને તે અંદર જતો રહ્યો. એક વરસ સુધી હું તેની રાહ જોતો બહાર જ ઊભો રહ્યો. મને એવી શંકા ગઈ કે તે મૃત્યુ તો પામ્યો નહીં હોય ને! તે છતાં હું ત્યાં જ ઊભો રહ્યો. પછી મેં ભોંયરામાંથી લોહી નીકળતું જોયું. રાક્ષસની ગર્જનાઓ સાંભળી પણ વાલીનો અવાજ ન સંભળાયો. એટલે મેં માની લીધું કે વાલી મૃત્યુ પામ્યો હશે. એક મોટી શિલા વડે મેં ગુફાને ઢાંકી દીધી, દુઃખી થઈને કિષ્કિન્ધા પાછો આવ્યો. મેં વાત છાની રાખવા બહુ પ્રયત્ન કર્યો પણ વિચક્ષણ મંત્રીઓ તે જાણી ગયા. પછી વિધિપૂર્વક તેમણે મને રાજગાદી પર બેસાડ્યો. અને મેં ન્યાયપૂર્વક રાજ્ય કરવા માંડ્યું. થોડા સમય પછી રાક્ષસને મારીને વાલી આવી ચઢ્યો. મને સિંહાસન પર બેઠેલો જોઈ વાલી તો બહુ ક્રોધે ભરાયો. મંત્રીઓને બાંધીને મને ગમે તેમ બોલવા લાગ્યો. હું તેનો સામનો કરી શકત પણ ભાઈ માટેની લાગણીને કારણે હું ચૂપ રહ્યો, મેં તેને પ્રસન્ન કરવા બહુ કહ્યું પણ તેનો ક્રોધ શમ્યો જ નહીં. મેં બધી વાત કહી, રાજગાદી પાછી સોંપવાનું કહ્યું પણ તે ન જ માન્યો. તેણે બધાને માયાવી રાક્ષસ સાથેના યુદ્ધની કથા કહી. ‘મેં રાક્ષસનો નાશ કર્યો, તેના મોંમાંથી નીકળેલા લોહીથી ભોંયરું ભરાઈ ગયું. હું બહાર નીકળવા ગયો, પણ નીકળી ન શક્યો. સુગ્રીવને ઘણી વાર બોલાવ્યો, છેવટે મેં લાત મારીને શિલા તોડી નાખી અને અહીં આવ્યો.’

પછી તો મને સુગ્રીવે કાઢી મૂક્યો, મારી પત્ની છિનવી લીધી....’

(કિષ્કિન્ધા કાંડ, ૯,૧૦) — સમીક્ષિત વાચના