ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/વિશ્રવાની કથા


વિશ્રવાની કથા

(રામચંદ્ર અગત્સ્ય મુનિને ઇન્દ્રજિતની પ્રશંસા કરવાનું કારણ પૂછે છે ત્યારે અગત્સ્ય રાવણકુળની કથા કહી સંભળાવે છે.)

પ્રજાપતિના પુત્ર પુલસ્ત્ય ઋષિ દેવોને પ્રિય હતા. તેઓ તપ કરવા માટે તૃણબિંદુ રાજષિર્ના આશ્રમમાં ગયા. ત્યાં ઇન્દ્રિયોને નિયમનમાં રાખી. ભારે તપ કરવા લાગ્યા. પરંતુ કેટલીક કન્યાઓ આશ્રમમાં જઈને વિઘ્નો ઊભાં કરવા લાગી. દેવોની, નાગોની, રાજાઓની કન્યાઓ ત્યાં રમતગમત કરતી હતી. બધી જ ઋતુઓમાં એ આશ્રમ ક્રીડાયોગ્ય અને સુંદર હતો, એટલે તે કન્યાઓ, બહુ જ મસ્તી કરતી હતી.

આથી મુનિ ક્રોધે ભરાયા અને બોલ્યા, ‘હવે જે કન્યાઓ મારી આંખે ચડશે તે સગર્ભા થઈ જશે.’ ઋષિની આ વાત સાંભળીને બધી કન્યાઓ ડરી ગઈ અને તેમણે ત્યાં જવાનું બંધ કર્યું: તૃણબિંદુ રાજાની કન્યાએ આ વાત જાણી ન હતી, તે તો નિર્ભય બનીને ત્યાં ગઈ. તે વેળા મહાન તેજસ્વી ઋષિ સ્વાધ્યાયમાં પરોવાયેલા હતા. તે કન્યા વેદધ્વનિ સાંભળી તપોધન ઋષિને જોવા ઊભી રહી ગઈ. ઋષિની આંખે તે ચઢી એટલે તરત જ તે પીળી પડી ગઈ, શરીરમાં ફેરફાર થયા અને તે ઉદાસ થઈને પોતાના આશ્રમે આવી. તેના પિતાએ કન્યાને જોઈને પૂછ્યું, ‘આ શું થઈ ગયું? તારું શરીર આવું કેમ લાગે છે?’

ત્યારે કન્યાએ બે હાથ જોડીને કહ્યું, ‘પિતાજી, મને પણ ખબર નથી પડતી. શા કારણે આવું થયું? હું પુલસ્ત્ય ઋષિના આશ્રમમાં ગઇ હતી, ત્યાં મેં મારી કોઈ સખીઓને જોઈ નહીં. અને મારા શરીરમાં અચાનક આવો ફેરફાર થઈ ગયો.’

તૃણબિંદુ રાજા તપસ્વી હતા, તપના તેજથી મળેલી દિવ્ય દૃષ્ટિથી બધી વાત જાણી લીધી. મહર્ષિના શાપથી આ બધું બન્યું છે એ વાતની જાણ તેમને થઈ ગઈ. તેઓ પોતાની કન્યાને ઋષિ પાસે લઈ ગયા. ‘મારી આ ગુણવાન કન્યાને તમે સ્વીકારો. તપ કરવાથી તમે જ્યારે થાકશો ત્યારે તે તમારી સેવા કરશે, એમાં જરાય શંકા નથી.’

રાજાની વાત સાંભળીને ઋષિએ તેનો સ્વીકાર કર્યો, કન્યા આપીને રાજા વિદાય થયા, અને તે કન્યા પતિની સેવા કરતી તેને રીઝવવા લાગી. ઋષિએ તેને કહ્યું, ‘હું તારાથી ખૂબ સંતોષ પામ્યો છું, તને એક ગુણવાન પુત્ર થશે. માતા-પિતાના વંશની વૃદ્ધિ કરનારો તે પુત્ર પૌલસ્ત્ય નામથી પ્રખ્યાત થશે. હું વેદાધ્યયન કરી રહ્યો હતો ત્યારે તેં મને સાંભળ્યો હતો એટલે તેનું નામ વિશ્રવા પડશે.

પછી યોગ્ય સમયે તેણે વિશ્રવાને જન્મ આપ્યો. પિતાની જેમ તે પણ તપસ્વી નીવડ્યા.

(ઉત્તર કાંડ, ૨)—સમીક્ષિત વાચના