ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/વાનરિન્દ જાતક


વાનરિન્દ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજા થઈ ગયા. તે સમયે બોધિસત્ત્વ વાનર જાતિમાં જન્મ્યા. તે ઘોડાના વછેરા જેટલા મોટા થઈને હાથી જેવા શક્તિશાળી બન્યા અને એકલા એકલા નદી કિનારે રહેવા લાગ્યા. એ નદીની વચ્ચે એક દ્વીપ હતો, ત્યાં આંબા, ફણસ જેવાં વિવિધ ફળાઉ ઝાડ હતાં. નદીના એક કિનારેથી ઊછળીને નદીની વચ્ચે પડેલા એક પથ્થર પર કૂદકો મારતા, ત્યાંથી કૂદકો મારીને પેલા દ્વીપમાં જઈ પડતા. ત્યાં વિવિધ પ્રકારનાં ફળ ખાઈ કરીને સાંજે એ જ રીતે પાછા, પોતાના ઘરે પાછા ફરતા. બીજે દિવસે પણ એમ જ કરતા. આમ તે દિવસો વીતાવતા હતા.

તે જ સમયે આ જ નદીમાં એક મગર તેની મગરી સાથે રહેતો હતો. અવારનવાર બોધિસત્ત્વને નદી પાર જતા જોઈને મગરીને તેના હૃદયનું માંસ ખાવાની પ્રબળ ઇચ્છા થઈ. તેણે મગરને કહ્યું. ‘આ વાનરેન્દ્રના હૃદયનું માંસ ખાવાની મને ઇચ્છા થઈ છે.’ મગરે તેની વાત સ્વીકારી. ‘આજે સાંજે તે દ્વીપ પરથી પાછો ફરશે ત્યારે તેને પકડીશ.’

બોધિસત્ત્વે દિવસ આખો દિવસ ફળ ખાઈને સાંજે દ્વીપમાં ઊભા ઊભા જ પથ્થર જોઈને વિચાર્યું, ‘આ શું છે? આજે પથ્થર થોડો ઊંચો દેખાય છે.’ તેમણે પહેલેથી જ પાણી અને પથ્થરનો ખ્યાલ મેળવી લીધો હતો. એટલે વિચાર્યું, ‘આજે આ પાણી નથી વધતું કે નથી ઘટતું પણ આ પથ્થર મોટો દેખાય છે. શું આજે મને પકડવા માટે મગર તો પથ્થર ઉપર નથી ને? ભલે, તેની પરીક્ષા કરીશ.’ એમ વિચારી ત્યાં ઊભા ઊભા જ પથ્થર સાથે વાતો કરી. ‘અરે પથ્થર’- કહી બૂમ મારી. પણ પથ્થર શો ઉત્તર આપે?

તો પણ પેલા વાનરે પૂછ્યું, ‘અરે પથ્થર, આજે તું શું મને ઉત્તર નહીં આપે?’

મગરે વિચાર્યું, ‘બીજા દિવસોએ તો આ પથ્થર આ વાનરને જવાબ આપતો હશે, આજે હું એને જવાબ આપું.’ એમ કહીને તે બોલ્યો, ‘અરે વાનર, શું છે?’

‘તું કોણ છે?’

‘હું મગર છું.’

‘અહીં શું કામ પડ્યો છે?’

‘તારું હૃદય ખાવું છે એટલે.’

બોધિસત્ત્વે વિચાર્યું, ‘મારે માટે જવાનો બીજો કોઈ રસ્તો નથી. આજે મારે આ મગરને છેતરવો પડશે.’ તે બોલ્યો, ‘અરે મગર, હું તને મારું શરીર સોંપી દઈશ. તું મોં ખોલે છે ત્યારે આંખો બંધ થઈ જાય છે.’ મગરને એ વાતનો ખ્યાલ ન આવ્યો અને તેણે મોં ખોલ્યું. આંખો બંધ થઈ ગઈ. બોધિસત્ત્વે દ્વીપ પરથી કૂદકો માર્યો ને મગરના માથે પડ્યા, પછી ત્યાંથી વીજળીની જેમ બીજા કિનારે જઈ પહોંચ્યા. મગરે આ આશ્ચર્ય જોઈ કહ્યું, ‘અરે વાનર, આ લોકમાં જે માનવીમાં ચાર બાબત હોય તે પોતાના શત્રુને જીતી લે છે. એ ચારે તારામાં છે. જેનામાં સત્ય, ધર્મ, ધૃતિ અને ત્યાગ હોય છે તે શત્રુને જીતી લે છે.’