ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/સુજાતા


સુજાતા

સુજાતાની આંખ ઊઘડી ગઈ ત્યારે ઘરમાં હજી બધે અંધારું અને સૂનકાર હતાં. મોટા મહાલયમાં હજી સૌ નિરાંતે ઊંઘતાં હતાં. ક્વચિત્ દૂરથી સંભળાતા કાગડાઓના ‘કો,’ ‘કો’ કે રસ્તા પરનાં રડ્યાંખડ્યાં પગલાંના અવાજ સિવાય મળસ્કાની શાંતિનો હજી કોઈ ભંગ કરતું ન હતું.

આથમણી બારીમાંથી વૈશાખી ચૌદશની અખંડ ધારે નિર્ઝરતી ચાંદનીથી શયનખંડની ફરસબંધીનો એક લંબચોરસ ટુકડો નીતર્યા પ્રકાશમાં મઢાઈ ગયો હતો અને તેની આછીઝાંખી આભામાં ઓરડાની બધી ચીજોના અસ્પષ્ટ આકર્ષક આકાર વરતાતા હતા.

તંદ્રા ખંખેરતી, વૈશાખી પ્રભાતની મધુર શીતળતા ને શાંતિનો આસ્વાદ લેતી સુજાતા પથારીમાં ઘડીભર જાગતી પડી રહી.

રાત્રે પોતે કેટલી મોડી સૂતી હતી? ને તે પણ અમ્માએ જરા ખિજાઈને પરાણે સુવાડી દીધી ત્યારે. અને તોયે એટલા વહેલા પરોઢમાં સૌની પહેલાં એની ઊંઘ ઊડી ગઈ હતી. જ્યાં ઉત્સાહ ને ઉમંગમાં મન કૂદાકૂદ કરી રહ્યું હોય ત્યાં ઊંઘ આવે પણ શેની? પથારીમાં પડ્યા પછી પણ તે ક્યાંય સુધી સવારે ઊઠીને કરવાનાં હજાર કામનાં વિચાર, ભાંજગડ ને ગોઠવણ કરતી રહી હતી. તેને ચિંતા રહ્યા કરતી કે બધું સમુંસૂતરું પાર તો ઊતરશે ને? સારા કામમાં સો વિઘ્ન આવે. વળી મોડેથી આંખ મળ્યા પછી તેના નાનકડા સંજયને માટે તેને એક વાર ઊઠવાનું થયેલું. અત્યારે ઊંઘમાં એનું રૂપાળું મોં કેવું મીઠું લાગે છે! સંજયે આવીને તો પોતાના સુખ પર કળશ ચઢાવી દીધો.

પણ ઘરનાં બધાં હજી સુધી સૂઈ કેમ રહ્યાં છે? કેટકેટલું કરવાનું બાકી છે? વધારે મોડું થશે તો કામને પહોંચી નહીં વળાય ને પૂજાનું મુહૂર્ત પણ કેમ સચવાશે? ચાલ, સૌને ઉઠાડું.

પ્રભાતના વાયુની ધીમી ધીમી લહર: ઓરડાની ભોંય પર કેવડો પાથરતી મધુર ચાંદની: પડખામાં મીઠી નીંદરમાં પોઢેલા સંજયના હળવા લયબદ્ધ શ્વાસોચ્છ્વાસ. આ બધું માણતાં સુજાતાએ ઘડીક પોતાનાં અંગેઅંગ પર અમીલેપની ટાઢક ઢળતી અનુભવી. તેના શરીરમાં થઈને એક સુખદ કંપારી સોંસરી નીકળી ગઈ.

કેટલી સુખી હતી પોતે? ઊજરતી વેલની જેમ, જેમ જેમ તે મોટી થતી ગઈ હતી, તેમ તેમ તેના સુખમાં પણ ઉપરાઉપરી ભરતી આવતી ગઈ હતી. ઉરુવેલા પ્રદેશના સેનાની ગામના મુખીની પોતે એકની એક પુત્રી. કૈંક દેવદેવીઓની માનતા ને શ્રમણસંતોની સેવાપૂજા પછી મુખીને ઘેર તેનાં પગલાં થયેલાં. માતાપિતા ફૂલની જેમ જતન કરતાં હોંશેહોંશે તેનાં નાનાંમોટાં બધાં લાડકોડ પૂરાં કરતાં, મધુરી સ્વપ્નમાળા સમું બચપણ રમતગમત ને મોજમસ્તીમાં જોતજોતાંમાં તો સરી પણ ગયું. અચાનક જ એક દિવસ પોતાનામાં કશો અપૂર્વ ફેરફાર થતો તેને લાગ્યો. અંગોમાં કોઈ નવતર સ્ફુર્તિ, હૈયામાં કોઈ અવનવો ઉલ્લાસ થનગની રહ્યો.

પણ આમ યૌવનના ઉંબરમાં હજી તો તેણે માંડ પગ માંડેલા, ત્યારે બનેલો અને તેના સ્મરણમાં જેવો ને તેવો અણિશુદ્ધ કોતરાઈ ગયેલો એક પ્રસંગ અત્યારે તેની સામે હવામાં ભજવાવા લાગ્યો.

સુજાતા પડખું ફરી. ગાલમસૂરિયા નીચે હાથ સેરવી તેણે તેના પર માથું બરાબર આશાયેશથી દબાવ્યું, અને ઊઠવાને બદલે ભૂતકાળના એ આખાયે પ્રસંગના કડવાંમીઠાં સ્મરણો પડીપડી રસપૂર્વક માણવા લાગી.

એ પ્રસંગ બન્યો ત્યારે આગલે દિવસે રાતના અમ્માએ તેને સમાચાર આપ્યા હતા કે ભદ્રા સાસરેથી પાછી આવી ગઈ છે. ને પોતાની એ બાળપણની સહિયરને મળવા તેનું મન તલપાપડ થઈ રહ્યું. વરનાં કેવાંકેવાં લાડ પામી સાસરીમાં, સૌની સાથે કેવુંક ગોઠ્યું, કેટલી નવી ગોઠણો કરી, એવી ને બીજી હજાર રસીલીરંગીલી વાતો સાંભળવા ને કરવા તેનું હૈયું કૂદાકૂદ કરી રહ્યું. વળતે દિવસ સવારના જ તે ભદ્રાને ત્યાં દોડી ગઈ.

પણ ભદ્રાને જોતાં જ તેના પગ ભોંમાં જડાઈ ગયા. આ તે ભદ્રા હતી કે ભદ્રાનું પ્રેત! રૂપ, ચતુરાઈ ને તોફાનમસ્તીમાં પોતાનાથી પણ વહેંત ચડી જાય તેવી લગ્ન પહેલાંની ભદ્રાને બદલે તેની સામે ઊભી હતી એક ફિક્કી, સુકલકડી — ઊંડી ઊતરી ગયેલી પણ હજી મૂળની ચમકને કાંઈક ટકાવી રાખતી આંખો, ગાલનાં ઊપસી આવેલાં હાડકાં, કપડાંમાં ક્યાંક સંતાઈ રહેલું શરીરનું માળખું! એક જ વર્ષમાં આ શો ઉલ્કાપાત થઈ ગયો? કશો રોગદોગ લાગુ પડ્યો હશે? તે એકાએક પોતાના ગળામાં ભરાઈ આવેલો ડૂમો તેણે મહામહેનતે દબાવી દીધો.

તે દિવસે ભદ્રાને ત્યાંથી પાછી ફરી ત્યારે પોતે પણ સાવ બદલાઈ ગઈ હતી. સહિયરને ભેટવા દોડતી ગયેલી આશા, ઉત્સાહ ને જોમની મૂર્તિને ઠેકાણે તે ભાંગી પડ્યા જેવી, નિસ્તેજ મોંએ, સૂનમૂન, સુસ્ત પગલે ઘર ભણી જઈ રહી હતી. ભદ્રાને પતિ અને સાસરિયાં તરફથી જે સહેવું પડ્યું હતું તેથી તેનું હૃદય અત્યંત દ્રવતું હતું. પાછાં પડી ગયેલાં માબાપે મોટાં ઘર જોઈને ભદ્રાને આપેલી, વર પણ દેખાવમાં જરાયે ઊતરતો ન હતો. એટલે સાસરાવાળાં બધાં મળીને ભદ્રાની આવી દશા કરશે, તેને આટલું સોસવું પડશે એવી તો કલ્પના પણ ન હતી. ભદ્રા જેવી હસમુખી સમજુ ને સ્નેહાળ છોકરીને કોઈ આવો ત્રાસ આપવા જેટલું દુષ્ટ હોય તે તેના માન્યામાં આવતું ન હતું.

ઘેર પહોંચતાં તેણે અમ્મા આગળ ભદ્રાનું આખું પ્રકરણ કહ્યું ને છેવટે ઉકળતા જીવે પૂછ્યું:

‘અમ્મા! અમ્મા! કહે તો ખરી, ભદ્રાને એ લોકો શું કામ રિબાવે છે? આવી દેવકન્યા જેવી છોકરીને અમથાં અમથાં દુઃખ દેતાં તેમનો જીવ કેમ ચાલતો હશે?’

‘જેવાં જેનાં ભાગ્ય, બહેન,’ અનુભવે રીઢી થયેલી માતા બોલી. ‘નહીં તો વરઘરમાં આમ તો કશું કહેવાપણું નથી. કોને ખબર એ લોકો આવાં નીકળશે?’

‘પણ કાંઈ વાંક નહીં, દોષ નહીં ને તોય માણસ પર દુઃખનાં ઝાડ ઊગે?’

‘દુર્ભાગ્ય હોય તો ન થવાનુંયે થાય.’

‘હવે જોયું દુર્ભાગ્ય! પૂરી તપાસ કર્યા વિના ભદ્રાને આપી દીધી ને પછી વાંક કાઢવો ભાગ્યનો.’

‘સો તપાસ કરો તોયે લખ્યું હોય તેવું જ મળે, બહેન.’

‘બળ્યું એ ભાગ્ય!’ સુજાતાએ બળાપો કાઢ્યો. ‘જો તું કહે છે તેવું હોય તો તો પછી આપણા હાથની તો કાંઈ વાત જ નહીં ને? થાય તેમ થવા દેવું ને મૂંગે મોઢે સહી લેવું, એમ જ ને?’

‘એવું સાવ નથી. દેવતાને ભાવથી પૂજો, દાનદયા કરો, કોઈ સાચવાળા દેવની માનતા રાખો તો તે ફળે ને દુર્ભાગ્યનું સદ્ભાગ્ય પણ થાય. અમારાં વ્રતપૂજા ફળ્યાં, તો અમારાં ભાગ્ય પણ ફર્યાં ને તારા જેવી દીકરીને પગલે વાંઝિયામેણું ટળ્યું, એ તો તું જાણે છે ને?’

પોતે મૂંગી થઈ ગઈ. તેણે જીવતરમાં પહેલી વાર મથામણ, મૂંઝવણ ને દુઃખ અનુભવ્યાં. મન ઉદાસ થઈ વિચારે ચડી ગયું. ક્યાંક પોતાનું પણ ભદ્રા જેવું થાય તો? વિચાર આવતાં તેણે કમકમાટી અનુભવી. અજાણ્યા ભાવિભયથી તેનું સુકુમાર, બિનઅનુભવી હૃદય ફફડી રહ્યું. માતાએ આપેલી સમજણ કોઈ રીતે તેના મનમાં ગોઠવાતી ન હતી, તો વિચારોની ગૂંચવણમાંથી તેને કશો માર્ગ પણ સૂઝતો ન હતો.

તે દિવસની આખી રાત કેવી વીતેલી એ સંભારતાં, અત્યારે સુખને હીંડોળે ઝૂલતી સુજાતાએ પણ વિકળતાથી પાસું ફેરવ્યું. ને સંજયને શરીરે મૃદુતાથી હાથ ફેરવી, ફરી તે પોતાની સ્મરણમાળાના મણકા અધૂરા મૂક્યા હતા ત્યાંથી પાછા ગણવા માંડી.

એ યાદગાર રાતને અંતે તેણે એક પાકો નિશ્ચય કરી લીધો. ભદ્રાના જેવી પોતાની દશા ન થવા દેવી હોય તો આંખ મીંચીને કેવળ ભાગ્ય ઉપર આધાર ન રાખતાં, મનગમતું ઠેકાણું મળે તે માટે પોતે થઈ શકે તેટલું બધું કરી છૂટવું; વ્રતપૂજા, પૂછપરછ તેમ જ જાતતપાસ, જેટલું થાય તેટલું.

ને તે દિવસથી જ તેણે વહેવારની ને સગાંસબંધીની વાતોમાં ધ્યાન આપવાનું અને વ્રતનિયમ આસ્થાપૂર્વક કરવાનું શરૂ કરી દીધું.

એટલામાં વૈશાખી પૂનમ આવી, જે દિવસ તેના જીવતરનો મંગળમાં મંગળ દિવસ થવા નિર્માયો હતો ને એમ તેના હૃદય સાથે હંમેશનો જડાઈ ગયો હતો. તે દિવસે તેણે માતાના આગ્રહને માનીને પાદરમાં રહેલા પુરાણા અડાબીડ વડની માનતા રાખેલી કે પોતાને મનગમતો કુલીન વર ને સાસરીનું સુખ મળશે અને પહેલે ખોળે પુત્ર અવતરશે તો પોતે વડદેવતાને ખીરનું નૈવેદ્ય ધરાવશે.

ને જોગાનુજોગ તેની માનતા પૂરેપૂરી ફળી! પોતે પણ મળતાં વરઘરની બાબતમાં ચોતરફથી ખાતરી ને પૂછપરછ કર્યા જ કરતી, એ વાત ખરી, પણ તેને જે ઠેકાણું મળ્યું તે એવું સોનામૂલું હતું કે તેમાં દેવતાની પણ કૃપા હોવાનું માન્યા વિના તેનાથી કેમ રહેવાય? તેના ત્રણ વરસના પરણેતરમાં તેણે જે સુખ અનુભવ્યું હતું તેને સ્વર્ગસુખ કહેવામાં તેને ક્શું વધારે પડતું નહોતું લાગતું. ને આ ફૂલના ગોટા જેવા સંજયે આવીને તો તેને ઘેલી જ બનાવી મૂકી હતી.

ને સુજાતા પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. જે વડદેવતાએ તેનાં બધાં આશા ને ઓરતા પૂરાં કર્યા હતાં તેની માનતા પૂરી કરવાનો, તેમને નૈવેદ્ય ચડાવવાનો આજે દિવસ હતો.

દેવતાએ પોતાને કેટકેટલું આપ્યું હતું! તેની પૂજા પૂરા ઠાઠમાઠથી ન કરે, તેમાં કશી કચાશ રહે તો તેના જેવી નગુણી કોણ? પણ તૈયારી હજી તો અધૂરી જ હતી, ને તોય પોતે તેમ જ ઘરનાં સૌ કશી ચિંતા ન હોય તેમ નિરાંતે સૂતાં હતાં હજી!

તે ઝટપટ ઊભી થઈ. માતાને તેમ જ દાસી પૂર્ણાને પણ ઊઠાડ્યાં. પૂજાની સામગ્રી તૈયાર કરવામાં અહીંતહીં ઘૂમાઘૂમ ને બૂમાબૂમ કરી મૂકી. તેના હરખ ને ઉત્સાહના પૂરમાં સૌ તણાવા લાગ્યાં.

જાતવાન ગાયનું દૂધ આવી ગયું, તેમાં સુગંધી ચોખા રાંધ્યા અને કેસર, એલચી વગેરે દ્રવ્યો મેળવીને સુવાસિત, સ્વાદિષ્ટ ખીર નૈવેદ્ય માટે કરવામાં આવી. પછી સંજય સહિત પોતે તૈયાર થાય તેટલામાં દાસી પૂર્ણાને વડ નીચેની જગા સાફસૂફ કરી, ત્યાં સુવાસિત જળ છાંટી, ફૂલ વેરીને તેને સુસજ્જ કરવા આગળથી મોકલી આપી.

હવે જોગ એવો બન્યો કે શાક્યરાજ શુદ્ધોદનના પુત્ર સિદ્ધાર્થ ગૌતમ રાજવી વૈભવ તજી દઈ શ્રમણ બન્યા હતા અને છ વરસથી બધાં દુઃખના નાશનો આધ્યાત્મિક માર્ગ શોધતા તપ, સંયમ ને ધ્યાન દ્વારા મથી રહ્યા હતા. તે એ અરસામાં ઉરુવેલા પ્રદેશમાં વિહરતા હતા. વૈશાખી પૂનમને દિવસે તેઓ સેનાની ગામના પેલા પવિત્ર મનાતા વડની નીચે ધ્યાનાવસ્થામાં બેઠા હતા. અમર્યાદ દેહદમનનો માર્ગ સાચો ન લાગતાં તેઓ કેટલાક દિવસથી પરિમિત આહાર લેતા હતા ને તેથી તેમની પહેલાંની મુખકાંતિ પાછી આવી હતી. તેમાં વળી સત્યના સાક્ષાત્કારમાંથી પરિણમતા આંતરિક સંવાદનું તેજ ભળતાં તે ઓર દીપતી હતી. કોઈ સૌમ્યમૂર્તિ દેવતા લોકકલ્યાણ માટે વડ નીચે ધ્યાન લગાવીને બેસી ગયા હોય તેવો ભાસ શ્રમણ ગૌતમને અત્યારે જોનારને થતો.

ને સુજાતાની મોકલેલી પૂર્ણા વડ પાસે આવી પહોંચી, ત્યારે તેણેયે એમ જ માની લીધું. અચંબામાં તેનું મોં ખૂલી ગયું: ખરેખર, સુજાતાના ભાગ્યનો સૂરજ પૂરા તેજે તપે છે! જુઓ ને, તેનું નૈવેદ્ય સ્વીકારવા દેવતા જાતે જ રૂપ ધરીને અહી બેસી ગયા છે!’

આવું માનીને બે હાથ જોડી તેણે પ્રણામ કર્યા ને હરખથી અરધીઅરધી થઈ જતી તે સુજાતાને બોલાવવા દોડી.

ઘરમાં પેસતાં સુજાતાને જોઈ તેવી જ તે એકશ્વાસે બોલવા માંડી: ‘અરે, સ્વામિની! દોડ, દોડ! એક પળ પણ ન ગુમાવ. તારાં ભાગ્ય તો પૂરાં ઊઘડી ગયાં. આપણું નૈવેદ્ય સ્વીકારવા સાક્ષાત્ દેવતા વડ નીચે પ્રગટ થયા છે અને આસન લગાવીને તારી વાટ જોતા બેઠા છે. ચાલ, ઝટપટ બધી સામગ્રી લઈને આપણે દોડીએ.’

‘શું વાત કરે છે તું? કાંઈ ઘેલી તો નથી થઈ ગઈ ને?’ ન મનાય એવી વાત કરતી પૂર્ણાને હસી કાઢતાં સુજાતા બોલી, ‘એમ દેવતા રસ્તામાં પડ્યા હશે! તારી પણ અક્કલ ઠેકાણે નથી લાગતી.’

‘હું ઘેલી કે ગાંડી કશું નથી થઈ ગઈ. મારા કહેવામાં તને વિશ્વાસ ન બેસતો હોય તો તું કહે તેવા શપથ લેવા તૈયાર છું. ને છતાં તું આવીશ નહીં ને દેવતા અદૃશ્ય થઈ જશે, તો આવી સોનાની તક ગુમાવ્યા બદલ સદાનો પસ્તાવો રહી જશે એ નક્કી. પછી મને દોષ ન દેતી.’

‘તું બરોબર પાસે જઈને જાતે જોઈ આવી કે આઘેથી જ કોઈકને ભાળીને ગમે તે માની બેસી અહીં દોડી આવી?’ સુજાતાને હજી પૂરેપૂરી શંકા હતી.

‘સ્વામિની, તું બીજી વાત જવા દે ને જાતે જ આવીને ખાતરી કર. કોઈની વાટ જોયા વિના ઝટ નૈવેદ્ય લઈ લે. હું પૂજાસામગ્રીના થાળને ને સંજયને ઉપાડું છું, ચાલ.’

ને અરધી શંકાશીલ, તો અરધી સુખ પર સુખની હેલી આવ્યે જતી હોવાથી સાચું માનવા તરફ ઢળતી સુજાતાએ ખીરનું સુવર્ણપાત્ર પોતાના માથા પર લીધું. પૂર્ણાએ પૂજાસામગ્રી ને સંજયને ઊંચક્યાં ને બંનેએ બીજા કોઈને પણ બોલાવ્યા વિના, કશા ઠાઠમાઠ વગર વડ ભણી ઉતાવળે પગલાં ભર્યાં.

વડ નીચેની તેજસ્વી, શાંત, ધ્યાની મૂર્તિને જોઈને સુજાતાને હવે દાસીની વાત ગળે ઊતરી ગઈ. તેની આંખમાં આનંદાક્ષુ ઊભરાઈ આવ્યાં. દાસીએ શ્રમણ ગૌતમની આસપાસની જગ્યા સંભાળથી સ્વચ્છ કરી, જળ છાંટ્યું, પુષ્પો વેર્યાં. સુજાતાએ ધૂપદીપ ને નૈવેદ્ય ધર્યાં. ભક્તિભાવ ને હરખના આવેશમાં બંને મોટેમોટેથી રાગ કાઢી સ્તુતિ બોલવા લાગ્યાં.

આ બધી ધમાલ ને ગરબડથી શ્રમણ ગૌતમનું ધ્યાન છૂટી ગયું. તેમણે આંખો ખોલી આસપાસ મૃદુ, સ્વસ્થ દૃષ્ટિ ફેરવી. પોતાની દેવની જેમ પૂજા થતી જોઈને કાંઈક સમજફેર થયાનો ખ્યાલ તેમને આવી ગયો.

ધ્યાનસ્થ મૂર્તિએ આંખ ઉઘાડી અને તેમના મુખભાવમાં ફેરફાર થયો તે સુજાતાએ જોયું ને તે પણ કાંઈક એકાએક પામી ગઈ કે જેને તેમણે સાક્ષાત્ દેવતા માની લીધા છે તે દેવતા નથી, પણ કોઈ અતિ પવિત્ર સિદ્ધ પુરુષ કે તપસ્વી મહાત્મા છે.

એટલામાં શ્રમણ ગૌતમ આછા સ્મિત સાથે ધીરે સ્વરે તેના પ્રત્યે જોઈને બોલ્યા:

‘ભદ્રે! તું આ બધું શું કરી રહી છે?’

‘ભગવન્! આપ આ વડનું દેવતારૂપ ધરીને અહીં પ્રગટ થયા છો એવી ખબર મળી, એટલે મેં માનેલું નૈવેદ્ય ધરાવવા હું ઝટપટ દોડી આવી છું. કૃપા કરીને મારું નૈવેદ્ય સ્વીકારો.’

‘ભદ્રે! તારી સમજ બરાબર નથી. આ દેહ કોઈ દેવતાનો નહીં, પણ મનુષ્યનો છે — જોકે મનુષ્ય તેમ જ દેવ સૌ મરણધર્મા છે, ક્ષણિક છે. હું શ્રમણ છું, અને જીવનમરણના ફેરામાંથી છૂટવાનો, દુઃખમાત્રનો અંત લાવવાનો ઉપાય શોધી રહ્યો છું.’

‘ભદંત! અમે અજાણતાં એકને બદલે બીજું સમજી બેઠાં એ આપે સાચું કહ્યું. પણ તેમાં અમને લાભ જ થયો છે. આપ વડદેવતા નથી અને શ્રમણ છો તેથી શું થઈ ગયું? પવિત્ર મહાત્માને ઘરેલું નૈવેદ્ય મારા દેવતાને પહોંચવાનું જ, ને એમની કૃપા મારા પર સદૈવ વરસવાની જ; એટલે આ નૈવેદ્ય આપ ભિક્ષામાં સ્વીકારો. સાચા અંતરથી હું કહું છું કે મારી બધી કામનાઓ જેમ પૂરી થઈ તેમ, ભદંત! આપની પણ થજો. આપનું તપ ફળજો ને લોકોના કલ્યાણનો માર્ગ આપ શોધી રહ્યા છો તે આપને ઝટ મળશે!’

પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ ને પૂજ્યભાવથી અપાયેલી એ ભિક્ષા શ્રમણ ગૌતમ સ્વીકારી. સંજયને પગે લગાડી, પોતે પ્રણામ કરી, ધન્યતા અનુભવતી સુજાતા દાસી સાથે પાછી ફરી.

સુજાતાની ભવિષ્યવાણી જેવી અંતરની આશિષ જાણે કે ફળી હોય તેમ તે જ રાત્રે શ્રમણ ગૌતમને બધાં સંશયશંકાને ઓગાળી નાખતું, અંતરને અજવાળાથી ભરી દેતું, દુઃખમાત્રનો અંત આણી અનંત, પરમ સુખનો માર્ગ બતાવતું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ થયા, બુદ્ધ થયા.

અને ભગવાન બુદ્ધને બુદ્ધપદની પ્રાપ્તિ થઈ તે પહેલાંની અંતિમ ભિક્ષા ઊંડી આસ્થા ને સદ્ભાવથી આપવા માટે સુજાતા અનન્ય જશ અને કીર્તિનું ભાજન બની.