ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્તનું ગૃહાગમન


અગડદત્તનું ગૃહાગમન

આ પ્રમાણે જિતાયેલા શત્રુ અર્જુનને હણીને તથા શ્યામદત્તાને આશ્વાસન આપીને હું ઉજ્જયિની તરફ ચાલ્યો. અનુક્રમે ચાલતાં ઉજ્જયિની પહોંચ્યો, અને માતાના ઘરમાં પ્રવેશ્યો. પુત્રવત્સલ માતા મારું આગમન સાંભળીને મારી સામે દોડી આવી. હું રથમાંથી ઊતર્યો, એટલે આનંદનાં અશ્રુ સારતી તેણે મને આલિંગન આપ્યું અને મારું મસ્તક સૂંઘ્યું. શ્યામદત્તા પણ રથમાંથી ઊતરીને માતાને પગે પડી. આનંદિત હૃદયવાલી માતાએ તેને પણ આલિંગન કર્યું, અવિધવા-મંગલથી તેનું અભિનંદન કર્યું, અને ઘરમાં પ્રવેશ કરાવ્યો. સ્વજનો, મિત્રો અને બંધુઓ પણ કુશળ પૂછવા માટે આવ્યા, તેમનો અમે વૈભવ અનુસાર સત્કાર કર્યો. નોકરો ઘોડા તથા રથને યોગ્ય સ્થાને લઈ ગયા તથા ઘોડાને માલિસ કર્યું. બધું દ્રવ્ય, આયુધો, શસ્ત્રો તથા સાધનો પણ ઘરમાં લાવવામાં આવ્યાં.

પછી બીજે દિવસે સ્નાન કર્યા બાદ જમીને તથા અલંકારો પહેરીને રાજાને મળવા માટે હું રાજકુલમાં ગયો. પ્રતિહારે રાજાને મારા આગમનના ખબર આપ્યા બાદ હું અંદર પ્રવેશ્યો. રાજાને મેં જોયો અને પ્રણામ કર્યા, ‘હું અમુકનો (રાજાના ભૂતપૂર્વ સારથિનો) પુત્ર છું’ એમ મેં કહ્યું. એટલે સંતોષ પામેલા રાજાએ મારા પિતાનું બધું કામ મને સોંપ્યું અને બમણો શિરપાવ આપ્યો. આવી રીતે રાજાનો સત્કાર પામેલો હું ઘેર ગયો, અને માતાની સેવામાં પરાયણ રહેતો શ્યામદત્તાની સાથે સમય ગાળવા લાગ્યો.

એક વાર રાજાએ નગરઉજાણીની આજ્ઞા કરી. રાજા પોતે પણ ઉદ્યાનયાત્રા માટે નીકળ્યો. પ્રજાજનો પણ પોતાના વૈભવ, રિદ્ધિ અને સત્કારથી એકબીજાની સરસાઈ કરતા અને પોતાનાં વૈભવ અને રૂપ બતાવતા નીકળ્યા. હું પણ મારા મિત્રો અને સ્વજનોની સાથે મારા વૈભવની સૂચક એવી રિદ્ધિપૂર્વક શ્યામદત્તાને લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં અનેક પ્રકારનાં ખાદ્ય, પેય, ગીત, વાદિત્ર તેમ જ હાસ્યરવથી શબ્દાયમાન ઉદ્યાનમાં લોકો તેમ જ અમે પ્રીતિસુખ અનુભવવા લાગ્યા.

આ પ્રમાણે યથેચ્છ સુખ અનુભવીને પાછલા પહોરે નગરજનો પરિજન સહિત પાછા નગરમાં જવાને નીકળ્યા. અમે પણ નગર તરફ જવાને તૈયાર થયા; એ વખતે અતિમુક્તક લતાના હીંચોળા ઉપર હીંચતી શ્યામદત્તાને કાકોદર સર્પે (એક પ્રકારના ઝેરી સાપે) દંશ કર્યો. એટલે પોતાના હાથ વીંઝતી તથા ‘આર્યપુત્ર! મારું રક્ષણ કરો; હું દુઃખ પામું છું’ એમ બોલતી તે દોડીને મારા ખોળામાં પડી. એટલે સંભ્રાન્ત હૃદયવાળા મેં તેને ‘ડરીશ નહીં’ એમ કહ્યું, અને આલિંગન આપ્યું. શરીરમાં વિષ વ્યાપી જતાં શ્યામદત્તા ઘડી વારમાં અચેતન થઈ ગઈ. એ જોઈને હું પણ જાણે પ્રાણ નીકળી ગયો હોય તેમ મૂર્ચ્છા પામ્યો. પછી મૂર્ચ્છા વળતાં ખૂબ વિલાપ કરવા લાગ્યો. એવામાં સૂર્ય અસ્ત પામ્યો. પરિજનોને મેં ઘેર માતાની પાસે મોકલ્યાં. શોકપૂર્ણ હૃદયવાળો હું શ્યામદત્તાને ઉદ્યાનના દેવકુલના બારણા આગળ લઈ જઈને ‘હા શ્યામદત્તા! અનેક સંકટોમાં મારી સહાયક! મને ત્યજીને કેમ જાય છે?’ એમ વિલાપ કરતો બેઠો.

અર્ધરાત્રિના સમયે દૈવયોગે ત્યાં થઈને જતા વિદ્યાધર-યુગલને અમારા પ્રત્યે અનુકંપા થઈ. યુગલ આકાશમાંથી નીચે ઊતર્યું. તેઓએ મને પૂછ્યું, ‘આ શાથી મરણ પામી છે?’ મેં કહ્યું કે, ‘સર્પે દંશ કર્યો છે.’ પછી સાનુકંપ વિદ્યાધરે ‘શા માટે સૂઈ રહી છે?’ એમ બોલતાં શ્યામદત્તાને સ્પર્શ કર્યો, એટલે તે ઊભી થઈ. મેં પણ તે વિદ્યાધરને પ્રણામ કર્યા અને આકાશમાર્ગે ઊડતાં ક્ષણવારમાં તે અદૃશ્ય થયો.

અમે પણ દેવકુલ પાસે ગયાં. મેં શ્યામદત્તાને કહ્યું, ‘તું ડરીશ નહીં; થોડીક વાર બેસ, ત્યાં સુધીમાં હું સ્મશાનમાંથી અગ્નિ લાવું.’ પછી હું અગ્નિ લઈને આવ્યો. તે વખતે દેવકુલમાં મેં પ્રકાશ જોયો. આથી શ્યામદત્તાને મેં પૂછ્યું કે, ‘આ શેનો પ્રકાશ છે?’ તેણે જવાબ આપ્યો કે, ‘તમારા હાથમાં રહેલા અગ્નિનો પ્રકાશ દેવકુલમાં પડેલો જણાય છે.’ પછી મેં કહ્યું, ‘તું તલવાર પકડ એટલે હું દેવતા સળગાવું.’ તેણે તલવાર પકડી, એટલે હું અગ્નિ સળગાવવા માંડ્યો. એવામાં તલવાર મારી આગળ પડી. એટલે મેં પૂછ્યું, ‘આ શું?’ તેણે જવાબ આપ્યો કે, ‘મને ગભરાટ થયો, એથી હાથમાંથી તલવાર પડી ગઈ.’ પછી દેવતા સળગાવીને અમે દેવકુલમાં પ્રવેશ્યાં અને ત્યાં રહ્યાં. આ પ્રમાણે રાત્રિ પસાર થઈ અને નિર્મળ પ્રભાત થયું. પછી પ્રભાતે મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજન ‘શ્યામદત્તા સાજી થઈ’ એ સાંભળીને આનંદ પામ્યાં. હર્ષ પામેલાં અમે પણ દેવકુલમાંથી ઘેર આવ્યાં. શ્યામદત્તા સહિત મને જોઈને માતા ખૂબ રાજી થઈ. શ્યામદત્તાની સાથે વિષયસુખ અનુભવતો હું રહેવા લાગ્યો.

પછી એક વાર રાજાએ મને આજ્ઞા આપી કે, ‘દશપુરમાં અમિત્રદમન રાજા પાસે દૂત તરીકે જા.’ આ આજ્ઞા માથે ચડાવીને હું મારા પરિવારની સાથે દશપુર ગયો, નગરમાં પ્રવેશ્યો અને પ્રતિહારે મારા આગમનની ખબર આપતાં રાજાની પાસે ગયો. રાજાને હું મળ્યો, પ્રણામ કરીને મને મળેલી સૂચના અનુસાર વિનંતી કરી તથા નજરાણાં ધર્યાં. મને મુકામ આપવામાં આવ્યો તથા મારો સત્કાર કરવામાં આવ્યો. એ રીતે હું રહેવા લાગ્યો.

ત્યાં એક વાર મધ્યાહ્નકાળે શાસ્ત્રમાં ઉપદેશેલી વિધિ પ્રમાણે, ત્રસપ્રાણ અને બીજ-રહિત માર્ગ ઉપર યુગાન્તરદૃષ્ટિ (ગાડાના ધૂંસરા જેટલી-સાડા ત્રણ ડગલાં) રાખીને ચાલતા તથા તપથી કૃશ બનેલા બે સાધુઓ મારે ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યા, અને સાધુને યોગ્ય પ્રદેશમાં ઊભા રહ્યા. મેં તેમને પ્રણામ કરી તત્કાલ હાજર હતો તેવો સાધુને યોગ્ય પ્રાસુક આહાર વહોરાવ્યો, એટલે તેઓ ત્યાંથી ગયા. પછી ફરી પાછા બીજા બે સાધુઓ આવ્યા. તેમને ભિક્ષા આપી, એટલે તેઓ પણ ગયા. મુહૂર્ત રહીને ત્રીજા બે સાધુઓ આવ્યા. એટલે મેં વિચાર કર્યો કે, ‘શું આ લોકો માર્ગ ભૂલી ગયા હશે? કે ઓછી ભિક્ષા મળવાથી કે ઘર મોટું હોવાથી ભ્રમ થઈ જવાને લીધે ફરી ફરી આ સાધુઓ અહીં આવે છે?’ મેં ભિક્ષા આપીને તેમને પૂછ્યું, ‘ભગવન્! ક્યાં વસો છો?’ ‘ઉદ્યાનમાં વસીએ છીએ’ એમ કહીને તેઓ ગયા. હું પણ થોડી વારમાં આહારપાણી અને આવશ્યક ક્રિયાઓ પતાવીને હકીકત જાણવા માટે એકલો જ ઉદ્યાનમાં ગયો, ત્યાં મેં તપથી સૂર્યની જેમ દીપતા તે સાધુઓને જોયા. તેમની પાસે જઈને મેં પ્રણામ કર્યાં, અને તેમના ચરણમાં બેઠો. મેં તેમને પૂછ્યું, ‘ભગવન્! આપનો કયો ધર્મ?’ એટલે અહિંસા જેનું લક્ષણ છે તથા ગુપ્તિ જેનું મૂળ છે એવો સાધુધર્મ અને શ્રાવકધર્મ તેમણે સંક્ષેપમાં કહ્યો. કાનરૂપી અંજલિથી જાણે અમૃત પીતો હોઉં તે પ્રમાણે તેમની વાણીનું શ્રવણ કરીને વિસ્મય પામેલા મેં પૂછ્યું, ‘ભગવન્! આપ ક્યાંના છો? શાથી દીક્ષા લીધી? એક સરખા જ રૂપવાળા તમે બધા નવયૌવનમાં રહેલા જણાઓ છો. તમારા દર્શનથી મને ઘણું આશ્ચર્ય થયું છે.’ ત્યારે એ સાધુઓ પૈકી મોટાએ કહ્યું, ‘શ્રાવક! ધ્યાનપૂર્વક સાંભળ —