ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/અગડદત્તનો અટવીમાં પ્રવેશ


અગડદત્તનો અટવીમાં પ્રવેશ

પછી સૂર્ય અસ્ત પામવાના સમયે ઘોડાઓને પાણી પાઈને મેં રથ જોડ્યો. શ્યામદત્તા પણ શરીરશૌચ આદિ કૃત્ય કરીને રથમાં બેઠી. મેં વેગથી ઘોડા પ્રેર્યા. એ સમયે મેં પણ વનદેવતાને પ્રણામ કર્યા, રથ ઉપર બેઠો, લગામો પકડી, ઘોડાઓ હાંક્યા અને રથ ચાલ્યો. સાર્થના માણસો પણ ઘણું ભાથું લઈને પેલા પરિવ્રાજકની સાથે મારા રથની સાથોસાથ ચાલવા લાગ્યા. એમ કરતાં એ જનપદ વટાવીને અમે અટવીમાં પ્રવેશ્યા અને અલ્પ સુખવાળા પડાવોમાં વસતા આગળ ચાલવા લાગ્યા. અનેક પ્રકારનાં વૃક્ષ અને લત્તાઓથી જેના કિનારાની વનરાજિ ઢંકાયેલી છે એવી એક પહાડી નદી પાસે અમે પહોંચ્યા. રથ સારી રીતે ચાલી શકે એવી ભૂમિ ઉપર મેં રથ છોડ્યો. પેલા સાર્થના માણસોએ પણ પોતપોતાની ઇચ્છાનુસાર વૃક્ષની છાયામાં પડાવ નાખ્યો.

પછી પેલો પરિવ્રાજક તેમને કહેવા લાગ્યો, ‘પુત્રો! આજ હું તમારા બધાની પરોણાગત કરું. આ અટવીમાં એક ગોકુલ છે. ત્યાં મેં ઉજ્જયિની આવતાં અને પ્રયાગ જતાં ચાતુર્માસ કર્યો હતો. ત્યાંના ગોવાળિયાઓ મારા પરિચિત છે. ત્યાં હું જાઉં છું, માટે આજે તમારે કોઈએ રસોઈ કરવાની નથી.’ આમ કહીને તે ગયો. પછી મધ્યાહ્નકાળે વિષમિશ્રિત ખીર, દહીં અને દૂધનાં માટલાં ભરીને તે આવ્યો અને સાર્થના માણસોને કહ્યું, ‘પુત્રો! આવો, દેવના પ્રસાદરૂપ આહાર-પાણી વાપરો.’ પછી તે લોકોએ મારી પાસે એક માણસ મોકલ્યો કે, ‘ભાઈ! આવો, તમે પણ ખાઓ.’ મેં કહ્યું કે, ‘મારું માથું દુખે છે. પણ મારું માનો તો તમે પણ આ આહાર ન ખાશો.’ આમ કહીને મેં એને વાર્યો. તેણે જઈને પેલા માણસોને તથા પરિવ્રાજકને કહ્યું. એટલે તે પરિવ્રાજક મારી પાસે આવીને બોલ્યો, ‘દેવાનુપ્રિય! આવો, તમે પણ દેવનું શેષ ખાઓ.’ મેં તેમને કહ્યું, ‘વધારે ખોરાક મારાથી જીરવાય એમ નથી.’ પછી તે પરિવ્રાજક ‘આ તો મહાદુષ્ટ છે’ એમ વિચારીને ગયો; અને સુખપૂર્વક બેઠેલા સાર્થના માણસોને પોતે જાતે જ કેડ બાંધીને પીરસવા લાગ્યો; પેલા લોકો અજ્ઞાનને લીધે વિષમિશ્રિત આહાર શોખથી ખાવા લાગ્યા. એટલામાં સૂર્ય અસ્ત પામ્યો અને પેલા માણસો પણ ઝેર શરીરમાં વ્યાપી જતાં અચેતન થઈને પડ્યા. પરિવ્રાજક પોતાના ત્રિદંડના લાકડામાંથી તલવાર કાઢીને બધાનાં માથાં કાપી નાખી તલવાર સાથે દોડતો મારી પાસે આવ્યો. મારા ખભા ઉપર તેણે તલવારનો ઘા કર્યો તે ઢાલ વડે ચુકાવીને મજબૂત મૂઠવાળા ખડ્ગ વડે મેં તેના ઉપર ઘા કર્યો, જેથી તેના બન્ને સાથળ કપાઈ જતાં તે ધરતી ઉપર પડ્યો.

પછી તે બોલ્યો, ‘પુત્ર! હું ધનપૂજક નામનો ચોર છું. આ પહેલાં મને તારા સિવાય બીજું કોઈ છેતરી શક્યું નથી. સાચે જ માતાએ તને એકલાને જ જણ્યો છે.’ ફરી પાછો તે કહેવા લાગ્યો, ‘વત્સ! આ પર્વતના પશ્ચિમ પ્રદેશમાં બે નદીના મધ્યભાગમાં એક મોટી શિલા છે. ત્યાં ભોંયરું છે. ત્યાં મેં ઘણું ધન રાખેલું છે. જા, એ ધન તું લે. મારો અગ્નિસંસ્કાર તું કરજે.’ એમ કહીને તે મરણ પામ્યો. પછી મેં લાકડાં ભેગાં કરીને તેનો અગ્નિસંસ્કાર કર્યો. પછી હાથપગ ધોઈને રથ જોડીને નીકળ્યો. મેં વિચાર્યું, ‘ધનનું મારે શું કામ છે?’ આમ વિચારીને તેનો ભંડાર લેવા ગયો નહીં.

આ પછી મેં ઘોડાઓને માર્ગ ઉપર લીધા અને શ્યામદત્તાની સાથે પ્રવાસ કરવા લાગ્યો. એમ કરતાં અમે અનેક પ્રકારનાં વૃક્ષોથી ગહન, વેલ અને લતાઓનાં ગુલ્મોથી યુક્ત, પર્વતની ગુફાઓમાંથી વહેતાં ઝરણાંઓવાળી, અત્યંત ભયંકર, ચીબરીના ભયાનક શબ્દોથી વ્યાપ્ત, કોઈક સ્થળે વાઘ અને રીંછના ઘુરકાટથી શબ્દાયમાન, વાંદરાઓની ચીસોથી યુક્ત, અનેક પ્રકારના જંગલી અવાજોથી કાનને ત્રાસદાયક, ભિલ્લોએ ત્રાસ પમાડેલા વનહસ્તીઓના ચિત્કારથી ભરેલી, તથા કોઈક સ્થળે હાથીઓ વડે ‘મડમડ’ અવાજ સાથે ભંગાતા સલ્લકીવનવાળી ભયાનક અટવીમાં અમે આવ્યાં. ત્યાં કેટલેક સ્થળે ઢોળાયેલ લોટ, ચોખા, અડદ તથા ઘીના ઘડા, આમતેમ પડેલી ખાંડણીઓ, કાણાં તેલનાં કુલ્લાં તથા અસ્તવ્યસ્ત પડેલાં અનેક પ્રકારનાં છત્રો અને પગરખાંઓ જોઈને મેં વિચાર કર્યો કે, ‘નક્કી, હાથીના ઘોર ભયથી ત્રાસેલા સાર્થના લોકોના પલાયનનાં આ ચિહ્નો છે.’ આ બધું જોતાં જોતાં અમે તેની બાજુમાં થઈને અટવીમાં આગળ ચાલ્યાં. એટલામાં યૂથથી છૂટા પડેલા, એકલા, લાંબા વાળવાળા, માર્ગની બાજુમાં ઊભેલા વનહસ્તીને મેં જોયો. શ્યામદત્તા એને જોઈને ભય પામી. શ્યામદત્તાને મેં આશ્વાસન આપીને કહ્યું, ‘આપણા રથના અવાજ પ્રત્યે કાન માંડીને રોષ પામેલો તથા અતિ ઉગ્રતાથી દોડવાની ઇચ્છાથી ભૂમિ ઉપર મૂકેલા જઘનભાગને કારણે જાણે ચોંટી ગયેલો હોય એવો આ હાથી દેખાય છે’ પછી તે પોતાની સૂંઢનો અગ્રભાગ વીંઝીને, આંખો ફાડીને, ભયંકર ચીસ પાડીને, સૂંઢ જમીન ઉપર પછાડીને મને મારી નાખવા માટે જોરથી દોડ્યો. તે દોડતા હાથીના કુંભસ્થળ ઉપર મેં શીઘ્રતાથી અને ચપળતાથી ત્રણ બાણ માર્યાં. એ બાણના ગાઢ પ્રહારથી દુઃખ પામતા શરીરવાળો તે ચીસ પાડીને ઝાડની ડાળીઓ ભાંગી નાખતો ત્યાંથી નાઠો. ભય દૂર થતાં શ્યામદત્તાએ પૂછ્યું, ‘શું તે હાથી નાસી ગયો?’ મેં કહ્યું, ‘સુતનુ! હા, નાસી ગયો.’

પછી અમે આગળ ચાલ્યાં, અને થોડેક દૂર ગયાં ત્યાં લુહારની ધમધમતી ભઠ્ઠીના જેવો અવાજ સાંભળ્યો. મારા હૃદયમાં શંકા થઈ કે ‘નક્કી અહીં સર્પ હશે.’ ત્યાં તો માર્ગમાં જ સામે રહેલા, કાજળના ઢગલા જેવી કાન્તિવાળા, લપલપાટ કરતી બે જીભવાળા, ઉત્કટ, સ્ફુટ, વિકટ, કુટિલ, કર્કશ અને વિકૃત ફટાટોપ કરવામાં કુશળ તથા જેણે ત્રીજા ભાગનું શરીર ઊંચું કર્યું છે એવા મોટી ફણાવાળા નાગને અમે જોયો. શ્યામદત્તા ભય પામી, પણ મેં તેને ધીરજ આપી. ઘોડા અને રથના શબ્દથી રોષ પામેલો નાગ દોડ્યો. એ દોડ્યો ત્યાં તો પહોળા યંત્રમાંથી છોડેલા અર્ધચંદ્ર બાણથી તેનું માથું ફણાસહિત કાપીને મેં ધરતી ઉપર પાડ્યું. એને આ પ્રમાણે પરલોકનો પરોણો બનાવીને અમે આગળ ચાલ્યાં.

એટલામાં સામે જ અપરિશ્રાન્ત યમદેવના જેવા દુઃખકારક, લાંબી કેસરાવાળા,૧ લાંબા અને ઊછળતા પૂંછડાવાળા, રક્તકમળના પત્રના સમૂહ જેવી જીભ હલાવતા, કુટિલ અને તીક્ષ્ણ દાઢવાળા, ઊંચા કરેલા લાંબા પૂંછડાવાળા, અતિભીષણ વાઘને અમે જોયો. પૂર્વે જેણે ભય જોયો નથી એવી, બીનેલી, જેનાં સર્વે અંગો થરથર કંપે છે એવી તથા ઉદ્વિગ્ન ચિત્તવાળી શ્યામદત્તા તે ભયંકર વાઘને ટગર ટગર જોઈ રહી. મેં તેને કહ્યું, ‘સુન્દરિ! ડરીશ નહીં.’ તે વાઘ કૂદતો મારી તરફ દોડ્યો. તે દોડતો હતો ત્યાં જ કણેરના પત્રના સમૂહ જેવાં લાલ ફળાંવાળાં પાંચ બાણ મેં તેના મોંમાં છોડ્યાં. એ બાણનો ગાઢ પ્રહાર લાગતાં તે નાસી ગયો.

ફરી પાછું, અમે જોતાં હતાં ત્યાં જ અનેક પ્રકારનાં શસ્ત્રો અને બખ્તરોથી સંકુલ, હર્ષની ચિચિયારીઓ કરતું, અને વિવિધ પ્રકારનાં હથિયાર તેમ જ બખ્તરો ધારણ કરેલું એક કટક આવી પહોંચ્યું. મેં વિચાર્યું કે, ‘અમને લૂંટવા માટે ચોરો અહીં આવતા લાગે છે.’ અનેક પ્રકારના વેશ ધારણ કરેલા તે ચોરોને જોઈને જેનું આખું શરીર કંપી ઊઠ્યું છે એવી શ્યામદત્તા મને બાઝી પડી.

મેં કહ્યું, ‘વિષાદ ન કર, જો; મુહૂર્ત માત્રમાં તો આ બધા જ ચોરોને યમગૃહમાં લઈ જાઉં છું.’ સ્વભાવથી જ જે ભીરુ છે એવી તે શ્યામદત્તાને મારા વચનથી કંઈક ધીરજ આવી. મને ચોરો ચારે તરફથી ઘેરી વળ્યા. મેં પણ અસ્ત્ર અને શસ્ત્રની નિપુણતા અને ચાતુર્યથી અને બાણના પ્રહારથી તેમને ત્રાસ પમાડતાં તેઓ ચોમેર નાસવા લાગ્યા. પછી વ્યાયામથી કઠિન ગાત્રવાળો, ધનુષ્ય ખેંચવાથી દીર્ઘ બનેલા બાહુવાળો અર્જુન નામનો તેમનો સેનાપતિ એ નાસતા ચોરોને ધીરજ આપતો, રથયુદ્ધ થઈ શકે એવી ભૂમિ ઉપર કવચ પહેરીને ઊભો રહ્યો. મેં પણ ઘોડાઓને થાબડીને તથા સર્વે આયુધોથી મારી જાતને સજ્જ કરીને તેની તરફ રથ ચલાવ્યો. તેણે પણ મારી તરફ રથ વાળ્યો. પછી બાણોના સમૂહની પરંપરાથી એકબીજાનું છિદ્ર શોધતા અમે યુદ્ધ કરવા લાગ્યા. કોઈ પ્રકારનો લાગ નહીં ફાવતાં મેં વિચાર્યું કે, ‘આ ચોર સમર્થ છે; એનો પરાજય થઈ શકે એમ નથી. રથયુદ્ધમાં કુશળ એવા તેને બીજી કોઈ રીતે છેતરી શકાય એમ પણ નથી. અર્થશાસ્ત્રમાં૧ કહ્યું છે કે ‘પોતાના વધતા જતા શત્રુને માયાથી અને શસ્ત્રથી હણવો.’ તો અહીં એ વસ્તુ યોગ્ય છે કે સર્વ અલંકારોથી વિભૂષિત આ શ્યામદત્તા પોતાનું અધોવસ્ત્ર શિથિલ રાખીને — અર્ધનગ્નાવસ્થામાં રથની આગળની બેઠક ઉપર બેસે. એનું રૂપ જોઈને આ ચોરની નજર આકર્ષાય એ વખતે ચોરને મારે મારવો’ — આમ નક્કી કરીને મેં શ્યામદત્તાને રથની આગળ બેઠક ઉપર બેસાડી. તેના રૂપ, યૌવન અને વિલાસથી વિસ્મિત હૃદયવાળા અર્જુનની દૃષ્ટિ ત્યાં ચોંટી. એ વખતે તેને બેધ્યાન નજરવાળો જાણીને નીલ કમળ જેવા આરામુખ બાણ વડે મેં તેની છાતીમાં પ્રહાર કર્યો. ત્યારે રથમાંથી ઊતરીને તે બોલ્યો,

‘હું તારા બાણથી નહીં, પણ કામદેવના બાણથી મરણ પામું છું, કારણ કે યુદ્ધ ચાલતું હતું ત્યારે હું સ્ત્રીનું મુખ જોતો રહ્યો.’ આ પ્રમાણે બોલીને તે મરણ પામ્યો. પછી પોતાના સેનાપતિને મરણ પામેલો જોઈને જેમનાં હથિયારો અને બખ્તરો અસ્તવ્યસ્ત થયાં છે એવા તેના સહાયક ચોરો પણ નાસી ગયા.