ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ગન્ધર્વદત્તા લંભક


ગન્ધર્વદત્તા લંભક

હું કૂવામાંથી બહાર નીકળ્યો. ત્યાં આધેડ વયના એક માણસને મેં જોયો. તેને મેં પૂછ્યું, ‘સૌમ્ય! આ કયો જનપદ છે? અને અહીં કયું નગર આવેલું છે?’ તેણે કહ્યું, ‘ભદ્રમુખ! અનુક્રમે એક જનપદથી બીજા જનપદમાં જવાય છે. તમે શું આકાશમાંથી પડેલા છો કે આ કયો જનપદ અને કયું નગર એમ પૂછો છો?’ મેં કહ્યું, ‘સાંભળો, હું ગૌતમગોત્રનો સ્કન્દિલ નામે મગધવાસી બ્રાહ્મણ છું. યક્ષિણીઓની સાથે મારે પ્રણય હતો. તેમાંની એક મને (આકાશમાર્ગે) ઇચ્છિત પ્રદેશમાં લઈ જતી હતી, ત્યાં બીજીએ ઈર્ષ્યાને કારણે તેની પાછળ પડીને તેને પકડી. તે બેની વચ્ચે કલહ થતાં હું નીચે પડી ગયો. આથી આ કયો જનપદ છે તે હું જાણતો નથી.’ પેલો માણસ પણ મને અવલોકીને કહેવા લાગ્યો, ‘સંભવિત છે; યક્ષિણીઓ તમારી કામના કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.’ પછી તેણે મને કહ્યું, ‘આ અંગા જનપદ છે, અને ચંપાનગરી છે.’ પછી ત્યાં મેં જિનમંદિર જોયું, અને ત્યાં જેના પાદપીઠ ઉપર નામ કોતરેલું હતું એવી ભગવાન અરિહંત વાસુપૂજ્યની મૂર્તિ મેં જોઈ. એ મૂર્તિને બહુમાનપૂર્વક પ્રણામ કરી, જાણે પ્રત્યક્ષ તીર્થંકર હોય તેમ તેને વંદન કરી, હું મારી જાતને કૃતાર્થ માનવા લાગ્યો.

પછી હું મંદિરમાંથી બહાર નીકળ્યો, તો જેમના હાથમાં વીણા છે એવા, કંઈક પરિવાર સહિત, તરુણોને મેં જોયા, તથા ઘણા લોકોથી પરિવરાયેલું, વેચવા માટેનું, વીણાઓથી ભરેલું ગાડું જોયું. એક માણસને મેં પૂછ્યું, ‘શું આ દેશનો આવો આચાર છે? કે બીજું કંઈ કારણ છે, જેથી બધા જ લોકો વીણાનું જ કામ કરતા દેખાય છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘અહીં ચારુદત્ત શેઠની પુત્રી ગન્ધર્વદત્તા અત્યંત રૂપવતી અને ગાન્ધર્વવેદની પારગામી છે. એ શેઠ પણ કુબેરના જેવો છે. એ કન્યાના રૂપથી મોહિત થયેલા બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો સંગીતકળામાં અનુરક્ત થયેલા છે. એ કળા શીખીને જે માણસ તે કન્યાને જીતે તે પુણ્યભાગીની એ ભાર્યા થશે. દરેક માસે વિદ્વાનોની સમક્ષ આ બાબતનો નિર્ણય કરવામાં આવે છે. ગઈ કાલે જ એવો સમારંભ થઈ ગયો છે, એટલે હવે એક માસે થશે.’ મેં વિચાર્યું, ‘હજી તો ઘણા દિવસ ગુમાવવા પડશે, માટે તેને પૂછું કે — અહીં સંગીતકળાના પારગામી કોઈ ઉપાધ્યાયો છે કે કેમ?’ તેણે ઉત્તર આપ્યો, ‘છે, તેમાં પણ સુગ્રીવ અને જયગ્રીવ મુખ્ય છે.’

એટલે મને વિચાર થયો, ‘એ લોકોના ઘરમાં હું નિર્વિઘ્ને દિવસ ગાળીશ.’ મારાં આભરણો ગુપ્ત ભૂમિભાગમાં છુપાવીને હું નગરમાં પ્રવેશ્યો. મૂર્ખની જેમ પ્રલાપ કરતો હું (સુગ્રીવ) ઉપાધ્યાયને ઘેર પહોંચ્યો. ઉપાધ્યાયને મેં પ્રણામ કર્યા, એટલે તેમણે ‘સ્વાગત’ એમ કહ્યું, અને પૂછ્યું, ‘ક્યાંથી આવે છે? અને શા કારણથી અહીં આવ્યો છે?’ મેં કહ્યું, ‘મારું નામ સ્કન્દિલ છે, હું ગૌતમગોત્રનો છું, અને મારે સંગીત શીખવું છે.’ પણ ઉપાધ્યાયે મને જડ ધારીને મારી અવજ્ઞા કરી. એટલે મેં તેની બ્રાહ્મણીને ઉત્તમ રત્નથી જડેલું કડું આપ્યું. તે જોઈને તે કહેવા લાગી, ‘પુત્ર! ધીરજ રાખ; ભોજન, વસ્ત્ર અને શયનની બાબતમાં તારી જે કંઈ ઇચ્છા હોય તે કહે, ચિન્તા ન કરીશ.’ મેં પણ મારી ઇચ્છા હતી તે કહ્યું. પછી બ્રાહ્મણીએ સુગ્રીવ ઉપાધ્યાયને કહ્યું, ‘સ્વામી! સ્કન્દિલને ભણાવો, એ વિદ્યાવિહીન ન રહે.’ તેણે કહ્યું, ‘એ તો જડ છે, શું શીખવાનો હતો?’ બ્રાહ્મણી બોલી, ‘મારે કંઈ બુદ્ધિનું પ્રયોજન નથી; આ વસ્તુને માટે પ્રયત્ન કરો.’ એમ કહીને તેણે કડું બતાવ્યું. એટલે ઉપાધ્યાયે મને શીખવવાનું સ્વીકાર્યું. પછી તુંબરુ અને નારદની પૂજા કરવામાં આવી. ઉપાધ્યાયે મને વીણા અને ચંદનનો ગજ આપ્યો અને કહ્યું, ‘તન્ત્રીઓને સ્પર્શ કર.’ એટલે મેં તન્ત્રીઓ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે તૂટી ગઈ. ઉપાધ્યાયે બ્રાહ્મણીને કહ્યું, ‘તારા પુત્ર સ્કન્દિલનું આ વિજ્ઞાન જો.’ બ્રાહ્મણી બોલી, ‘એ તન્ત્રીઓ તો જૂની અને દુર્બલ હતી; બીજી અને સ્થિર તન્ત્રીઓ બનાવો, એટલે તે સમય જતાં શીખશે.’ પછી ઉપાધ્યાયના શિષ્યોએ સ્થૂલ તન્ત્રીઓ તૈયાર કરી. મને ઉપાધ્યાયે કહ્યું, ‘ધીરે ધીરે તન્ત્રીઓને સ્પર્શ કર.’ પછી તેણે મને નીચે પ્રમાણે ગીત આપ્યું:

આઠ નિર્ગ્રન્થો સુરાષ્ટ્રમાં પ્રવેશ્યા, અને ત્યાં એક કોઠાના ઝાડની નીચે બેઠા; કોઠું પડ્યું અને (નિર્ગ્રન્થનું) માથું ફૂટી ગયું; ‘અવ્વો! અવ્વો!’ એમ બોલતા શિષ્યો હસવા લાગ્યા.

અને મેં એ કન્યાને સંગીતમાં પરાજિત કરી, એટલે ચારુદત્ત શ્રેષ્ઠીએ મારું લગ્ન તેમની પુત્રી સાથે કર્યું. એક દિવસ તે શ્રેષ્ઠીએ પોતાની કથા કહી: