ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/દૃઢધર્મ આદિ છ મુનિઓનો વૃત્તાન્ત


દૃઢધર્મ આદિ છ મુનિઓનો વૃત્તાન્ત

વિન્ધ્યાચળની પાસે અમૃતસુંદર નામે ચોરપલ્લી (ચોરોનું ગામ) છે. અનેક પલ્લીઓમાં જેનો પ્રતાપ સુવિખ્યાત છે એવો ત્યાં અર્જુન નામે ચોર-સેનાપતિ હતો. અનેક યુદ્ધોમાં જેણે વિજય મેળવ્યો છે એવો તે પલ્લીવાસીઓનું પાલન કરતો રહેતો હતો.

એક વાર કોઈ એક તરુણ એક તરુણીની સાથે રથમાં બેસીને અટવીમાંથી પસાર થતો હતો. એ તરુણ ઉપર ચોર-સેનાપતિએ હુમલો કર્યો, પણ રથયુદ્ધમાં કુશળ એ તરુણે તેને મારી નાખ્યો. એ ચોર-સેનાપતિ અમારો મોટો ભાઈ થતો હતો. ભાઈના શોકથી સંતાપ પામેલા હૃદયવાળાં અને વિશેષ તો અમારી સ્ત્રીઓનો તિરસ્કાર પામતા અમે તે રથના માર્ગને અનુસરતા અમારા ભાઈના ઘાતકને મારવા માટે ઉજ્જયિની ગયા. ‘આ એ જ છે’ એ પ્રમાણે નક્કી કરીને તેનાં છિદ્રો તપાસતા — તેના ઉપર આક્રમણનો લાગ શોધતા અમે તેની પાછળ પાછળ ફરવા લાગ્યા.

એક વાર અમારા ભાઈને મારનાર તે તરુણ ઉદ્યાનયાત્રામાં ગયો. એટલે અમે વિચાર કર્યો કે, ‘આને અહીં છૂપી રીતે મારવો.’ અમે પણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અમે અમારા નાના ભાઈને તેના ઘાતક તરીકે નિયુક્ત કર્યો અને અમે એકાન્તમાં છુપાઈ રહ્યા. પછી બધાં લોકો ચાલ્યાં ગયાં તે વખતે તેની પત્નીને સર્પે દંશ કર્યો અને તે મરણ પામી. તેણે પોતાનાં બધાં માણસોને ત્યાંથી ઘેર મોકલ્યાં, અને પોતાની પત્નીને દેવકુલના દ્વાર પાસે લઈ જઈને એકલો વિલાપ કરતો બેઠો. તેને મારવાનો નિશ્ચય કરી, અમારો નાનો ભાઈ દીવાનો સમુદ્રગક (સંપુટ) હાથમાં લઈને તે દેવકુલમાં પહેલાંથી પેસી રહેલો હતો. પછી ત્યાંથી પસાર થતા વિદ્યાધરે દયાથી પેલા તરુણની પત્નીને જિવાડી, એટલે તે ઊભી થઈ. પછી તે તરુણ તે તરુણીને દેવકુલમાં રાખીને અગ્નિ લેવાને માટે ગયો. એ વખતે અમારા ભાઈએ દીવાનો સમુદ્રગક ઉઘાડ્યો; અને તે સ્ત્રીને કહ્યું, ‘હું તારા પતિને મારી નાખી તને ઉપાડી જઈશ. જો આ રહસ્ય તું ખોલી દઈશ તો તને પણ મારી નાખીશ.’ તે સ્ત્રીએ કહ્યું કે, ‘હું જાતે જ એને મારી નાખીશ.’ એટલે અમારા ભાઈએ તેને પૂછ્યું, ‘તું કેવી રીતે મારીશ?’ તેણે જવાબ આપ્યો, ‘એ અગ્નિ લઈને આવશે, અને મારા હાથમાં તલવાર આપીને દેવતા સળગાવશે તે વખતે એનું માથું કાપી નાખીશ.’ મારા ભાઈએ પણ આ વસ્તુ માન્ય રાખી. પેલો યુવક પણ અગ્નિ લઈને આવ્યો અને તેણે પૂછ્યું, ‘દેવકુલમાં આ પ્રકાશ શેનો હતો?’ એટલે સ્ત્રીએ જવાબ આપ્યો, ‘તમારા હાથમાં રહેલા અગ્નિનો એ પ્રકાશ હશે.’ પછી યુવકે કહ્યું, ‘તું આ તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.’ એટલે તેણે તલવાર પકડી અને યુવક દેવતા સળગાવવા માંડ્યો. પેલી પણ તલવાર ખેંચીને ઘા કરવા તૈયાર થઈ. ત્યારે મારા ભાઈએ વિચાર કર્યો, ‘અહો! સ્ત્રીઓનું કેવું સાહસ છે!’ આમ વિચારીને તે સ્ત્રીના તલવારવાળા હાથ ઉપર તેણે ચોટ લગાવી, એટલે તલવાર જમીન ઉપર પડી ગઈ. સંભ્રાન્ત થયેલા પેલા તરુણે પૂછ્યું, ‘આ શું?’ એટલે સ્ત્રીએ કહ્યું, ‘મને ભય લાગ્યો, એટલે તલવાર હાથમાંથી પડી ગઈ.’ આ પછી તેઓ ત્યાં રાત ગાળીને પરોઢ થતાં ઘેર ગયાં.

દેવકુલમાંની પ્રતિમાની પાછળ પોતાનું શરીર છુપાવીને ત્યાં રહેલા અમારા ભાઈએ અમને બધી હકીકત કહી સંભળાવી. એટલે સ્ત્રીજનનું આ સાહસ જોઈને જેમને ગૃહવાસ ઉપર વૈરાગ્ય થયો છે તથા કામભોગ ઉપર જેમને નિર્વેદ થયો છે એવા, સ્ત્રીઓને નિંદતા અમે છ જણાએ દૃઢચિત્ત નામે સાધુની પાસે જિનધર્મ સાંભળીને દીક્ષા લીધી. તે ગુરુએ પણ અમારો વૈરાગ્ય જાણીને અનુક્રમે અમારાં નામ દૃઢધર્મ, ધર્મરુચિ, ધર્મદાસ, સુવ્રત, દૃઢવ્રત અને ધર્મપ્રિય એ પ્રમાણે રાખ્યાં.’

સાધુઓની વાત સાંભળીને મેં મારો સાચો પરિચય આપ્યો, પછી તેમણે સ્ત્રીઓથી દૂર રહેવા કહ્યું.

ધમ્મિલે અગડદત્તને ઉત્તમ સ્ત્રીઓનાં દૃષ્ટાંત આપ્યાં. સાધુઓની સૂચનાથી તેણે આયંબિલ વ્રત આદર્યું અને પછી થોડા સમય પછી એક વૃદ્ધાનો પરિચય થયો. તેણે વિમલસેનાની વાત કરી.