ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/દેવકીનું પાણિગ્રહણ


દેવકીનું પાણિગ્રહણ

દેવક રાજાની પુત્રી દેવકીને વરવાને મૃત્તિકાવતી જવા માટે એક વાર કંસની અનુમતિથી અમે નીકળ્યા. માર્ગમાં નેમિનારદ મળ્યા, તેમને મેં પૂછ્યું, ‘આર્ય! દેવકી રાજકન્યાને તમે અવશ્ય પૂર્વે જોઈ હશે; માટે તેનાં વિનય, રૂપ અને જ્ઞાન વિષે કહો.’ એટલે નારદે કહ્યું, ‘(દેવકીને) હું જાણું છું. હે સૌમ્ય! સાંભળ — અંગબિન્દુ (શરીર ઉપરનાં ગોળ બિન્દુઓ) અને ઉત્તમ લક્ષણો વડે આકીર્ણ દેહવાળી, બાન્ધવજનોનાં નયનરૂપી કુમુદો માટે ચંદ્રલેખા સમાન, લેખન આદિ કલાઓમાં યુવતીજનને યોગ્ય કુશળતા જેણે મેળવી છે એવી, લક્ષણવતી, દુઃખપૂર્વક જેનું રૂપ અવલોકી શકાય એવી (જેના રૂપનું અવલોકન કરવામાં પણ આંખો ઝંખવાઈ જાય એવી જાજવલ્યમાન, પૃથ્વીપતિની ભાર્યા થવાને યોગ્ય, લોકો વડે વર્ણન કરવા લાયક તથા વિનીત એવી તે દેવકી રૂપ વડે કરીને દેવતાઓ સમાન છે.’ મેં પણ નારદને કહ્યું, ‘આર્ય! જેવી રીતે તમે તેને વિષે મને કહ્યું તેવી રીતે મારે વિષે યથાર્થ હકીકત તેને કહો.’ ‘ભલે’ એમ કહીને નારદ આકાશમાં ઊડ્યા. અમે સુખપૂર્વક મુકામ તથા શિરામણ કરતા મૃત્તિકાવતી નગરી પહોંચ્યા. કંસે અનેક પ્રકારે દેવક રાજા પાસે કન્યાનું માગું કર્યું. પછી રાજાએ વિચાર કરીને શુભ દિવસે દેવકી કન્યા (મને) આપી. લગ્ન થઈ ગયા પછી રાજાને છાજતી રિદ્ધિથી કેટલાયે ભાર સુવર્ણ અને મણિઓ, મહામૂલ્યવાન શયન, આસન, વસ્ત્ર અને પાત્રોનો અનેક પ્રકારનો વૈભવ, અનેક દેશોમાં ઉત્પન્ન થયેલું વિપુલ સેવકોનું વૃન્દ તથા જેમાં એક કરોડ ગાયો છે એવું તથા નંદગોપ જેનો માલિક છે એવું ગોકુલ-આ સર્વ અમને આપવામાં આવ્યું. પછી સસરાની અનુમતિથી, દેવ સમાન રિદ્ધિ સાથે, હું મૃત્તિકાવતીની બહાર નીકળ્યો. રાજાઓ પાછા વળ્યા. હું અનુક્રમે મથુરા પહોંચ્યો.

આનંદ ચાલતો હતો ત્યારે એક વાર કંસ મારી પાસે આવીને પગે પડીને વીનવવા લાગ્યો, ‘દેવ! જે હું યાચું તે મને આપો.’ મેં કહ્યું, ‘આપીશું, જલદી કહે.’ એટલે હર્ષિત મનવાળો તે હાથ જોડીને બોલ્યો, ‘દેવકીના સાત ગર્ભો મને આપજો.’ મેં ‘ભલે’ એમ કહીને તે સ્વીકાર્યું. કંસ ગયો ત્યાર પછી મેં સાંભળ્યું કે ‘(દેવકીના લગ્ન સમયે) મદિરાથી મત્ત થયેલી કંસની પત્ની જીવયશાએ કુમારશ્રમણ અતિમુક્તકને, તેઓ પોતાના દિયર હોવાથી, લાંબા સમય સુધી હેરાન કર્યો હતો. આથી તે ભગવાને જીવયશાને શાપ આપ્યો હતો કે, ‘હે ઉત્સવમાં મત્ત થયેલી! જેના પ્રસંગમાં — લગ્નમાં તું આનંદિત થઈને નાચે છે તેનો સાતમો પુત્ર તારા પિતા અને પતિનો વધ કરનાર થશે.’ આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. ડરેલા એવા કંસે પણ સાત ગર્ભની માગણી કરી.’ (મેં વિચાર્યું,) ‘શુદ્ધ હૃદયવાળા એવા મેં જે સ્વીકાર્યું છે તે જ ભલે થાઓ.’ આ પ્રમાણે સમય વીતતો હતો.

ત્યાં દેવકીના છ પુત્રોનો મારા વચનના દોષથી દુરાત્મા કંસે વધ કર્યો. કોઈ એક વાર દેવકી સાત મહાસ્વપ્નો જોઈને મને કહેવા લાગી, જેમ કે — ‘મેં સાત સ્વપ્નો જોયાં છે.’ મેં કહ્યું, ‘સુતનુ! તો આ તારો સાતમો પુત્ર, અતિમુક્ત કુમારશ્રમણે નિર્દેશ કર્યો હતો તે પ્રમાણે, કંસ અને જરાસંધનો ઘાત કરનાર થશે, માટે વિષાદનો ત્યાગ કર. ચારણશ્રમણો સત્ય વચનવાળા હોય છે.’ આનંદિત થયેલી દેવકીએ ‘બરાબર’ એમ કહીને તે વચન સ્વીકાર્યું. કેટલાક દિવસો વીત્યા પછી ગર્ભ વૃદ્ધિ પામ્યો. એટલે દેવીએ દાસીઓ મોકલીને એકાન્તમાં મને વિનંતી કરી, ‘આર્યપુત્ર! કૃપા કરો; દેવ! મારા સાતમા ગર્ભનું રક્ષણ કરો. છેવટે મારો એક પુત્ર તો ભલે જીવે. એમાં (પ્રતિજ્ઞાભંગનું) જે પાપ થાય તે અમને થશે.’ મેં પણ તેઓની આગળ સ્વીકાર્યું કે ‘એમ કરીશ, નિશ્ચંતિ થા, હમણાં ચૂપ.’ પ્રસવકાળે કંસે મોકલેલા કંચુકીઓ દિવ્ય પ્રભાવથી ગાઢ નિદ્રામાં પડ્યા. પછી કુમાર જન્મ્યો; જાતકર્મ કર્યા પછી હું તેને બહાર લઈ ગયો. તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રના યોગમાં રહેલો હતો, વરસાદ વરસતો હતો, દેવતા અદૃષ્ટપણે (અમારી ઉપર) છત્ર ધરતી હતી, (અમારી) બન્ને બાજુએ દીપિકાઓ રહેલી હતી અને શ્વેત વૃષભ અમારી આગળ ઊભો રહેલો હતો. આ પ્રભાવથી વિસ્મિત થયેલા ઉગ્રસેને મને કહ્યું, ‘વસુદેવ! આ મહાઅદ્ભુત ક્યાં લઈ જાય છે?’ મેં પણ તેને વચન આપ્યું, ‘આ મહાઅદ્ભુત થાય છે માટે તમે અમારા રાજા થશો; આ ગુપ્ત વાત કોઈને કહેવી નહીં.’ પછી યમુના નદીએ માર્ગ આપ્યો, એટલે તેમાં હું ઊતર્યો, અને વ્રજમાં ગોકુળમાં પહોંચ્યો. ત્યાં નંદ ગોપની પત્ની યશોદાએ એ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યો હતો તેને એ કુમાર સોંપ્યો, અને પુત્રીને લઈને પાછો જલદીથી પોતાના ભવનમાં હું આવ્યો. દેવકીની સમીપ કન્યાને રાખીને હું ત્વરાપૂર્વક ચાલ્યો ગયો. કંસની પરિચારિકાઓ પણ તે સમયે જાગી, અને કંસને આ વાતની ખબર આપી. ‘ભલે અલક્ષણા -’ કહીને કંસે તે કન્યાનું નાક કપાવ્યું.

કેટલાક દિવસો ગયા પછી, ઘણી સ્ત્રીઓ વડે વીંટળાયેલી તથા ધવલ વસ્ત્રને ધારણ કરનારી દેવકી ગાયોના માર્ગની પૂજા કરતી પુત્રને જોવાને માટે વ્રજમાં ગઈ. (તે સમયથી) જનપદોમાં ગોમાર્ગ — ગાયોને પૂજવાનો વિધિ પ્રવર્ત્યો. કંસે પણ નૈમિત્તિકને પૂછ્યું, ‘અતિમુક્ત શ્રમણના આદેશમાં વિસંવાદ કેમ થયો?’ નૈમિત્તિકે કહ્યું, ‘એ ભગવાનના વચનમાં વિસંવાદ ન થાય; (એ પુત્ર) વ્રજમાં ઊછરે છે.’ પછી કૃષ્ણની શંકા કરતા એવા કંસે તેનો વિનાશ કરવાને માટે કૃષ્ણયક્ષોને આદેશ કર્યો. તેઓ નંદગોપના ગોકુળમાં પહોંચ્યા. ત્યાં તેમણે ગધેડા, ઘોડા અને આખલા છૂટા મૂક્યા. તેઓ લોકોને પીડા કરવા લાગ્યા. પણ કૃષ્ણે તેમનો નાશ કર્યો. મેં પણ છાની રીતે કૃષ્ણનું રક્ષણ કરવા માટે સંકર્ષણને ઉપાધ્યાય તરીકે ત્યાં રાખ્યો. તેણે કૃષ્ણને કલાઓ શીખવી. નૈમિત્તિકનું વચન પ્રમાણ કરતા એવા કંસે સત્યભામા કન્યાના ઘરમાં ધનુષ્ય રાખ્યું કે ‘જે આ ધનુષ્યને ચઢાવશે તેને સત્યભામા કન્યા આપવામાં આવશે.’

એક વાર સત્યભામા કન્યાની ઇચ્છા કરતો અનાધૃષ્ટિ વ્રજમાં થઈને આવ્યો; બલદેવ અને કૃષ્ણે તેની પૂજા કરી. પ્રસ્થાનના સમયે કૃષ્ણે તેને રહસ્ય બતાવ્યું (અર્થાત્ ‘હું તારો ભાઈ છું’ એમ અનાધૃષ્ટિને કહ્યું). પછી વટવૃક્ષમાં તેના રથનો ધ્વજ ભરાઈ ગયો. વડની શાખા ભાંગવાને જ્યારે અનાધૃષ્ટિ અશક્ત હતો ત્યારે કૃષ્ણે તે ભાંગી નાખી. પછી ગર્જના કરીને તેણે રથ નગરમાં પ્રવેશાવ્યો. તેઓ સત્યભામાને ઘેર પહોંચ્યા. અનાધૃષ્ટિ ધનુષ્ય ચઢાવી શક્યો નહીં, ત્યારે કૃષ્ણે તે ચઢાવ્યું. પછી મારી પાસે આવીને તે કહેવા લાગ્યો, ‘તાત! મેં સત્યભામાને ઘેર ધનુષ્ય ચઢાવ્યું છે.’ મેં કહ્યું, ‘પુત્ર! ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને તેં સારું કર્યું છે. પૂર્વે એ પ્રમાણે નક્કી કરવામાં આવેલું છે કે ‘જે એ ધનુષ્ય ઉપર દોરી ચઢાવે તેને એ સત્યભામા કન્યા આપવી’