ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ


મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ

પછી શુભ દિવસે લગ્નવેળાએ શિરીષપુષ્પ સમાન સુકુમાર શરીરવાળી, સરસ કમળ સમાન નયનો વડે મોહક મુખવાળી, મુખકમલના ભૂષણરૂપ કાળી કીકીઓ વડે અલંકૃત નયનયુગવાળી મિત્રશ્રીને મારી પાસે લાવવામાં આવી. વિધિપૂર્વક પાણિગ્રહણ થયા પછી સાર્થવાહે અમને સોળ કોટિ ધન આપ્યું. પછી તે મધુરતરભાષિણી મિત્રશ્રીની સાથે હું રમણ કરવા લાગ્યો.

તે સાર્થવાહના ઘરની પાસે સોમ નામે બ્રાહ્મણની પત્ની સુનંદા નામે બ્રાહ્મણી રહેતી હતી. તેને પાંચ પુત્રોની પછી જન્મેલી ધનશ્રી નામે પુત્રી હતી. સુનંદાનો એક પુત્ર મેધાવી હોવા છતાં તોતડો હતો. આથી મિત્રશ્રી મને કહેવા લાગી, ‘આર્યપુત્ર! સોમનો પુત્ર આ છોકરો વેદ ભણવાને અશક્ત છે. આથી બ્રાહ્મણો દુઃખી થાય છે. તે અધ્યયન કરવાને યોગ્ય થાય એવી તેની ચિકિત્સા તમે કરી શકશો?’ મેં કહ્યું, ‘તારા પ્રિય નિમિત્તે તેને ગ્રહણ કરીશ — તેનો ઉપચાર કરીશ.’ પછી મેં કાતરથી શીઘ્રતાપૂર્વક તે છોકરાનો કૃષ્ણ જિહ્વાતંતુ કાપી નાખ્યો; અને તેના ઉપર રૂઝ કરનાર ઔષધો ચોપડ્યાં. એટલે તે વિશદ વાણીવાળો થયો. સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો મધુમાસની વનશ્રી જેવી સ્વરૂપવાન ધનશ્રીને મારી પાસે લાવ્યા અને કહેવા લાગ્યા, ‘દેવ! પુત્રની ચિકિત્સા કરીને તમે અમને જિવાડ્યા છે.’ પછી તે બાળકને મેં વેદ ભણાવ્યો. થોડા સમયમાં તેણે ઘણું શીખી લીધું. પછી મિત્રશ્રી અને ધનશ્રી એ બંનેની સાથે ક્રીડા કરતો હું કેટલોક સમય ત્યાં રહ્યો.

બીજા રોગીઓની ચિકિત્સા કરતા કરતા એક યુવતીની કથા સાંભળી.

ચિત્રવેગાની આત્મકથા

વૈતાઢ્ય પર્વતમાં વિવિધ ધાતુ વડે મંડિત અને સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષોથી યુક્ત કાંચનગુહા નામે ગુહા છે. ગયા ભવમાં અમે ત્યાં જ તેંદુક અને હસ્તિનિકા નામે વનચરમિથુન હતાં. ત્યાં કંદ, મૂળ અને ફળનો આહાર કરતાં અમે સુખપૂર્વક રહેતાં હતાં. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આ મુનિવરોને ત્યાં અમે જોયા. ‘આ ઋષિઓ મહાનુભાવ છે’ એમ વિચારી પરમભક્તિથી અમે તેમને વંદન કર્યું અને અમૃત જેવા રસવાળાં ફળો તેમને ખાવા માટે ધર્યાં, પણ મૌનવ્રત ધારણ કરનારા અને નિશ્ચલ રહેલા તેઓએ ઉત્તર ન આપ્યો તેમ જ ફળો પણ લીધાં નહીં. પછી અમે અમારા આવાસમાં ગયાં. પોતાનો નિયમ સમાપ્ત થતાં તે મુનિઓ પણ આકાશમાર્ગે ક્યાંક ગયા. (તેઓ આકાશમાર્ગે જતા હતા ત્યારે) તેમને ફરી વાર વંદન કરતાં અમે વિસ્મય પામ્યાં, અને તેમને જ મનમાં ધારણ કરતાં અને તેમના ગુણોનું ચિન્તન કરતાં વીજળી પડવાથી અમારું મૃત્યુ થયું.

ઉત્તર શ્રેણિમાં ચમરચંચા નામે નગરી છે, ત્યાં પવનવેગ નામે રાજા હતો, તેની પુષ્કલાવતી દેવી હતી, તેની પુત્રી હું ચિત્રવેગા નામે થઈ. ‘આ ઉત્તમ પુરુષની સ્ત્રી થશે’ એમ જાણીને મારી જાંઘ ચીરીને તેમાં ઔષધિ મૂકવામાં આવી અને તેના પ્રભાવથી કુમાર તરીકે ઓળખાતી હું મોટી થવા લાગી. હું યૌવનમાં આવી ત્યારે ધાવમાતાએ આ હકીકત મને કહી. એક વાર મંદરના શિખર ઉપર જિનેશ્વરનો મહિમા ચાલતો હતો ત્યારે દક્ષિણ શ્રેણિના રત્નસંચયપુરના અધિપતિ ગરુડકેતુના પુત્ર અને લોકસુન્દરીના આત્મજ ગરુડવેગે મને જોઈ. તેને પણ મને જોઈને તીવ્ર સ્નેહાનુરાગ થયો. ‘આ તો કુમારી છે’ એમ તેણે મને જાણી. મને વરવા ગરુડવેગ વારંવાર સંદેશાઓ મોકલવા લાગ્યો. જ્યાં સુધી મારું તેને વાગ્દાન થયું નહીં ત્યાં સુધી મારી જાંઘમાંથી ઔષધિ કાઢવામાં ન આવી. ઔષધિ કાઢીને પછી સંરોહણી ઔષધિ વડે રૂઝવવામાં આવતાં હું સ્વાભાવિક સ્ત્રી થઈ. પછી મોટી ઋદ્ધિપૂર્વક લગ્ન થતાં હું તેની સાથે નિરુદ્ધિગ્નપણે ભોગો ભોગવવા લાગી.

એક વાર સિદ્ધાયતન કૂટ ઉપર મહોત્સવ થતો હતો ત્યારે અણગારોને ત્યાં આવેલા જોઈને મારા સહિત ગરુડવેગ તેમને વંદન કરીને પૂછવા લાગ્યો, ‘ભગવન્! મને એમ લાગે છે કે આપને પહેલાં અમે ક્યાંક જોયા છે.’ તેઓએ કહ્યું, ‘શ્રાવક! સાચી વાત છે. પૂર્વભવમાં તમે કાંચનગુહામાં તેંદુક અને હસ્તિની નામે વનચર-મિથુન હતાં.’ નિશાની સહિત તેમણે હકીકત કહેતાં જાતિસ્મરણ થવાથી ‘આપને વંદન કરવાના ગુણથી અમને વિદ્યાધરપણું મળ્યું છે’ એમ બોલતાં અમે પરમ વિનયપૂર્વક તેમના પગે પડ્યાં. તેમની સમીપમાં વ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરીને અમે અમારા નગરમાં ગયાં.

એક વાર સસરા ગરુડકેતુ રાજાએ નિર્વેદ પામીને ગરુડવેગને રાજ્ય આપીને તથા નાના પુત્ર ગુડવિક્રમને યુવરાજપદે સ્થાપીને દીક્ષા લીધી. પછી અમે રાજ્યલક્ષ્મી ભોગવવા લાગ્યાં. આજે આ મુનિઓને થયેલા કેવળજ્ઞાનના મહિમા નિમિત્તે નજીકમાં રહેલા દેવતાઓ એકત્ર થયા હતા. દેવોદ્યોતથી વિસ્મિત થયેલાં અમે પણ આવ્યાં, અને દેવો વડે પૂજાયેલા ગુરુઓને વંદન કર્યાં. ગુરુઓએ દેવો અને વિદ્યાધરોને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. જેમને સંવેગ પેદા થયો છે એવા અમે પુત્રને રાજ્યલક્ષ્મી સોંપીને દીક્ષા લેવા માટે આવ્યાં. આ કારણથી, અમારે માટે પૂર્વભવમાં પણ વંદનીય હતા તેથી આ ઋષિઓ અમારા પરમગુરુઓ છે.

આવું કહેતી તે વિદ્યાધરીએ તે (જાંઘમાં રાખી હતી તે) ઔષધિ (માર્ગમાં) જોઈ અને તેણે તે આર્યાને બતાવી. ‘આ મહાપ્રભાવવાળી ઔષધિ છે’ એમ માનીને કુતૂહલથી મેં તે લીધી. તેણે બીજે સ્થળે સંરોહણી ઔષધિ બતાવી; તે પણ મેં લીધી. પછી અમે આ નગરમાં આવ્યા.

એક વાર એમ બન્યું કે આ નગરમાં ત્રણ ઇભ્યપુત્ર ભાઈઓ રહેતા હતા. તેમાંનો એક વહાણમાં બેસીને વેપાર અર્થે ગયો હતો, અને બીજા બે ભાઈઓ દુકાનનો વેપાર ચલાવતા હતા. સમુદ્રમાં વહાણનો નાશ થયેલો જાણીને તે બે ભાઈઓએ મોટી ભોજાઈને કહ્યું, ‘કુટુંબનું દ્રવ્ય બતાવો.’ તે બતાવવા ઇચ્છતી નહોતી, તેથી મૂંગી રહી. એટલે તેઓએ રાજદરબારમાં જઈને પુંડ્ર રાજાને વિનંતી કરી, ‘દેવ! જ્યારે અમારાં માતાપિતા મરણ પામ્યાં ત્યારે ‘મોટાભાઈ અમારે માટે માનનીય છે’ એમ ગણીને અમે ધનની ચિન્તા કરતા નહોતા. પણ તે તો વહાણમાં બેસીને ગયા છે, અને તેમના શા સમાચાર છે તે કંઈ જાણવામાં આવતું નથી. તેમની પત્ની કુટુંબનું ધન બતાવતી નથી, માટે તે અપાવો; કૃપા કરો.’ રાજાએ આ કામમાં તારક શ્રેષ્ઠીની નિમણૂંક કરી, ‘જેવી આજ્ઞા’ એમ કહીને, નગરના ચાર-ગુપ્તચર તરીકે નીમેલા પુરુષોને ‘આ પ્રમાણે કરો’ એવી સૂચના આપીને તેણે ઇભ્યના ઘેર મોકલ્યા. તેઓએ (ધન બતાવવા માટે મોટા ભાઈની) ગૃહિણીને વચન કહ્યું. તે સગર્ભા હોવાથી કહેવા લાગી, ‘મને પ્રસૂતિ થયા પછી મારા પતિનું ધન બતાવીશ. જો પુત્રી જન્મશે તો ધનને અનુરૂપ પહેરામણી રાખીને બાકીનું મારા દિયરોને આપીશ.’ પછી વણિકોની સમક્ષ તારકને પૂછવામાં આવ્યું, ‘કાર્યનું શું પરિણામ આવ્યું?’ તેણે કહ્યું, ‘સ્વામી! ગર્ભમાં રહેલો પુત્ર પણ પોતાના પિતાના ધનનું સંરક્ષણ કરે છે.’ રાજા બોલ્યો, ‘આ પ્રમાણે પુત્રો મહાપ્રભાવવાળા હોય છે; હું અપુત્ર છું, તેથી નથી જાણતો કે મારી રાજ્યલક્ષ્મી ક્યાં જશે?’ આ પ્રમાણે શ્રેષ્ઠીએ વ્યવહારનો નિર્ણય કરતાં રાજાએ શ્રેષ્ઠીને અભિનંદન આપ્યું.

પુત્રપ્રાપ્તિની આકાંક્ષાવાળો તે રાજા એક વાર અંત:પુરમાં ગયો. પોતાનાં બચ્ચાંઓને ચરાવતા પારેવાના યુગલને એકી નજરે જોઈ રહેલી રાણીને તેણે ત્યાં જોઈ. રાજાએ પૂછ્યું, ‘શું જુએ છે?’ તે બોલી, ‘સ્વામી! કાળા અગરના ધૂપ જેવા શ્યામ, રાતા ચરણ અને નયનવાળા, પુત્રસ્નેહને કારણે પોતાની ભૂખને નહીં ગણતા અને ચાંચથી દાણા વીણી લાવીને બચ્ચાંના મુખમાં મૂકતા આ પારેવાના યુગલને જુઓ. બાળક વગર આપણો કાળ શી રીતે જશે?’

એક વાર કૌશિક નામે તાપસ કુંડોદરી નામે પોતાની પત્ની સાથે રાજભવનમાં આવ્યો. બે પુત્રોને તેણે કઢિણ (તાપસના પાત્રવિશેષ)માં મૂક્યા હતા, એકને કુંડોદરીએ ઉપાડ્યો હતો, અને એક તેની પાછળ ચાલતો હતો. તેમને રાજાએ વિવિધ રંગનાં વસ્ત્રો આપ્યાં અને પછી કુંડોદરીને પૂછ્યું, ‘આર્યે! આ ચાર પુત્રોમાં કોના ઉપર તારો અધિક સ્નેહ છે?’ તે બોલી, ‘રાજન્! એ બાબતમાં ચાર પુત્રોની વચ્ચે કશો ભેદ નથી, પણ જે પુત્ર બહાર ગયો હોય અથવા બહારથી આવતાં જેને મોડું થયું હોય તેની બાબતમાં મારો અધિક સ્નેહ છે.’ પછી રાજાએ તેમને રજા આપી. ‘અરણ્યમાં વસનાર તાપસોને પણ પુત્રો છે, પણ રાજ્યના અધિપતિ એવા મને પુત્ર નથી. આથી પરિજનોને માટે હું શોચનીય બન્યો છું.’ — તેમને જોઈને (રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો.)

કેટલોક કાળ ગયા પછી મારી પુત્રવધૂ (પુંડ્રની પત્ની) સગર્ભા થઈ. તેને મેં કહ્યું, ‘મંદભાગ્યને કારણે કદાચ તું પુત્રીને જન્મ આપે તો તુરત જ મને ખબર આપજે.’ પૂરા દિવસે તેને કન્યા જન્મી. પછી સાંભળ્યા પ્રમાણે વિધિપૂર્વક તે ઔષધિ (કન્યાની જાંઘમાં) મૂકી. દેવી, ધાત્રી અને હું આ વાત જાણતાં હતાં, માટે પુત્ર! આ સત્ય વસ્તુ છે. તે કુમારી છે, તેને જેણે ઓળખી તે આર્ય જયેષ્ઠ ઉત્તમ પુરુષ છે. એમ કહી વસુમતી આર્યા રાજકુલમાં ગયાં.

અમાત્ય સિંહસેન અને તારકની સાથે હું પણ તમારા લગ્નના કાર્ય માટે રાજકુલમાં ગયો. રાજાની (કન્યાની) જાંઘ ચીરીને ઔષધિ બહાર કાઢી, અને તે કાઢવાથી ઘાયલ થયેલ તેને સંરોહણીથી સાજી કરી. અત્યારે તમારો વિવાહ મારી કૃપાથી જ થયો છે. સૈન્ય અને વાહન સહિત અને કવચવાળા યોદ્ધાઓના સમૂહથી પરિવરાયેલો એવો હું અત્યારે રહું છું. મારી કૃપાથી ઇચ્છિત જનની પ્રાપ્તિ તમને થઈ છે એમ જાણો.’

(આ સાંભળીને) પછી મેં અંશુમાનનો, અને તેના વચનથી પ્રજાના વડેરાઓ તથા સેનાનાયકો આદિનો પણ સત્કાર કર્યો, સિંહસેન અને તારક સહિત અંશુમાન રાજકાર્યોની તપાસ રાખવા લાગ્યો.

મને વિચાર થયો, ‘અહો! આશ્ચર્ય છે! વનચરો પણ સાધુને વંદન કરવાના ગુણથી ઉત્તમ ગોત્રકર્મ ઉપાર્જન કરીને વિદ્યાધર તરીકે જન્મ્યાં, તેમને ધર્મમાં રતિ પણ એ જ કારણથી થઈ. અથવા પ્રકૃતિ ભદ્ર એવાં તેઓ તીવ્ર અને શુદ્ધ પરિણામ વડે કરીને તપોધન મહાત્માઓને વંદન કરી જો મનુષ્ય રિદ્ધિ પામ્યાં હોય તો એમાં શું આશ્ચર્ય છે? ભગવતી મરુદેવા શ્રીઋષભદેવના દર્શનથી વિશુદ્ધ લેશ્યા થતાં અપૂર્વકરણમાં પ્રવેશ કરીને નિર્વાણ ફળનાં ભાગી બન્યાં હતાં.’