ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વિદ્યુદ્દંષ્ટ્ર વિદ્યાધરનો વૃત્તાન્ત


વિદ્યુદ્દંષ્ટ્ર વિદ્યાધરનો વૃત્તાન્ત

‘દેવ! ભારતવર્ષના જેણે વિભાગ કર્યા છે એવો તથા પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્રમાં પોતાના બંને પાદ (તળેટીના ભાગ) જેણે મૂક્યા છે એવો વૈતાઢ્ય નામે પર્વત છે. ત્યાં વિદ્યાધરો વડે વસાયેલી એવી ઉત્તર અને દક્ષિણ એ બે શ્રેણિઓ છે. ત્યાં ઉત્તરશ્રેણિમાં ગગનમાં વિહાર કરવાને ટેવાયેલા એવા દેવોને વિસ્મય પમાડનારું ગગનવલ્લભ નગર છે. ત્યાં વિદ્યાધરોના બળના માહાત્મ્યનું મથન કરનારો વિદ્યુદ્દંષ્ટ્ર નામે રાજા હતો. તેણે વિદ્યાધરોને વશ કર્યા હતા. એક સો દસ નગરો વડે શોભાયમાન બન્ને શ્રેણિઓને તે પોતાના પરાક્રમ વડે ભોગવતો હતો.

એક વાર પશ્ચિમ વિદેહમાંથી પ્રતિમામાં રહેલા સાધુને પોતાના પ્રભાવ વડે આ પર્વત ઉપર લાવીને તે વિદ્યુદ્દંષ્ટ્રે વિદ્યાધર રાજાઓને આજ્ઞા આપી, ‘આ ઉત્પાત જો વધશે તો તેથી આપણો વિનાશ થશે, માટે જરાયે વિલંબ કર્યા વગર આયુધ ગ્રહણ કરી એક સાથે તેને મારો. એમાં તમારે પ્રમાદ કરવો નહીં.’ પછી મોહવશ અને સાધુને મારવાની ઇચ્છાવાળા તેઓ આયુધ ઊંચાં કરીને ઊભા રહ્યા. તે વખતે દેવો વડે મોકલાયેલો નાગરાજ ધરણ અષ્ટાપદ પર્વત તરફ જતો હતો. તેણે આ અવસ્થામાં રહેલા વિદ્યાધરોને જોયા, એટલે ક્રુદ્ધ થયેલા તેણે તેઓને કહ્યું, ‘હે ઋષિઘાતકો! તમે આકાશગામીઓ અહીં કેમ ભેગા થયા છો? ગુણદોષનો વિચાર નહીં કરનારા એવા તમારું આમાં શ્રેય નથી.’ આમ કહેતાં નાગરાજે તેઓની વિદ્યાઓ પડાવી લીધી. એટલે ભયથી ગદ્ગદ કંઠવાળા તેઓ વિનયપૂર્વક મસ્તક નમાવીને નાગરાજ પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, ‘દેવ! અમે તમારા શરણાગત છીએ. અમારા સ્વામી વિદ્યુદ્દંષ્ટ્રના આદેશથી અમે તપસ્વીનો વધ કરવાને ઉદ્યુક્ત થયા હતા. અમે અજ્ઞાની છીએ, માટે કોપ દૂર કરો. અમારા ઉપર કૃપા કરો. કહો કોની પાસે આ સાધુની દીક્ષા થઈ હતી?’ પછી આ પ્રકારનાં વચનો વડે જેનો રોષ શાન્ત થયો છે એવો તે નાગરાજ કહેવા લાગ્યો, ‘અરે! સાંભળો,