ભારતીયકથાવિશ્વ-૫/મુખપાટીની લોકવારતાઓ/અમરસિંહ રાઠોડ અને પદમણી રાણી


અમરસિંહ રાઠોડ અને પદમણી રાણી

દલ્લી શહેરનો બાદશાહ ખાનખાનાન કચેરી ભરીને બેઠો છે. વિશાળ દિવાનખંડમાં તો જાદરના જલેઆ, ઈરાની ગલેચા, મશરૂની તળાયું ને રાતાગલ મશરૂના ગાદીતકિયાથી આખી કચેરી ઝળાંહળાં દીપી રહી છે. સોનલાના સિંઘાસણની થડમાં રૂપલા બાજોઠની માથે સોનાની તાસકમાં પાનનાં પચાસ પચાસ બીડાં ઝળેળી રહ્યાં છે. સોનારૂપાના ગંગાજમના તાણેવાણે ગૂંથેલો મુગલાઈ હોકો એક પછી એકના હાથમાં ફરી રહ્યો છે. આખીય કચેરી હકડેઠઠ્ઠ ભરાઈ ગઈ છે. કરડા મોઢાવાળા ખાન અને ખાસદારો, અને સુંવાળા શહેરીજનો સાથે એકમેકને ટક્કર મારે એવા ઓડમલ્લ, ચોડમલ્લ, આમદખાં, ફતેખાં, મોબરશંગ, રૂપશંગ, રાયરંગ વાતોના ગલબા મારી રહ્યા છે. વાતમાંથી વાત નીકળી ત્યારે બાદશાહ ખાનખાનાન કે છે કે ‘હવે તો ધીર અને હીર ચૂસાઈ ગયાં, નવાણેથી નીર ખૂટવા માંડ્યાં છે, એની સાથોસાથ આદમીની મરદાનગી પણ પરવાઈ ગઈ.’

ત્યાં તો કચેરીમાં બેઠેલા રાવ, રાણા, અમીર અને ઉમરાવ મૂછને મરડ દઈને કહે, ‘બાદશાહ સલામતને ઘણી ખમ્મા, એમ કાં બોલો? ધરતી થોડી જ વાંઝણી છે? હજીએ આ પ્રથમી માથે એકએકનું માથું ભાંગે એવા શેરને માથે સવા શેર, શૂરા મરદો પડ્યા છે, જહાંપનાહ, કીધું છે ને કે પ્રથમી વાંઝણી નો હોય, તેમાં મરદું તો લાખમૂલાખ પાકે છે કે

‘જનની જણ તો ભક્ત જણ, કાં દાતા, કાં શૂર; નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવજે નૂર.’

અને બાદશાહ સલામતને અરજ ગુજારીએ છીએ કે કરો મરદવટનાં પારખાં, મરદ અને એકલમલ્લ આ ભૂમિમાં અનેકાનેક છે.’ ત્યારે બાદશાહ કહે: ‘ભલે, ભલે તો કરીએ એવા વીરની પરીક્ષા.’ સૌ કહે, ‘સલામત કહે તે બરાબર છે, કરો મરદ અને મરદાઈનાં પારખાં.’

પછી તો દલ્લીના બાદશાહના મનમાં આ વાત સજ્જડ થઈ ગઈ, એણે તો દલ્લી શહેરના લુવારીને બોલાવ્યા છે, અને લોખંડનો એક આદમકદનો પુરસો બનાવડાવ્યો છે, તેનું ધડ માથું કસકસાવી રેવરાવ્યું છે. બીજા ઘાને માટે એક જોડ કમાડ તૈયાર કરાવ્યાં છે, જેનો ભાર વીશ વીશ મણની ધારણનો એવા હબ્બેસ મોટા બનાવ્યા છે. અને ત્રીજા દોરે એક આખલો મૂલવ્યો છે, કુવળા અણિયાળા શંગિડાં અને ઢંગભરી કાયાને માથે વેેંતવેતનો લોહીનો થર, એવો ફાટીને ધૂંવાડે વહ્યો ગયો છે. રાજની ગૌશાળામાં બાંધ્યો બાંધ્યો ગૂંધળી કડબ ખાઈ ખાઈને વકરી ગયો છે.

બાદશાહ ખાનખાનાને તો એમ લોખંડી માનવ, જોડ કમાડ અને અખિયાત આખલાને તૈયાર કરીને ફરી પાછી એક દિવસના સમે કચેરીમાં વાત કાઢી કે ‘મારે મરદનાં બળ અને હિંમતનાં પારખાં જોવાં છે, છે કોઈ બળાબળની બાજી ખેલવા તૈયાર?’

ત્યાં તો ભરી કચેરીમાં બેઠેલા ઠીમ ઠીમ ગણાતા શૂરવીરોએ પોતાની પૂળા પૂળા રોખી મૂંછડિયુંએ વળ ઉપર વળ દઈ દીધા છે. હણેણીને ખોંખારા ખાધા છે.

એ વખતે દલ્લીનો બાદશાહ ખાનખાનાન કહે, ‘દીવાનજી, આપણી કચેરીના શૂરવીર જવાંમર્દોને આપણી હોડની શરત સંભળાવી દ્યો.’

તારે દીવાનજી કહે છે, ‘જહાંપનાહ, આ તો દલ્લીના ખાનખાનાનની કચેરી છે. જેમાં એકલવીર, ભડવીર, મહાવીર અને અનેકવીર હાજરાહજૂર બીરાજે છે. નામદાર બાદશાહ, કચેરીના ભડવીરો, બળાબળની હોડની આટલી શરત છે, એ શરતને માથે જે હોડ બકવા તૈયાર હોય તે આ તાસકમાંથી પાનબીડું ઝડપી લે. અને સરવે સભા સાંભળે કે હોડ કોની સાથે કેવી રીતે બકવાની છે.

આ બળાબળની હોડમાં સૌ પ્રથમ પેલા પૂરો આદમકદનો એક લોખંડી પુરસો છે. તેને કસોકસ બાથ ભીડી, હલબલાવીને એ પુરસાનું માથું એક જ ઝાટકે, ભડાક કરીને બટકાવી દેવાનું છે. બીજા દોરમાં લોખંડના જોડ કમાડીઆ છે. એ કમાડને એક જ ઝોંટે, તે પડ્યા હોય ત્યાંથી ઊભા કરી દેવાના છે. અને છેલ્લે દાવે આખલાને પકડીને તેના નાકમાં નાથ ઘાલી દેવાની છે; આટલી ત્રણ શરત છે, જે કોઈની હોડમાં ઊતરવાની તૈયારી હોય, તે આ તાસકમાંથી પાનનું બીડું લઈને ચાવી જાય, તેની સાથે સોનાની મૂઠવાળી તરવાર, ગેંડાની ઢાલ, એક હજાર સોનામહોર અને એક જોડી ઝરિયાની પોશાક લઈ લે, આ સાઠમારી માટે છ છ મહિનાની મહેતલ આપીએ છીએ. દશેરાને દી’ તાશેરો થશે, અને આ કુસ્તીદંગલ જેવા માટે ગામગામનાં માનવીઓ ટોળામોઢે ઊતરી પડશે.’

દીવાનજીએ સંભળાવેલી શરત સાંભળીને આખી કચેરી તો જાણે ચિતરમાં આલેખી હોય તેવી સ્તબ્ધ થઈ ગઈ છે! શેરખાં અને સવાઈખાં, રાયમલ્લ અને જયમલ્લ, તોગાજી ને તેજાજી એવા સૌ દાઢીવાળા, થોભિયાળા, મૂંછાળા અને ટેકાળા સૌ નીચું જોઈ ગયા છે. કોઈ કરતાં કોઈ શરતનું બીડું ઝડપવા તૈયાર નથી, કોઈ કાંઈ ન બોલે કે ચાલે, કચેરી આખી ચૂપ!

ખાનખાનાનની કચેરીમાં બેસનારા લડવૈયા, શૂરવીરો, અને વારેવારે મલ્લકુસ્તી ખેલનારા કોઈએ બીડું ન ઝડપ્યું, સૌ નીચું જોઈને બેસી રહ્યા, તેથી આ શરતનું બીડું લઈને રાજનો દસોંદી દેશદેશાવર ફરવા ઊપડી ગયો છે.

રાજનો દસોંદી તો ફરતો ફરતો અજમેર શહેરમાં આવી પૂગ્યો છે. અજમેરની તો કાંઈ વાત જ અનેરી છે, શહેરની ફરતે ફરતે એવો અડીખમ ગઢકિલ્લો ઊભો છે. બાવનબારી અને ચાર તોતંગિ દરવાજા ઊભાં છે. દરવાજે દરવાજે હથિયારબંધ સપઈ-સપરાનો કોઈ પાર નથી. ‘ખડે રોપ, ખડે રોપ.’ કરતાં આવતાં જતાંને અટકાવે છે. આ અજમેરની ભાગોળે એક દાડમ બાગ છે. બાગમાં અવળસવળ એવા સોળ સોળ ચોક છે, ચોકે ચોકે ગુલાબજળના ફુવારા ઊડી રહ્યા છે. આ ફુવારાના મધચોકની વચાળે એક મલ્લશાળા છે. આ મલ્લશાળાના મેદાનમાં તેવતેવડા જુવાનિયા કુસ્તી દાવની સુગત શીખવા માટે મર્દાનગીભરી કુસ્તી ખેલી રહ્યા છે. આ સૌની સાથે કનોજ શહેરનો અમરસિંહ રાઠોડ પણ તેના મામાને ઘેર મોસાળમાં માણવા પધાર્યો છે. તે આજે અખાડે ઊતર્યો છે. બળમાં બલરામ જેવો અને કળમાં કૃષ્ણ જેવો છે! હિંમતમાં હડમાન જેવો અને રૂપે રંગે નાણ્યો વખણાય નહીં અને માણ્યો પમાય નહીં એવો નરપલ્લે નમણો અને સવળોટો છે. બાવીશ ચોવીસ વરસની જામતી જુવાની અંગને માથે તસતસીને ફ્ેર ફેરગંટી લઈ ગઈ છે, તે અત્યારે પરમાર જુવાનો સામે મલ્લદાવ ખેડી રહ્યો છે, ત્યાં દલ્લીના બાદશાહ ખાનખાનાનનું બીડું લઈને દસોંદી અને ઉમરાવોનું રાવણું આવી પહોંચ્યું છે.

પરમાર કુંવરો અને અમરસિંહ રાઠોડે સૌને માનપાન દઈને ઊંચા આસને બેસાડ્યા છે, ત્યાં તો બંદીજનોએ વખાણ શરૂ કર્યાં.

વખાણ પૂરાં થતાં દલ્લીના દસોંદીએ સૌ જુવાનડાં વચ્ચે દલ્લીના બાદશાહે રજૂ કરેલી મરદાનગીની ખેલકૂદની વાત કહી સંભળાવી અને સોનાની તાસકનું રૂપેરી પાન બીડું સૌ જુવાનની સામે ધર્યું અને પછી સૌને લલકાર્યા છે કે ‘અહીં તો રાજપૂતોની જવાની જોર કરે છે. રજપૂતી અહીં જ વસે છે, બાદશાહી બીડું અહીં જ ઝડપાવું જોઈએ, બીડું અહીંથી પાછું ન ફરવું જોવે, તેવું થશે તો હું માનીશ કે રાજપૂતી રંડાઈ ગઈ છે.’

આ સાંભળતાં તો અમરસિંહ રાઠોડ હડફ દઈને ઊભો થયો અને ડગલા માંડતો માંડતો તાસક પાસે આવ્યો. પોતાની કુળદેવીને મનોમન વંદન કર્યાં, સઘળી સભાને સલામ ભરી અને તાસકને પ્રણમીને પાનનું બીડું ઝડપી લીધું, મુખમાં મૂકીને કહ્યું,‘ બાદશાહ ખાનખાનાનને કહેજો, કે છ મહિનાને વદાડે અમરસિંહ રાઠોડ આપની શરત પૂરી કરવા દલ્લી શહેરમાં આવી જશે. વડીલોને વંદન અને સઘળી સભાને મારા સલામ.’ આમ કહીને બીડું ચાવતો ચાવતો તે બેસી ગયો. તે વખતે સભામાં કવિરાજોએ બિરદાવલિ લલકારી:

‘ખમ્મા રાજ ખમ્મા, ખમ્મા પરમાર રાજ ખમ્મા, ખમ્મા મારા અમરસિંહ રાઠોડને, ખમ્મા મારા રાણા રજપૂતા અને સઘળી સભાને ખમ્મા પરમારકુળને, ખમ્મા રાઠોડોની લાજને.’

જે દિવસે બીડું ઝડપ્યું તેના વળતા દી’થી અમરસિંહ રાઠોડ તો સજધજ થવા માંડ્યો છે. એક તો કાંડાબળિયો અને હાડબળુકો જુવાન હતો. તેમાં દલ્લીના બાદશાહની મરદાંમરદની રમત્યુંની શરત સ્વીકારી એથી એણે તો શરીર કસવા ને જોર જમાવા માવા ને મલીદા, દૂધ અને માખણની મલાયુંના સેવન કરવા આદરી દીધા છે. કાઠિયાવાડમાંથી પાંચ પાંચ વિંયાજણ ભેંશો મંગાવી છે. ચારને દોહીને બધુંય દૂધ એક ભેંશને પાય છે, તે પછી એક ટંક ઊતરે ત્યારે તે સાંજણી ભેંશને દોવરાવે છે. એ ભેંશના સળી ઊભી રહે તેવા જાડાખદડા જેવા દૂધને અને અંબરની સુગંધી ભેળવે છે. રૂપિયાભાર અફીણ ઘૂંટીને કસૂંબો તૈયાર કરાવે છે. તાતા તાપે ટીપી સેડવીને ખાતાં મોઢામાં કરડાકી બોલાવે તેવા ત્રણ રોટલા સાથે કઢિયેલ દૂધ અને કસુંબાનું તેણે તો સેવન કરવા માંડ્યું છે. ખાતા પીતા અને કસરત કરતાં કરતાં પાંચ પાંચ મહિના તો હડુડાટ કરતા નીકળી ગયા. ત્યાં તો અમરસિંહ કાંધરોટીને વકરેલા સિંહ જેવો જામી ગયો. કાયા સાથે નરવાઈ તો એવડબેવડ રાશ જેવી થઈ ગઈ. એકલમલ્લ આદમી ઊભો રહે તો ભોંને પણ ભારઝલ્લો લાગે તેવો જામીને રૂંઢ થઈ ગયો છે.

છ છ મહિનાની અવધિ આવતાં તો તેણે દલ્લી શહેરનાં પ્રયાણ આદર્યાં છે. દલ્લીમાં આવીને પાદર માથે તંબૂ તાણીને બાદશાહને પોતે આવ્યાના ખબર કેવાર્યા છે. અમરસિંહ રાઠોડ આવી પૂગ્યાના સમાચાર મળતાં બાદશાહ ખાનખાનાને તેને માટે રૂપાળો ઉતારો તૈયાર કરાવી તેમાં તેડાવી લીધો છે.

બીજે દિએ દલ્લીના બાદશાહની ભરી કચેરીમાં પધારવા માટે અમરસિંહને તો માનપાનભેર નિમંત્રણ મળ્યાં છે. આજ કચેરી હકડેઠઠ્ઠ જામી છે. દલ્લીના બાદશાહ સોનાના સિંઘાસણે બીરાજ્યા છે. પાછળ ચકમાં તેની બેગમ રૂબીનિસ્સા અને અઢાર વરસની જેની અવસ્થા છે, હળદીકંકુના પંડિમાંથી કંડારી હોય તેવી કેવડાની લોળ જેવી નજાકતવાળી શાહજાદી પીરોજા પણ પોતાની માની પાસે બેઠી છે.

અમરસિંહ કચેરીમાં આવ્યો. પૌરુષભરી પ્રચંડ કાયા જાણે તાંબું ધગાવીને ઘડી હોય તેવો રતુંમડો વાન, અક્કડ ગરદન, કપાટ છાતી અને હાથીની સૂંઢ જેવા પહોંચવાન બાવડાના બળે તેનું શરીર ભારે શોભી રહ્યું છે. જુવાનીનું જોર બદનમાં ફાટફાટ થાય છે. તેને જોતાં જ ચકમાં બેઠેલી શાહજાદી પીરોજા અમરસિંહ માથે વારી ગઈ.

ભર કચેરીએ અમરસિંહને આવકાર્યો, પાનસોપારી લેવાયા અને દશેરાને દીએ દલ્લીના ચોક વચ્ચે રમતગમતનું દ્વંદ્વ યોજવાનું પાકે પાયે નક્કી થઈ ગયું. પછી તો ઉતારે ઊતરેલો અમરસિંહ નીતનીત અંગકસરતના અંબાડ ઉતારે છે. ઘોડે ચઢીને પાટી કાઢે છે. સવારસાંજ ગાઉ ગાઉની હડિયાપાટી કરીને પાછો ફરે છે. ત્યારે મહેલને ઝરૂખે ઊભીને જોઈ રહેલી પીરોજા તેને જોઈને વારી જાય છે.

સૌ આતુર હૈયે રાહ જોઈ રહ્યાં છે તે દશેરાનો દિવસ આવ્યો. આજે દલ્લી શહેરના મેદાનમાં તાશેરો થવાનો છે. મેદાન સજાવી ધજાવીને તૈયાર કરી દીધું છે. નગરનાં અને ગામડાંગામનાં લોકો સવારથી જ દો દો વાટે મેદાન ઉપર ઠલવાવાં લાગ્યાં છે. સૌ પોતપોતાની જગા નિરધારીને મેદાન માથે બેસી ગયાં છે. આખુંય મેદાન ખીચોખીચ ભરાઈ ગયું છે.

ધનુષવા દી ચડ્યો ત્યાં તો જરિયાન તંબૂ સાથે બાદશાહનો વાવટો ફરકી ઊઠ્યો. બાદશાહની નેકી પોકારાણી અને બાદશાહ સલામત સહકુુટુંબ આવીને તંબૂમાં ગોઠવાઈ ગયા. તે પછી અમીર ઉમરાવ અને તેની ઓરતો સૌ પોતપોતાના મોભા વસીલા પ્રમાણે બેસી ગયા.

મેદાનને ઊગમણે કાંઠે ધોળાબાસ્તા જેવા તંબૂમાં અમરસિંહને પૂરા માનપાન સાથે બેસાડ્યો. અમરસિંહ શરત પૂરી કરવા માટે અત્યારે પૂરેપૂરો કસાઈ-સજધજ થઈને બેઠો છે. તેના ભેરુબંધો આજ તેને ભલી ભાતે ભલકારી રહ્યા છે.

રમતગમતની આગાહી આપતી ધડીમ્ ધડીમ્ કરતી લોખંડી તોપ ધણેણી ઊઠી અને અમરસિંહ રાઠોડના નામની છડી ગુજારાઈ કે અમરસિંહ મેદાન માથે આવ્યો. લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.

રાઠોડી કાંધ કાઢી ગયેલી કાયા માથે જુવાની આંટો લઈ ગઈ છે. સમગ્ર શરીર માથે એક જ કછોટો ભીડેલો તેથી અમરસિંહની કાયાનું કૂંત આજે પૂરેપૂરું કળાતું હતું.

બળાબળની સરસાઈમાં સૌ પ્રથમ તેણે લોખંડના પુરસાને બાથ ભીડી તેનું માથું લટકાવી દેવાનું હતું. સૈનિકોએ લોખંડી પુરસાને લાવીને મેદાન વચ્ચે ગોઠવી દીધો. થોડી જ વારમાં અમરસિંહ સચેત થઈ ગયો, તેનું રોમ રોમ સળવળી ઊઠ્યું અને શરત શરૂ કરવાની ‘ધડીમ્’ કરતી તોપ ગાજી ઊઠી કે બંદૂકમાંથી જેમ ગોળી વછૂટે એમ પોતાની હાથરખી ઠાવકી કાયાને સંભાળતો અમરસિંહ કૂદીને લોખંડી પુરસા માથે લપક્યો, અક્કડાઈથી તેને બાથ ભીડી આખા પુરસાને ધણધણાવી નાખ્યો અને જોરથી એક એવો આંચકો મારી એ લોખંડી પુરસાનાં ધડ માથાને જુદા કરી દીધાં. લોકોએ તાળીઓના ગડગડાટે તેને વધાવી લીધો અને ત્યાં તો તરત બીજી શરતનું મંડાણ શરૂ થઈ ગયું. વીસ મણનાં જોડ કમાડ એકી ઝાટકે ઉપાડી લેવાનાં તે માટે જોડ કમાડ મેદાન વચ્ચે મુકાઈ ગયાં.

અમરસિંહનું લોહી ધગધગીને નસેનસમાં બહુ જોરદાર રીતે વહેવા માંડ્યું હતું. કાયા આખીય ધગ ધગ કરતી ધબકતી હતી. મનની ગતિ એક જ દિશામાં દોડી રહી હતી. કમાડની જોડને પડેલી જોઈને મેદાનના છેડે ગયો. દોટ મૂકીને કમાડ માથે આવ્યો, નીચા નમી બે બાવડાંનું બળ કરીને રમતવાતમાં કમાડને જાણે બાળકને લેતો હોય તેમ લઈ લીધાં, લીલા માત્રથી ઉપાડેલ કમાડને ઠેરવેલ ઠેકાણે લાવીને ઊભાં કરી દીધાં.

લોકો ઊભા થઈ ગયાં. બાદશાહ અને બેગમ હાબૂ થઈ ગયા. શાહજાદી પીરોજા તો અમરસિંહના આ પરાક્રમને જોઈને ઘેલી થઈ ગઈ. સૌએ તડામાર તાળીઓથી તેને વધાવી લીધો અને ત્યાં તો ત્રીજી શરતનો આખલો-રૂઢમૂંઢ સાંઢડો નાખોરામાંથી છીંકરોટા નાખતો મેદાન માથે આવ્યો. તેને જોતાં જ અમરસિંહ પોતાના હાથમાં આખલો નાથવાની રાશ ખીતડો અને એક લીલાછમ લીંમડાની તીરખી લઈને મેદાને પડ્યો. નરવી કાયા, ધગી ગયેલું શરીર અને વિજય માટે ઉતાવળું થઈ ગયેલું મન-એ સર્વની ગતિથી અમરસિંહ મેદાન વચ્ચે આખલા પાસે આવી પહોંચ્યો. આખલો છ-છ મહિનાથી બાંધ્યો બાંધ્યો ખાઈને ફાટી ગયો છે. અણિયાળા શંગિડાથી જાણે આભને ઉપાડીને હમણાં વતરડી નાખશે તેવી રીતે તેણે અમરસિંહ સામે હડી કાઢી. સચેત અમરસિંહે પાસે આવતા આખલાની સામે દોડી, લીંમડાની તીરખી તેને બરડે ફટકારી; વળાંક લઈને એક ગતિભરી ફરંગટી ખાઈને આખલાની પાછળ આવી તેના પૂંછડાની ડાંડો પકડી તેને હચમચાવી નાખ્યો. અને લીંમડાની તીરખી અને નાથવાનો ખીતડો લઈને તે દોડ્યો. તેની પાછળ આખલો પડ્યો એટલે અમરસિંહે મેદાનમાં ચક્કર ચક્કર ફરવાનું શરૂ કર્યું. એક, બે, ત્રણ ચક્કર લીધા. ત્યાં આખલો હાંફી ગયો. ઢીલો પણ પડ્યો, આ જોતાં જ અમરસિંહ લાગ સાધી આખલાને મેદાન વચ્ચે લઈ આવ્યો. અને ફરી લીંમડાની લીલી તીરખી મારી દોડાવ્યો, રમરલાવ્યો. આખલો વધારે ઉશ્કેરાણો અને અમરસિંહ માથે શંગિડાથી હલ્લો કરવા દોડ્યો. પાસે આવતાં જેવો ધીંક મારવા ગયો કે અમરસિંહે તેના બેઈ કાન ઝાલી લીધા અને પછી જે ધક્કો મૂક્યો કે ફાટી ગયેલો આખલો પાંચ હાથવા પાછો ખસી ગયો. અને ભફ કરતાં પાછલા પગે ઢઢળી પડ્યો. તે ઊભો થઈને હલ્લો કરવા પ્રયત્ન કરે તે પહેલાં અમરસિંહે વીજળીની ત્વરાએ ડાબા હાથથી તેની ગરદન માથે બાથ ભીડી લીધી અને ખૂબ ઝડપથી ખીતડો લઈ નસ્કોરામાં ખોસી દઈ તેને દોરી પરોવીને નાથી લીધો. આખલાને નાથ ઘાલતાં તે કાબૂમાં આવી ગયો. ભાઈબંધ બાદશાહ, બેગમ અને શાહજાદી પીરોજાએ ચકમાંથી બહાર આવીને અમરસિંહને શાબાશી આપી. પછી તો ઇનામ, સરપાવથી નવાજેલ અમરસિંહ દલ્લી આખી અને મલકમાં વખણાઈ ગયો.

દલ્લીના પાદશાહની મેમાનગતિ માણીને અમરસિંહ પોતાના રાજમાં આવ્યો છે. સાથે ડંકાનિશાન, અને સરપાવનો અઢળક સાજસરંજામ જોઈને કનોજની પ્રજા બહુ બહુ ખુશી થઈ ગઈ. સૌએ પોતાના રાજકુંવરને મેર સમાન ગણ્યો અને વધાવી લીધો. પછી તો રોજ રોજ કનોજની રાજકચેરીમાં સુગત જામે છે. ચારણ, ભાટ અને બંદીજનો અમરસિંહનાં ગુણગાન ગાય છે, કાવાકસૂંબા થાય છે અને અમરસિંહ પોતાની પ્રશસ્તિ સાંભળી સાંભળીને હરખે ફૂલ્યો સમાતો નથી.

એક દિવસ કનોજના રાજકવિને થયું કે આમ ને આમ વખાણ સાંભળતાં કુંવરની જુવાની કટાઈ જશે, બળ ઓસરી જશે, તેથી નવું પરાક્રમ તો કશુંય નહીં કરી શકે; કનોજની આ રાઠોડી ધરતીને માથે આવા ધણી તો છે, પણ એને અનુરૂપ રાણીને તે પરણે તો ભગવાન તેમની જોડીને અમર રાખે અને એકના એકવીશ થાય તો કનોજના રાઠોડોનો ભારત ખંડમાં જેકાર થઈ જાય.

એક દી’ના સમે કચેરીમાં બેસીને અમરસિંહ રાઠોડને મીર, ભાટ, ઢાઢી સૌ બિરદાવીને પરાક્રમ વર્ણવી રહ્યા હતા. ત્યારે રાજકવિ કહે: ‘રાજકુમાર, એક પરાક્રમ કર્યું તે તો જાણે ઠીક, પણ હવે જો તમે પચ્છમદેશની પદમણીને પરણીને અહીં લાવો, તેની સાથે ઘરસંસાર માંડો, અને તે પછી એક એકથી અદકાં પરાક્રમ કરો એવી અમારી સહુની ઇચ્છા છે, ખરું ને દીવાનજી?’

દીવાનજી કહે, ‘રાજકવિ કહે છે, તે સાવ સાચી વાત છે. રાજગાદીને અનુરૂપ રાણી પણ જોઈએ ને? તમે ન પરણો તો ગાદીવારસ કોણ?’

ત્યારે અમરસિંહ કહે, ‘ભલે, પચ્છમદેશની પદમણી જેવી રાણી મળે તો અમારી તો ‘હા’ જ છે.’

ત્યારે રાજકવિ કહે, ‘ભલે તો કરીએ કંકુના, પદ્મણી માટેનું માગું લઈને હું જ જઈશ.’ અને પછી તો પવનવેગી સાંઢણિયું શણગારી છે; તેની સાથે કાઠામંડાણા છે અને રાજકવિ તો ચડ્યા દીએ સાબદા થઈને અમરસિંહનું માગું લઈને પચ્છમદેશની માથે ઊપડ્યા છે; શુકનમાં શુકન પાણિયારીના થતાં તો રાજકવિએ મુઠ્ઠી ભરીને રૂપૈયા બાઈના ખોળામાં નાખી દીધા છે, બાઈ તો હરખાતી હરખાતી બોલી છે, ‘કરો ફત્તેહ.’

રાજકવિ તો પવનવેગી સાંઢણી માથે સવાર થઈને વહ્યા જાય છે. રણ વળોટતાં દરિયો આવ્યો અને દરિયો વળોટીને કચ્છ દેશના પચ્છમપ્રદેશમાં આવી પહોંચ્યા છે. પચ્છમની રાજધાનીમાં આવીને માળીને ઘેર ઊતર્યા છે. ચાંપલી માલણ પાસે ખરખબર કઢાવીને પછી રાજગઢમાં આવ્યા છે. રાજકવિને તો પચ્છમના રાજાએ ભાવભર્યો આવકાર આપ્યો છે, રાજરીતની મહેમાનગતિ માંડીને ખાટલેથી પાટલે, ને પાટલેથી ખાટલાના જાળવણ કર્યા છે. બે દિવસ કેડે રાજકવિએ તો ચક નાખીને બેઠેલી પદમણી કન્યાને જોઈ છે. શાં રૂપ, શાં તેજ! કચ્છની ધીંગી ધરાને ધાવીને મોટી થયેલી પદમણી તો ગાયુંના દૂધ પર ઉછરી છે. રેતની રજભરી ધરતીની આ કન્યાનો ત્રાંબાવરણો શ્યામલ વાન છે. ઊંચી પડછંદ, બે આંખ્યું તો જાણે જલ સરોવરની ચંચલ માછલી! બિમ્બફળ જેવાં રાતા હોઠ ફડશને માથે અમી તે કાંઈ અમી! બોલ બોલતાં તો જાણે ફૂલડાં ઝરે છે. પેની ઢળકતો નીલરંગો પહેરવેશ અને ઘોડલિયા લાંકવાળા પગેથી જાણે કંકુકેસર ઝરી રહ્યાં છે, એવી તો પાનીની રતાશ છે! આવી કચ્છી ક્ન્યાની સવળોટી નમણાશ માથે રાજકવિ તો વારી ગયા કે વાહ પદમણી!

રાજકવિએ તો સારું મુહૂર્ત જોઈને અમરસિંહનું લીલું નાળિયેર પદમણીના પિતાને આપ્યું છે. અમરસંહિનું નાળિયેર તો સૌએ હોંશે હુલાસે ઝીલી લીધું છે. પચ્છમગઢમાં લાપશીમાં લીટા પડ્યા અને આનંદ મંગળથી વેવિશાળ જાહેર થયું.

રાજકવિ તો પદમણી સાથે અમરસિંહનું વેવિશાળ કરીને કનોજ આવી પહોંચ્યા છે. પદમણી કન્યાનાં રૂપ, ગુણની વાતુંના ઝકોળાથી ડાયરો આખોય ડોલી ઊઠ્યો છે. અમરસિંહના ગાલે તો શરમના મીઠા શેરડા પડ્યા અને તે રાણીને લાવવા ઉતાવળ કરી રહ્યો.

બેસતા માગશરના જ લગન લેવાણાં. ગામમાંથી જાનમાં કોને સોંઢાડવા તેની મસલતું અને ગણતરી થવા માંડી છે. લગનના ઉછરંગે સહુ રાતામાતા થઈ ગયા છે. દાટ્યા ઉખેળ્યા છે, અને જાને જવા સૌ તૈયાર ટપ્પે થઈ ગયા છે. તે વખતે ડાહ્યા દીવાને કુંવરને ચેતાવીને કહ્યું છે કે ‘કુંવર ગામમાંથી સૌને જાને સોંઢાડજો, પણ ગામના ચોરા પાછળ રહેતી ગાંગલી ઘાંચણ અને પાદર વીંઘા એકમાં પથારો કરીને પડ્યા રહેતા વાંઝા વીરને જાનમાં સોંઢાળશો નહીં, ઈ બેય મંતરતંતરનાં જાણતલ છે, સારા કામમાં સો સો વઘન નાખે એવાં ચડીલખણાં છે.’

કુંવર તો કહે, ‘ભલે દીવાનજી.’ પછી તો કુંવરજીની જાન સાથે શામળિયા અને સુંદર જાનૈયા સોંઢાડ્યા છે, કેશરભીના વાનની જાનડિયું શણગારી છે, સાથમાં રૂપાળા રેવત, હલમલતા હાથીડાં, ટરડમરડ સાંઢિયા અને મીણિયા માફાવાળા વેલડાંનો તો કોઈ પાર નથી. સૌને સંભાર્યા. પણ વીસાર્યા બે જણાં — એક મંતરતંતરની જાણનારી ગાંગલી ઘાંચણ અને કાળાં કામ કરનારો વાંઝો વીર.

જાન તો વાજતે ગાજતે અને ફૂલડાંની ફોર્યું ઉડાડતી ઉઘલી છે. તેની જાણ વાંઝા વીરને થઈ છે કે ‘સૌને સંભાર્યા સોંઢાડ્યા અને મને જ વીસાર્યો? — પણ હું વાંઝીઓ વીર ઈને મારી વીર વિદ્યાનો પરચો ન આપું તો વાંઝીઓ નૈ ને?’ તે પણ જાનની વાંહોવાંહ ઊપડ્યો છે. રસ્તામાં જાન જ્યાં જ્યાં પડાવ નાખે છે, તેની વાંહે ગાઉ અરધા ગાઉમાં પડાવ કરતો કરતો જાનની વાંહેવાંહ તે પચ્છમમાં આવી પહોંચ્યો છે.

જાન જાનીવાસમાં ઊતરી તો વાંઝા વીરે પાદરને કાંઠે તંબૂ તાણી દીધો છે. તેનો તંબૂ જોતાં જ દીવાનજીના હૈયામાં ફાળ પડી છે, પણ વાણિયાના દીકરે બાજી સંભાળી લીધી છે, પાદર આવીને વાંઝા વીરને કહે: ‘મારા રાજના માણસ તો તમારી જેવા જ હોવા જોઈએ. તમને સોંઢાડવાનું સાવ વિસરી ગયા, પણ તેનો ધોખો ધર્યા વગર દેશના રાજાનું સારું દેખાડવા તમો જાનમાં આવ્યા તે બહુ રૂડું કર્યું, આથી કુંવરને અને અમને સહુને ભલો આનંદ થયો છે.’

બીજે દી’ સાંજે ગોધૂલિ સમયે અમરસિંહ અને પદમણીનો હસ્તમેળાપ થયો. સાજનમાજન અને અગ્નિની સાક્ષીએ બેઉ ચાર ફેરા ફર્યાં ત્યારે ત્યાં જાનીપડમાં બેઠેલા વાંઝીઆ વીરે પદમણી રાણીને જોઈ. શાં શાં રૂપ વખણાય? પીત્ત પાનેતરમાં નીલવર્ણરૂપ, નમેલી નજરથી હંસગતિએ પગલાં માંડતી રાણીના માથે તે મોહી પડ્યો. તેના મનમાં પદમણી રાણી વસી ગઈ.

ઉતારે આવીને વાંઝા વીરે તો પોતાની વીર વિદ્યાથી એક વેતાળને બોલાવ્યો અને કીધું છે કે: ‘પદમણી શયનગૃહમાં આવે ત્યારે તેને બેભાન કરી દેજે.’ વેતાળ કહે: ‘જેવી સ્વામીની આજ્ઞા!’

રાત પડી. દીવડા અજવાળ્યા અને દીવડા વહાતાં તો રાણી પદમણીએ સાત સાત સૈયરુંના સાથમાં વરઓરડે પગલાં દીધાં. રંગત ઢોલિયા સાથે મશરૂની તળાઈ, ગલવટ ગાલ મશુરિયા અને ભેરવના ઓછાડથી શયનખંડ ઝળેળી રહ્યો છે. ઝડહતાં દીવડાં બળી રહ્યાં છે અને ઢોલિયે બેઠો બેઠો અમરસિંહ પદમણી રાણીની વાટું જોઈ રહ્યો છે. એવા ટાણે પદમણી રાણી શયનાગારે આવી. પછી તો ખંડના કમાડ ભીડાયાં, બંનેના અંતરનાં કમાડ ઊઘડ્યાં અને અમરસિંહ જ્યાં પદમણી સાથે પ્રથમ મિલનની વાત માંડવા ગયો ત્યાં પદમણી થરથરી ગઈ અને તેનું ભાન ગયું, તે મૂછિર્ત થઈ ગઈ, પંડ જાણે લાકડું!

અમરસિંહે ભડાક કરતું બારણું ઉઘાડ્યું ત્યાં દરવાજા બહાર દીવાનજી હાજર જ હતા. કુંવરે દીવાનજીને વાત કરી અને દીવાને તાબડતોબ વાંઝા વીરને બોલાવી મંગાવ્યો. તે આવ્યો, આવીને પદમણીના ઓરડે ગયો. પદમણીનાં અનોધા રૂપને ફરી પાછા પાસેથી નીરખીને તે પાગલ થઈ ગયો. પણ અત્યારે તો હલઘડીએ તેણે પાણી હાથમાં લીધું. મંત્ર ભણીને પદમણી માથે એક અંજલિ છાંટી, ત્યાં પદમણીએ આંખો ઉઘાડી, સહુને અંતરખંડમાં જોઈને તે શરમાઈ ગઈ. ઊભી થઈ લાજનો ઘૂમટો તાણીને એક બાજુ ઉપર ઊભી રહી ગઈ.

સૌ બહાર ગયા. બીજે નહીં અને ત્રીજે પહોરે ફરી પાછી વાંઝા વીરના વેતાળે પદમણીને મૂછિર્ત કરી મેલી. અમરસિંહ, પ્રધાનજી, દાસદાસીઓ સૌ ખડે પગે પદમણીની સેવામાં હતા, પણ અહીં કોઈની કારી ફાવતી નહોતી.

ભાંગતી રાતે વાંઝીઆ વીરે પોતાના બે વેતાળોને બોલાવ્યા અને આજ્ઞા કરી કે: ‘હલઘડીએ મને અને મારા આ તંબૂને એવી જગ્યાએ ફેરવી નાખો કે કોઈને શોધ્યો જડે નહીં.’ આજ્ઞા સાંભળતાં તો વેતાળે બે ઘડીમાં તંબૂ અને વાંઝાને રણ કાંઠાની કંધારે આવળબાવળની કાંટમાં ખડા કરી દીધા. પછી ફરી વાંઝા વીરે આજ્ઞા કરી કે: ‘રાણી પદમણીને અહીં મારા તંબૂમાં હાજર કરો પછી તમો છૂટા.’

વીર વેતાળોએ તો પદમણીના શયનખંડમાં અંધાધૂંધ અંધકાર કરી મેલ્યો છે અને ઢોલિયેથી પદમણીને ઉપાડીને ઊડી ગયા!

અમરસિંહ, પદમણીના પિતા, દીવાનજી અને મહેલના સૌ દાસદાસીઓએ બહુ દોડધામ કરી… પણ ક્યાંયથી પદમણીનો પત્તો ન મળ્યો. દીવાનજીએ સહુને કહ્યું: ‘જરાક સાંસતા થાવ, પદમણીને પાછી મેળવવી તે બળનું નહિ, પણ કળનું કામ છે. સૌ પદમણીનો પત્તો મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે.

વીર વેતાળો તો પદમણીને વાંઝીઆ વીરના તંબૂમાં મૂકીને અદૃશ્ય થઈ ગયા છે. વાંઝા વીરે તો મંત્રેલ જળના છંટકાવ કરીને પદમણીને સભાન બનાવી દીધી. લગ્નનો મીંઢળ બાંધેલી આશાભરી પદમણી પોતાના શયનાગારને બદલે અન્યના તંબૂને તેમ જ કોઈ કરડા ચહેરાવાળા આદમીને જોઈને તે છળી ઊઠી. તેને સ્વસ્થ કરવા વાંઝા વીરે પાણી ધર્યું તો એક ઝપાટે પદમણીએ તે ઢોળી નાખ્યું અને એકટશે તે વીર સામે જોઈ રહી. વાંઝા વીરે કહ્યું: ‘દેવી, તમારા રૂપથી હું મોહી ગયો છું. હવેથી તમે મારી સ્ત્રી અને હું તમારો પુરુષ.’

પદમણી કહે: ‘મારો પુરુષ અમરસિહ રાઠોડ, અન્યને હું ન વરું. હું પચ્છમ દેશની પદમણી, જીભ કરડીને મરું, પણ અન્ય પુરુષને તો હું ન જ વરું.’

વાંઝો વીર કહે: ‘એમ? એટલી હિંમત! મારી શક્તિ જાણે છે ને! તને સહુની વચ્ચેથી અહીં ખેંચી લાવ્યો છું. એ સૌને ભોં ભેગા કરી દઈશ, તને પણ જીવતી ભોંમાં ભંડારી દઈશ.’

તો કે: ‘નરપિશાચ, તારાથી થાય તે કર, હું રજપૂતાણી, મરું પણ હઠ ન છોડું.’

‘તો જોઈ લે આ વીરના ઝપાટા.’ એમ કહીને વાંઝીઆ વીરે મંત્રેલ પાણી છાંટતાં જ પદમણી ગોઠણ સુધી ભોંમાં ઊતરી ગઈ. સખતમાં સખત ધરતીમાં પદમણીના કોમળ પગ ચીરાવા લાગ્યા, તે દુ:ખથી રીબાવા લાગી, પણ એક ઊંહકારોય કરતી નથી. આમ ને આમ જુલમ સહન કરતાં એક અઠવાડિયું વીત્યું, પણ પદમણી એકની બે ન થઈ.

આ બાજુ પદમણીના પિતા અમરસિંહ, દીવાનજી સૌ ચડ્યા ઘોડે અને સાંઢિયે પદમણીની ગોત કરે છે. પણ તેના વાવડ કે સગડ ક્યાંય કરતાં ક્યાંયથી મળતાં નથી.

આ વાતને પંદર પંદર દી’ થઈ ગયા છે. અમરસિંહે પોતાની જાનને કનોજ વળાવી દીધી છે. પોતે અને દીવાનજી બે જ જણા અહીં પચ્છમમાં રોકાઈ ગયા છે અને નિરંતર પદમણીની શોધ કરે છે. તે પદમણી વગર અણોહરો અણમનો થઈને ઝૂરે છે.

એક સાંજે પચ્છમનો ગોકળી પાંચિયો ગાયોનું ધણ લઈને રણની કંધારે કંધારે વહ્યો આવે છે, હાથમાં ગંજેરી ચલમ રહી ગઈ છે. ખંભે ધંડીગા જેવું ગોબુ રહી ગયું છે અને હેયને મસ્તીભર જંગલની કેડીએ ચાલતાં ચાલતાં અચાનક જ તે વાંઝા વીરના તંબૂ પાસેથી નીકળ્યો. હાથમાં જગતી ગંજેરી ચલમ ઠઠી રહી છે એવા ગોકળીને જોતાં વાંઝા વીરને તમાકુ પીવાની તાત્કાલિક તલપ લાગી; પાસે આવ્યો, તેેને બેસાડ્યો અને તાત્કાલિક ચલમ પીવા માગી. પછી તો બંને વાતવે ચડ્યા અને અને બીજી વાર ચલમ ભરીને ફડાકા ઉપર ફડાકા મારવા લાગ્યા. ત્યાં રણકોરથી એક પવનનો ઝપાટો આવ્યો અને તંબૂની માલીપાના બારણા ઉપરનો પડદો ખસી ગયો. પાંચિયાનું ધ્યાન તરત ત્યાં ગયું તો એક જોબનવંતી સ્ત્રીને ગોઠણ લગણ જમીનમાં ભંડારેલી તેણે અલપઝલપ જોઈ લીધી. ચલમ પી, વાંઝા વીર સાથે ગામગપાટા લગાવી રામ રામ કરીને તે ઊઠ્યો. તેની જાણમાં હતું જ કે રાજાની કુંવરીને કોઈ લઈ ગયું છે, તેથી આજે તો તે સીધો જ રાજાની દેવડીએ આવ્યો, વાત કરી કે ‘માનો ન માનો પણ સીમાડાની કંધારે તંબૂમાં કોઈ રૂપાળી સ્ત્રીને અરધી જમીનમાં દાટીને કોઈકે કેદી તરીકે રાખી છે.’

અમરસિંહ, દીવાન, રાજા સૌએ મનોમન વિચારી લીધું કે ‘નક્કી આ પદમણી જ. વાંઝીઆ વીરે તેને કેદી કરી રાખી હશે. ચતુર દીવાનજીએ થોડી જ વારમાં એક યુક્તિ શોધી કાઢી કે ભાઈ પાંચા, આ લે આ રૂપાનો કંદોરો તું પહેરજે; પણ આવતી કાલે ફરી પાછો તું એ જ જગ્યાએ જાજે. તે માણસની સાથે ભાઈબંધી કરી અમે તને ઉત્તમ પ્રકારની તમાકુ આપીએ છીએ તે, તું તેને પાજે. એ તમાકુ તું પીતો નહીં, તેને ઘેન ચડે એટલે તારા ગોબાથી એનું ભોડું રેડવી દેજે, સમજ્યો ને?’

પાંચો કહે, ‘ઈમાં કે’વું નો પડે, કાલે કરું ફત્તેહ, મને શું આલશો? પાંચ ગાઉં દેશો ને?’

અમરસિંહ, દીવાનજી, રાજા સૌ કહે: ‘પાંચ નહીં સાત દેશું.’

બીજે દી’ સાંજે પાંચો ગોવાળી તો વાંઝા વીરના તંબૂએ હાજર થઈ ગયો છે. આજે તો બેય હાથે મસળી કારવીને ગંધીલી અને મધરોખી ગડાકુ તેણે ચલમમાં ભરી છે. ચલમ ચેતાવીને આગ્રહ કરી કરીને વાંઝીઆ વીરને પાઈ છે. પોતે એ ખોટેખોટું ઠઠાડી છે. મીઠી અને સોડમદાર તમાકુની ચલમ પીતાં વાંઝીઓ તો ખુશ ખુશ થઈ ગયો છે. તેને ખબર નહોતી કે તમાકુમાં ઘેનની દવા છે. પીતાં પીતાં જ તેને ઘેન ચડવા લાગ્યું. ઘેનથી તે બરોબર ઘેરાઈ ગયો. તે ઊભો થવા ગયો ત્યાં લથડિયાં આવવા માંડ્યાં, તે બબડવા અને બકવા માંડ્યો, એ જ ઘડીએ પાંચિયાએ સોઈ ઝાટકીને બરોબર માથા ઉપર એક ગોબો ફટકાર્યો અને ગોબો વાગતાં તો વાંઝીઆ વીરનું તુંબલું નાળિયેર જેમ વધેરાય તેમ કડાક દઈને ફૂટી ગયું! વાંઝીઆ વીરે બે ચાર ઘડી ડાચકાં ખાધાં અને મરણને શરણ થઈ ગયો.

વાંઝીઆ વીરને પૂરો કરીને પાંચિયો ગોકળી તંબૂમાં ગયો, તેણે પોતાની રાજકુંવરી પદમણીને ગોઠણ સુધી ધૂળમાં ખૂંપી ગયેલી જોઈ. તેણે તેને બહાર કાઢવા ધૂળ ઉખેડવા માંડી, ત્યાં પદમણી વધારે ને વધારે ધૂળમાં ઊંડી ઊતરવા માંડી. પદમણીએ કહ્યું, ‘ભાઈ, બાપા, તું ધૂળ વીખોળવી રહેવા દે, વાંઝીઆ વીરે મને વીરવિદ્યાથી દાટી છે, તેથી હું વધારે ઊંડી ઊતરતી જઈશ, માટે હવે તું તાત્કાલિક નગરમાં જા અને મારા પતિ અમરસિંહ અને મારા પિતાજીને આ ખબર આપ.’

પાંચિયો ગોકળી તો ઝપટ મારતો વાજોવાજ રાજમહેલે પહોંચી ગયો. સૌ તેની જ વાટ જોતા હતા. તેણે સૌને બધી વાત વિગતથી કહી અને તે જ ઘડીએ અમરસિંહ, રાજા, પ્રધાન, દીવાનજી અને ચુનંદા, સૈનિકો એમ સહુ પાંચિયાને આગળ કરીને જ્યાં પદમણી હતી, ત્યાં પહોંચી ગયા.

સૌને જોઈને પદમણી બહુ બહુ હરખાઈ, પછી ધ્રૂસકા મૂકી મૂકીને રોઈ પડી, તે પછી સહુને વાત કરી કે ‘કોઈ આ ધૂળ ઉખેળવા કે મને ખેંચીને બહાર કાઢવા પ્રયત્ન ન કરશો, કારણ કે હું વીરવિદ્યાથી બંધાયેલી છું. જેમ જેમ પ્રયત્ન કરશો તેમ તેમ હું ઊંડી ઊંડી ખૂંપતી જ જઈશ, માટે વીરવિદ્યાની સામે કોઈ માંત્રિકતાંત્રિક પ્રયોગ અજમાવો.’

અમરસિંહ રાઠોડનો દીવાન વીરવિદ્યાની બાબત વિશે ઘણું ઘણું જાણતો હતો. તેણે વિચાર્યું કે વાંઝીઆ વીરની વિદ્યાનું મારણ ઉથાપન કરે તેવા વીરવિદ્યાના કોઈ જાણકારને જ ગોતવો જોઈએ. તેને તરત જ કનોજમાં રહેલી ગાંગલી ઘાંચણ યાદ આવી. વાજોવાજ પવનવેગી સાંઢણીએ બે સૈનિકોને સોનામહોરની એક કોથળી આપીને ગાંગલી માશીને તેડવા મોકલ્યા અને દડમજલ કાપતાં બેય સૈનિકો તો સવાર પડતાં ગાંગલીને ઘરે પહોંચી ગયા. પગથાર ચડતાં જ ગાંગલીને દાતણ કરતાં ભાળી. રૂંઢમૂંઢ કાળી કીટોડા જેવી કાયા, ધડને માથે મોટી કુલડી મૂકી દીધી હોય તેવું જબરું માથું. માથા માથે અરધા કાળાધોળાં એવાં ભમરાં લટુરિયાં જંટિયા, કલમ ત્રાંસી ફડ્ડી આંખો અને અખડાબખડા ગમાણિયા દાંત, ફૂલેલા ગાલ અને ચીબલું નાક, બેઠી બેઠી દાંતે બજર ઘસી રહી હતી. ખડકીમાં રાજસૈનિકોને જોતાં પડખે પડેલો કાળો સાડલો બેવડો કરીને માથે નાખ્યો અને બોલતાં કાળો જીભડો બહાર કાઢીને પૂછ્યું: ‘કોણ સો ભા? શા કાજે આવ્યા સો?’

ત્યારે સૈનિકો કહે: ‘માશી, અમે અમરસિંહ રાઠોડના માણસો છીએ. તેઓએ આપને આ ભેટ મોકલી છે.’ તે પછી બધી વાતવિગતથી ગાંગલી માશીને વાત કરી. ગાંગલી કહે: ‘ભલે તમે વાજોવાજ પોગી જાઓ, હું આવી પોગું છું.’

ગાંગલી તો ઊડણ ખાટલી માથે સવાર થઈ છે અને બોલી કે: ‘ઊડજે ઊડણ ખાટલી, જાજે પચ્છમ દેશ.’ અને ખાટલી તો ઘ…ર…ર…ર…ર…ઘટ્ટ કરતી ઊડી અને ઘડી બે ઘડી ન થઈ ત્યાં પચ્છમ બેટને માથે ઊતરી છે. તે પછી સૌ તેને પદમણીના તંબૂ પાસે લઈ આવ્યા છે.

ગાંગલીને જોતાં તો સૌ રાજી થયા કે: ‘એ આવો આવો ગાંગલી માશી, આજ તો તમારાં કામ પડ્યાં છે.’ ગાંગલી કહે: ‘ભલે, પડ્યાં કામ જરૂર કરી દેશું.’ પછી તો સૌ તેને પદમણી ભોંમાં ખૂંપેલી હતી ત્યાં લાવ્યા અને એને વિનંતી કરીને કહે: ‘માશી, કામમાં કામ તો આ રાણી પદમણીને બહાર કાઢવાનું છે.’

ગાંગલી કહે: ‘કુંવરજી, દીવાનજી, હું ગાંગલી ઘાંચણ, બે ચીરિયાં કરી નાખું, પણ આ તો વાંઝીઆ વીરની વિદ્યા, હું ત્યાં લગણ ન પહોંચી શકું, મારી વિદ્યા વાંઝીઆ વીર કરતાં તો ઓછી તો ઓછી તે ઓછી જ. એટલે તેનું કાપેલું મારાથી ન ઉથાપી શકાય.’

પણ સહુ કહે: ‘માશી, આ પદમણીનું શું? કાંઈક મારગ તો કાઢો.’

તારે કહે: ‘મારા અને વાંઝીઆ વીરના ગુરુ મહારાજ બાવો બાળોનાથ, એને બોલાવો, વાંઝીઆ વીરનું બાંધ્યું એ ઘડી-અધઘડીમાં છોડાવશે.’ અમરસંહિ અને દીવાનજી કહે: ‘એનાં રહેઠાણ ક્યાં? એની ઓળખ-પારખ શી? અમે તેને જાણીએ-પીછાણીએ શી એંધાણીએ?’

તો કે ‘સાત સાત સાગરને પાર એક નાનું અમથું બેટડું છે. એ બેટડામાં બાવો બાળોનાથ બેઠો બેઠો તપસ્યાઉં તપે છે. એ જોગંદરના જોગ ઊણા-અધૂરા નથી, સો પચાસ વરસની એની તપસ્યાઉં, એની આંખ્યુંમાંથી અમી ઝરે, એના આશીર્વાદે તો મૂઆએ બેઠા થાય છે.’ ત્યારે સહુ કહે : ‘ગાંગલી માશી, આપના ગુરુ મહારાજને આપ જ તેડી આવો. આ લ્યો. વાટખરચી.’ એમ કહીને પદમણીના પિતાએ પોતાની નવલખો હાર કાઢીને ગાંગલીને આપ્યો. હાર જોતાં તો ગાંગલી રાજીના રેડ થઈ ગઈ અને એક ખૂણે જઈને તેણે ઊડણ ખાટલીના પલાણ માંડ્યા છે, મંતર ભણી કે: ‘ઊડજે ઊડણ ખાટલી, જાજે ગુરુજીના બેટ.’ આટલું કહેતાં તો ઊડણ ખાટલી ઊડીને બપોર થતાંમાં બેટડે પહોંચી ગઈ. એક પરણેતર નારીને માથે વાંઝીઆ વીરે કેવી કેવી વીતાડી છે, તેને છોડાવવા ગુરુને તેણે વિનવ્યા. અને એક સ્ત્રીને કાળા જાદુમાંથી છોડવા ગુરુ તૈયાર થઈ ગયા.

સાંજના નમતા પહોરે સૌએ દખણાદિ દિશાએથી બે માનવીને આવતાં જોયા. એક ગાંગલી ઘાંચણ અને બીજો બાવો બાળોનાથ. ગાંગલી ઊડણ ખાટલીએ બેઠી છે અને બાળોનાથ ગુરુ પવનપાવડીને માથે બીરાજ્યા છે. થોડીક વારમાં બેઈ ઘરરરઘટ્ટ કરતાં પદમણીના તંબૂએ ઊતરી પડ્યા છે.

બાવો બાળોનાથ જુગજુગનો તપસી છે. તેની સો-પચાસ વરસની તપસ્યાના તેજ પંડ્યને માથે લસલસી રહ્યાં છે. પાંચ હાથ પૂરી પડછંદ સોટા જેવી કાયા, તડકે તપીતપીને ભીના વાનની થઈ ગઈ છે, શરીરને માથે રૂપાના તાર જેવી રૂવાંટી ફરફરી રહી છે. વાંભ એકની ધોળી દાઢી દૂંટી સુધી પહોંચી ગઈ છે. બેય ભમર ભેળાઈને કપાળ વચ્ચે ભેગી થઈ ગઈ છે. આંખમાંથી તો અમી ઝરે છે. બોલે બોલે તો જાણે અમરત વરસે! પલાણપાવડી પરથી હેઠા ઊતર્યા ત્યાં તો રાજા અને રંક સૌ તેના પાયે પડી ગયા છે. સૌ તેને પદમણી હતી તે તંબૂમાં લઈ ગયા. પદમણીની હાલત જોઈને તે બહુ દુ:ખી થઈ ગયા. પછી તો આંખો મીંચી, મંતર ભણીને પદમણીને શરીરે હાથ ફેરવ્યો કે માખણમાંથી મોવાળો નીકળી પડે તેમ ધૂળમાંથી પદમણી બહાર આવી ગઈ. બહાર આવતાં તે બાવા બાળોનાથના ચરણોમાં પડી ગઈ.

બાવા બાળોનાથે તો બેય હાથે આશીર્વાદ દીધા છે: ‘દીકરી અખંડ સૌભાગ્યવતી, ભર્યા ભોગવ અને દેશની મહારાણી થજે.’ આટલું કહીને પોતાની ભેરવઝોળીમાંથી અમીની કૂંપલી કાઢી અને પદમણીને હાથોહાથ આપીને કહે છે: ‘લે બેટા, આ તારા સૌભાગ્યનો રાખણહારો, મર્યાને બેઠા કરી દેશે. ઉપયોગ માત્ર એક જ વાર કરજે. જા, મારા તને આશીર્વાદ છે.’ આમ કહીને આવ્યા તે પવનપાવડી માથે ચડીને પોતાને રહેઠાણે ઊડી ગયા.

એ પછી અમરસિંહ, રાણી પદમણી, દીવાનજી, સહુ વાજતેગાજતે કનોજમાં આવી પહોંચ્યાં છે. કનોજની પચરંગી પ્રજાએ પોતાનાં રાજારાણીને હરખે હુલાસે વધાવી લીધા છે.

અમરસિંહ રાઠોડને કનોજમાં આવ્યાને છ મહિના થયા છે ત્યાં તો દલ્લીના બાદશાહ ખાનખાનાનનું તેડું આવ્યું છે કે: અમરસિંહ, તમે તો આપણી મરદાઈનું નાક છો, તમો દલ્લીના રાજદરબારમાં જ શોભો! માટે, અમારા આ તેડાને માન આપીને તુરતાતુરત દલ્લી આવી જજો. જો તમો સૂતા હો તો બેઠા થઈને; બેઠા હો તો ઊભા થઈને અને ઊભા હો તો કોઈની વાટ જોયા વગર જ હાલી નીકળજો.’ બાદશાહનો આ કાગળિયો વાંચી વંચાવીને અમરસિંહ રાઠોડ તો પદમણી રાણીને લઈને દલ્લી શહેરમાં આવી ગયા છે. દલ્લીના બાદશાહે તો અમરસિંહને રૂડાં માનપાન આપ્યાં છે અને પોતાના મહેલની લગોલગ સામેનો જ મહેલ રહેવા માટે કાઢી આપ્યો છે.

બાદશાહ ખાનખાનાનની દીકરી પીરોજાની ભરજુવાની વહી જાય છે. એક તો દલ્લીના બાદશાહની શેજાદી અને નાગરવેલની જેમ ઉછરેલી તેથી કાયા સાથે જુવાની લળુંબી રહી છે. રંગે રંગગુલાબી, કેડે પાતળી, શ્યામ વાળનો ભારો તો જાતો પાનીએ આંબે છે. પીત્તરંગી માંજરી આંખોની માથે કામદેવના ધનુષ જેમ ભ્રમરથી તે એવી તો રૂપાળી લાગે છે, જોનાર તેને જોતાં જ તેના ઉપર મોહી પડે.

અમરસિંહને જોયો હતો ત્યારથી પીરોજાને અમરસિંહની કૂંતવાળી કાયાની મોહિની લાગી હતી. એમાં અમરસિંહ દલ્લી શહેરમાં અને તેય પોતાના મહેલની સામેના મહેલમાં રહેવા આવ્યો ત્યારથી તેને વરવાની ઝંખના લાગી હતી. પીરોજા અમરસિંહની બળવાન કાયા અને હિંમત ઉપર વારી ગઈ હતી, એટલે દલ્લીમાં તે આવ્યો ત્યારથી જ તે તેના નામની માળા જપી રહી છે.

પીરોજાએ પોતાની બાનડીને મુઠ્ઠી ભરીને સોનૈયા આપીને કહ્યું: ‘આપણા મહેલથી અમરસિંહના મહેલ સુધી એક ભોંયરું ખોદાવવું છે. આ વાતની ખબર બાદશાહ અને બેગમ માને પડવી ન જોઈએ.’

બાનડી કહે: ‘આ બાંદી આપને માટે બધુંય કરવા તૈયાર છે.’ અને પછી તો બાનડીએ ભોંયરું ખોદનારા કારીગરોને બોલાવ્યા છે. સૌ ભેગા મળીને રાતવરત ભોંયરું ખોદે છે. માણસ ઊભો ઊભો વહ્યો જાય તેવું ભોંયરું કારીગરોએ તો છ મહિનામાં પૂરું કરી દીધું છે. ભોંયરાનું એક બારણું પીરોજાના મહેલમાં અને બીજું અમરસિંહના મહેલમાં એમ ભોંયરું તૈયાર થઈ ગયું છે.

ભોંયરું પૂરું થયું. શરદપૂનમની રાત આવી. આજ પીરોજા અમરસિંહને મળવા તૈયારી કરી રહી છે. એણે તો વાળે વાળે મોતી ઠાંસ્યાં છે; આંખે કાજળ સાર્યું છે; હાથેપગે મેંદી મૂકી છે; હીરાનો હાર પહેર્યો અને પોતાની માતાનો નવલખો અંબર ઓઢીને હીંચકે કડાક કડાક કરતી ઝૂલી રહી છે. વડી બાનડીને હાલ તુરતમાં જ અમરસિંહ રાઠોડને તેડવા માટે મોકલી છે.

અમરસિંહ તો તૈયાર થયો. બાનડી કહે: ‘ઠાકોર, તમારે આ ભોંયરા વાટે જ શેજાદીના મહેલે પધારવું એવો તેમનો હુકમ છે.’

અમરસિંહ કહે: ‘ભલે.’ તે તો ઝડપથી ડગલાં માંડતો માંડતો શાહજાદીના મહેલે આવ્યો તો શાહજાદી તો ઉપરના માળે ચાંદનીમાં ઝૂલે ઝૂલી રહી હતી. અમરસિંહ તો ઝબાક ઝબાક કરતો અગાશીમાં આવ્યો. પીરોજાએ તેને હીંચકા ઉપર બેસવાનું સૂચવ્યું અને પોતે પંડે જ અમરસિંહ માટે મીઠાં મધુરાં ફળો કાપવા ચાલી. એક હાથમાં પોપૈયું મૂકીને, બીજા હાથે તેને છરી વડે તે કાપવા ગઈ, કોઈ દિવસ ફળને આમ કાપવાની આદત ન હોવાથી પોપૈયાની સાથોસાથ હાથને પણ તેણે ચીરી નાખ્યો. અમરસિંહને જોયો ત્યારથી તે બહાવરી તો બની જ હતી પણ ફળ કાપતાં છરી વાગી અને તે વિહ્વળ થઈ ગઈ અને દોડતી અમરસિંહ પાસે આવીને તેને બાથ ભરવા તે ઢળી અને ઢળતાં તો તેણે માન્યું હતું તેમ અમરસિંહે તેને બાથમાં ન લીધી…પણ તે ખસી ગયો એટલે પીરોજા હીંચકાના સળિયા ઉપર પડી અને તેમાં ભરાઈને પોતાની માતાનો નવલખો અંબર ફાટી ગયો. અમરસિંહ તો પીરોજાનું આ સ્ત્રી ચરિત્ર જોતાં જ આવ્યો હતો તેવો જ કડાક કડાક કરતો વહી ગયો.

પીરોજાની હથેળી ચીરાઈ ગઈ. નવલખો અંબર ફાટ્યો તેથી નક્કી બેગમમા ખીજાશે તેવું ધારીને તેણે નારીચરિત્ર ભજવવાનું શરૂ કરી દીધું. દોડતી દોડતી તે બેગમના મહેલે આવી ને ડૂસકાં ભરતાં ભરતાં કહ્યું કે: ‘અમરસિંહ રાઠોડે મારા આવાસ સુધી ભોંયરું ગળાવ્યું છે. એ ભોંયરા દ્વારા તે હમણાં જ આવ્યો હતો અને મારી લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો, તેમાં ઝપાઝપી થઈ એટલે મને હાથે છરો વાગ્યો અને મારો નવલખો અંબર પણ ફાટી ગયો.’

દીકરીની વાત સાંભળીને બેગમ ધૂંઆફૂંઆ થઈ ગઈ. તેણે તો બાદશાહ ખાનખાનાનને વાત કરી, અને દીકરીની ઇજ્જત માથે હાથ નાખનારને તો જીવતો ન જવા દેવો જોઈએ એવું માનનાર બાદશાહે વડા શાહજાદાને વાત સુણાવી છે. શાહજાદાએ તો વહેલી સવારમાં જ અમરસિંહના ઘરની સામે તોપો ગોઠવવા માંડી છે.

પદમણી રાણી તો વહેલી ઊઠી અને જ્યાં ઝરૂખે આવીને જુએ ત્યાં તો રોગું કકલાણ સંભળાયું, વડો શાહજાદો તેના મહેલની સામે જ તોપગોળો ગોઠવાવે છે. આ બધો તાલ જોઈને પદમણી ઝરૂખાને એક છેડે ઊભી રહી. સંતાઈને તે જુએ છે કે આ શી તૈયારીઓ થઈ રહી છે? ત્યાં તો શાહજાદો બરોબર ઝરૂખા હેઠે જ આવ્યો અને તેની નીચે પણ તોપ ગોઠવવા હુકમ કરી દીધો. પદમણીને કંઈક આછેરી ગંધ આવી અને તે મહેલમાં જઈને રેશમની દોરી લઈ આવી. અને ઝરૂખામાં સંતાઈને ઊભી રહી. ત્યાં ફરી વડો શાહજાદો હડીમ્બ મોટી તોપ લઈ આવ્યો અને ઝરૂખા નીચે તેને ગોઠવવાનો હુકમ દીધો એ જ વખતે ઝરૂખા નીચે ઊભેલા શાહજાદાના ગળામાં પદમણીએ રેશમ દોરીનો ગાળિયો નાખ્યો અને દોરી ખેંચતાં શાહજાદાનો નઢિયો દબાઈ ગયો, જીભ બહાર નીકળી ગઈ અને ઘરરર, ઘરરર ગળું ઘૂંટાણું અને થોડી વારમાં તે મૃત્યુ પામ્યો….

વડા શાહજાદાને રેશમિયા દોરીના ફાંસાથી પદમણીએ મારી નાખ્યો એ વાવડ સાંભળતાં બાદશાહના તો રૂવાંડે રૂવાંડે ક્રોધ વ્યાપી ગયો. પગ પછાડીને મોંઢામાંથી પાન થૂંકી નાખ્યું અને એ જ ઘડીએ ડંકોનિશાન વગડાવીને અમરસિંહ રાઠોડના ઘર સામે આખાય સેનને દોર્યું. સમગ્ર સેન આવતાં આખોય રાજમહેલ ઘેરાઈ ગયો.

અમરસિંહ પાસે તો માંડ માંડ વીસપચીસ સૈનિકો અને પાંચિયો ગોકળી છે. તે સૌને સંગાથે લઈને તે કેસરિયાં કરવા બાદશાહના સેન સામે ઊતર્યો છે. પદમણી રાણીએ સૌને કપાળે કેસરકંકુની પીળ તાણીને સૌને ચોખાથી વધાવીને વિદાય આપી ત્યારે પાંચિયાને પાસે બોલાવીને કહ્યું કે: ‘લડાઈના મેદાનમાં તું અમરસિંહ રાઠોડની લગોલગ રહેજે, અને તેની સંભાળ રાખજે, પણ કાંઈ રાજદૈવક થાય તો તેનું માથું લઈને મારી પાસે વહ્યો આવજે.’ પાંચિયો કહે: ‘ભલે બા.’

સૌ હથિયારાપડિયારા લઈને રણમેદાન માથે ઊતરી પડ્યા છે. સામેથી બાદશાહનું સેન પણ ‘મારો મારો’ કરતું ધસ્યું. ઘમસાણ મચ્યું. ‘જય ભવાની, જય ભવાની.’ ‘અલ્લાહ કો અકબર, અલ્લાહ હો અકબર’ના શોરથી મેદાન ગાજી ઊઠ્યું. અમરસિંહની બેધારી તરવાર ઊભા મોલમાં ડૂંડાં વાઢે એ રીતે બાદશાહના સૈનિકો માથે ફરી રહી છે, તો પાંચિયાનો ગોળો પણ ફડુહ, ફડુહ, એક વાગ્યો તે બીજો ન માગે એમ ફરી રહ્યો છે. પણ બાદશાહી સૈન્ય તો અપરંપાર છે, તેની સામે અમરસિંહનું શું ગજું? બપોર થતાંમાં તો અમરસિંહ ઘેરાઈ ગયો, બાદશાહી સૈન્યના એક સામટા હલ્લામાં તે કામ આવી ગયો. પડતાં પડતાં એ તેણે અનેકને વાઢી નાખ્યા પણ બાદશાહી સૈનિકોએ તેનું ધડ માથું જુદું કરી નાખ્યું, માથું ધડ માથેથી નીચે ગયું એવું જ પાંચિયે ઝીલી લીધું અને પાછલે બારણે થઈને મહેલમાં ચડી ગયો અને માથું રાણી પદમણીને આપી દીધું.

અમરસિંહ પડતાં સૈન્ય થંભી ગયું. પદમણીએ પાદશાહ પાસેથી અમરસિંહનું ધડ મંગાવ્યું. સાંજને સમે ધડ આવી ગયું. રાત પડી એટલે પદમણીએ સોળ શણગાર સજ્યા, ઓરડામાં ગાયનું છાણ લીંપ્યું. તેના ઉપર જુવારના દાણાનો સાથિયો કરી ધડમાથાને વ્યવસ્થિત ગોઠવી દીધાં. પછી પટારામાંથી અમરતની કૂંપી કાઢી અને બાવા બાળોનાથનું નામ લઈને અમરત કૂંપીમાંથી અમરતની અંજલિ અમરસિંહના ધડમાથા માથે છાંટી, અને અંજલિ છંટાતાં તો અમરસિંહ આળસ મરડીને હસતો હસતો બેઠો થઈ ગયો છે.

અમરસિંહ મરી ગયો છે, એવું જાણતો બાદશાહ ખાનખાનાન તો સવારના પહોરમાં પોતાના મહેલના ઝરૂખે બેસીને દાતણ કરે છે, દાતણ કરીને કોગળા કરવા તેણે ઝરૂખામાંથી જેવું માથું બહાર કાઢ્યું કે અમરસિંહે પોતાની કટારીને રમરમતી ફેંકી. ફેંકેલી કટારી ઘચ્ચ દઈને બાદશાહના ગળામાં ખૂંપી ગઈ. કટારી હીરની દોરીથી બાંધેલી હતી અને દોરી અમરસિંહના હાથમાં હતી એટલે તેણે દોરી ખેંચી અને ખેંચતાં તો બાદશાહના ગળે ચાસકો આવ્યો, રાડ ફાટી ગઈ જાણે હમણાં મર્યા કે મરશે. હૈયું હાલકલોળ અને આંખો ચકળવકળ થવા માંડી.

ઝરૂખેથી જ અમરસિંહે કહ્યું કે: ‘મારી સાથે સંધિ કરો તો જ કટારી પાછી ખેંચું નહીંતર જો આમ’- કહીને દોરી ખેંચી અને ખેંચતાં બાદશાહને ગળે ઝટકો આવ્યો, બાદશાહ મરું મરું થઈ ગયો કે: ‘ભાઈ, સંધિ સાત વાર, તારી કટારી ખેંચી લે.’ અમરસિંહે જાળવીને કટારી પાછી ખેંચી લીધી, બાદશાહે પણ તરત સંધિ કરી લીધી.

સંધિ થયા છતાં બાદશાહને અમરસિંહ પ્રત્યે ભારે ખેધ હતો. થોડાક દિવસ ગયા પછી તેણે એક યુક્તિ ઘડી કાઢી. સંધિના માનમાં શાહજાદી પીરોજાના મહેલમાં અમરસિંહ અને પદમણીને નોતર્યાં છે.

મિજબાની જે મહેલમાં ગોઠવી હતી તેની નીચેના એક ભાગમાં બાદશાહે દારૂગોળાની સુરંગ તૈયાર કરાવી દીધી હતી. પોતાના એક અંગત ખાસદારને આ આખી યુક્તિ સમજાવી દીધી હતી, અને ક્યારે કેવી રીતે પલીતો ચાંપવો તે સમજાવીને તૈયાર રાખ્યો હતો.

પીરોજાના મહેલમાં તો અમરસિંહ, પદમણી, બાદશાહ, બેગમ, પીરોજા વગેરે જમવા બેઠાં હતાં. જમવાનું શરૂ કર્યું ત્યાં બાદશાહની યુક્તિ મુજબ એક ચાકર દોડતો દોડતો અને શ્વાસભર્યો હાંફતો આવ્યો અને બાદશાહને કહે: ‘આપ સલામત, બેગમશાહીબા અને શાહજાદી સલામત, આપ સહુ અહીં જરાક પધારો તો બહુ એક અગત્યનું કામ છે. જરા ઉતાવળ કરો, તાબડતોબ આવો.’

આ સાંભળીને બાદશાહ, બેગમ, શાહજાદી સૌ દોડીને બહાર નીકળી ગયાં. ચતુર અમરસિંહ સચેત બની ગયો કે કંઈક દગા જેવું લાગે છે. એટલે તે એકદમ ઊભો થઈ ગયો, પદમણીનો હાથ પકડીને વાજોવાજ પીરોજાના મહેલમાંથી પોતાના મહેલે જતાં ભોંયરામાં થઈને પોતાના મહેલ તરફ ભાગ્યો. તે પોતાના મહેલના બારણે પહોંચ્યો કે કાન ફાડી નાખે એવો સુરંગ ફૂટવાનો અવાજ થયો. ગોટેગોટ ધુમાડા થયા એમાં પદમણી અને અમરસિંહ પોતાના મહેલમાં સંતાઈ ગયાં.

આ બાજુ મહેલમાંથી બહાર નીકળતાં બાદશાહ, બેગમ, શાહજાદી અને ચાકરના ફુરચેફુરચા ઊડી ગયા.

પછી તો દગાબાજ બાદશાહના શાહજાદાને હરાવીને અમરસિંહ દલ્લીની ગાદી માથે બેઠો, પદમણીને મહારાણી બનાવી અને ખાધું પીધું અને રાજ કર્યું.